ફાધર વાલેસનું નિધન : સ્પૅનમાં જન્મેલા 'સવાયા ગુજરાતી' સાહિત્યકારની વિદાય - BBC TOP NEWS

ઇમેજ સ્રોત, Getty Images
ગુજરાતી ભાષાના સાહિત્યકાર અને ગણિતના અધ્યાપક ફાધર વાલેસનું સ્પૅનમાં નિધન થયું છે.
સ્પૅનમાં 4 નવેમ્બર 1925ના રોજ જન્મેલા ફાધર વાલેસ પાંચ દાયકા ભારતમાં રહ્યા, ગુજરાતીને 'માતૃભાષા ગણાવી' સાહિત્ય રચ્યું હતું.વર્ષ 1960થી 1982 સુધી અમદાવાદમાં ગણિતશાસ્ત્રના પ્રોફેસર રહ્યા. તેમણે 'સદાચાર', 'તરુણાશ્રમ', 'ગાંધીજીની નવી પેઢી' જેવા નિબંધસંગ્રહો આપ્યા.
વર્ષ 1966માં તેમને કુમારચંદ્રક અને વર્ષ 1978માં રણજિતરામ સુવર્ણચંદ્રકથી પણ સન્માનિત કરાયા હતા.

અર્ણવ ગોસ્વામી 'સોશિયલ મીડિયા પર ઍક્ટિવ હોવાથી' તલોજા જેલમાં ખસેડાયા

ઇમેજ સ્રોત, Getty Images
રિપબ્લિક ટીવીના ઍડિટર-ઇન-ચીફ અર્ણવ ગોસ્વામીને રાયગઢ પોલીસે અલીબાગથી નવી મુંબઈની તલોજા જેલમાં ખસેડ્યા છે.
તેમને આની પહેલાં અલીબાગમાં એક ક્વોરૅન્ટીન સેન્ટરમાં રાખવામાં આવ્યા હતા, જેનો જેલ તરીકે ઉપયોગ કરાઈ રહ્યો છે.
ટાઇમ્સ ઑફ ઇન્ડિયાના એક અહેવાલ મુજબ અલીબાગમાં જ્યાં તેમને ન્યાયિક કસ્ટડીમાં રાખવામાં આવ્યા હતા, ત્યાં તેઓ મોબાઇલ ફોન પર સોશિયલ મીડિયા વાપરી રહ્યા હતા.
અર્ણવ ગોસ્વામીની મુંબઈ પોલીસે એક ઇન્ટીરિયર ડિઝાઇનર અન્વય નાયક અને તેમનાં માતા કુમુદની 'આત્મહત્યા'ના કેસમાં ધરપકડ કરી હતી, તેઓ આ કેસના ત્રણ આરોપીઓમાંથી એક છે.
રાયગઢની ક્રાઇમ બ્રાન્ચના ઇન્સ્પેક્ટર જમીલ શેખે કહ્યું, "શુક્રવારે સાંજે અમને જાણ થઈ કે અર્ણવ ગોસ્વામી કોઈના મોબાઇલ ફોનથી સોશિયલ મીડિયા વાપરી રહ્યા હતા."
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
રિપબ્લિક ટીવીએ પોલીસના આરોપને નકારતાં કહ્યું કે "અર્ણવ ગોસ્વામી પાસે સોશિયલ મીડિયા ઍકાઉન્ટ નથી."
પરંતુ પોલીસનું કહેવું છે કે જ્યારે અર્ણવ ગોસ્વામીની વર્લીથી ધરપકડ કરવામાં આવી ત્યારે તેમનો મોબાઇલ ફોન કબજે કરી લેવામાં આવ્યો હતો.
જમીલ શેખે કહ્યું, "મેં અલીબાગ જેલના સુપરિન્ટેન્ડેન્ટને પત્ર લખીને તપાસ રિપોર્ટ માગ્યો કે અર્ણવ ગોસ્વામી પાસે મોબાઇલ ફોન કેવી રીતે આવ્યો."
અર્ણવ ગોસ્વામીને જ્યારે રવિવારે સવારે તલોજા જેલ લઈ જવાયા ત્યારે તેમણે પોલીસ વેનમાંથી બૂમ પાડીને કહ્યું હતું,'મારા જીવને જોખમ છે, પ્લીઝ કોર્ટને કહો કે મારી મદદ કરે.'
તેમણે જેલમાં ઉત્પીડનનો આરોપ પણ મૂક્યો, જેને તલોજા જેલના સુપરિન્ટેન્ડેન્ટ અબાસાહેબ પાટીલે ફગાવી દીધો હતો.
તેમણે કહ્યું કે "ક્વાોરૅન્ટીન સેન્ટરમાં સીસીટીવી કૅમરા છે, જે અર્ણવ ગોસ્વામીનાં સફેદ જૂઠણાં પરથી પરદો હઠાવી દેશે."
સોમવારે બૉમ્બે હાઇકોર્ટ અર્ણવ અને બે અન્ય લોકોની અંતરિમ જામીન અરજી પર નિર્ણય આપશે.
શનિવારે રાત્રે હાઈકોર્ટની વેબસાઇટ પર એક નોટિસ મૂકવામાં આવી, જે પ્રમાણે નવ નવેમ્બર બપોરે ત્રણ વાગ્યે અદાલત નિર્ણય આપવા બેસશે.

'કોરોના વાઇરસની રસી 2022 સુધી સામાન્ય લોકો માટે નહીં આવે' : AIIMS નિદેશક

ઇમેજ સ્રોત, Getty Images
દિલ્હીની એમ્સ હૉસ્પિટલના નિદેશક ડૉ. રણદીપ ગુલેરિયાએ કહ્યું છે કે ભારતમાં સામાન્ય લોકો માટે કોરોનાની રસી 2022 પહેલાં નહીં આવે.
ઇન્ડિયા ટુડેના એક અહેવાલ મુજબ તેમણે કહ્યું કે કોરોના વાઇરસ રસીકરણથી ગાયબ નહીં થઈ જાય.
ડૉ. રણદીપ ગુલેરિયાએ કહ્યું કે ભારત એક મોટો દેશ છે, આટલી મોટી વસતી છે, ફ્લૂની રસીની જેમ માર્કેટમાં કોરોનાની રસી સામાન્ય રીતે ઉપલબ્ધ થાય તેમાં સમય લાગશે.
"કૉલ્ડ ચેઇન, પૂરતી સિરીંજ, નીડલ અને દેશના સુદૂર ભાગો સુધી રસી ઉપલબ્ધ કરાવવી એ ભારત માટે એક મોટો પડકાર છે."
તેમણે કહ્યું, "પ્રથમ રસી પછી બીજી રસી આવે ત્યારે તેને લોકો સુધી પહોંચાડવી એ પણ પડકારજનક હશે. બીજા તબક્કાની રસી પ્રથમ રસી કરતાં વધારે અસરકારક હશે."
"તો લોકો સુધી કેવી રીતે આ રસી પહોંચાડવામાં આવશે અને કેવી રીતે નક્કી થશે કે કોને રસી-એ આપવામાં આવે અને કોને રસી-બી? ઘણા નિર્ણયો કરવાની જરૂર પડશે."

પત્રકારે માફી માગ્યા પછી ગુજરાત હાઈકોર્ટે રાજદ્રોહનો કેસ રદ કર્યો

ઇમેજ સ્રોત, Kalpit Bhachech
મુખ્ય મંત્રી વિજય રૂપાણીની 'કથિત નિષ્ફળતા'ને કારણે પદ પરથી હઠાવવા અંગેનો લેખ લખનાર પત્રકાર સામે દાખલ રાજદ્રોહનો કેસ ગુજરાત હાઈકોર્ટે રદ કર્યો છે.
ઇન્ડિયન એક્સપ્રેસના અહેવાલ મુજબ જસ્ટિસ આર. પી. ધોલરિયાની બૅન્ચે પત્રકાર દ્વારા કોઈ વાંક સ્વીકાર્યા વિના 'કથિત ઇતરાજી' લેખ લખવા માટે બિનશરતી માફી માગી, અ પછી આ આદેશ આપ્યો છે.
ગુજરાત હાઈકોર્ટે પત્રકારની સામે દાખલ કરવામાં આવેલી રાજદ્રોહની એફઆઈઆરને રદ કરી દીધી છે.
ફેસ ઑફ ધ નેશન નામના ન્યૂઝ પોર્ટલના સંપાદક 31 વર્ષના પત્રકાર ધવલ પટેલે મે મહિનામાં એક લેખ લખ્યો હતો.
જેમાં કોરોના મહામારીની સ્થિતિમાં 'કથિત નિષ્ફળતા'ને કારણે મુખ્ય મંત્રી પદ પરથી વિજય રૂપાણીને હઠાવીને કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવિયાને મુખ્ય મંત્રી બનાવવાની વિચારણાનો ઉલ્લેખ કરાયો હતો.
આ લેખના આધારે ધવલ પટેલ પર ભારતીય દંડ સંહિતાની કલમ 124 એ (રાજદ્રોહ) અને ડિઝાસ્ટર મૅનેજમેન્ટ ઍક્ટની કલમ 54 હેઠળ ફરિયાદ દાખલ કરવામાં આવી હતી.
તેમની મે મહિનામાં ધરપકડ કરવામાં આવી હતી અને સાબરમતિ જેલમાં 15 દિવસ સુધી રાખવામાં આવ્યા હતા. ત્યાર પછી તેમણે ગુજરાત હાઈકોર્ટમાં અરજી કરી હતી.
પત્રકાર દ્વારા માફી માગ્યા પછી અદાલતે એફઆઈઆરને રદ કરવાનો આદેશ આપતાં ધવલ પટેલને ચેતવણી આપી કે ભવિષ્યમાં બંધારણીય પદ પર બેઠા હોદ્દેદારો સામે ખરાઈ કર્યા વગર આ પ્રકારની ટિપ્પણીઓ અથવા લેખ લખવાનું ટાળે.

અમદાવાદમાં ફટાકડા ફોડવા માટે સીમિત સમય

ઇમેજ સ્રોત, Reuters
ઇન્ડિયન એક્સપ્રેસના અહેવાલ મુજબ દિવાળી પહેલાં અમદાવાદ સિટી પોલીસે શહેરીઓ માટે ફટાકડા ફોડવા અંગે નિર્દેશ જાહેર કર્યા છે.
પોલીસના નિર્દેશ મુજબ અમદાવાદમાં મર્યાદિત જગ્યામાં 14 નવેમ્બરે બે કલાકનો સમય ફાળવવામાં આવશે જેમાં ફટાકડા ફોડવાના રહેશે.
રવિવારે જાહેર કરવામાં આવેલા નિર્દેશમાં અમદાવાદ સિટીના ઇન્ચાર્જ પોલીસ કમિશનર અમિત વિશ્વકર્માએ કહ્યું કે કલમ 144 હેઠળ આ નિર્દેશ જાહેર કરાયા છે.
14 નવેમ્બર રાત્રે આઠથી દસ વાગ્યાની વચ્ચે ફટાકડા ફોડવાની પરવાનગી આપવામાં આવી છે.
'લડી' વેચવા, ખરીદવા અને ફોડવા પર પ્રતિબંધ લગાવવામાં આવ્યો છે કારણકે તે હવામાં ફેલાય છે અને તેનાથી નૉઇસ પૉલ્યુશન એટલે ધ્વનિ પ્રદૂષણ થાય છે.
પેટ્રોલિયમ ઍન્ડ ઍક્સપ્લોસિવ સેફ્ટી ઑર્ગનાઇઝેશન દ્વારા પ્રમાણિત ફટાકડા જેનો અવાજ 145 ડેસિબલ સુધીનો હોય, માત્ર તેમને વેચવા અને ખરીદવાની પરવાગી હશે.
નર્સિંગ હોમ, કૅર સેન્ટર, અદાલતો અને ધાર્મિક સ્થળો તથા હૉસ્પિટલોથી 100 મિટરની ત્રિજ્યાના વિસ્તારમાં એટલે કે સાઇલન્ટ ઝોનમાં ફટાકડા નહીં ફોડી શકાય.

બાઇડન આપી શકે અમેરિકામાં રહેતા ભારતીયોને અમેરિકન નાગરિકત્વ

ઇમેજ સ્રોત, Getty Images
ધ હિન્દુ અખબારના એક અહેવાલ મુજબ અમેરિકામાં રાષ્ટ્રપતિની ચૂંટણી જીતેલા જો બાઇડન અમેરિકામાં રહેતા 50 હજાર ભારતીયોને નાગરિકત્વ આપવા અંગે વિચારી શકે છે.
બાઇડન સરકાર અમેરિકામાં રહેતા એક કરોડથી વધારે એવા અપ્રવાસીઓ જેમની પાસે યોગ્ય દસ્તાવેજ નથી તેમને અમેરિકાનું નાગરિકત્વ આપવાના રોડમેપ પર કામ કરી શકે છે.
એચ-1બી વિઝા સહિત હાઈ સ્કિલ વિઝાની સંખ્યા પણ વધારવા વિશે તેઓ વિચાર કરી શકે છે. ટ્રમ્પ પ્રશાસનમાં આ પ્રકારના વિઝાની સંખ્યાની ટોચ નક્કી કરવામાં આવી હતી તેને પણ હઠાવી શકાય છે, જેનાથી હજારો ભારતીય પ્રોફેશનલ્સ પર અસર પડી હતી.
એચ1 બી વિઝા ધારકોનાં પતિ-પત્નીને નોકરી માટેના વિઝાની જોગવાઈ હઠાવવાના ડોનાલ્ડ ટ્રમ્પના નિર્ણયને પણ બદલવામાં આવી શકે છે. ડોનાલ્ડ ટ્રમ્પના પ્રશાસનની ઇમિગ્રેશન નીતિઓને કારણે હજારો ભારતીય પરિવારનો પ્રભાવિત થયા હતા.
બાઇડનના ચૂંટણીપ્રચારમાં વિદેશનીતિ વિશે કહેવામાં આવ્યું હતું કે અમેરિકામાં પેઢીઓથી રહેતા કેટલાક પરિવારો અને મોટો અપ્રવાસી સમુદાય, અમેરિકાને મજબૂત બનાવે છે.



આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
YouTube કન્ટેન્ટ પૂર્ણ
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો












