You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
'ગાંજાનાં ખેતરો' મામલે ઉદ્ધવ ઠાકરે પર કંગના રનૌતનો પલટવાર - BBC TOP NEWS
અભિનેત્રી કંગના રનૌતે મહારાષ્ટ્રના મુખ્ય મંત્રી ઉદ્ધવ ઠાકરેના ભાષણનો વળતો જવાબ આપ્યો છે.
ધ હિંદુસ્તાન ટાઇમ્સની વેબસાઇટ પર પ્રકાશિત અહેવાલ પ્રમાણે ઉદ્ધવ ઠાકરેએ રવિવારે દશેરા નિમિત્તે આપેલા ભાષણમાં કંગના રનૌતનું નામ લીધા વગર કહ્યું હતું કે કેટલાક લોકો રોજી માટે મુંબઈ આવે છે અને પછી POK કહીને નિંદા કરે છે.
તેમણે કહ્યું હતું, "મુંબઈ POK છે, ત્યાં બધા જ ડ્રગના બંધાણી છે - એ આવું ચિત્ર રજૂ કરે છે. પણ એમને ખબર નથી કે અમે અમારા ઘરમાં તુલસી ઉગાડીએ છીએ, ગાંજો નહીં."
"ગાંજાનાં ખેતરો તમારા રાજ્યમાં છે, તમને ખબર છે ક્યાં, પણ અમારા મહારાષ્ટ્રમાં તો નહીં જ."
કંગનાએ ટ્વિટરથી જવાબ આપતાં કહ્યું, "મુખ્ય મંત્રી તમે નિંદાપાત્ર વ્યક્તિ છો, હિમાચલ દેવભૂમિ કહેવાય છે, અહીં સૌથી વધારે મંદિર છે."
"અહીંની જમીન ફળદ્રુપ છે. અહીં સફરજન, કિવી, દાળમ, ઊગે છે, જે જેવું ઇચ્છે એવું ઉગાડી શકે."
કંગના રનૌતે ઉદ્ધવ ઠાકરેને જવાબ આપતાં અનેક ટ્વીટ્સ કર્યાં હતાં.
સુશાંત કેસમાં મારા દીકરા આદિત્યનું અપમાન : ઉદ્ધવ ઠાકરે
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
એનડીટીવી ઇન્ડિયાના અહેવાલ અનુસાર મહારાષ્ટ્રના મુખ્ય મંત્રી અને શિવસેનાના નેતા ઉદ્ધવ ઠાકરેએ કહ્યું, "કોઈએ આત્મહત્યા કરી છે. તે બિહારનો દીકરો છે, હોઈ શકે છે. પરંતુ તેની જગ્યાએ તમે મહારાષ્ટ્રનાં બાળકોને બદનામ કર્યાં."
"તમે મારા દીકરાનું પણ અપમાન કર્યું, એટલા માટે તમે જે પણ કહ્યું છે તેને પોતાના સુધી રાખો, અમે સ્પષ્ટ છીએ."
ઉદ્ધવ ઠાકરેએ શિવસેનાની વાર્ષિક દશેરારેલીમાં કહ્યું કે ન્યાય માટે અવાજ ઉઠાવનારાઓએ મુંબઈ પોલીસ બેકાર હોવાનો આરોપ લગાવ્યો.
તેમણે કહ્યું, "અમને હિંદુત્વ વિશે પૂછવામાં આવી રહ્યા છે કે કેમ તમે મંદિરો ખોલી રહ્યાં નથી. તેઓ કહે છે મારું હિંદુત્વ બાળાસાહેબના હિંદુત્વથી અલગ છે."
"અમારું હિંદુત્વ દૈવત્વ, મંદિર, પૂજા અથવા ઘંટડી- થાળી વગાડવા સુધી સીમિત નથી. અમારું હિંદુત્વ અમારો રાષ્ટ્રવાદ છે. તમે કે ગૌ સંરક્ષણનો કાયદો મહારાષ્ટ્રમાં લાવ્યા, પરંતુ ગોવામાં નહીં."
ઉદ્ધવ ઠાકરેએ 'હિંદુત્વ' અંગે કહ્યું કે જ્યારે બાબરી મસ્જિદ પાડવામાં આવી ત્યારે "અમારા હિંદુત્વ પર પ્રશ્ન ઉઠાવતા લોકો" પૂછડી બે પગ વચ્ચે છુપાઈને ભાગી ગયા હતા.
ચીન-પાકિસ્તાન સામે યુદ્ધની તારીખ નરેન્દ્ર મોદીએ નક્કી કરી લીધી છે : ઉત્તર પ્રદેશ ભાજપના પ્રમુખ
ટાઇમ્સ ઑફ ઇન્ડિયાના અહેવાલ અનુસાર ભારતીય જનતા પાર્ટીના ઉત્તર પ્રદેશના પ્રદેશ પ્રમુખ સ્વતંત્રદેવ સિંઘે કહ્યું છે કે વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ તારીખ નક્કી કરી લીધી છે કે ક્યારે દેશ પાકિસ્તાન અને ચીન સામે યુદ્ધ કરશે.
ભારત અને ચીન સરહદે ચાલી રહેલા સરહદવિવાદ વચ્ચે તેમણે આ નિવેદન આપ્યું છે.
કૉંગ્રેસના નેતા શશી થરૂરે કહ્યું, "વડા પ્રધાન એવી વ્યક્તિ સામે યુદ્ધ કરવા વિચારી રહી છે, જેનું નામ પણ તેઓ લઈ શકતા નથી."
ભાજપના ધારાસભ્ય સંજય યાદવના ઘરે ભાષણ આપી રહ્યા હતા ત્યારે સ્વતંત્રદેવ સિંઘે આ નિવેદન આપ્યું હતું. જેનો પછીથી વીડિયો અપલૉડ કર્યો હતો.
ઑનલાઇન ભણવા માટે સાધન ન હોવાથી સુરતની'છોકરીએ આત્મહત્યા કરી'
ટાઇમ્સ ઑફ ઇન્ડિયાના અહેવાલ અનુસાર સુરતમાં ધોરણ 10માં ભણતી છોકરીએ ઑનલાઇન ભણવા માટે સાધન ન હોવાથી 'આત્મહત્યા કરી' છે.
પાંડેસરામાં રહેતી 14 વર્ષની છોકરીના ઘરમાં એક જ ફોન હોવાના કારણે ઑનલાઇન ભણી શકતી ન હતી. આ ફોન પણ તેમના પિતા વાપરતા હતા. તેમની પાસે ઑનલાઇન ક્લાસ માટે બીજું કોઈ માધ્યમ ન હતું.
શાળાના સંચાલકોએ છોકરીને શાળાએ બોલાવી હતી. તેઓ તેમનાં માતાને સાથે લઈને મળવા ગયાં હતાં.
છોકરીના પિતાએ કહ્યું, "તેણે શિક્ષકોને કહ્યું કે તેમની પાસે માધ્યમ ન હોવાના કારણે ક્લાસમાં ભાગ લઈ શકશે નહીં. તેણે શિક્ષકોને એમ પણ કહ્યું કે અમારા પરિવારમાં એક જ ફોન છે, અને એ પણ મારી પાસે."
તેમણે વધુમાં કહ્યું, "શાળાના અધિકારીઓએ શાંતિથી તેને જણાવ્યું, પરંતુ તેને ખોટું લાગ્યું."
ગુજરાતમાં છેલ્લા 101 દિવસના સૌથી ઓછા કોરોનાના કેસ નોંધાયા
અમદાવાદ મિરરના અહેવાલ અનુસાર ગુજરાતમાં 101 દિવસમાં કોરોના વાઇરસના સૌથી ઓછા કેસ છેલ્લા 24 કલાકમાં નોંધાયા છે.
ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં 919 કેસ નોંધાયા છે. આ પહેલાં 16 જુલાઈએ 919 કેસ નોંધાયા હતા.
રાજ્યના 33માંથી 17 જિલ્લાઓમાં એક આંકડામાં હાલ કોરોના વાઇરસના કેસ આવી રહ્યા છે.
સુરતમાં 77 દિવસ પછી સૌથી ઓછા 227 કેસ નોંધાયા છે. અમદાવાદમાં 174, વડોદરામાં 115, રાજકોટમાં 97, જામનગરમાં 43 કેસ નોંધાયા છે.
ગુજરાતમાં કુલ કોરોના વાઇરસના કેસની સંખ્યા 1,67,173એ પહોંચી છે. જ્યારે 3689 લોકોનાં મૃત્યુ થયાં છે.
માલદીવથી નીકળેલું સી પ્લેન આજે ગુજરાત પહોંચશે
ઇન્ડિયન એક્સપ્રેસના અહેવાલ અનુસાર સાબરમતી રિવરફ્રન્ટ અને સ્ટેચ્યૂ ઑફ યુનિટી વચ્ચે શરૂ થઈ રહેલી સી પ્લૅનની સેવા માટેનું વિમાન આજે અમદાવાદના સાબરમતી રિવરફ્રન્ટ ખાતે પહોંચશે.
જેનું ઉદ્ઘાટન 31 ઑક્ટોબરે વડા પ્રધાન નરેન્દ્ર મોદી કરશે. માલદીવથી નીકળેલા આ વિમાને રસ્તામાં કોચીન ખાતે હૉલ્ટ લીધો હતો.
ગુજરાત સરકારના વરિષ્ઠ અધિકારી પ્રમાણે સી-પ્લૅન કૅનેડાની કંપની દ્વારા બનાવવામાં આવ્યું છે.
તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો