IPL 2020 : શું ક્રિકેટના ઇતિહાસમાં પહેલી વાર એક દિવસે બે મૅચમાં ટાઈ પડી?

ઇન્ડિયન પ્રીમિયર લીગનું બીજું નામ રોમાંચ છે અને રવિવારે તેનો રોમાંચ પરાકાષ્ઠાએ પહોંચી ગયો હતો. રવિવારે બે મૅચ રમાઈ અને બંને મૅચ ટાઈ પડી હતી.

પહેલી મૅચમાં તો ટાઈ બાદ સુપર ઓવરમાં પરિણામ આવી ગયું હતું પરંતુ બીજી મૅચમાં તો ટાઈ બાદ સુપર ઓવર આવી તેમાં પણ બેમાંથી એકેય ટીમ જીતી શકી નહીં અને બીજી વાર સુપર ઓવરની મદદ લેવી પડી હતી જેને અંતે કિંગ્સ ઇલેવન પંજાબનો વિજય થયો હતો.

એક જ દિવસમાં બે મૅચ ટાઈ પડે તે જ મોટી વાત કહેવાય. ટી20 ક્રિકેટનો ઇતિહાસ આમ તો માંડ 15 વર્ષ પુરાણો છે પરંતુ તેમાં એવા પાંચ પ્રસંગ આવ્યા છે જ્યારે એક જ દિવસમાં બે અલગ અલગ મૅચમાં ટાઈ પડી હોય.

તેમાં પણ 2009માં તો એક જ દિવસમાં ત્રણ મૅચ ટાઈમાં પરિણમી હતી. ફરક એટલો હતો કે ટુર્નામેન્ટ અલગ હતી અને દેશ પણ અલગ હતા.

આઇપીએલનું આયોજન આ વખતે યુનાઇટેડ આરબ અમિરાતમાં થઈ રહ્યું છે. રવિવારે પહેલી મૅચ અબુધાબીમાં રમાઈ હતી જેમાં કોલકાતા નાઇટ રાઇડર્સનો મુકાબલો સનરાઇઝર્સ હૈદરાબાદ સામે હતો અને એ મૅચ ટાઈ પડી જેને અંતે કોલકાતા નાઇટ રાઇડર્સે સુપર ઓવરમાં મૅચ જીતી લીધી હતી.

બીજી મૅચ દુબઈમાં રમાઈ તેમાં વારંવાર નાટકીય વળાંકો આવ્યા હતા. લોકેશ રાહુલે મહેનત કરીને એકલા હાથે લડત આપીને ટીમને મુંબઈના સ્કોરની નજીક લાવી દીધી હતી. પહેલી સુપર ઓવરમાં જસપ્રિત બુમરાહે બોલિંગ કરી અને રાહુલ તથા પૂરને બેટિંગ કરી.

પૂરન તો આઉટ થઈ ગયો. દીપક હુડા આવ્યો પરંતુ તેણે રાહુલ સાથે મળીને માંડ પાંચ રન કર્યા હતા.

આમ મુંબઈને માત્ર છ રન કરવાના હતા. બેટિંગમાં ક્વિન્ટન ડી કોક અને રોહિત શર્મા આવ્યા. આ તરફ મોહમ્મદ શમીએ બુમરાહ જેવી જ કાતિલ બૉલિંગ કરી અને મુંબઈ પણ પાંચ જ રન કરી શક્યું.

બીજી સુપર ઓવરમાં અગાઉની ઓવરમાં રમેલા ખેલાડી રમી શકે નહીં. આમ આ વખતે બુમરાહ કે શમી બૉલિંગ કરી શકવાના ન હતા.

મુંબઈએ પોલાર્ડને મેદાનમાં ઉતાર્યો. તેની સાથે હાર્દિક પંડ્યા આવ્યા. બંનેએ 11 રન કર્યા. છેલ્લા બૉલે મયંક અગ્રવાલની અસામાન્ય ફિલ્ડિંગે પોલાર્ડની સિક્સર રોકી લીધી અને મુંબઈને ચાર રનનું નુકસાન ગયું.

આ વખતે કિંગ્સ ઇલેવન પંજાબે તેના યુનિવર્સ બોસ ક્રિસ ગેઇલને મેદાનમાં ઉતાર્યો હતા. મૅચ જીતવા માટે 12 રન કરવાના હતા જેના અડધા એટલે કે છ રન તો ગેઇલે પહેલા બૉલે જ કરી લીધા હતા. મયંક અગ્રવાલે ત્રીજા અને ચોથા બોલે ચોગ્ગા ફટકારીને પંજાબને વિજય અપાવ્યો.

અગાઉ મુંબઈ ઇન્ડિયન્સે પ્રથમ બેટિંગ કરતાં 20 ઓવરમાં છ વિકેટે 176 રન નોંધાવ્યા હતા જેના જવાબમાં કિંગ્સ ઇલેવન પંજાબે 20 ઓવરને અંતે એવી જ રીતે છ વિકેટે 176 રન કર્યા હતા. આમ મૅચમાં ટાઈ પડી હતી.

કિંગ્સ ઇલેવન પંજાબ માટે લોકેશ રાહુલે આક્રમક બેટિંગ કરી હતી. 18મી ઓવરમાં જસપ્રિત બુમરાહના એક સુંદર યોર્કરમાં બોલ્ડ થતાં અગાઉ રાહુલે 51 બોલમાં 77 રન ફટકાર્યા હતા જેમાં ત્રણ સિક્સરનો સમાવેશ થતો હતો.

કમનસીબે રાહુલને તેના અન્ય સાથી તરફથી યોગ્ય સહકાર સાંપડ્યો ન હતો. ક્રિસ ગેઇલ અને નિકોલસ પૂરન 24-24 રન કરી શક્યા હતા. બંનેએ બે બે સિક્સર પણ ફટકારી હતી. દીપક હુડાએ છેલ્લે છેલ્લે થોડી આક્રમક બેટિંગ કરી હતી જેને કારણે રાહુલ આઉટ થવા છતાં પંજાબની ટીમ 176 રન સુધી પહોંચી શકી હતી.

મુંબઈ માટે જસપ્રિત બુમરાહે શાનદાર બૉલિંગ કરી હતી. તેણે ચાર ઓવરમાં 24 રન આપીને ત્રણ વિકેટ લીધી હતી તો રાહુલ ચહરને ફાળે બે વિકેટ આવી હતી.

મુંબઈ ઇન્ડિયન્સની બેટિંગનો આધાર ક્વિન્ટન ડી કોક રહ્યા હતા. ડી કોકે 43 બોલમાં ત્રણ સિક્સર સાથે 53 રન ફટકાર્યા હતા તો કૃણાલ પંડ્યાએ 34 રનનું યોગદાન આપ્યું હતું.

મુંબઈની ઇનિંગ્સના અંત ભાગમાં કેરન પોલાર્ડ અને કોલ્ટર નાઇલે છેલ્લા 21 બૉલમાં 57 રનની આક્રમક ભાગીદારી નોંધાવી હતી. પોલાર્ડે 12 બૉલમાં ચાર સિક્સર સાથે 34 અને કોલ્ટર નાઇલે 12 બોલમાં 24 રન ફટકાર્યા હતા.

પૉઇન્ટ ટેબલમાં કિંગ્સ ઇલેવન પંજાબની છલાંગ

પંજાબે આ મૅચ જીતીને વર્તમાન ટુર્નામેન્ટમાં માત્ર ત્રીજી જ મૅચ જીતી છે પરંતુ તેના છ પૉઇન્ટ થયા છે. આ મૅચના વિજય સાથે તેણે છેલ્લા ક્રમેથી બે ક્રમની છલાંગ લગાવી છે.

હાલમાં તે છઠ્ઠા ક્રમે આવી ગયું છે અને તેણે ચેન્નાઈ સુપર કિંગ્સ તથા રાજસ્થાન રૉયલ્સને પાછળ રાખી દીધા છે. આમ તો આ ત્રણેય ટીમના છ-છ પૉઇન્ટ છે પરંતુ નેટ રનરેટમાં પંજાબ અન્ય બે ટીમ કરતાં આગળ છે.

જોકે સનરાઇઝર્સ હૈદરાબાદની ટીમ પણ છ પૉઇન્ટ ધરાવે છે પરંતુ તે બહેતર નેટ રનરેટ ધરાવે છે અને તેથી તે પંજાબ કરતાં આગળ અને પાંચમા ક્રમે છે.

આઇપીએલની વર્તમાન સિઝનમાં દિલ્હી કૅપિટલ્સ 14 પૉઇન્ટ સાથે મોખરે છે તો મુંબઈ અને બેંગલોર 12-12 પૉઇન્ટ સાથે બીજા-ત્રીજા ક્રમે અને કોલકાતા દસ પોઇન્ટ સાથે ચોથા ક્રમે છે.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો