અઝરબૈજાન સામેના યુદ્ધમાં આર્મેનિયાના 729 સૈનિકોએ જીવ ગુમાવ્યા

અઝરબૈજાન સામેની લડાઈમાં આર્મેનિયાની તરફે જીવ ગુમાવનારા સૈનિકોની સંખ્યા સતત વધી રહી છે.

સોમવારે આર્મેનિયાની સેનાએ આ યાદીમાં બીજા 19 સૈનિકોના નામ ઉમેરી દીધા હતા.

આ સાથે જ આ જંગમાં આર્મેનિયા તરફથી મૃત્યુ પામનારા સૈનિકોની સંખ્યા વધીને 729 થઈ ગઈ છે.

આર્મેનિયાના સંરક્ષણ મંત્રાલયનું કહેવું છે કે શક્ય છે કે આ આંકડા અધૂરા હોય. સતત ચાલી રહેલી લડાઈમાં મૃતકોનો આંકડો મોડેથી મળે એ શક્ય છે.

અઝરબૈજાનના રાષ્ટ્રપતિ ઇલ્હામ અલીયેવે દાવો કર્યો છે કે તેમની સેનાએ દક્ષિણ ઝેબરૈલ જિલ્લાનાં 13 ગામ પર ફરીથી કબજો કરી લીધો છે.

સોમવારે રાષ્ટ્રપતિ ઇલ્હામ અલીયેવે ટ્વીટ કર્યું, "ઝેબરૈલ જિલ્લાના સોલતાની, અમીરવર્લી, હસનાલી, અલીકેશનાલી, કુમલક, હાસિલી, ગોયારસિનવેસલ્લી, નિયાઝકુલ્લર, કેસાલ મમ્મદલી, સાહવલી, હાસી ઇસ્માઇલી અને ઇસાકલી ગામ આઝાદ કરી દેવાયાં છે."

બ્લૉગર હબીબ મુન્તઝિરે એક નકશો પોસ્ટ કર્યો છે, જેનાથી ખ્યાલ આવે છે કે આ તમામ ગામ ઈરાનની સીમાની આસપાસ છે.

રાષ્ટ્રપતિએ 18 ઑક્ટોબરે ટ્વીટ કર્યું હતું કે અઝરબૈજાનની સેનાએ અરાકેઝ નદી પર બનેલા ખુદાફરારિન પુલ પર પોતાનો ઝંડો લહેરાવી દીધો છે જે 1990ના દાયકામાં આર્મેનિયાના કબજામાં હતો.

ઘણા લોકોએ ટેલીગ્રામ પર વીડિયો શૅર કર્યા છે, જેમાં ખુદાફારિન પુલની પાસે ઈરાનના અનેક અઝરબૈજાની અઝેરી સૈનિકોનું સ્વાગત કરતાં જોઈ શકાય છે.

નરેન્દ્ર મોદીની સ્ટેચ્યૂ ઑફ યુનિટીનો મુલાકાતનો વિરોધ કરવા બંધનું એલાન

સરદાર પટેલની જયંતીએ વડા પ્રધાન નરેન્દ્ર મોદી કેવડિયા સ્થિત સ્ટેચ્યૂ ઑફ યુનિટીની મુલાકાત લેવાના છે.

વડા પ્રધાન મોદી સી-પ્લેન સર્વિસના ઉદ્ઘાટન માટે ગુજરાતની મુલાકાતે આવવાના છે, ત્યારે તેઓ કેવડિયાની મુલાકાત પણ લેશે ત્યારે તેની આસપાસના 14 ગામના લોકોએ 30-31 ઑક્ટોબરે બંધના એલાનની જાહેરાત કરી છે.

તેમણે કોરોના મહામારીને જોતાં વડા પ્રધાનનો કાર્યક્રમ રદ કરવાની માગ કરી છે.

ગામના લોકોનો આરોપ છે કે રાજ્ય સરકારે કોરોના મહામારી વચ્ચે તેમની જમીનો પર જબરદસ્તી કબજો કર્યો છે. કેવડિયા આંદોલન સમિતિએ સરકાર પાસેથી તે જમીન પાછી આપવા માગ કરી છે.

આ બાબતે હાઈકોર્ટમાં અરજી કરવામાં આવી હતી અને ગુજરાત હાઈકોર્ટે છ ગામના આદિવાસીઓની જમીન અંગે સામાજિક કાર્યકરોની અરજીને ફગાવી હતી.

જેમાં સરકારને વિકાસકાર્યો માટે ભૂમિઅધિગ્રહણ રોકવાનો આદેશ આપવા વિનંતી કરવામાં આવી હતી.

કેવડિયા બચાઓ આંદોલન સમિતિએ પોતાની માંગણીઓ ન સંતોષાતાં આંદોલન કરવાની ચિીમકી પણ ઉચ્ચારી છે.

આ સમિતિનો આરોપ છે કે સરકાર સ્થાનિક સમાજસેવકો પર ખોટા કેસ દાખલ કરીને તેમને પરેશાન કરે છે. અને આ કેસ તાત્કાલિક બંધ કરવામાં આવે.

ગુજરાતમાં છેલ્લાં 55 દિવસમાં નોંધાયા સૌથી ઓછા કોરોના કેસ

ગુજરાતમાં છેલ્લાં 55 દિવસમાં કોરોના વાઇરસના સૌથી ઓછા કેસ નોંધાયા છે. રવિવારે 1091 કોરોના વાઇરસના કેસ નોંધાયા હતા.

ટાઇમ્સ ઑફ ઇન્ડિયાના અહેવાલ અનુસાર સુરતમાં કોરોના વાઇરસના 239 કેસ, અમદાવાદમાં 183 કેસ, વડોદરામાં 119 કેસ, રાજકોટમાં 107 કેસ અને જામનગરમાં 84 કેસ નોંધાયા હતા.

સુરત અને અમદાવાદમાં શનિવાર જેટલા જ કેસ નોંધાયા હતા.

ગુજરાતમાં 58 દિવસના સૌથી ઓછા ઍક્ટિવ કેસ નોંધાયા છે.

ગુજરાતમાં છેલ્લાં 24 કલાકમાં 52,141 ટેસ્ટ કરવામાં આવ્યા છે. ટેસ્ટની સંખ્યા 53.74 લાખે પહોંચી છે.

પીડિતોનો અવાજ દબાવવો એ કેવો રાજધર્મ છે? - સોનિયા ગાંધી

કૉંગ્રેસ પાર્ટીના અધ્યક્ષ સોનિયા ગાંધીએ રવિવારે કૉંગ્રેસ પાર્ટીની એક બેઠકમાં મોદી સરકાર પર આકરો હુમલો કરતાં કહ્યું, "દેશનું લોકતંત્ર હાલ આકરા સમયમાંથી પસાર થઈ રહ્યું છે."

તેમણે દલિતો પર થઈ રહેલાં અત્યાચાર, કોરોના વાઇરસની મહામારી અને આર્થિક મંદીનો ઉલ્લેખ કરતા કેન્દ્ર સરકાર પર નિશાન તાક્યું.

કૉંગ્રેસ પાર્ટીએ તેમના નિવેદનનો એક હિસ્સો પોતાના અધિકૃત ટ્વીટર હૅન્ડલથી ટ્વીટ કર્યો છે.

સોનિયા ગાંધીએ સરકાર પર પીડિતોનો અવાજ દબાવવાનો આરોપ લગાવ્યો અને પુછ્યું કે 'આ કેવો રાજધર્મ છે?'

ઉલ્લેખનીય છે કે તાજેતરમાં ગુજરાતના મુખ્ય મંત્રી વિજય રૂપાણીએ 2002માં નરેન્દ્ર મોદીએ રાજધર્મનું પાલન કર્યું હતું એમ કહ્યું હતું. 2002માં એ વખતના વડા પ્રધાન અટલ બિહારી વાજપેયી ગોધરાકાંડ પછી નરેન્દ્ર મોદીને રાજધર્મનું પાલન કરવાની સલાહ આપી હતી.

સોનિયા ગાંધીએ કહ્યું કે આ સમયે દેશ એક એવી સરકારના હાથમાં છે જે સામાન્ય નાગરિકોના અધિકાર પોતાના કેટલાંક નજીકના અમીરોને 'સંસ્થાગત રીતે' આપી રહી છે.

નવા ખેતી વિષય કાયદાઓની ટીકા કરતા આરોપ લગાવ્યો કે હરિત ક્રાંતિના ફાયદાઓને ખતમ કરવા માટે ષડયંત્ર રચવામાં આવ્યું.

કોરોના મહામારીને લઈને તેમણે સરકાર પર આક્ષેપ મૂક્યો કે તેમની પાસે કોરોના વાઇરસની મહામારી સામે લડવા માટે કોઈ પ્લાન નથી.

કમોસમી વરસાદથી રાજ્યમાં બે વ્યક્તિના મૃત્યુ, આજે થઈ શકે છે આ જિલ્લામાં વરસાદ

ઇન્ડિયન એક્સપ્રેસના અહેવાલ અનુસાર ગુજરાતમાં કમોસમી વરસાદના કારણે બે વ્યક્તિઓ મૃત્યુ પામ્યા છે.

ઇન્ડિયન મેટ્રોલોજિકલ વિભાગે કરેલી આગાહી પ્રમાણે આજે દેવભૂમિ દ્વારકા, પોરબંદર, ભાવનગર અને કચ્છ જિલ્લામાં વરસાદ વરસી શકે છે.

વીજળી પડવાના કારણે જામનગરમાં ઢોર ચરાવતા એક પુરુષનું અને મોરબીમાં ખેતરેથી પરત ફરી રહેલાં મહિલાનું મૃત્યુ પામ્યાં છે.

આઈએમડીની આગાહીમાં કહેવામા આવ્યું છે કે ભાવનગર, દ્વારકા, પોરબંદર અને કચ્છ જિલ્લાના છુટાછવાયા વિસ્તારમાં ભારે વરસાદ પડવાની આગાહી છે. જ્યારે સૌરાષ્ટ્ર અને કચ્છના તમામ જિલ્લાઓમાં હળવાથી મધ્યકક્ષાનો વરસાદ વરસી શકે છે. આ ઉપરાંત વીજળી સાથે વાવાઝોડું પણ આવી શકે છે.

સિંહોના મૃત્યુની તપાસ માટેની ટીમની રચના સરકારે હજુ કરી નથી

ટાઇમ્સ ઑફ ઇન્ડિયાના અહેવાલ અનુસાર વર્ષ 2020ના પહેલાં પાંચ મહિનામાં થયેલાં સિંહોના મૃત્યુની તપાસ માટે સરકારે હજુ સુધી તપાસ ટીમની રચના કરી નથી.

કેન્દ્ર સરકારે જુલાઈ મહિનામાં કમિટી નિમવાનું સૂચન કર્યું હતું છત્તાં પણ કમિટીની નિમણૂક કરાઈ નથી.

કેન્દ્ર સરકારના વન વિભાગની કમિટીના અહેવાલ અનુસાર મે 31, 2020 સુધીમાં 85 સિંહ મૃત્યુ પામ્યા છે. જેની સરખામણીએ વર્ષ 2018માં 112 અને 2019માં 134 સિંહ મૃત્યુ પામ્યા.

સૂત્રોનું કહેવું છે કે સરકાર કોઈ બહારની વ્યક્તિ કે એજન્સીને સિંહોના સર્વેલન્સ અને મૉનિટરિંગમાં લગાવવા નથી માગતી માટે તે તપાસ ટીમની નિમણૂક કરતી નથી.

મહત્ત્વની વાત એ છે કે કેન્દ્ર સરકારના વનવિભાગના અહેનાલમાં કૅનાઇન ડિસ્ટેમ્પર વાઇરસ(CDV)નો ઉલ્લેખ કરવામાં આવ્યો નથી. સીડીવી વાઇરસને સિંહોના મૃત્યુનું મોટું કારણ માનવામાં આવે છે. તેની સંખ્યાએ સીડીવીની 1000 રસી આપવામાં આવી અને રાજ્ય સરકારે બીજી 1100 રસી લીધી હોવાની વાત કરી છે.

ગીર અભ્યારણ્યમાં ખાલી પડેલી ગાર્ડની જગ્યાઓની પણ વાત કરવામાં આવી છે.

ગવર્નરની રાજકીય એજન્ટ તરીકે નિમણૂક કરી : સંજય રાઉત

ઇન્ડિયન એક્સપ્રેસના અહેવાલ અનુસાર શિવસેનાના સંસદ સભ્ય સંજય રાઉતે કહ્યું હતું કે ગવર્નરની રાજકીય એજન્ટ તરીકે નિમણૂક કરી, રાજ્ય સરકારને અસ્થિર કરવી એ સારા શાસકોને શોભતું નથી.

સંજય રાઉતે શિવસેનાના મુખપત્ર સામનામાં લખ્યું કે ભારતીય જનતા પાર્ટીને મહાવિકાસ અઘાડી સરકાર ગમતી નથી અને તે તેના તમામ સરકારી નિર્ણયને 'દેશવિરોધી' જુએ છે.

રાઉતે લખ્યું છે, "હકીકતમાં દિલ્હીની નેતાગીરીએ ધ્યાનમાં રાખવું જોઈએ કે ભાજપ વિના સરકાર બનાવવી બંધારણની વિરુદ્ધમાં નથી. પરંતુ જે રાજ્યોમાં વિપક્ષી પાર્ટીઓની સરકાર છે, ત્યાં ગવર્નરને રાજકીય એજન્ટ તરીકે મુકવા અને રાજ્ય સરકારને રાજ્યપાલ દ્વારા અસ્થિર કરવી સારા શાસકને શોભતું નથી."

ગત અઠવાડિયે મહારાષ્ટ્રના રાજ્યપાલ ભગતસિંઘ કોશિયારી અને મુખ્ય મંત્રી ઉદ્ધવ ઠાકરે વચ્ચે મહારાષ્ટ્રમાં મંદિર ખોલવાની બાબતમાં વિવાદ છેડાયો હતો. કોશિયારીએ ઉદ્ધવને પુછ્યું હતું કે તમે "સેક્યુલર બની ગયા?"

વિયેતનામમાં ભૂસ્ખલનના કારણે 11 જવાનો બૅરેકમાં દટાયાં, શોધખોળ ચાલુ

વિયેતનામમાં ભૂસ્ખલન થતાં સૈન્યના 11 જવાનો પોતાની જ બૅરેકમાં દબાઈ ગયા છે. હાલ તેમની શોધખોળ ચાલી રહી છે.

ક્યૂઆંગ ટ્રીના વિસ્તારમાં રહેલાં બાકીના બૅરેકમાંથી હાલ સુધીમાં 11 જેટલાં મૃતદેહને કાઢવામાં આવ્યા છે.

એક અધિકારીએ કહ્યું કે તેણે રાત્રે ભૂસ્ખલનનો અવાજ "બૉમ્બ ધડાકા જેવો" સંભળાયો હતો.

ભારે વરસાદની વિયેતનામ પર ભારે અસર પડી છે. હાલ સુધીમાં પૂર અને ભૂસ્ખલનને કારણે 70 લોકો મૃત્યુ પામ્યા છે.

શનિવારે જ એક બીજા ભૂસ્ખ્લનના કારણે પડોશી પ્રોવિન્સ થુઆ થીન હુઈમાં દટાયેલાં લોકોને બચાવવા જતા રેસ્ક્યૂ ટીમના 13 સભ્યો દટાઈ ગયા હતા.

તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો