IPL 2020 KXIP vs KKR: સુનીલ નારાયણની એ ઓવર જેણે લોકેશ રાહુલ અને મયંક અગ્રવાલની મહેનત પર પાણી ફેરવ્યું

ઇમેજ સ્રોત, INDRANIL MUKHERJEE/AFP/GettyImages
આઈપીએલ એ અનિશ્ચિતતાની રમત છે અને અહીં એકાદ ઓવરમાં જ બાજી પલટાઈ શકે છે તેનું વધુ એક ઉદાહરણ રજૂ કરતાં શનિવારે રમાયેલી મૅચમાં કોલકાતા નાઇટ રાઇડર્સે છેલ્લી ઘડીએ કિંગ્સ ઇલેવન પંજાબના હાથમાં આવેલો વિજય આંચકી લીધો હતો અને બે રનથી મૅચ જીતી લીધી.
કિંગ્સ ઇલેવન પંજાબ શનિવારે રમાયેલી ઇન્ડિયન પ્રીમિયર લીગ (આઈપીએલ)ની ટી20 ક્રિકેટ મૅચમાં કોલકાતા નાઇટ રાઇડર્સ સામે મૅચ જીતવાની અણી પર આવી ગયું હતું પરંતુ પ્રસિદ્ધ ક્રિષ્ણા અને સુનીલ નારાયણે ઉપરા ઉપરી વિકેટો ખેરવતા બાજી ફરી ગઈ હતી અને અંતે કોલકાતા નાઇટ રાઇડર્સનો બે રનથી રોમાંચક વિજય થયો હતો.
આમ વર્તમાન ટુર્નામૅન્ટમાં ફરી એક વાર કિંગ્સ ઇલેવન પંજાબની ટીમને પરાજયનો સામનો કરવો પડ્યો હતો. આ તેનો સળંગ પાંચમો પરાજય હતો.
મૅચમાં દિનેશ કાર્તિકે ટૉસ જીતીને પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય લીધો હતો. કોલકાતા નાઇટ રાઇડર્સે 20 ઓવરને અંતે છ વિકેટે 164 રનનો સામાન્ય કહી શકાય તેવો સ્કોર નોંધાવ્યો હતો.
જોકે, કિંગ્સ ઇલેવન પંજાબનું વર્તમાન ફોર્મ જોતાં આ સ્કોર મોટો કહી શકાય પરંતુ લોકેશ રાહુલની ટીમ ટાર્ગેટની નજીક પહોંચી ગઈ હોવા છતાં તેને પાર કરી શકી ન હતી.
મૅચ જીતવા માટે 165 રનના ટારગેટ સામે રમતી પંજાબની ટીમ માટે લોકેશ રાહુલ અને મયંક અગ્રવાલે 14.2 ઓવરમાં જ 115 રનની ભાગીદારી નોંધાવી દીધી હતી.
તેમની બેટિંગ જોતાં એક સમયે તો એમ લાગતું હતું કે પંજાબ વિના વિકેટે જ મૅચ જીતી લેશે પરંતુ મયંક અગ્રવાલે 56 રનના અંગત સ્કોરે પ્રસિદ્ધ ક્રિષ્ણાની બૉલિંગમાં આઉટ થયા હતા. 39 બોલની ઇનિંગ્સમાં તેમણે છ બાઉન્ડરી અને એક સિક્સર ફટકારી હતી.
લોકેશ રાહુલ સાથે નિકોલસ પૂરન જોડાયા હતા. પૂરન તાજેતરની મૅચોમાં સુંદર ફોર્મ દાખવી રહ્યા છે. લોકેશ રાહુલે 58 બોલમાં 74 રન ફટકાર્યા હતા.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
અહીં સુધી બઘું બરાબર હતું પરંતુ 18મી ઓવરમાં નિકોલસ પૂરન આઉટ થયા હતા. એ પછી 19મી ઓવરમાં પ્રસિદ્ધ ક્રિષ્ણાએ રાહુલ અને મનદીપસિંઘ બંનેને પેવેલિયનમાં મોકલી દીધા હતા.

એ ચોગ્ગો જો છગ્ગો હોત
આ લેખમાં X દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં X કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
X કન્ટેન્ટ પૂર્ણ
20મી ઓવર સુનીલ નારાયણને ફાળે આવી હતી. અગાઉ એક વાર સુપર ઓવર પણ મેડન ફેંકી ચૂકેલા આ કેરેબિયન બૉલરે છેલ્લી ઓવરમાં 14 રન બચાવવાના કરવાના હતા.
સામે છેડે આઉટ ઑફ ફોર્મ ગ્લેન મેકસવેલ હતા. છેલ્લા બોલે મેક્સવેલ સિક્સર ફટકારે તો મેચ ટાઈ પડે અને સુપર ઓવરમાં જાય પરંતુ રોમાંચક સ્થિતિમાં એ બૉલે ચોગ્ગો વાગ્યો હતો.
આ બૉલ એટલો ક્લૉઝ હતો કે ટીવી અમ્પાયર પણ વારંવાર ટીવી રિપ્લે નિહાળ્યા બાદ નિર્ણય કરી શક્યા હતા કે તે ચોગ્ગો છે.
અગાઉ શુભમન ગિલ અને દિનેશ કાર્તિક કોલકાતાની ઇનિંગ્સનું આકર્ષણ રહ્યા હતા. શુભમન ગિલે આ સિઝનમાં સારું ફોર્મ બતાવ્યું છે પરંતુ કૅપ્ટન કાર્તિકનું ફોર્મ બરાબર નહોતું પરંતુ આજની મૅચમાં તેમણે શાનદાર બેટિંગ કરી હતી.
ઓપનર રાહુલ ત્રિપાઠી માત્ર ચાર રન કરી શક્યા હતા તો યુવાન નિતીશ રાણાએ બે રન કર્યા હતા. ઇંગ્લૅન્ડના કૅપ્ટન ઓઇન મૉર્ગને 23 બૉલમાં 24 રન ફટકારીને શુભમન ગિલને સહકાર આપ્યો હતો. બંનેએ 14 રનથી ટીમનો સ્કોર દસ ઓવરમાં 64 સુધી પહોંચાડ્યો હતો.
શુભમન ગિલે માત્ર 47 બોલમાં જ 57 રન ફટકારી દીધા હતા. તેમણે પાંચ બાઉન્ડરી ફટકારી હતી. ગિલની વિકેટ પડ્યા બાદ અંતિમ ઓવર્સમાં દિનેશ કાર્તિકે બાજી સંભાળી લીધી હતી.
તેમણે માત્ર 29 જ બોલમાં બે સિકસર સાથે 58 રન ફટકારી દીધા હતા. તેમણે આઠ આકર્ષક બાઉન્ડરી પણ ફટકારી હતી. કાર્તિક 20મી ઓવરના છેલ્લા બૉલે આઉટ થયા હતા.


ઇમેજ સ્રોત, MohFW, GoI


આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
YouTube કન્ટેન્ટ પૂર્ણ
તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો












