You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
ગુજરાતમાં નેતાઓ સામેના ક્રિમિનલ કેસ દૈનિક ધોરણે ચલાવવા આદેશ- Top News
ગુજરાત હાઇકોર્ટના રજિસ્ટ્રાર જનરલે રાજ્યની તમામ જિલ્લા કોર્ટોને આદેશ કર્યો છે કે વર્તમાન અને ભૂતપૂર્વ સાંસદો તથા ધારાસભ્યો સામેના પડતર ક્રિમિનલ કેસોને દૈનિક ધોરણે ચલાવી તેનો નિકાલ કરવામાં આવે.
ઉલ્લેખનીય છે કે ભાજપ-કૉંગ્રેસના સાંસદો-ધારાસભ્યો (વર્તમાન-ભૂતપૂર્વ બંને) સામે ગુજરાતમાં વિવિધ કોર્ટમાં કુલ 92 જેટલા કેસ પડતર છે. જેમાં કૉંગ્રેસના રાહુલ ગાંધીથી લઈ ભાજપના પ્રદીપસિંહ જાડેજા અને અપક્ષ ધારાસભ્ય જિગ્નેશ મેવાણી સહિતના સામે કોર્ટમાં કેસ પડતર છે.
ભારતમાં કોરોના મરણાંક એક લાખને પાર
સરકારી આંકડાઓ અનુસાર ભારતમાં કોરોના વાઇરસથી મૃત્યુ પામનારની સંખ્યાનો આંક એક લાખને વટાવી ગયો છે.
આરોગ્ય મંત્રાલયના આંકડા મુજબ ગત રાત્રિએ આંકડો 1,00,768ને સ્પર્શી ગયો હતો.
સરકારે એક તરફ જ્યાં અનલૉક-5ની માર્ગદર્શિકા જાહેર કરી છે, તો બીજી તરફ દેશમાં સંક્રમિત કેસોની સંખ્યા સતત વધી રહી છે અને મરણાંક પણ એક લાખને પાર થઈ ગયો છે.
ભારતમાં અત્યાર સુધી કોરોનાના કુલ 64,64,012 કેસ નોંધાઈ ચૂક્યા છે. જેમાં છેલ્લા 15 દિવસથી રિકવરી રેટ 77 ટકા નોંધાયો છે. એટલે કે દેશમાં દર 100માંથી 77 સંક્રમિત વ્યક્તિ સાજી થઈ રહી છે.
ગુજરાતમાં વિરોધપ્રદર્શનો, ઇન્ડિયા ગેટ પર 144 કલમ
ગુજરાતમાં વિરોધપ્રદર્શનનો દોર ચાલી રહ્યો છે. જેમાં કેન્દ્રની મોદી સરકારે લાવેલા કૃષિ બિલ, હાથરસ કથિત સામૂહિક બળાત્કાર કેસ અને સ્કૂલની ફી મુદ્દે વિરોધપ્રદર્શનો યોજાયા હતા.
ગઈ કાલે કૉંગ્રેસ નેતા પરેશ ધાનાણીએ શાળાઓની ફી મુદ્દે પ્રતીક ઉપવાસ સાથે વિરોધપ્રદર્શન કરતા પોલીસે તેમની અટકાયત કરી હતી.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
આ દરમિયાન દેશભરમાં હાથરસકાંડના વિરોધમાં પ્રદર્શનો થઈ રહ્યા છે. દિલ્હીમાં આજે પ્રદર્શનોને ધ્યાને લઈ ઇન્ડિયા ગેટ પાસે કલમ ૧૪૪ લાગુ કરી દેવાઈ છે.
અમદાવાદ, ખેડા, આણંદ સહિતના જિલ્લાઓ-શહેરોમાં વિપક્ષ અને અને કેટલાક નાગરિકો સંગઠનો દ્વારા પ્રદર્શનો થયા હતા.
બીજી તરફ વળી વાલીમંડળ દ્વારા પણ સતત કેટલાક દિવસથી સ્કૂલ ફી મુદ્દે પ્રદર્શનની ગતિવિધિઓ તેજ થઈ હોવાનું સ્થાનિક મીડિયામાં જોવા મળ્યું છે.
ટ્રમ્પે લાદેલા એચ-1બી વિઝા પ્રતિબંધોનો અમલ અમેરિકી કોર્ટે અટકાવ્યો
'બિઝનેસ સ્ટાન્ડર્ડ'ના અહેવાલ અનુસાર અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે કેટલાક મહિનાઓ પૂર્વે લાદેલ એચ-1બી વિઝા પ્રતિબંધનો અમલ અમેરિકાની ડિસ્ટ્રિક્ટ કોર્ટે અટકાવી દીધો છે.
નોર્ધન ડિસ્ટ્રિક્ટ ઑફ કૅલિફોર્નિયાના જજ જેફરી વ્હાઇટે આદેશ આપતા કહ્યું કે ડોનાલ્ડ ટ્રમ્પે બંધારણની સત્તા ઓળંગી છે.
અત્રે નોંધવું કે ટ્રમ્પે જૂનમાં એચ-1બી વિઝા સહિતની કેટલાક કેટેગેરીના નવા વિઝા ઇસ્યૂ કરવા પર વર્ષના અંત સુધી પ્રતિબંધ લગાવતો એક્ઝિક્યુટિવ આદેશ જારી કર્યો હતો.
પરંતુ કોર્ટે ઉપરોક્ત આદેશ આપતા હવે ભારતની આઈટી કંપનીઓ માટે રાહતના સમાચાર આવ્યા હોવાનું માનવામાં આવી રહ્યું છે.
મૂળ ગુજરાતની 'ઇસ્સા બ્રધર્સ' 8.8 અબજ ડૉલર્સમાં વૉલમાર્ટની કંપની ખરીદશે
બિલિયોનર ઇસ્સા બ્રધર્સે વૉલમાર્ટની કંપની 'અસ્દા'માં શેર્સ ખરીદવાની બિડ જીતી લેતા તેઓ હવે 8.8 અબજમાં કંપની ખરીદવા જઈ રહ્યા છે.
તેઓ વૉલમાર્ટ પાસેથી બ્રિટનની સુપર માર્કેટ ચેઇન 'અસ્દા' ખરીદશે. બ્રિટિશ ચાન્સેલર રિશી સૂનાકે પણ આ ડીલને આવકારી છે.
મૂળ ગુજરાતના મોહસીન અને ઝુબેર ઇસ્સા અને ટીડીઆર કેપિટલના સમૂહ 'અસ્દા'માં મેજોરિટી શેર હોલ્ડર બનશે.
ઇસ્સા બ્રધર્સના માતાપિતા 70ના દાયકામાં ભારતથી બ્રિટન સ્થળાંતર થયા હતા.
તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો