You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
હાથરસ કેસ : યોગી સરકારનો નિર્ણય, SP અને DSP સસ્પેન્ડ
- લેેખક, ટીમ બીબીસી ગુજરાતી
- પદ, નવી દિલ્હી
હાથરસ કેસમાં હવે ઉત્તર પ્રદેશ સરકારે તંત્ર સામે કાર્યવાહી કરી છે.
સમાચાર એડન્સી એએનઆઈ પ્રમાણે હાથરસના એસપી, ડીએસપી, ઇન્સ્પેક્ટર અને અન્ય અધિકારીઓને ફરજમોકૂફ કરાયા છે.
શુક્રવારે દિલ્હીના જંતર-મંતર પર નાગરિક સમાજ અને રાજનેતાઓએ હાથરસની ઘટના વિરુદ્ધ પ્રદર્શ કર્યાં હતાં.
દિલ્હી ઉપરાંત દેશનાં અન્ય શહેરોમાંથી પણ પ્રદર્શનો થયાના સમાચાર આવી રહ્યા છે.
આજે શું-શું થયું?
ઉત્તર પ્રદેશના હાથરસમાં થયેલા કથિત ગૅંગરેપ અને હત્યા મામલે રાજકીય વિરોધ તેજ થયો છે.
ઉત્તર પ્રદેશ પોલીસે આજે તૃણમૂલ કૉંગ્રેસના સંસદસભ્યોને પણ હાથરસ બૉર્ડર પર રોકી દીધા હતા.
તૃણમૂલ કૉંગ્રેસના સંસદસભ્ય ડેરેક ઑબરેઇન સાથે ધક્કામુક્કી થતાં તેઓ પડી ગયા હતા.
સમાચાર સંસ્થા એએનઆઈ અનુસાર તૃણમૂલ કૉંગ્રેસના સંસદસભ્ય કકોલી ઘોષ દાસ્તીદારે ઉત્તર પ્રદેશ પોલીસ પર આરોપ મૂકતાં કહ્યું, “તેમને (ડેરેક ઑબરેઇન)ને જમીન પર પાડી દેવામાં આવ્યા, કદાચ તેમને ઈજા પણ થઈ છે. તેમની પર હુમલો થયો છે, આવું કેવી રીતે કરી શકે?”
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
હાથરસમાં મીડિયા પર પ્રતિબંધ
બીબીસી સંવાદદાતા દિલનવાઝ પાશા છેલ્લા બે દિવસથી હાથરસમાં હતા. આજે તેમણે કહ્યું, “હાથરસમાં મીડિયા પર પ્રતિબંધ મૂકી દેવામાં આવ્યો છે. હું પરત આવી ગયો છું અને SIT કેસની તપાસ કરી રહી છે.”
તેમણે વધુમાં કહ્યું, “હાથરસમાં 144ની કલમ પણ લાગુ કરી દેવામાં આવી છે. આ ત્રણ બાબતો હાલ છે.”
આ મામલે વિરોધ કરી રહેલા કૉંગ્રેસ નેતા રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધીનું પોલીસ સાથે ઘર્ષણ થયું છે. રાહુલ ગાંધીની ધરપકડ કરવામાં આવી છે. આ દરમિયાન ઉત્તર પ્રદેશ પોલીસે કહ્યું છે કે આ રેપની ઘટના નથી.
આ કેસમાં પોલીસે રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધી વાડ્રા સહિત 200 લોકો સામે ફરિયાદ દાખલ કરી હતી. એમની સામે મહામારી કાયદા હેઠળ નોઇડાના ઇકોટેક પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ કરવામાં આવી હતી.
ઉત્તર પ્રદેશ હાઈકોર્ટે ફાઇલ કરી સુઓમોટા
અલાહાબાદ હાઈકોર્ટની લખનૌ બૅન્ચે હાથરસમાં દલિત છોકરી પર થયેલા કથિત ગૅંગરેપ અને મૃત્યુના કેસમાં ગુરુવારે સુઓમોટો દાખલ કરી ઉત્તર પ્રદેશ સરકારને નોટિસ પાઠવી છે.
કોર્ટ આ કેસમાં 12 ઑક્ટોબરે હાઈકોર્ટમાં સુનાવણી કરશે. કોર્ટે ગૃહસચીવ, ડીજીપી, એડિશનલ ડીજીપી (લૉ એન્ડ ઑર્ડર) અને હાથરસના ડીજીપીને સુનાવણી દરમિયાન હાથરસમાં રહેવાનો આદેશ આપ્યો છે અને સાથે પીડિતાના પરિવારને હાજર રહેવા કહ્યું છે.
ફૉરેન્સિક રિપોર્ટ પરસવાલ
ઉત્તર પ્રદેશના એડીજી (કાયદો અને વ્યવસ્થા) પ્રશાંત કુમારે કહ્યું હતું કે ફૉરેન્સિક રિપોર્ટમાં સ્પષ્ટ થયું છે કે મહિલાની સાથે રેપ થયો નથી. તેમના કહેવા મુજબ મૃત્યુનું કારણ ગરદનમાં આવેલી ગંભીર ઈજા છે.
તેમણે કહ્યું, “દિલ્હીના પોસ્ટમૉર્ટમ રિપોર્ટમાં છોકરીનું મૃત્યુ ગળામાં ઈજાના કારણે થયં હોવાનું કહેવામાં આવ્યું છે. ફૉરેન્સિક રિપોર્ટ પણ આવ્યો છે, જેમાં સ્પષ્ટ કહેવામાં આવ્યું છે કે જે સૅમ્પલ લેવામાં આવ્યા છે, તેમાં શુક્રાણુ/સ્પર્મ મળ્યું નથી."
"એનાથી સ્પષ્ટ થાય છે કે ખોટી રીતે જાતીય તણાવ ઊભો કરવા માટે આ પ્રકારની વસ્તુ કરવામાં આવી છે. પોલીસે શરૂઆતમાં આ કેસમાં ઝડપી કાર્યવાહી કરી છે અને આગળ પણ યોગ્ય કાર્યવાહી કરાશે.”
કૉંગ્રેસના પ્રવક્તા સુપ્રિયા શ્રીનેતે આનો જવાબ આપતાં કહ્યું, “એડીજી (કાયદો અને વ્યવસ્થા)એ ખૂબ જ ધૃણાસ્પદ વાત કરી છે. તે કહે છે કે રેપ નથી થયો કારણ કે સિમન નથી મળ્યું. થોડો કાયદો જણાવી દઉં. કલમ 375માં 2015માં સુધારો કરવામાં આવ્યો હતો."
"સર્વોચ્ચ ન્યાયાલયે ઉત્તર પ્રદેશ વિરુદ્ધ બાબુનાથ 1994ના કેસમાં સ્પષ્ટ કહ્યું હતું કે માત્ર સિમનનું મળવું કે લિંગનું પેનેટ્રેશન થવું રેપ નથી કહેવાતો, તેનો પ્રયત્ન કરવો પણ રેપ છે, શરમ કરો.”
બીબીસી સાથેની વાતચીતમાં પીડિતાના ભાઈએ કહ્યું, “પોલીસ અમને કાગળ આપ્યા નથી. અમારાં બહેનના મેડિકલ રિપોર્ટ્સ અમને આપવામાં નથી આવ્યા.”
બીબીસી સંવાદદાતા દિલનવાઝ પાશા સાથેની વાતચીતમાં હાથરસના એસપી વિક્રાંત વીરે કહ્યું, “આ જાણકારી ગુપ્ત છે. તપાસનો ભાગ છે. આ ઘટના સાથેના પુરાવાઓ એકઠા કરી રહ્યા છે. ફૉરેન્સિક પુરાવા એકઠા કરવામાં આવ્યા છે.”
હાથરસના ડીએમએ પરિવારને ધમકાવ્યો?
ઇન્ડિયા ટડે ચેનલે બતાવેલા વીડિયોમાં હાથરસના ડિસ્ટ્રિક્ટ મૅજિસ્ટ્રેટ પ્રવીણ કુમાર પીડિતાના પરિવારના સાથે બેઠા છે.
ડીએમ પીડિતાના પિતાને કહે છે, “તમે તમારી વિશ્વસનીયતા ખતમ ન કરો. મીડિયાવાળા વિશે તમને જણાવી દઉં. આજે અડધા જતા રહ્યા છે."
"આવતીકાલે સવાર સુધીમાં બીજા અડધા નીકળી જશે. બે-ચાર રહેશે. તે પણ નીકળી જશે. અમે જ તમારી સાથે ઊભા છીએ. હવે તમારી ઇચ્છા છે. તમારે નિવેદન બદલવું છે. નથી બદલવું. અમે પણ બદલાઈ જઈએ.”
ડીએમનો આ વીડિયો વાઇરલ થયા પછી પીડિતાનાં ભાભીનો વીડિયો પણ વાઇરલ થયો હતો, જેમાં તેમણે ડીએમ આવીને દબાણ કરી રહ્યા હોવાનો દાવો કર્યો હતો.
પીડિતાનાં ભાભીએ કહ્યું, "ધમકીઓ આપે છે. અમને લોકોને ધમકાવવામાં આવશે. કેસ રફે-દફે થઈ જશે. અમને લોકોને અહીં રહેવા નહીં દે. અમારી સાથે ચાલબાજી કરે છે. જબરજસ્તી દબાણ નાખી રહ્યા છે."
ડિસ્ટ્રિક્ટમૅજિસ્ટ્રેટની વિરુદ્ધમાં ભારે નારાજગી
ડિસ્ટ્રિક્ટ મૅજિસ્ટ્રેટની વિરુદ્ધમાં લોકો ટ્વિટર પર ભારે નારાજગી વ્યક્ત કરી રહ્યા છે.
ડિસ્ટ્રિક્ટ મૅજિસ્ટ્રેટે 29 સપ્ટેમ્બરે ટ્વિટર પર લખ્યું હતું, “અમે પીડિતાના પરિવારની સાથે છીએ. તેમની થઈ શકશે તે બધી મદદ કરવામાં આવશે. ફાસ્ટ ટ્રેક કોર્ટમાં સુનાવણી કરીને દોષિતોને સજા આપવામાં આવશે.”
જે ટ્વીટ પર લોકોએ ખૂબ જ ગુસ્સો ઠાલવ્યો હતો. પીડિતાના પિતાને ધમકાવતો એક વીડિયો શૅર કરી વૈભવ યાદવ નામના યુઝરે લખ્યું, “તમે કંઈ રીતે મદદ કરી રહ્યા છો તે દેખાઈ રહ્યું છે, શરમ કરો.”
ડીએમએ 29 સપ્ટેમ્બરે ટ્વીટ કર્યું હતું, “ચંપદા પોલીસ સ્ટેશનના પ્રકરણમાં પીડિતાના પરિવારને પહેલાં 4,12,500 રૂપિયાની આર્થિક સહાય આપવામાં આવી હતી. આજે 5,87,500 રૂપિયાની બીજી મદદ કરવામાં આવી રહી છે. આમ કુલ 10 લાખ રૂપિયાની સહાય આપવામાં આવી છે.”
લોકોએ ડીએમ પર રોષ વ્યક્ત કર્યો હતો અને કહ્યું હતું કોઈની હત્યા અને રેપ જેવી ઘટનાઓને પૈસામાં જ તોલો છો.
નિશા રાય લખે છે, “તમે લીધેલાં વહીવટી પગલાઓને શૅર કરો નહીં કે વળતરની રકમ. તેનાથી અમારી લાગણીઓને હાનિ પહોંચી છે. ડિસ્ટ્રિક્ટ મૅજિસ્ટ્રેટ તરીકે તમારી પાસે યોગ્ય જવાબદારીઓ છે પણ મહિલાઓને સુરક્ષિત રાખવી એ તમારી પ્રાથમિક્તા છે. મહેરબાની કરીને આરોપીઓ પર લીધેલાં પગલાંને શૅર કરો.”
મી. મંજુર નામની વ્યક્તિ લખે છે, “#JusticeForManisha#Hathras કોઈની જિંદગીને પૈસાથી તોલો છો, મારું માનવું છે, પૈસા નહીં ફાંસી આપો.”
તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો