અમદાવાદ : 'પોલીસે દવા ન આપવા દીધી, મારા પપ્પાએ કસ્ટડીમાં જ દમ તોડ્યો'

    • લેેખક, ભાર્ગવ પરીખ
    • પદ, બીબીસી ગુજરાતી માટે

અમદાવાદમાં વેજલપુર પોલીસની કસ્ટડીમાં જુગારધામ ચલાવનારા આરોપીનું મૃત્યુ થતાં કસ્ટોડિયલ ડેથની તપાસ શરૂ કરાઈ છે.

કસ્ટોડિયલ ડેથના કેસમાં ધરપકડ કરાયેલા પોલીસકર્મીઓના મામલે ગુજરાત દેશમાં પ્રથમ ક્રમાંકે છે અને વર્ષ 2019માં દેશમાં સૌથી વધુ કસ્ટોડિયલ ડેથના કેસ પણ તામિલનાડુ બાદ ગુજરાતમાં જ સૌથી વધુ નોંધાયા હતા. નેશનલ ક્રાઇમ રૅકૉર્ડ્સ બ્યૂરોના હાલના આંકડામાં આ વાત સામે આવી છે.

આ આંકડામાં ઉમેરો કરતો વધુ એક કિસ્સો હાલમાં જ અમદાવાદમાં નોંધાયો છે.

બનાવની વિગત એવી છે કે અમદાવાદના દાણીલીમડામાં રહેતા અબ્દુલ કાદર શેખ નામની વ્યક્તિને પોલીસે જુગારધામ ચલાવવાના આરોપમાં પકડી હતી. જોકે, પોલીસસ્ટેશનમાં તેમનું મૃત્યુ થયું છે. 51 વર્ષીય આરોપી કૅન્સરથી પીડાતા હતા.

પરિવારજનોનો આરોપ છે કે દવા ન મળવાથી અબ્દુલ કાદર શેખનું મૃત્યુ થયું છે. જોકે, પોલીસ આ વાતનો ઇન્કાર કરી રહી છે.

અબ્દુલ કાદર શેખના ભાઈ ઇમરાન કાદર બીબીસી સાથેની વાતચીતમાં જણાવે છે કે ગત શનિવારે પોલીસે એમના ઘરે દરોડો પાડીને અબ્દુલની ધરપકડ કરી હતી.

તેઓ કહે છે, "મારા ભાઈને છેલ્લા તબક્કાનું કૅન્સર હતું. પોલીસને ઘણી વિનંતી કર્યા બાદ મને એમને મળવા દીધો. કૅન્સરના દર્દી હોવાથી એમને રોજિંદી દવા લેવાની થાય છે, મેં તેમને ઘરે લઈ જવા દેવા માટે પોલીસને વિનંતી કરી પણ એમણે મારી વાત ન માની."

અબ્દુલ કાદરનાં પુત્રી સનોફરે બીબીસી ગુજરાતીને જણાવ્યું, "મારા પિતાને છેલ્લા તબક્કાનું કૅન્સર હતું અને રાતે મારા કાકાની પોલીસ સાથે માથાકૂટ થઈ હતી. એટલે સવારે હું પિતાને કૅન્સરની દવા અને બીજો સામાન આપવા માટે પોલીસ સ્ટેશન ગઈ હતી પણ મને અંદર જવા નહોતી દેવાઈ."

"એમને દવા પણ આપવા ન દીધી. જેથી એમનું મૃત્યુ થયું. મારા પિતાને જો કૅન્સરની દવા આપવા દીધી હોત તો તેઓ બચી ગયા હોત."

"પોલીસે દવા ન આપવા દીધી અને દવા ન મળી એટલે એમનું મૃત્યુ થયું. અમે પોલીસની આ બર્બરતા સામે કાનૂની કાર્યવાહી કરીશું."

અબ્દુલ કાદર સાથે જ ધરપકડ કરાયેલા મહંમદ પઠાણને કોરોનાનું પરીક્ષણ કરાવવા લઈ જવાઈ રહ્યા હતા ત્યારે અમે તેમની સાથે આ મામલે વાત થઈ.

પઠાણે બીબીસી ગુજરાતીને જણાવ્યું, "દવા મામલે કોઈ માથાકૂટ થઈ હોય એવું યાદ નથી. સવારે અમને ઉઠાડીને પોલીસે ચા-નાસ્તો આપ્યાં હતાં. એ બાદ અમને કોરોના ટેસ્ટ માટે લઈ જવાના હતા. જોકે, આ દરમિયાન અબ્દુલભાઈ સૂઈ ગયા. એમને જ્યારે ઉઠાડવાનો પ્રયાસ કર્યો ત્યારે તેઓ અલ્લાને પ્યારા થઈ ગયા હતા."

આ અંગે સંબંધિત વિસ્તારના ડીસીપી પ્રેમસુખ ડેલુ જણાવે છે, "મૉનિટરિંગ સેલનો દરોડો હતો અને અમને રાતે સાડા બારે આરોપીઓનો કબજો સોંપવામાં આવ્યો હતો."

"ગુજરાત હાઈકોર્ટની ગાઇડલાઇન અનુસાર તેમનો કોરોના ટેસ્ટ કરવાનો હતો અને એ બાદ ગુનો નોંધવાનો હતો એટલે અમે તેમને બહાર જ રાખ્યા હતા. કોઈને લૉકઅપમાં પૂર્યા નહોતા."

"આખું પોલીસ સ્ટેશન સીસીટીવી કૅમેરા હેઠળ છે. અમે 8:30 વાગ્યે તમામને ચા-નાસ્તો આપી કોરોના ટેસ્ટની યાદી તૈયાર કરાવી હતી. એ સમયે અબ્દુલ કાદેર અસ્વસ્થ હોવાની ફરિયાદ કરતાં હાજર પોલીસકર્મીએ 108 ઍમ્બ્યુલન્સ બોલાવી પણ ત્યારે એમનું મૃત્યુ થઈ ગયું હતું."

"કસ્ટડીમાં મૃત્યુ થયું હોવાથી હ્યુમન રાઇટ કમિશનના નિયમ પ્રમાણે અમે જ્યુડિશિયલ મૅજિસ્ટ્રેટ વધેકાસાહેબની સામે તમામ સીસીટીવી ફૂટેજ બતાવી તપાસપંચનામું કર્યું છે. ફૉરેન્સિક લૅબની મદદ પણ લીધી છે."

ડેલુ એવું પણ કહે છે કે જે પોલીસ આરોપીઓને ચા-નાસ્તો કરાવતી હોય એમને દવા આપવામાં શો વાંધો હોઈ શકે?

આ સમગ્ર મામલાની તપાસ કરી રહેલા એસીપી વી. જે. પટેલે બીબીસી ગુજરાતીને જણાવ્યું, "લૉકડાઉનના નિયમો હળવા થયા બાદ આરોપી જુગાન અડ્ડો ચલાવી રહ્યો હતો. એને દવા આપવા માટે પોલીસે ના પાડી કે કેમ એ મામલે તપાસ થઈ રહી છે અને રિપોર્ટ હ્યુમન રાઇટ કમિશન અને સંબંધિત વિભાગને સોંપવામાં આવશે."

નેશનલ ક્રાઇમ રેકૉર્ડ બ્યૂરોના જણાવ્યા અનુસાર ગુજરાતમાં પોલીસ કસ્ટડી દરમિયાન થયેલા મૃત્યુના મોટા ભાગના કિસ્સામાં આપઘાત, બીમારી કે માર્ગ અકસ્માત થયો હોવાનું પોલીસે જણાવ્યું છે.

29 સપ્ટેમ્બરે જાહેર થયેલા આ ડેટા અનુસાર વર્ષ 2019માં તામિલનાડુમાં કુલ 11 આરોપીનાં પોલીસ કસ્ટડી દરમિયાન મૃત્યુ થયાં હતાં. જ્યારે ગુજરાતમાં આ આંક 10નો હતો.

જોકે, આ દરમિયાન ગુજરાતમાં 14 પોલીસ અધિકારીઓની આવા મામલે ધરપકડ કરવામાં આવી હતી, જે દેશમાં સૌથી વધુ છે.

તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો