You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
IPL 2020: ધોની ચેન્નાઈની ટીમને નુકસાન પહોંચાડી રહ્યા છે?
- લેેખક, તુષાર ત્રિવેદી
- પદ, બીબીસી ગુજરાતી માટે
ક્રિકેટ એ અનિશ્ચિતતાની રમત છે તેવી જ રીતે રોમાંચની પણ રમત છે અને તેમાંય 'ઇન્ડિયન પ્રીમિયર લીગ ' (IPL)ની ટી20 ક્રિકેટ ટુર્નામેન્ટને તો રોમાંચનો પર્યાય માનવામાં આવે છે. જોકે, શુક્રવારે રમાયેલી મૅચ આવા જ રોમાંચની અપેક્ષા સાથે જોઈ રહેલા દર્શકોને કોઈ અલગ ટુર્નામેન્ટ જોઈ રહ્યા હોવાનો આભાસ જરૂર થયો હશે.
જેવી રીતે અલગ પ્રકારના ગ્રહમાં પહોંચી ગયાની લાગણી થાય છે બસ એવી જ રીતે શુક્રવારે ચેન્નાઈ સુપર કિંગ્સ અને દિલ્હી કૅપિટલ્સ વચ્ચે રમાયેલી મૅચમાં કોઈ સામાન્ય ક્રિકેટ ટુર્નામેન્ટની મૅચ નિહાળવા પહોંચી ગયા હોવાનો આભાસ થતો હતો.
IPLની આ મૅચમાં દિલ્હી કૅપિટલ્સનો 44 રનથી વિજય થયો હતો. ચેન્નાઈ સુપર કિંગ્સ સામેની આ મેચમાં દિલ્હીએ તેની 20 ઓવરમાં ત્રણ વિકેટે 175 રન કર્યા હતા જેના જવાબમાં મહેન્દ્રસિંહ ધોની જેવા ખ્યાતનામ કૅપ્ટનની ટીમે સાવ હથિયાર હેઠાં મૂકી દીધાં હતાં અને તેમણે જીતવાનો જાણે કોઈ પ્રયાસ જ કર્યો ન હતો.
ચેન્નાઈની ટીમ 20 ઓવરમાં માંડ 131 રન કરી શકી હતી.
ચેન્નાઈની ધીમી શરૂઆત
ત્રણેક દિવસ અગાઉ ચેન્નાઈની ટીમ રાજસ્થાન સામે પણ આવી જ રીતે હારી ગઈ હતી. જોકે, તે મૅચમાં અંતિમ તબક્કામાં હાર નિશ્ચિત થઈ ગઈ હોવા છતાં ધોનીએ છેલ્લી ઓવરમાં ઉપરાઉપરી સિક્સર ફટકારીને ઓછામાં ઓછું ટીમના નેટ રનરેટની તો ચિંતા કરી હતી.
અહીં તો છેલ્લી ચારથી પાંચ ઓવરમાં ધોની અને ફાફ ડુ પ્લેસિસ અને ત્યાર બાદ રવીન્દ્ર જાડેજા રમતા હોવા છતાં આ ધુરંધરોએ જીતવાનો પ્રયાસ તો જવા દો રનરેટ વધારવાનો પ્રયાસ પણ નહોતો કર્યો.
તેઓ એ રીતે રમતા હતા જાણે તેમણે નક્કી જ કરી લીઘું હોય કે આજે તો હાર નક્કી જ છે અને પહેલેથી જ હિંમત હારીને બેઠા હતા.
176 રનના ટારગેટ સામે મુરલી વિજય અને શૅન વૉટ્સને ઇનિંગ્સનો પ્રારંભ કર્યો અને પાંચ ઓવર સુધી તો ટીમનો સ્કોર 25 સુધી માંડ પહોંચ્યો હતો.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
આ એવી ટીમની વાત છે જે પહેલી પાંચ ઓવરમાં તો 50 સુધી પહોંચી જતી હોય છે.
ઇનિંગ્સની ચોથી ઓવરમાં શૅન વૉટ્સને સિકસર ફટકારી હતી તે ચેન્નાઈ સુપર કિંગ્સ તરફથી આ મૅચમાં નોંધાયેલી એક માત્ર સિક્સર હતી.
પૃથ્વી શોએ ધોનીના બૉલરોને હંફાવ્યા
એવું નહોતું કે પિચ એટલી હદે ખરાબ હતી કે રન થઈ શકે તેમ જ નહોતા. દુબઈ ઇન્ટરનેશનલ સ્ટેડિયમની પિચ આજે થોડી અલગ પ્રકારની વર્તણૂક કરતી હતી પરંતુ તેમ છતાં પૃથ્વી શો, શિખર ધવન, રિષભ પંત અને શ્રેયસ ઐય્યર તેની ઉપર આસાનીથી રમી શક્યા હતા.
કેગિસો રબાડા, અક્ષર પટેલ કે અમિત મિશ્રા એવી ખતરનાક બૉલિંગ નહોતા કરી રહ્યા કે તેમની સામે ધોની કે ફાફ ડુ પ્લેસિસ અને જાડેજાને રન બનાવવામાં તકલીફ પડે.
જો આવી જ પરિસ્થિતિ હોય તો ચેન્નાઈ પાસે તો તેમના કરતાય ચડિયાતા બૉલર હતા જેવા કે દીપક ચાહર, સેમ કરન, હેઝલવૂડ, પીયૂષ ચાવલા અને રવીન્દ્ર જાડેજા.
આ બૉલર સામે દિલ્હીના યુવાન બૅટ્સમૅન સારી રીતે રમી શકતા હોય તો ચેન્નાઈની ટીમ ઓછામાં ઓછું લડત તો આપી શકે તેમ હતી જ.
ઓપનર પૃથ્વી શોએ આકર્ષક બૅટિંગ કરી હતી. તેણે નવ બાઉન્ડ્રી અને એક સિક્સર સાથે માત્ર 43 બોલમાં 64 રન ફટકાર્યા હતા જ્યારે શિખર ધવન આજે તેના યુવાન જોડીદારના સહયોગીની ભૂમિકામાં હતો.
તેણે પહેલી વિકેટ માટે 10.4 ઓવરમાં 94 રન ઉમેરવાની સાથે સાથે 27 બોલમાં 35 રન પણ ફટકાર્યા હતા તો રિષભ પંતે તેની આક્રમક સ્ટાઇલમાં રમીને 25 બોલમાં 37 રન ફટકાર્યા હતા.
ધોની હંમેશાં અન્ય માટે પ્રેરક રહ્યા છે અને તેમાં ય ખાસ કરીને યુવાનો માટે આદર્શ. પણ આ ટુર્નામેન્ટમાં તેમની રમત ઉદાહરણરૂપ રહી નથી. તેઓ આમ કરીને ચેન્નાઈની ટીમને નુકસાન કરી રહ્યા છે અને સાથે સાથે પોતાની અંગત પ્રતિષ્ઠા સાથે પણ અન્યાય કરી રહ્યા છે.
તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો