સુશાંતસિંહ રાજપૂતનો પરિવાર કેસની તપાસથી ખુશ નથી : વકીલ

સુશાંતસિંહ રાજપૂતના પરિવારના વકીલ વિકાસસિંહે કહ્યું છે કે સુશાંતસિંહ રાજપૂતનો પરિવાર તપાસની દિશા અને ઝડપથી ખુશ નથી.

શુક્રવારે એક પ્રેસ કૉન્ફરન્સમાં તેમણે કહ્યું, "પરિવારને કેટલાંક દિવસોથી આ અહેસાસ થઈ રહ્યો છે કે ક્યાંકને ક્યાંક આ તપાસને ખોટી દિશામાં લઈ જવામાં આવી રહી છે, જ્યાંથી તમામ વસ્તુઓ સ્પષ્ટ થઈ રહી નથી."

"આ પ્રકારના કેસમાં મોટે ભાગે સીબીઆઈ પ્રેસ સ્ટેટમેન્ટ આપે છે. આજ સુધી એક પણ પ્રેસ સ્ટેટમેન્ટ તેમના તરફથી નથી આવ્યું. તે એક ગંભીર વાત છે. આજના દિવસ સુધી તેમણે શું મેળવ્યું, શું ન મેળવ્યું તેનો તો ખુલાસો કરો."

તેમણે આરોપ લગાવ્યો છે કે, કેસમાં વાર કરવામાં આવી રહી છે. સિંહના કહેવા પ્રમાણે એઇમ્સના એક ડૉક્ટરે તેમને કહ્યું કે સુશાંતની હત્યા કરવામાં આવી છે.

ડ્રગ્સ સાથે જોડાયેલા કેસમાં ફિલ્મ ઇન્ડસ્ટ્રીના લોકોનાં નામ આવવાને લઈને તેમણે કહ્યું, તપાસ એજન્સીઓ મુંબઈ પોલીસની જેમ સ્ટાર્સની પરેડ કરાવી રહી છે.

તેમણે એમ પણ કહ્યું કે જરૂર પડશે તો તેઓ અદાલતના શરણે જશે.

દીપિકા પાદુકોણની પૂછતાછ અને ખેડૂતોનાં પ્રદર્શનની તારીખ સંજોગ કે પ્રયોગ?

ફિલ્મ અભિનેત્રી દીપિકા પાદુકોણ સામે નાર્કોટિક્સ કંટ્રોલ બ્યૂરો(એનસીબી)એ પૂછતાછ માટે સમન્સ જારી કર્યા. આ ઘટનાક્રમમાં એમણે 25 સપ્ટેમ્બર એટલે કે શુક્રવારે એનસીબી કચેરીએ જવાનું હતું.

દીપિકા ઉપરાંત અભિનેત્રી શ્રદ્ધા કપૂર, રાકુલ પ્રિત સિંહ અને સારા અલી ખાનને પણ એનસીબીએ પૂછતાછ માટે સમન્સ મોકલ્યા છે.

ન્યૂઝ એજન્સી એએનઆઈ અને પીટીઆઈએ આ સમાચારની પુષ્ટિ કરી છે. આ સમગ્ર મામલો અભિનેતા સુશાંત સિંહ રાજપૂતના મૃત્યુની તપાસ સાથે જોડાયેલો છે.

24 તારીખે મોડી સાંજે સમાચાર આવ્યા કે દીપિકા 25 સપ્ટેમ્બરની જગ્યાએ હવે 26 સપ્ટેમ્બરે એનસીબીની કચેરીએ જશે. દીપિકા મુંબઈથી બહાર હતા અને 24 સપ્ટેમ્બરે મોડી સાંજે તેઓ મુંબઈ પહોંચ્યા છે.

જોકે સોશિયલ મીડિયા પર દીપિકાની પૂછતાછના ટાઇમિંગને લઈને અનેક લોકો સવાલ પૂછી રહ્યા છે કે આખરે 25 તારીખ માટે જ દીપિકાને સમન્સ કેમ મોકલવામાં આવ્યા.

એનસીબીની પૂછતાછની તારીખ બુધવારે આવી છે, જ્યારે કે દેશભરમાં નવા કૃષિ બિલને લઈને ખેડૂતો પાછલા કેટલાક સમયથી આંદોલન કરી રહ્યા છે. એ જ કડીમાં ખેડૂત સંગઠનોએ 25 સપ્ટેમ્બરે મોટાં પ્રદર્શનોનું એલાન કર્યું છે.

ઊઠી રહેલા સવાલો મામલે બીબીસી સંવાદદાતા સરોજ સિંહના અહેવાલમાં ઇંદિરા ગાંધીએ જાહેર કરેલી કટોકટી વખતનો એક કિસ્સો પણ ટાંકવામાં આવ્યો છે.

'આત્મનિર્ભર ગુજરાત'ની માહિતી આપવાનો સરકારનો ઇન્કાર

ગુજરાત સરકારે ગુરુવારે કહ્યું કે 'આત્મનિર્ભર ગુજરાત સહાય યોજના'ના 14,022 કરોડ રૂપિયા કેટલા લાભાર્થીઓને મળ્યા તેની વિગતો તેઓ આપી શકે તેમ નથી.

ઇન્ડિયન એક્સપ્રેસ અખબારના અહેવાલ પ્રમાણે રાજ્ય વિધાનસભામાં દસ્ક્રોઈના ભાજપના ધારાસભ્ય બાબુભાઈ પટેલે આ સવાલ ઉઠાવ્યો હતો, જેના જવાબમાં સરકારે અક્ષમતા દર્શાવતાં કહ્યું કે આખા રાજ્યમાંથી આ વિગતો ભેગી કરવાની પ્રક્રિયાથી રાજ્યમાં કોવિડ મહામારી સામેની લડતને અસર થઈ શકે છે.

રાજ્યના ઉદ્યોગમંત્રી સૌરભ પટેલે યોજનાની વિગતો વિશેના શૉર્ટ નોટિસ સવાલ પર પ્રતિક્રિયા આપતાં કહ્યું, "આત્મનિર્ભર પૅકેજમાં એક કે બે સરકારી વિભાગો નહીં, પણ સરકારના બધા વિભાગો સંકળાયેલા છે."

"આથી શૉર્ટ નોટિસમાં બધા વિભાગોની માહિતી ભેગી કરવી શક્ય નથી. જો કોઈ સભ્ય કોઈ ચોક્કસ તારીખની માહિતી જાણવા માગતા હોય તો તે હું લગભગ દસ દિવસની અંદર આપી શકું."

ઊંઝાના કૉંગ્રેસના ધારાસભ્ય પૂજાભાઈ વંશે આ બાબતે પૂરક સવાલ પૂછતાં સરકારના આ જવાબ સામે આક્ષેપ કર્યો કે એવું લાગી રહ્યું છે કે યોજનાનો અમલ નથી થઈ રહ્યો.

સરકારે નિયમ વિરુદ્ધ GST વળતરનું ફંડ બીજે વાપર્યું - CAG

દેશના કમ્પ્ટ્રોલર ઍન્ડ ઑડિટર જનરલ (CAG)ના ઑડિટમાં જાણવા મળ્યું છે કે સરકારે જીએસટી વળતર સેસનાં નાણાં પોતાની પાસે રાખ્યાં, જેનાથી જીએસટીની આવક ચોપડા પર વધારે દેખાઈ અને તે નાણાકીય વર્ષમાં નાણાકીય ખાધ ઓછી નજરે આવી.

ઇન્ડિયન એક્સપ્રેસ અખબારના અહેવાલ પ્રમાણે CAGના ઑડિટમાં જાણવા મળ્યું કે 2017-18 અને 2018-19ના વર્ષમાં સરકારે જીએસટી વળતર સેસના 47,272 કરોડ કોન્સૉલિડેટેડ ફંડ ઑફ ઇન્ડિયા (સીએફઆઈ)માં પોતાની પાસે રાખી નિયમ ભંગ કર્યો છે.

અહેવાલ પ્રમાણે નાણામંત્રી નિર્મલા સીતારમણે એટર્ની જનરલ ઑફ ઇન્ડિયાનો મત ટાંકી પાછલા અઠવાડિયે સંસદમાં કહ્યું હતું કે સીએફઆઈના દાયરાની બહાર જીએસટી આવકના ઘટાડા માટે રાજ્યોને વળતર આપવાની કાયદામાં કોઈ જોગવાઈ નથી.

જો કે કેન્દ્ર સરકારે આ જીએસટી સેસની રકમને જીએસટી વળતર ફંડમાં ટ્રાન્સફર કરવાને બદલે સીએફઆઈમાં જાળવી રાખી અને તેનો અન્ય હેતુઓ માટે ઉપયોગ કર્યો.

રાજ્ય સરકાર અને વિપક્ષ વચ્ચે અનેક મુદ્દે ખેંચતાણ વધી

ગુરુવારે વિપક્ષે રાજ્યના 1.36 કરોડ વિદ્યાર્થીઓ અને શાળા-કોલેજના 15 લાખ વિદ્યાર્થીઓ માટે હાલની મહામારીની સ્થિતિને ધ્યાનમાં લઈને ફી માફીની માગ સાથે વિધાનસભામાંથી વૉકઆઉટ કર્યું.

અમદાવાદ મિરર અખબારના અહેવાલ પ્રમાણે વિપક્ષના નેતા પરેશ ધાનાણાની આગેવાનીમાં કૉંગ્રેસના 40 ધારાસભ્યોએ 'લૉકડાઉનની આર્થિક મુશ્કેલીઓ વચ્ચે ફી માફીના મુદ્દે રાજ્ય સરકાર કોઈ નિર્ણય લઈ નથી રહી' તેવા આક્ષેપ સાથે વૉકઆઉટ કર્યું.

કેન્દ્રના કૃષિસુધારા બિલને ખેડૂતવિરોધી ગણાવી ગુજરાત કૉંગ્રેસ તબક્કાવાર વિરોધપ્રદર્શનની તૈયારી કરી રહી છે.

વિપક્ષના નેતા પરેશ ધાનાણીએ રાજ્ય સરકારના આત્મનિર્ભર પૅકેજને લઈને પણ સરકાર પર નિશાન સાધતાં કહ્યું કે આ એક પબ્લિસિટી સ્ટંટ હતો.

તેમણે કહ્યું કે "એક તરફ સરકાર વાઇબ્રન્ટ સમિટના નામે વિદેશી રોકાણ કારોને આમંત્રણ આપે છે અને બીજી તરફ રાજ્યના લોકોને આત્મનિર્ભર થવાનું કહે છે."

કૉંગ્રેસનું કૃષિ બિલો સામે દેશવ્યાપી અભિયાન

ટાઇમ્સ ઓફ ઇન્ડિયા અખબારના અહેવાલ પ્રમાણે કૉંગ્રેસે ગુરુવારે કેન્દ્ર સરકારના હાલના કૃષિ બિલોને ખેડૂતવિરોધી, ગેરબંધારણીય અને દેશના સંઘીય માળખાની વિરુધ્ધ ગણાવી દેશવ્યાપી અભિયાન શરૂ કર્યું.

કૉંગ્રેસેના પ્રવકતા અભિષેક સિંઘવીએ આરોપ લગાવ્યો કે "મોદી સરકાર અને વડાપ્રધાન પોતે આ બિલોની જોગવાઈઓ વિશે લોકોને ગેરમાર્ગે દોરી રહ્યા છે."

તેમણે આરોપ લગાવ્યો કે કેન્દ્ર સરકારના આ બિલો દેશના ખેડૂતોને ઉદ્યોગપતિઓને આધીન બનાવશે. તેમણે નવા કૃષિ બિલોને 'નવી જમીનદારી પ્રથા' ગણાવી.

કૉંગ્રેસેનાં રાજ્ય એકમો અને તેની યુવા પાંખે પણ આ બિલના વિરોધમાં રસ્તા ઉપર પ્રદર્શનો કર્યાં.

દિલ્હી કૉંગ્રેસના પ્રમુખ અનિલ ચૌધરીએ સિંઘવીની વાતનો પડઘો પાડતાં કહ્યું કે રાજ્યનું કૉંગ્રેસ એકમ ભારત શુક્રવારે ભારત બંધના એલાનમાં સક્રિયતાથી ભાગ લેશે.

કૉંગ્રેસ આ મુદ્દે સોશિયલ મીડિયા અભિયાન છેડી 10 ઑકટોબરે કિસાન સંમેલન બોલાવવાની તૈયારી કરી રહ્યું છે.

તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો