You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
ખેડૂતોએ ભારત બંધનું એલાન કેમ આપ્યું? : ક્યાંક હાઈવે પર ચક્કાજામ, ક્યાંક સરઘસો નીકળ્યાં
- લેેખક, ટીમ બીબીસી ગુજરાતી
- પદ, નવી દિલ્હી
દેશભરમાં 25 સપ્ટેમ્બરે ખેડૂત સંગઠનો દ્વારા ભારત બંધનું એલાન આપવામાં આવ્યું છે. કેન્દ્રમાં સત્તામાં રહેલી નરેન્દ્ર મોદી સરકારનાં નવાં ત્રણ કૃષિ બિલોનો ભારતના ખેડૂતો ઉગ્ર વિરોધ કરી રહ્યા છે.
સંસદમાં પાસ કરાયેલાં નવાં કૃષિ બિલના વિરોધમાં અખિલ ભારતીય કિસાન સંઘર્ષ સમન્વય સમિતિ (એઆઈકેએસસીસી)એ 25 સપ્ટેમ્બરે દેશભરમાં બંધનું એલાન આપ્યું છે.
શુક્રવારે વહેલી સવારતી જ ખેડૂતોનાં પ્રદર્શનોના કાર્યક્રમો શરૂ થઈ ગયા હતા.
બિહારના પટણા આરજેડીના તેજ પ્રતાપ યાદવ અને તેજસ્વી યાદવ ટ્રૅક્ટર લઈને પ્રદર્શનમાં જોડાયા હતા. તેમણે કેન્દ્ર સરકારના ત્રણ બિલને ખેડૂતવિરોધ ગણાવ્યા હતા.
તો બીજી તરફ પંજાબમાં પણ આની અસર જોવા મળી હતી.
અમૃતસર-દિલ્હી નેશનલ હાઈવેને જલંધર પાસે બ્લૉક કરવામાં આવ્યો હતો અને ખેડૂતોના આગેવાનોએ સૂત્રોચ્ચાર કરીને વિરોધ કર્યો હતો.
અખિલ ભારતીય કિસાન સંઘર્ષ સમન્વય સમિતિનો દાવો છે કે તેમની સંસ્થા સાથે દેશભરનાં નાનાં-મોટાં 250 કિસાન સંગઠનો પણ જોડાયેલાં છે.
માત્ર પંજાબ, હરિયાણા જ નહીં પણ ઉત્તર પ્રદેશ, કર્ણાટક, તામિલનાડુ, આંધ્ર પ્રદેશ, તેલંગણા, મહારાષ્ટ્ર, મધ્ય પ્રદેશ, રાજસ્થાન, ઉત્તરાખંડ અને બિહારના ખેડૂતો પણ આ વિરોધપ્રદર્શનમાં સામેલ થયા હતા.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
અગાઉ આ બિલના વિરોધમાં સત્તામાં રહેલી ભારતીય જનતા પાર્ટીના એક મુખ્ય સહયોગી પક્ષ અકાલી દળનાં એકમાત્ર મંત્રી હરસિમરત કૌરે મંત્રીપદ છોડી દીધું છે.
વિપક્ષના વિરોધ વચ્ચે પણ સરકારે આ બિલ સંસદમાં પાસ કરી લીધાં છે.
બિલના વિરોધમાં સંસદમાં હોબાળો પણ થયો હતો અને ઉપસભાપતિ હરિવંશે આઠ સાંસદોને સસ્પેન્ડ પણ કર્યા હતા.
બાદમાં સસ્પેન્ડ થયેલા સાંસદોએ આખી રાત સંસદ પરિસરમાં ધરણાં કર્યાં હતાં અને સવારે જ્યારે ઉપસભાપતિ તેમના માટે ચા લઈને આવ્યા ત્યારે તેમની ચા પીવાનો પણ ઇન્કાર કરી દીધો હતો.
કૉંગ્રેસનો આરોપ હતો કે ઉપસભાપતિએ ગૃહમાં ખરડા પરની ચર્ચામાં લોકશાહી પરંપરાઓ અને પ્રક્રિયાઓને નુકસાન કર્યું છે.
વિપક્ષમાં રહેલી પાર્ટીઓ અને અનેક ખેડૂતસંગઠનોનો આરોપ છે કે આનાથી ન્યૂનતમ સમર્થન મૂલ્ય પર અસર પડશે, જ્યારે સરકાર આ આરોપોને નકારે છે.
તો ગુજરાતમાં પણ કૉંગ્રેસ દ્વારા આ બિલોનો વિરોધ કરવામાં આવી રહ્યો છે.
તો સરકારનું કહેવું છે કે 'ભૂતકાળમાં ખેડૂતોને ઉત્પાદિત ચીજો વેચવા માટે રખડવું પડતું હતું, પણ હવે સ્થિતિ એવી નહીં રહે. હવે ખેડૂતો દેશના કોઈ પણ ભાગમાં પોતાનું ઉત્પાદન વેચી શકશે અને તેમને સારી કિંમત પણ મળશે.'
એવો પણ દાવો કરાઈ રહ્યો છે કે આ પછી ખેડૂતોનું જોખમ પણ ઘટી જશે.
સરકારનું કહેવું છે કે કૃષિ બિલમાં ન્યૂનતમ સમર્થન મૂલ્ય (એમએસપી) અને અનાજ-યાર્ડની વ્યવસ્થા ખતમ કરવામાં આવી રહી નથી, પરંતુ ખેડૂતોને સરકાર વિકલ્પ આપી રહી છે.
કયા બિલનો વિરોધ અને શું છે જોગવાઈ?
સૌથી પહેલા એ સમજીએ કે આ ત્રણ બિલોની મુખ્ય જોગવાઈ શું છે.
કૃષક ઊપજ વ્યાપાર અને વાણિજ્ય (સંવર્ધન અને સરળીકરણ) વિધેયક, 2020
આ બિલમાં એક એવી ઇકૉસિસ્ટમ બનાવવાની જોગવાઈ છે કે જ્યાં ખેડૂતો અને વેપારીઓને મંડીથી બહાર પાક વેચવાની આઝાદી હશે.
જોગવાઈમાં રાજ્યની અંદર અને બે રાજ્ય વચ્ચે વેપારને વધારવા માટેની વાત કરાઈ છે. માર્કેટિંગ અને ટ્રાન્સપૉર્ટશન પર ખર્ચ ઓછો કરવાની વાત કરાઈ છે.
કૃષક (સશક્તીકરણ તેમજ સંરક્ષણ) કિંમત આશ્વાસન અને કૃષિસેવા પર કરાર વિધેયક, 2020
આ બિલમાં કૃષિ કરારો પર રાષ્ટ્રીય ફ્રેમવર્કની જોગવાઈ કરવામાં આવી છે.
આ બિલ કૃષિ ઉત્પાદકોનું વેચાણ, ફાર્મસેવાઓ, કૃષિ બિઝનેસ ફાર્મો, પ્રોસેસર્સ, જથ્થાબંધ વિક્રેતાઓ, મોટા રિટેઇલ વેપારીઓ અને નિકાસકારોને ખેડૂતો સાથે જોડવા સશક્ત કરે છે.
અનુબંધિત ખેડૂતોને ગુણવત્તાવાળા બીજની આપૂર્તિ સુનિશ્ચિત કરવી, તકનીકી સહાય અને પાકરક્ષણનું આકલન, ઋણની સુવિધા અને પાકવીમાની સુવિધા અપાશે.
આવશ્યક વસ્તુ (સંશોધન) વિધેયક, 2020
આ બિલમાં અનાજ, કઠોળ, ખાદ્યતેલ, ડુંગળી, બટાકાને જરૂરી વસ્તુઓની સૂચિમાંથી દૂર કરવાની જોગવાઈ છે.
માનવામાં આવે છે કે વિધેયકની જોગવાઈથી ખેડૂતોને યોગ્ય ભાવ મળશે, કેમ કે બજારમાં સ્પર્ધા વધશે.
દેશના ખેડૂતો કેમ વિરોધ કરી રહ્યા છે?
સરકારે પાસ કરેલાં બિલના વિરોધમાં દેશભરના ખેડૂતો વત્તેઓછે અંશે વિરોધ કરી રહ્યા છે. ખાસ કરીને પંજાબ, હરિયાણા, તેલંગણા, પશ્ચિમ બંગાળમાં ઉગ્ર વિરોધ થઈ રહ્યો છે.
ખેડૂતોનું માનવું છે કે આ વિધેયક ધીમેધીમે એપીએમસી (એગ્રિકલ્ચર પ્રોડ્યુસ માર્કેટ કમિટી) એટલે કે સાદી ભાષામાં કહીએ તો મંડીને ખતમ કરી દેશે અને પછી ખાનગી કંપનીઓને પ્રબલન મળશે, જેનાથી ખેડૂતોને તેમની પાકનો યોગ્ય ભાવ નહીં મળે.
ખેડૂત સંગઠનોનો આરોપ છે કે નવા કાયદા લાગુ થતા જ કૃષિક્ષેત્ર પણ મૂડીપતિઓ કે કૉર્પોરેટ્સના હાથમાં ચાલ્યું જશે અને તેનું ખેડૂતોને નુકસાન થશે.
જોકે સરકારનું કહેવું છે કે તે એપીએમસી બંધ નથી કરી રહી, પરંતુ ખેડૂતો માટે એવી વ્યવસ્થા કરી રહી છે, જેમાં તેઓ ખાનગી ખરીદદારોને પોતાના પાકો સારા ભાવે વેચી શકશે.
બીબીસી સંવાદદાતા મોહમ્મદ શાહિદ સાથે વાત કરતાં અંબાલાના એક ખેડૂત કિશન હરકેશ સિંહ મંડી સિસ્ટમ સમાપ્ત થવાનો ડર વ્યક્ત કરે છે.
તેઓ કહે છે કે એક વર્ષ ખાનગી કંપનીઓ સારા ભાવે તમારી પાસેથી પાક ખરીદશે, બાદમાં જ્યારે મંડીઓ બંધ થઈ જશે ત્યારે કૉર્પોરટ કંપનીઓ મનફાવે તેવા ભાવે પાક ખરીદશે.
બિહારમાં 2006માં એપીએમસી ઍક્ટને ખતમ કરી દેવાયો હતો. એવું અનુમાન લગાવાઈ રહ્યું હતું કે ખેડૂતોને રાજ્યમાં પોતાના પાકને મનપસંદ ભાવે વેચવામાં મદદ મળશે.
બિહારના હવાલો આપીને કૃષિ વિશેષજ્ઞ દેવિન્દર શર્મા બીબીસી સંવાદદાતા મોહમ્મદ શાહિદ સાથે વાત કરતાં કહે છે કે જો ખેડૂતોને લઈને બજારની સ્થિતિ સારી હોત તો હજુ સુધી બિહારની સ્થિતિ કેમ નથી સુધરી, ત્યાં પ્રાઇવેટ મંડીઓ, રોકાણ વગેરેની વાત કરવામાં આવી હતી, પરંતુ દર વર્ષે ખેડૂતો પોતાના પાક પંજાબ-હરિયાણામાં લાવીને વેચે છે.
બિલ મામલે સરકારનું શું કહેવું છે?
વડા પ્રધાન મોદીએ આ બિલને "આઝાદી બાદ ખેડૂતોની ખેતીમાં એક નવી આઝાદી" આપનારું ગણાવ્યું છે.
વડા પ્રધાન મોદીએ સરકારની સ્થિતિ સ્પષ્ટ કરતાં કહ્યું હતું કે રાજકીય પાર્ટીઓ વિધેયકને લઈને દુષ્પ્રચાર કરી રહી છે.
તેઓએ કહ્યું કે ખેડૂતોને એમએસપીનો ફાયદો નહીં મળે એ વાત ખોટી છે.
વીડિયો કૉન્ફરન્સથી તેઓએ કહ્યું કે "વચેટિયાઓ જે ખેડૂતોની કમાણીનો મોટો હિસ્સો ખાઈ જતા હતા, તેનાથી બચવા માટે આ વિધેયક લાવવું જરૂરી હતું."
તો અગાઉ ગ્રામીણવિકાસ અને પંચાયતીરાજમંત્રી નરેન્દ્રસિંહ તોમરે કહ્યું હતું, "નવી જોગવાઈ પ્રમાણે ખેડૂતો પોતાનો પાક કોઈ પણ બજારમાં પોતાની મનપસંદ કિંમતે વેચી શકશે. તેનાથી ખેડૂતોને પોતાનો પાક વેચવાનો વધુ મોકો મળશે."
આ ખરડા અંગે સરકાર કહે છે કે આનાથી ખેડૂતોને ઉત્પાદનની સામે યોગ્ય વળતર મળશે અને તેમની આવકમાં વધારો થશે.
વિપક્ષ નેતાઓ સરકારના આ બિલનો વિરોધ કરી રહ્યા છે અને તેને ખેડૂતવિરોધી ગણાવી રહ્યા છે.
કૉંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ આ મામલે ટ્વીટ કરીને કહ્યું, "ખેડૂત જ છે જે છૂટક ખરીદી કરે છે અને ઉત્પાદનનું વેચાણ જથ્થાબંધમાં કરે છે. મોદી સરકારના ત્રણ કાળા ખરડા ખેડૂત અને ખેતમજૂરો પર ઘાતક પ્રહાર છે, જેથી ન તો તેમને એમએસપી અને હક મળે અને મજબૂરીમાં ખેડૂત પોતાની જમીન ધનિકોને વેચી દે. મોદીજીનું એક બીજું ખેડૂતવિરોધી ષડયંત્ર."
કૉંગ્રેસ ગુજરાતના પ્રભારી અને સાંસદ રાજીવ સાતવે અમદાવાદમાં રાજીવ ગાંધી ભવન ખાતે પત્રકારપરિષદ સંબોધી હતી.
તેઓએ જણાવ્યું હતું કે દેશના ખેડૂતો અને મજૂરો રસ્તા પર છે. તેઓ આર્થિક તકલીફોનો સામનો કરી રહ્યા છે. પણ સત્તાના અહંકારમાં મોદી સરકાર ખેતી અને રોજીરોટી છીનવી લઈ ખેતીને મુઠ્ઠીભર પુંજીપતિઓને હવાલે કરી રહી છે.
તેમણે કહ્યું કે કેન્દ્રની મોદી સરકાર ત્રણ વિવિધ કૃષિ કાયદાઓ લાવીને ખેડૂત, ખેતી અને હિન્દુસ્તાનને બરબાદ કરી રહી છે.
હાલમાં દેશભરમાં કોરોના વાઇરસના કેસની સંખ્યા દિવસેદિવસે વધી રહી છે, અને એમાં સરકાર સામેનું આ ખેડૂતો આંદોલન એક મોટી મુસીબત સમાન બની ગયું છે.
તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો