You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
RCB vs KXIP : હારનું કારણ, કેએલ રાહુલની વિક્રમી બેટિંગ કે વિરાટ કોહલીની એ બે ભૂલ?
- લેેખક, તુષાર ત્રિવેદી
- પદ, બીબીસી ગુજરાતી માટે
ગુરુવારે કિંગ્સ ઇલેવન પંજાબના કપ્તા લોકેશ રાહુલની ઝંઝાવાતી ઇનિંગને કારણે મૅચ યાદગાર બની ગઈ અને IPL ક્રિકેટ ટુર્નામેન્ટ તેની આક્રમક ફટકાબાજી માટે જાણીતી છે, આ બાબત ફરી પૂરવાર કરી દીધી છે.
રાહુલ આમ તો બેંગલુરુના વતની છે પરંતુ તેઓ પંજાબ માટે રમી રહ્યા છે અને ગુરુવારે તેમનો મુકાબલો RCB સામે હતો.
આ મૅચને એક જ વાક્યમાં વર્ણવી દેવી હોય તો તેમ કહી શકાય કે રાહુલની ધમાકેદાર બેટિંગ અને વિરાટ કોહલીની ભૂલોથી મૅચ માત્ર ઔપચારિક બનીને રહી ગઈ, જેમાં પંજાબની ટીમનો 97 રનના વિશાળ માર્જિનથી વિજય થયો હતો.
આ તફાવત આગળ જતાં પંજાબને નેટ રનરેટમાં લૉટરી જેવો ફાયદો કરાવશે, જ્યારે RCBની ટીમની હાલત નેટ રનરેટમાં નબળા અર્થતંત્ર જેવી થઈ જશે.
રાહુલની આક્રમક બેટિંગ
કિંગ્સ ઇલેવન પંજાબની ટીમે ટૉસ હાર્યો પરંતુ તેનો ટીમે લાભ પણ લીધો.
20 ઓવરને અંતે માત્ર ત્રણ વિકેટ ગુમાવીને પંજાબે 206 રનનો જંગી સ્કોર ખડકી દીધો, જેના જવાબમાં RCBની ટીમ 17 ઓવરમાં માત્ર 109 રન કરી શકી અને સમેટાઈ ગઈ.
મૅચના હીરો લોકેશ રાહુલ રહ્યા હતા, તેમણે માત્ર 69 બૉલમાં જ 132 રન ફટકારી દીધા હતા.
અંતિમ ઓવર્સમાં તેઓ એટલા ખતરનાક રહ્યા કે 62 બોલમાં સદી પૂરી કર્યા બાદ છેલ્લા સાત બૉલમાં રાહુલે ચાર સિક્સર સાથે 32 રન ફટકારી દીધા હતા.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
પંજાબે છેલ્લી ચાર ઓવરમાં 72 અને છેલ્લી ત્રણ ઓવરમાં 60 રન ફટકાર્યા હતા. રાહુલે 69 બોલની ઇનિંગ્સમાં સાત સિક્સર અને 14 બાઉન્ડરી સાથે 132 રન ફટકાર્યા હતા.
કોહલીની ભૂલો હારનું કારણ?
આઈપીએલના ઇતિહાસમાં RCBની ટીમના આવી કપરી હાલત ભાગ્યે જ જોવા મળી છે.
અગાઉ ક્રિસ ગેઇલ, ડી વિલિયર્સ અને કોહલી મળીને હરીફ ટીમની આવી હાલત કરતા હતા પરંતુ ગુરુવારે કોહલી ઍન્ડ કંપની લાચાર બની ગઈ હતી.
જોકે તેમાં વાંક કોહલી અને તેમની ટીમની ફિલ્ડિંગનો છે. વિરાટ કોહલીએ તેના હરીફને બે જીવતદાન આપ્યા હતા.
રાહુલને મળેલા બે જીવતદાનમાં એક તો સાવ આસાન કૅચ હતો. રાહુલ સસ્તામાં આઉટ થયો હોત તો આ મૅચનું પરિણામ જુદું આવી શક્યું હોત. જોકે તેમ થયું નહીં અને મૅચ એકતરફી બની રહી હતી.
મયંક અગ્રવાલ અને રાહુલે સાત ઓવરમાં 57 રન ઉમેરીને ઇનિંગ્સનો પ્રારંભ કર્યો હતો.
મયંક 20 બૉલમાં 26 રન ફટકારીને આઉટ થયા, એ બાદ અન્ય કોઈ બૅટ્સમૅન 20 રનના આંક સુધી પણ પહોંચી શકયા ન હતા.
રાહુલનો પ્રભાવ હતો કેમ કે તેઓ એકલા હાથે જ તેમની ટીમનો સ્કોર 200ને પાર પહોંચાડવા પીચ પર રહ્યા.
સ્ટેઇન, ઉમેશ યાદવ અને શિવમ દુબે પણ ન ચાલ્યા
ડેલ સ્ટેઇન જેવા ખતરનાક ઝડપી બોલર આજે સાવ લાચાર અવસ્થામાં હતા.
તેમણે ચાર ઓવરમાં 57 રન આપ્યા હતા, ઉમેશ યાદવને તો કોહલીએ ચોથી ઓવર આપવાનું જ જોખમ જ ન લીધું, કેમ કે તે ત્રણ ઓવરમાં જ 35 રન તેઓ આપી ચૂક્યા હતા.
આવી જ હાલત શિવમ દુબેની હતી, જોકે તેમણે ત્રણ ઓવરમાં 33 રન આપવાની સાથે-સાથે બે વિકેટ પણ લીધી હતી.
પ્રારંભથી જ અશક્ય ટાર્ગેટ
મૅચ જીતવા માટે 207 રનનો ટાર્ગેટ RCB માટે પ્રારંભથી જ અશક્ય બની ગયો હતો કેમ કે પહેલી જ ઓવરમાં પ્રતિભાશાળી બૅટ્સમૅન દેવદત્ત પડ્ડિકલ આઉટ થઈ ગયા, નવમી ઓવર સુધીમાં તો વિરાટ કોહલી, ડી વિલિયર્સ અને એરોન ફિંચ સહિત પાંચ ખેલાડી આઉટ થઈ ગયા હતા.
એ બાદ માત્ર 20 ઓવર પૂરી કરવાની ઔપચારિકતા બાકી રહી હતી પરંતુ RCBના બૅટ્સમૅનને અંડર-19 લેગ સ્પિનર રવિ બિશ્નોઈ અને મુરુગન અશ્વિને ત્યાં સુધી પહોંચવા ન દીધા. માંડ-માંડ RCB ટીમ 17 ઓવર રમી શકી હતી.
વૉશિંગ્ટન સુંદરે સૌથી વધુ 30 અને ડી વિલિયર્સે 28 રન ફટકાર્યા હતા તો વિરાટ કોહલી માત્ર એક રન કરી શક્યા હતા, જ્યારે દેવદત્ત પણ એક જ રનના સ્કોરે આઉટ થયા હતા.
બિગ બેશ લીગમાં પ્રશંસનીય રમત દાખવનારા બૅટ્સમૅન જોશ ફિલિપ શૂન્ય પર આઉટ થયા હતા.
રાહુલે સદી સાથે સર્જેલા વિક્રમ
લોકેશ રાહુલનું ગુરુવારનું પ્રદર્શન યાદગાર રહ્યું અને આ સાથે જ કેટલાક વિક્રમો સર્જાયા હતા.
આઈપીએલના ઇતિહાસમાં કોઈ પણ ભારતીય બૅટ્સમૅન માટેનો આ સર્વોચ્ચ સ્કોર છે.
આઈપીએલમાં ભારત સિવાયના ખેલાડીઓમાંથી ક્રિસ ગેઇલ 175 રનનો રેકૉર્ડ ધરાવે છે પરંતુ ભારતીય બૅટ્સમૅનમાં ઋશભ પંતના નામે 128 રનનો રેકૉર્ડ હતો, જે ગુરુવારે લોકેશ રાહુલે પાર કરી દીધો હતો.
આ સાથે જ આ યાદીમાં તેમણે વીરેન્દ્ર સહેવાગ, મુરલી વિજયને પણ પાછળ છોડી દીધા છે.
આ સાથે જ રાહુલ સચીન તેંદુલકરનો આઠ વર્ષ જૂનો વિક્રમ તોડવા માટે પણ અખબારોની હેડલાઇનમાં રહ્યા, આઈપીએલમાં સૌથી ઝડપથી 2000 રન ફટકારવાનો વિક્રમ પણ તેમણે પોતાના નામે કર્યો.
તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો