RCB v SRH IPL : કોહલીની ટીમના એ ત્રણ ખેલાડી જેમણે હૈદરાબાદને હારનો રસ્તો દેખાડ્યો

ઇમેજ સ્રોત, Getty Images
- લેેખક, તુષાર ત્રિવેદી
- પદ, વરિષ્ઠ ખેલ પત્રકાર, બીબીસી ગુજરાતી માટે
છેલ્લાં 12 વર્ષથી ઇન્ડિયન પ્રીમિયર લીગ (આઈપીએલ)નું ટાઇટલ ન જીતી શકેલી વિરાટ કોહલીની રૉયલ ચૅલેન્જર્સ બેંગલુરુની ટીમે 2020ની સિઝનની પરફૅક્ટ શરૂઆત કરી છે.
સોમવારે દુબઈમાં રમાયેલી આઈપીએલની ટી20 મૅચમાં સનરાઇઝર્સ હૈદરાબાદ સામે દસ રનથી રોમાંચક વિજય હાંસલ કર્યો હતો.
આ વિજયમાં દક્ષિણ આફ્રિકન બૅટ્સમૅન એબી ડી વિલિયર્સ અને દેવદત્ત પડિકલ્લની બેટિંગમાં અને લેગ-સ્પિનર યુઝવેન્દ્ર ચહલનીનો ફાળો મહત્ત્વનો રહ્યો હતો.
રૉયલ ચૅલેન્જર્સ બેંગલુરુએ પ્રથમ બેટિંગ કરતાં 20 ઓવરમાં પાંચ વિકેટે 163 રન નોંધાવ્યા હતા, જેના જવાબમાં સનરાઇઝર્સ હૈદરાબાદની ટીમ 19.4 ઓવરમાં ઑલઆઉટ થઈ જતાં 153 રન જ કરી શકી હતી.

જ્યારે મૅચ અસામાન્ય બની ગઈ

ઇમેજ સ્રોત, Bcci\ipl
દેવદત્ત પડિકલ્લે શાનદાર બેટિંગ કરી હતી. કર્ણાટકના આ ક્રિકેટરે આઠ આકર્ષક બાઉન્ડરી સાથે 42 બૉલમાં 56 રન ફટકારી દીધા હતા.
એરોન ફિંચ બે સિક્સર સાથે 29 રન ફટકારીને આઉટ થઈ ગયા એ બાદ કપ્તાન વિરાટ કોહલીએ પણ નિરાશ કર્યા હતા અને માત્ર 14 રન કરી શક્યા હતા.
અહીં સુધી બધુ નૉર્મલ ચાલી રહ્યું હતું અને એક સામાન્ય ક્રિકેટ મૅચ જેવી જ રમત રમાતી હતી પરંતુ ડી વિલિયર્સે અહીંથી આક્રમણનો હવાલો સંભાળી લીધો હતો.
ડી વિલિયર્સ મિ. 360 તરીકે પણ ઓળખાય, એ વાતને પૂરવાર કરતાં આ સ્ટાઇલિશ બૅટ્સમૅને મેદાનની ચારે તરફ શૉટ્સ ફટકાર્યા હતા.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
ડી વિલિયર્સે બાકી રહેલી ઓવરમાં જાણે ઝંઝાવાત સર્જ્યો, તેમણે 170.00ના સ્ટ્રાઇક રેટથી બેટિંગ કરીને માત્ર 30 જ બૉલમાં 51 રન ફટકારી દીધા હતા.
બેંગલુરુની જીત પર આ ઇનિંગ્સનો ઘણો પ્રભાવ રહ્યો હતો અને તેમની 51 રનની બેટિંગને કારણે જ રૉયલ ચૅલેન્જર્સ બેંગલુરુની ટીમ 163 રનના આંક સુધી પહોંચી શકી હતી.

હૈદરાબાદની બૉલિંગમાં નિરાશા

ઇમેજ સ્રોત, Bcci\ipl
વૉર્નરે 20 ઓવર પૂરી કરવા માટે સાત બૉલર અજમાવવા પડ્યા, જેમાં સૌથી નિરાશાજનક પ્રદર્શન અફઘાનિસ્તાનના રાશિદ ખાનનું જોવા મળ્યું હતું.
સોમવારે સવારે જ રાશિદ ખાને જાહેર કર્યું હતું કે તેઓ વિકેટ ખેરવવા તરફ નહીં પરંતુ બૅટ્સમૅનને બાંધી રાખવા પ્રત્યે ધ્યાન કેન્દ્રિત કરતા હોય છે.
આવું કહેનારા રાશિદ ખાને તેમની ચાર ઓવરમાં 31 રન આપ્યા હતા પરંતુ તેમને એકેય વિકેટ મળી નહોતી.
આવી જ રીતે ભુવનેશ્વર કુમારને પણ એકેય વિકેટ મળી ન હતી અને તેમણે પોતાની ચાર ઓવરમાં 25 રન આપ્યા હતા.
નટરાજન, વિજય શંકર અને અભિષેક શર્મા એક-એક વિકેટ લેવામાં સફળ થયા હતા.

ચહલે જીત નિશ્ચિત કરી

ઇમેજ સ્રોત, Bcci\ipl
ડી વિલિયર્સ જેવા જ આક્રમક અને સ્ટાઇલિશ ઑપનર ડેવિડ વૉર્નર માટે આ મૅચ નિરાશાજનક રહી, તેઓ બીજી જ ઓવરમાં માત્ર છ રનના સ્કોરે રનઆઉટ થઈ ગયા હતા.
જોની બેરસ્ટો અને મનીષ પાંડેએ બાજી સંભાળીને 12મી ઓવરમાં સ્કોર 89 સુધી પહોંચાડ્યો પરંતુ ત્યાર બાદ યુઝવેન્દ્ર ચહલ સામે ટીમનો ધબડકો થયો હતો.
બેરસ્ટો અને મનીષ પાંડે રમતા હતા ત્યારે હૈદરાબાદનો વિજય નજીક ભાસતો હતો. ચહલ તેનો જાદુ પાથરે તે પહેલાં આ બંને બૅટ્સમૅને ઉમેશ યાદવ સામે આક્રમક બેટિંગ કરી હતી.
ચહલે ત્રણ વિકેટ ઝડપી લીધી હતી અને તેઓ 'મૅન ઑફ ધ મૅચ' પણ રહ્યા.
ઉમેશ યાદવની ચાર ઓવરમાં 48 રન થયા હતા અને તેમને એકેય વિકેટ મળી નહોતી. આઈપીએલમાં તેમણે 17મી વખત એક ઇનિંગ્સમાં 40થી વધારે રન આપ્યા છે.

દુબઈની પીચ માફક આવી?
દુબઈ ઇન્ટરનેશનલ સ્ટેડિયમની પીચ સ્પિનર્સને માફક આવે છે, ચહલે તે પૂરવાર કરી દીધું હતું.
તે અગાઉ ડી વિલિયર્સે એવા સંકેત આપી દીધા હતા કે તેના માટે મેદાન કે પીચનું ખાસ મહત્ત્વ રહેતું નથી, તેઓ ગમે તેવા સંજોગોમાં આક્રમક બેટિંગ માટે ટેવાયેલા છે.
દુબઈ ઇન્ટરનેશનલ ક્રિકેટ સ્ટેડિયમની ધીમી વિકેટ પર રૉયલ ચૅલેન્જર્સ બેંગલુરુ 20 ઓવરમાં 163 રનનો સ્કોર ખડકી દીધો હતો.
આ ટુર્નામેન્ટમાં અત્યાર સુધી જે રીતે મૅચો રમાઈ છે અને સ્કોર થયા છે તે જોતાં આ સ્કોર ઘણો મોટો કહી શકાય.
સનરાઇઝર્સના બિનઅનુભવી મિડલ ઑર્ડરને ટીમની નિષ્ફળતા માટે જવાબદાર ગણી શકાય.
ડેવિડ વૉર્નર આગામી મૅચમાં આ અંગે ચોક્કસ વિચારણા કરશે અને તેના મિડલ ઑર્ડરમાં ન્યૂઝીલૅન્ડના કૅપ્ટન કેન વિલિયમ્સનને સ્થાન આપશે.
આઈપીએલની 13મી સિઝનમાં RCBની ટીમ હવે 24મીએ કિંગ્સ ઇલેવન પંજાબ સામે રમશે, જ્યારે સનરાઇઝર્સ હૈદરાબાદની ટીમ 26મીએ કોલકાતા નાઇટ રાઇડર્સ સામે રમશે.


ઇમેજ સ્રોત, MohFW, GoI


તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો












