IPL MI vs CSK : મહેન્દ્રસિંહ ધોનીનો એ નિર્ણય જેણે મુંબઈ ઇન્ડિયન્સના હાથમાંથી પહેલી મૅચ આંચકી લીધી

ઇમેજ સ્રોત, Getty Images
- લેેખક, તુષાર ત્રિવેદી
- પદ, વરિષ્ઠ ખેલ પત્રકાર, બીબીસી ગુજરાતી માટે
આઈપીએલની શનિવારથી શરૂ થયેલી 13મી સિઝનની પહેલી મૅચમાં મુંબઈ ઇન્ડિયન્સની ચેન્નાઈ સુપર કિંગ્સ સામે હાર થઈ છે.
આ પહેલી વખત નથી કે જ્યારે મુંબઈ ઇન્ડિયન્સ સિઝનની તેમની પહેલી મૅચ હારી ગઈ હોય.
શનિવારની હારને પણ સામેલ કરીએ તો મુંબઈની ટીમ આઈપીએલના ઇતિહાસમાં આઠ વખત સિઝનની પહેલી મૅચ હારી ચૂકી છે.
અંબાતી રાયડુ અને દક્ષિણ આફ્રિકાના બૅટ્સમૅન ફાફ ડુ પ્લેસિસની શાનદાર બેટિંગથી ચેન્નાઈ સુપર કિંગ્સે શનિવારે પ્રથમ જ મૅચમાં મુંબઈ ઇન્ડિયન્સ ટીમને પાંચ વિકેટથી હરાવી હતી.
ઇન્ડિયન પ્રીમિયર લીગમાં ચાર-ચાર વખત ચૅમ્પિયન બનેલી મુંબઈ ઇન્ડિયન્સ ટીમની સૌથી મોટી નબળાઈ દબાણને વશ થઈ જવાની છે.
ચેન્નાઈ સુપર કિંગ્સે દબાણમાં પણ સફળતા હાંસલ કરવાની પોતાની કાબેલિયત ફરી એક વાર દાખવી દીધી હતી.
મુંબઈ ઇન્ડિયન્સે પ્રથમ બેટિંગ કરતાં 20 ઓવરમાં નવ વિકેટે 162 રનનો સ્કોર નોંધાવ્યો હતો જેના જવાબમાં ચેન્નાઈએ 19.2 ઓવરમાં પાંચ વિકેટ ગુમાવીને ટાર્ગેટ વટાવી દીધો હતો.
રાયડુએ 71 તથા ફાફ ડુ પ્લેસિસે 55 રન ફટકાર્યા હતા.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર

ચેન્નાઈની કંગાળ શરૂઆત

ઇમેજ સ્રોત, Getty Images
મૅચ જીતવા માટે 163 રનના ટાર્ગેટ સામે રમી રહેલી ચેન્નાઈ સુપર કિંગ્સનો પ્રારંભ અત્યંત કંગાળ રહ્યો હતો.
પહેલી જ ઓવરમાં ટ્રેન્ટ બૉલ્ટે છેલ્લા બૉલે શેન વૉટ્સનને લેગબિફોર કરી દીધો અને ચેન્નાઈના કૅમ્પમાં હજી કોઈ વિચારણા થાય તે પહેલાં જેમ્સ પેટિન્સન ત્રાટક્યો હતો.
તેણે બીજી ઓવરના છેલ્લા બોલે મુરલી વિજયને આઉટ કરી દીધો હતો. આમ બે બૅટ્સમૅન લેગબિફોર થતાં ચેન્નાઈ મુસિબતમાં મુકાઈ ગયું હતું.
'આઈપીએલમાં ગમે તે ક્ષણે ગમે તે થઈ શકે' આ ઉક્તિને રાયડુ અને ડુ પ્લેસીસે સાચી ઠેરવી હતી. અંબાતી રાયડુ તો મેચનો હીરો બની ગયો હતો.
ગયા વર્ષે જ વર્લ્ડ કપની ટીમમાં સામેલ નહીં કરાતાં અકળાઈને નિવૃત્તિ જાહેર કરી દેનારા રાયડુએ આજે જે સ્ટાઇલથી બેટિંગ કરી હતી તે લાજવાબ હતી.

ઇમેજ સ્રોત, Getty Images
રાયડુએ માત્ર 33 બોલમાં જ તેની અડધી સદી પૂરી કરી, જેમાં બે સિક્સર અને છ બાઉન્ડરીનો સમાવેશ થતો હતો. આઈપીએલમાં પોતાની 148મી મૅચ રમતાં રાયડુએ 19મી અડધી સદી ફટકારી હતી.
આ દરમિયાન ચેન્નાઈએ તેના 100 રન 13.1 ઓવરમાં પૂરા કર્યા હતા. મુંબઈ આ માટે 12 ઓવર રમ્યું હતું.
રાયડુ આઉટ થઈ ગયા બાદ રવીન્દ્ર જાડેજા દસ રન કરી શક્યો હતો. જોકે ટીમને ટાર્ગેટની નજીક પહોંચાડવામાં સેમ કરને છ બોલમાં બે સિક્સર સાથે ઝંઝાવાતી 18 રન ફટકાર્યા હતા.
મુંબઈ માટે સૌથી નિરાશાનજક બાબત જસપ્રીત બુમરાહની નિષ્ફળતા હતી. આ સ્ટ્રાઇક બૉલરે ચાર ઓવરમાં 43 રન આપી દીધા હતા.

ધોનીના નિર્ણયથી બાજી પલટાઈ

ઇમેજ સ્રોત, Getty Images
ચેન્નાઈ સુપર કિંગ્સના કૅપ્ટન મહેન્દ્રસિંહ ઘોનીએ ટોસ જીતીને મુંબઈને પ્રથમ બેટિંગ કરવાનું આમંત્રણ આપ્યું હતું.
રોહિત શર્મા અને ડી કોકે આત્મવિશ્વાસ સાથે ઇનિંગ્સનો પ્રારંભ કર્યો હતો અને પાંચમી ઓવર સુધીમાં તો ટીમનો સ્કોર 46 ઉપર પહોંચાડી દીધો.
જોકે આ તબક્કે ધોનીએ બૉલિંગમાં પરિવર્તન કર્યું અને પીયૂષ ચાવલાને ઓવર આપી હતી.
આઈપીએલમાં સૌથી અનુભવી ભારતીય સ્પિનર ચાવલાએ ટીમને પહેલી સફળતા અપાવવામાં વાર ન કરી અને મુંબઈના કૅપ્ટન રોહિત શર્માને પૅવેલિયનભેગા કરી દીધા, રોહિત માત્ર 12 રન કરી શક્યા હતા.
ડી કોક લાંબી ઇનિંગ્સ રમશે તેની અટકળ શરૂ થઈ ત્યાં તો અંગ્રેજ બૉલર સેમ કરને તેમને પણ પૅવેલિયનમાં મોકલી આપ્યા.
દક્ષિણ આફ્રિકાના આ બૅટ્સમૅને 20 બૉલમાં 32 રન ફટકાર્યા હતા. મુંબઈની ઇનિંગ્સની શ્રેષ્ઠ બેટિંગ પાંચમી ઓવરથી 11મી ઓવર દરમિયાન જોવા મળી, જ્યારે સૌરભ તિવારી બેટિંગ કરતા હતા.
તિવારીએ લાંબા સમય બાદ આવી આકર્ષક બેટિંગ કરી હતી.
તેમણે સૂર્યકુમાર યાદવ સાથે ત્રીજી વિકેટ માટે 44 રન ઉમેરવાની સાથે-સાથે 31 બૉલમાં 42 રન ફટકાર્યા, જેમાં એક સિક્સર ઉપરાંત ત્રણ બાઉન્ડરીનો સમાવેશ થાય છે.

એ ખેલાડીઓ જેમને મૅચ પલટી કાઢી
આ સાથે સૌરભ તિવારી આઈપીએલની આ સિઝનમાં સિક્સર ફટકારનારા પ્રથમ બૅટ્સમૅન બન્યા તો પીયૂષ ચાવલા વર્તમાન સિઝનમાં વિકેટ ખેરવનારા પ્રથમ બૉલર બન્યા હતા.
લસિત મલિંગા અને અમિત મિશ્રા બાદ તેઓ આઈપીએલમાં સૌથી વધુ વિકેટ ખેરવનારા ત્રીજા ક્રમના બૉલર બની ગયા છે.
મલિંગાએ 170, મિશ્રાએ 157 અને ચાવલાએ 151 વિકેટ ઝડપી છે.
તિવારી અને યાદવ આઉટ થયા બાદ મુંબઈની ઇનિંગ્સ માત્ર ઔપચારિકતા રહી ગઈ હતી કેમ કે કેઇરોન પોલાર્ડ અને હાર્દિક પંડ્યાએ આવતાની સાથે સિક્સર ફટકારી પણ તેઓ લાંબું ટકી ન શક્યા.
પોલાર્ડે 14 બૉલમાં 18 અને હાર્દિક પંડ્યાએ દસ બૉલમાં 14 રન ફટકાર્યા હતા.
ચેન્નાઈ સુપર કિંગ્સને આ મૅચમાં પરત લાવવામાં સાઉથ આફ્રિકન ઝડપી બૉલર લુંગી એંગિડી, દીપક ચહર તથા સૌરાષ્ટ્રના ઑલરાઉન્ડર રવીન્દ્ર જાડેજાએ મહત્ત્વની જવાબદારી નિભાવી હતી.
એંગિડીએ ચાર ઓવરમાં 38 રન આપ્યા હતા, પરંતુ ત્રણ વિકેટ લીધી હતી તો જાડેજા અને દીપક ચહરને ફાળે બે-બે વિકેટ આવી હતી.
વર્તમાન સિઝનમાં ચેન્નાઈ સુપર કિંગ્સની ટીમ 22મીએ રાજસ્થાન રૉયલ્સ સામે રમશે, જ્યારે મુંબઈની ટીમ 23મીએ કોલકાતા નાઇટ રાઇડર્સ સામે ટકરાશે.


ઇમેજ સ્રોત, MohFW, GoI


આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
YouTube કન્ટેન્ટ પૂર્ણ
તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો












