You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
IPL 2020 : રવીન્દ્ર જાડેજા ઇતિહાસ રચશે, એક મહત્વના રેકર્ડની નજીક
- લેેખક, તુષાર ત્રિવેદી
- પદ, વરિષ્ઠ ખેલ પત્રકાર, બીબીસી ગુજરાતી માટે
ઇન્ડિયન પ્રીમિયર લીગનો શનિવારથી પ્રારંભ થઈ રહ્યો છે. આ સૌથી લોકપ્રિય ટી20 ક્રિકેટ લીગમાં દર વર્ષે ઘણા રેકોર્ડ સર્જાય છે તો સંખ્યાબંધ રેકોર્ડ તૂટતા હોય છે. શનિવારે ચેન્નાઈ સુપર કિંગ્સની ટીમ તેની પહેલી મેચમાં મુંબઈ ઇન્ડિયન્સ સામે રમવા મેદાનમાં ઉતરશે ત્યારે તેના સ્ટાર ઓલરાઉન્ડર રવીન્દ્ર જાડેજા પાસે એક મહત્વનો રેકોર્ડ નોંધાવવાની તક છે.
આઇપીએલના ઇતિહાસમાં માત્ર બે જ ખેલાડી એવા છે જેમણે 1000 રન અને 100 વિકેટની સિદ્ધિ હાંસલ કરી હોય જેમા ડ્વેઇન બ્રાવો અને રવીન્દ્ર જાડેજાનો સમાવેશ થાય છે. યોગાનુયોગે આ બંને ખેલાડી ચેન્નાઈ સુપર કિંગ્સ સાથે નાતો ધરાવે છે. હવે જાડેજાની વાત કરીએ.
2000 રનની નજીક
સૌરાષ્ટ્રના આ ઓલરાઉન્ડર ભારત માટે પણ ઘણી સિદ્ધિ હાંસલ કરી ચૂક્યા છે. રવીન્દ્ર જાડેજાને આઇપીએલમાં 2000 રન પૂરા કરવા માટે 73 રનની જરૂર છે. તે આમ કરશે તો આઇપીએલમાં 2000 રન ફટકારવાની સાથે 100થી વધુ વિકેટ લેનાર એકમાત્ર ઑલરાઉન્ડર બની જશે.
31 વર્ષના જાડેજા આઇપીએલમાં 170 મૅચ રમ્યા છે. આજ સુધીમાં તેમણે 1927 રન નોંધાવ્યા છે તો સાથે સાથે 108 વિકેટ પણ ઝડપી છે. આમ તેને 2000 રન પૂરા કરવા માટે વધુ 73 રનની જરૂર છે.
ચેન્નાઈ સુપર કિંગ્સના જ અન્ય એક ઑલરાઉન્ડર શેન વોટ્સન પણ આવા જ રેકોર્ડની નજીક છે. તે પણ જાડેજાની માફક બેવડી સિદ્ધિ હાંસલ કરી શકે છે. વોટ્સને 3575 રન નોંધાવવા ઉપરાંત 92 વિકેટ ખેરવી છે. આમ આ સિઝનમાં તે આઠ વિકેટ ઝડપે તો તે પણ 3000થી વધુ રન અને 100થી વધુ વિકેટની બેવડી સિદ્ધિ હાંસલ કરી શકે તેમ છે.
અબુઘાબીના શેખ જાયેદ સ્ટેડિયમ ખાતે શનિવારે ભારતીય સમય મુજબ સાંજે 7.30 કલાકે ચેન્નાઈ સુપર કિંગ્સ અને મુંબઈ ઇન્ડિયન્સ વચ્ચે પ્રારંભિક મુકાબલો ખેલાશે.
તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો