આઈપીએલ : એક બસ મિકેનિકના પુત્રે જ્યારે તરખાટ મચાવ્યો

ઇમેજ સ્રોત, GETTY IMAGES
- લેેખક, તુષાર ત્રિવેદી
- પદ, વરિષ્ઠ ખેલ પત્રકાર, બીબીસી ગુજરાતી માટે
ઇન્ડિયન પ્રીમિયર લીગ (આઈપીએલ)માં છેલ્લી પાંચ ઓવરમાં બૅટ્સમૅન અત્યંત આક્રમક વલણ અપનાવતા હોય છે અને આ ગાળામાં બૉલરોની હાલત કફોડી થઈ જતી હોય છે.
બૉલરનું કોઈ મહત્ત્વ જ રહેતું નથી કેમ કે પ્રેક્ષકોને પણ એ વખતે ચોગ્ગા-છગ્ગાની આતશબાજીમાં જ રસ હોય છે. આ સંજોગોમાં પણ કેટલાક બૉલર એવા હોય છે જે તેમની ધારદાર બૉલિંગ મારફતે ટીમને સફળતા અપાવતા હોય છે.
અગાઉ આઈપીએલમાં ડૅથ ઓવર એટલે કે છેલ્લી પાંચ ઓવરમાં સૌથી સફળ બૅટ્સમૅનની વાત કરી હતી, હવે છેલ્લી પાંચ ઓવરમાં સૌથી વધુ વિકેટ લેનારા બૉલરની વાત કરીએ.
ટી20 મૅચમાં આ એવી પાંચ ઓવર હોય છે જેમાં ગમે ત્યારે મૅચનું પાસું પલટાઈ જતું હોય છે. બૅટ્સમૅનો અત્યંત આક્રમક બની જતા હોય છે અને સિક્સરોની આતશબાજી થતી હોય છે.
આવી જ રીતે એ જ ઓવરોમાં બૉલરને પણ લાભ મળે છે કેમ કે ઝડપથી રન ફટકારવા જતાં બૅટ્સમૅન વિકેટ પણ ગુમાવી દેતા હોય છે. એવામાં બૉલર પણ હાવી થઈ જતા હોય છે.
આ પ્રકારની ડૅથ ઓવરમાં કોઈ સૌથી ખતરનાક હોય તો તે છે શ્રીલંકાના ઝડપી બૉલર લસિત મલિંગા.
આઈપીએલમાં 'મુંબઈ ઇન્ડિયન્સ' માટે રમતા મલિંગા આ સિઝનમાં તો પ્રારંભિક મૅચો ચૂકી જવાના છે કેમ કે શ્રીલંકામાં તેમના પિતા બીમાર છે અને તેઓ હજુ દુબઈ પહોંચ્યા નથી. જોકે આગળ જતાં તેઓ ટીમ સાથે જોડાઈ જશે.

આઈપીએલની ડૅથ ઓવરના કેટલાક ખૂંખાર બૉલરોની યાદી.
લસિત મલિંગા- 90 વિકેટ : શ્રીલંકાના યૉર્કર કિંગ લસિત મલિંગા સિવાય આ યાદીમાં મોખરે કોઈ બૉલરનું નામ હોત તો જ નવાઈ લાગી હોત. મલિંગા તેમના યૉર્કર અને વિચિત્ર ઍક્શનથી ક્રિકેટ ઇતિહાસમાં સૌથી ખતરનાક બૉલર ગણાય છે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
આઈપીએલમાં સૌથી વધુ વિકેટ લેનારા આ બૉલરે 170માંથી 90 વિકેટ એટલે કે લગભગ 50% વિકેટ તો છેલ્લી પાંચ ઓવરમાં જ ઝડપી છે.
ડ્વૅઇન બ્રાવો-77 વિકેટ : આ કૅરેબિયન ઑલરાઉન્ડર આઈપીએલની છેલ્લી ઓવરોમાં તેમની સ્લૉ બૉલિંગ દ્વારા શાનદાર સફળતા હાંસલ કરી ચૂક્યા છે. આ ટી20 લીગમાં 147 વિકેટમાંથી બ્રાવોએ 77 વિકેટ તો છેલ્લી પાંચ ઓવરમાં જ ખેરવેલી છે.
બ્રાવોએ તાજેતરમાં જ તેમની ટી20 કારકિર્દીની 500 વિકેટ પૂરી કરી છે. હવે તે કૅરેબિયન લીગ બાદ અમીરાતનાં મેદાનો પર ધૂમ મચાવવા આવી ગયા છે.
ભુવનેશ્વર કુમાર- 66 વિકેટ : આ યાદીમાં ભુવનેશ્વર કુમારનું નામ આવે તો ખાસ નવાઈ લાગે નહીં
કેમ કે ભારતના આ મોખરાના બૉલરે આઈપીએલ હોય કે ભારત માટે વન-ડે, ટી20 મૅચ રમતા હોય પણ અંતિમ ઓવરોમાં ભલભલા બૅટ્સમેનોને પરેશાન કરી નાખેલા છે. આઈપીએલની ડૅથ ઓવરોમાં સૌથી વધુ વિકેટ લેનારા ત્રણ મોખરાના બૉલરોમાં કુમાર એક માત્ર ભારતીય છે તેમણે 66 વિકેટ ઝડપી છે.
સુનીલ નારાયણ-48 વિકેટ : વેસ્ટ ઇન્ડિઝના આ બૉલરને ઘણી વાર મૅચની પહેલી ઓવર ફેંકવાની તક મળી છે તો સાથે સાથે છેલ્લી ઓવરમાં પણ તેમને અજમાવવામાં આવ્યા છે.
કોલકાતા નાઇટ રાઇડર્સના આ ખેલાડીની કમાલ તો એ છે કે ડૅથ ઓવરોમાં બોલિંગ કરનારા સુનીલ નારાયણ બૅટિંગમાં ઓપનિંગમાં પણ આવે છે. તેમણે ડૅથ ઓવરમાં 48 વિકેટ ઝડપી છે જ્યારે આઈપીએલમાં તેમણે 122 વિકેટ લીધેલી છે.
જસપ્રિત બુમરાહ 34 વિકેટ : માત્ર આઈપીએલ જ નહીં પરંતુ કોઈ પણ લેવલના ક્રિકેટમાં ડૅથ ઓવરના મહારથી ગણાતા આ ગુજરાતી બૉલરનું નામ આવશ્યક બની જાય છે.
બુમરાહે આઈપીએલમાં 77 મૅચમાં 82 વિકેટ લીધી છે અને તેમાંથી 34 વિકેટ તેમણે છેલ્લી પાંચ ઓવરમાં ખેરવી છે. એટલું જ નહીં પરંતુ જ્યાં બૅટ્સમૅન એક એક ઓવરમાં 20-25 રન લેતા હોય ત્યારે ડૅથ ઓવરમાં બુમરાહે ઓવરદીઠ 8.49 રન આપેલા છે.
પીયૂષ ચાવલા-26 વિકેટ : લેગ સ્પિનર ચાવલાનું નામ આ યાદીમાં આવે તે ગૌરવની વાત છે કેમ કે ડૅથ ઓવરોમાં સ્પિનર પર તો વધારે આક્રમણ કરાતું હોય છે. આમ છતાં ચાવલાએ છેલ્લી પાંચ ઓવરમાં 26 વિકેટ ઝડપી છે. આઈપીએલમાં તેમણે કુલ 150 વિકેટ ખેરવેલી છે.

મિકેનિકના પુત્ર ક્રિકેટમાં ડૅથ ઓવરોના ચૅમ્પિયન બૉલર

ઇમેજ સ્રોત, GETTY IMAGES
શ્રીલંકાના મહાન બૉલર લસિત મલિંગા અત્યારે તો 38 વર્ષના થઈ ગયા છે અને ટેસ્ટમાંથી નિવૃત્તિ લઈ ચૂક્યા છે પરંતુ તેમણે આઈપીએલમાં રમવાનું જારી રાખ્યું છે. મલિગાનું નામ પડતા જ ક્રિકેટના રસિકોની સામે તેમના ખતરનાક યૉર્કર બોલ યાદ આવી જાય છે.
તેઓ તેમના કર્લી હેર માટે અને વિવિધ હેરસ્ટાઇલ માટે પણ જાણીતા છે. મલિંગા સામે વિશ્વના ધુરંધર બૅટ્સમૅન પણ પોતાની વિકેટ બચાવી શકતા ન હતા.
આઈપીએલમાં તો મલિંગા અને મુંબઈ ઇન્ડિયન્સ એકબીજાના પર્યાય બની ગયા છે. મુંબઈની ટીમ ચાર વખત આઇપેલમાં ચેમ્પિયન બની છે તેમાં મલિંગાનું યોગદાન વધારે મહત્ત્વનું રહ્યું છે.
આઈપીએલમાં તે સૌથી વધુ વિકેટ લેનારા બૉલર છે. આ વખતે મલિંગા આઈપીએલની પ્રારંભિક મૅચો ચૂકી જશે કેમ કે શ્રીલંકામાં તેમના પિતા બીમાર છે અને તેમની સારવાર માટે મલિંગા થોડો સમય તેમની સાથે જ રોકાઈ જશે.
મલિંગાએ વન-ડે અને ટી20 એમ બંને પ્રકારનાં ક્રિકેટમાં ચાર બૉલમાં ચાર વિકેટની સિદ્ધિ હાંસલ કરી છે. તેમણે વન-ડેમાં એક બે નહીં પરંતુ ત્રણત્રણ વાર હૅટ્રિક લીધેલી છે. મલિંગાએ માત્ર 17 વર્ષની વયે ક્રિકેટ રમવાનો પ્રારંભ કર્યો હતો.
શ્રીલંકાનાં ગોલ ખાતે જન્મેલા મલિંગાના ત્રણ ભાઈઓ હતા અને તેમના પિતા બસ મિકેનિક હતા.
ચાર વર્ષ સુધી તો તેઓ ટૅનિસ બૉલથી જ ક્રિકેટ રમતા હતો ત્યાર બાદ પહેલી વાર તેઓ લૉધર બૉલથી રમ્યા હતા.


ઇમેજ સ્રોત, MohFW, GoI


આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
YouTube કન્ટેન્ટ પૂર્ણ
તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો












