ઊનાનો દલિત પરિવાર સંઘર્ષના આઠ વર્ષ બાદ કેવું જીવન જીવે છે?

ઇમેજ સ્રોત, piyush sarvaiyya
- લેેખક, રોક્સી ગાગડેકર છારા
- પદ, બીબીસી સંવાદદાતા
કલ્પના કરો એક એવા ગામમાં રહેવાની જ્યાં તમારી સાથે કોઈ વાત ન કરે, જ્યાં તમારા સિવાય માનવવસતી 2 કિલોમીટરના અંતરે હોય અને તે પણ બધા જ તમને જાણે નફરતથી જ જોતા હોય! જ્યાં તમે કોઈ તહેવાર કે પ્રસંગમાં કોઈની સાથે સામેલ ન થઈ શકો, જ્યાં તમે રાત્રે સૂતા હોવ તો બહારથી પસાર થયેલી વ્યક્તિ તમારા ઘરના છાપરા પર પથ્થર ફેંકીને જાય અને ગાળો ભાંડતી જાય.
35 વર્ષના પીયૂષ સરવૈયા અને 14 સભ્યોના તેમના પરિવાર માટે આ તમામ ઘટનાક્રમ જાણે દરરોજનો હોય તેમ તેઓ ખૂબ જ સહજતાથી આ તમામ તકલીફો, ભેદભાવ અને ઘૃણા વચ્ચે લગભગ છેલ્લાં બે વર્ષોથી રહી રહ્યા છે.
આ દલિત પરિવાર હાલમાં ઊના તાલુકાના દેલવાડા ગામમાં રહે છે.
આ સરવૈયા દલિત પરિવાર ઊનાના દલિત અત્યાચારના ચહેરા બની ચૂકેલા એવા બાલુભાઈ સરવૈયાના દૂરના સંબંધી છે.
બાલુભાઈના ચાર દીકરાને 2016માં કથિત ગૌરક્ષકોએ ભરબજારે માર મારી તેમનું સરઘસ કાઢ્યું હતું, જે બાદ દેશભરમાં દલિત અત્યારો માટે ગુજરાતની બદનામી થઈ હતી.
જોકે પીયૂષ સરવૈયાનો સંઘર્ષ તો બાલુભાઈથી પણ ચાર વર્ષ પહેલાં શરૂ થઈ ગયો હતો, જ્યારે 13 સપ્ટેમ્બર, 2013ની સવારે અંકોલાલી ગામના તેમના ઘર પર કોળી સમાજના એક ટોળાએ હુમલો કર્યો હતો અને તેમના મોટા ભાઈ લાલજી સરવૈયા (27)ને તેમના જ ઘરમાં જીવતા સળગાવી દીધા હતા.
બીબીસી ગુજરાતી સાથે વાત કરતાં આ બનાવના એક સાક્ષી અને સરવૈયા પરિવારના મોભી કાળાભાઈ સરવૈયા (73)એ કહ્યું કે "વહેલી સવારે પહેલાં પથ્થરમારો અને પછી ઘરમાં આગ ચાંપીને લોકોએ અમને અમારા જ ગામ, ઘર, ખેતરથી બહાર કાઢી દીધા હતા."

આઠ વર્ષનો સંઘર્ષ

ઇમેજ સ્રોત, piyush sarvaiyya
આ ઘટનાને આઠ વર્ષ પૂરાં થયાં છે અને તે દિવસ બાદથી જ આ સરવૈયા પરિવારનો ક્યારેય પૂરો ન થનારો સંઘર્ષ શરૂ થયો હતો.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
સૌથી પહેલા તો આ ઘટના બાદ જીવિત રહેવાનો, પછી ફરિયાદ કરીને આ ઘટના માટે ન્યાય મેળવવાનો, પોતાના ગામથી હિજરત કરી બીજી જગ્યાએ રહેવાનો, કાયદાની જોગવાઈ પ્રમાણે તેમનો જે હક છે તે હક મેળવવા માટે તલાટી, મામલતદાર, પ્રાંત અધિકારી, કલેક્ટરથી માંડી છેક મુખ્ય મંત્રી સુધી જઈ હકની માગ કરવાનો.
આ બધું કરવા માટે આ સરવૈયા પરિવાર છેલ્લાં આઠ વર્ષમાં અનેક વખત ઉપવાસ પર બેઠો છે, આમરણાંત ઉપવાસ કર્યા છે, ઇચ્છામૃત્યુની માગ કરી છે, ભારતનું નાગરિકત્વ છોડવાની અરજીઓ કરી છે, તેમજ જેલયાત્રાઓ પણ કરી છે.
જોકે તેમ છતાંય હજી સુધી આ પરિવારનો સંઘર્ષ પૂરો થતો નથી. દલિત કર્મશીલ કાંતિલાલ પરમારની એક RTIના જવાબમાં સરકારે કહ્યું છે કે ઊનાનો આ પરિવારનો 2016માં સામાજિક બહિષ્કાર થયો હતો.
આ વિશે બીબીસી ગુજરાતી સાથે વાત કરતા કાંતિલાલ પરમાર કહે છે :
"2012ની ઘટના બાદ આ પરિવારની હાલત ખૂબ જ ગંભીર હતી. તેમને પોતાના હકો અને અધિકારો વિશે પણ ખ્યાલ ન હતો. પરંતુ તે સમયે નવસર્જન ટ્રસ્ટે તેમની સાથે ઊભા રહી તેમના અધિકારો માટે કામ કરવાની શરૂઆત કરી હતી, અને તે માટે રાષ્ટ્રીય માનવઅધિકાર આયોગથી માંડી બીજી તમામ સરકારી ઑફિસોના દરવાજા ખટખટાવ્યા હતા."

શું હતી ઘટના?

ઇમેજ સ્રોત, PIYUSH SARVAIYA
13મી સપ્ટેમ્બરની સવારે કાળાભાઈ સરવૈયાના પરિવાર પર કોળી સમાજના એક ટોળાએ હુમલો કર્યો હતો.
આ સમાજના લોકોનો આરોપ હતો કે કાળાભાઈના પુત્ર લાલજી સરવૈયા (27) તેમના સમાજની એક દીકરી સાથે પ્રેમસંબંધમાં હતા માટે લાલજીને રૂમની અંદર બંધ કરીને જીવતા સળગાવી દેવામાં આવ્યા હતા.
ત્યારબાદ પોલીસ ફરિયાદ થઈ હતી અને કોર્ટમાં કેસ ચાલતા 11 આરોપીઓને 2018માં જન્મટીપના સજા ફટકારવામાં આવી હતી.
આ ઘટના બાદ કાળાભાઈ સરવૈયા અને તેમના ચાર દીકરાઓ, જેમાંથી ત્રણ પરિણીત હતા તે તમામ લોકો પોતાનું ગામ, ઘર, ખેતર છોડીને બીજે રહેવા જતા રહ્યા હતા.
"દલિત હોવાને કારણે અને તેમાંય કોળી સમાજના લોકો સાથે દુશ્માનાવટ હોવાને કારણે અમને ક્યાંય રહેવા માટે જગ્યા મળી નહોતી."
બીબીસી ગુજરાતી સાથે વાત કરતાં પીયૂષ સરવૈયાએ આ વાત જણાવી હતી.
ત્યારબાદ તેમને ઊનાના આંબેડકરનગરમાં એક મકાન ભાડે મળ્યું હતું. 14 જણાનો એ પરિવાર જે એક ખુલ્લા ખેતરમાં રહેતો હતો તે હવે એક નાનકડા ઘરમાં શહેરની સીમમાં રહેવા લાગ્યો હતો.

કેવી રીતે શરૂઆત થઈ સંઘર્ષની?

ઇમેજ સ્રોત, PIYUSH SARVAIYA
પોતાના ગામથી બહાર કાઢી મૂકાયા બાદ આ પરિવારને એક વર્ષ સુધી તો પોતાને હિજરતી દલિત સાબિત કરવા માટે સંઘર્ષ કરવો પડ્યો હતો.
કાળાભાઈ સરવૈયાએ બીબીસી ગુજરાતીને જણાવ્યું કે "અમને હિજરતી જાહેર કરવામાં આવે તો જ કાયદા પ્રમાણે અમને સરકાર બીજા કોઈ ગામમાં અમારી જેટલી જમીન ગઈ છે, તેટલી જ જમીન અને ઘર આપે, પરંતુ સરકારે અમને હિજરતી જાહેર કરવામાં બહુ જ આનાકાની કરી હતી."
અને ત્યારબાદ આ પરિવારને આશરે 250 દિવસના ઉપવાસ અલગઅલગ સમયે કરવા પડયા છે, અને 18 દિવસની જેલયાત્રા પણ કરવી પડી.
2012થી 2014 સુધી આ પરિવારે માત્ર સરકારી ઑફિસો અને અધિકારીઓ સાથે મુલાકાતો કરીને આવેદનપત્રો આપ્યાં.
એ બાદ 1 મે, 2014ના દિવસે પ્રથમ વખત આ પરિવારે ચાર દિવસના પ્રતીક ઉપવાસ કર્યાં હતા. ત્યારબાદ 2014માં જ તેમને પોતે હિજરતી છે, તે સાબિત કરવા માટે 39 દિવસના બીજા તેમજ 139 દિવસના ત્રીજી વખત ઉપવાસ કરવા પડ્યા હતા.
આખરે સરકારે 2015માં તેમને હિજરતી જાહેર કર્યાં. આ 139 દિવસના ઉપવાસ વખતે કાળાભાઈએ 12 દિવસના આમરણાંત ઉપવાસ પણ કર્યા હતા.
હિજરતી જાહેર થઈ ગયા બાદ બીજી જમીન લેવા માટે આ પરિવારને 2015માં ત્રણ દિવસના આમરણાંત ઉપવાસ કરવા પડ્યા હતા, જેના બાદ તેમને દેલવાડા ગામમાં જમીન બતાવવામાં આવી હતી.
2016માં પીયૂષ સરવૈયા અને કાળાભાઈ સરવૈયાને ઉપવાસ કરવા માટે 18 દિવસ સુધી જેલમાં રહેવું પડ્યું હતું.
તેઓ જમીનનો કબજો મેળવવા માટે આમરણાંત ઉપવાસ કરી રહ્યા હતા.
પીયૂષ સરવૈયાએ કહ્યું કે "ત્યારબાદ અમે 47 દિવસ માટે ગાંધીનગરમાં ઉપવાસ કર્યા હતા અને આખરે 13મી ઑગસ્ટ, 2016ના રોજ અમને ઊના તાલુકાના દેલવાડા ગામની સીમમાં જમીનનો કબજો મળ્યો હતો."
જોકે ત્યારબાદ આ પરિવારે તેમને સોંપાયેલી જમીન પર પાણી વગેરેની સગવડો મેળવવા માટે આત્મવિલોપન માટે અરજી કરી છે, ભારતનું નાગરિકત્વ છોડવા માટે અરજી કરી છે, તેમજ બીજા ઉપવાસો પણ કર્યા છે. હાલમાં તેમની પાસે જમીન છે, ઘર છે, પાણી છે અને આ તમામ સગવડો તેમને એક કરતાં વધુ ઉપવાસ બાદ જ મળી છે.

કેવી રીતે રહે છે આ પરિવાર દેલવાડા ગામમાં?

ઇમેજ સ્રોત, piyush sarvaiyya
પીયૂષ સરવૈયાનું કહેવું છે કે હાલમાં તેઓ દેલવાડા ગામમાં એવી રીતે રહી રહ્યા છે જાણે કે તેઓ કોઈ બીજા દેશ કે પ્રાંતમાં રહેતા હોય.
"આખા ગામમાં આશરે 12000 લોકોની વસ્તી છે, પરંતુ અમારી સાથે કોઈ વ્યક્તિ વાત પણ કરતી નથી. અમે આજ સુધી ગામના કોઈ અવસરમાં ગયા નથી કે કોઈ તહેવાર પણ ઊજવી શકતા નથી."
આ પરિવાર મુખ્ય ગામથી આશરે 2 કિલોમીટરના અંતરે રહે છે અને તેમના ઘરે ગામની 12000ની વસ્તીમાંથી કોઈ વ્યક્તિ આવતી નથી.
"અમારે દરેક વસ્તુ ઘરમાં જ રાખવી પડે છે, અમારે કંઈ ખરીદવું હોય તો બાજુના દેહસર ગામે જઈએ છીએ, પરંતુ અહીં અમે નથી જતા."
આ પરિવારનાં બે નાનાં બાળકોને દેલવાડા પ્રાથમિક શાળામાં પ્રવેશ મળ્યો છે, પરંતુ હજી સુધી શાળા શરૂ ન હોવાથી ખબર નથી કે આ બાળકો સાથે કેવો વ્યવહાર થશે. આ પરિવાર પાસે પોતાની બાઇક છે, માટે તેઓ ગામની રિક્ષા કે છકડા વગેરેનો ઉપયોગ કરતા નથી.
સરવૈયા પરિવારને સરકારી અમલદારો પાસે પોતાના હકની માગણી કરતી વખતે જોગવાઈઓ સાથે અને સરકારી પરિપત્રો સાથે જ વાત કરવી પડતી હતી.
પીયૂષે કહ્યું કે "હિજરતી જાહેર થયા બાદ, અમે જ્યારે જમીનની માગણી કરી હતી, તો સરકારી અધિકારીઓએ અમને પથરાવાળી બિનઉપજાઉ જમીનો બતાવી હતી, જેને લેવાનો અમે ઇન્કાર કર્યો હતો. આ માટે તેમણે નાના-સમઢિયાળા, ગુંદાળા, નાળિયા માંડવી, પહોણા, તેમજ પાલડી જેવાં ગામોમાં જમીનો બતાવી હતી, પરંતુ આ તમામ જમીનો બંજર હોવાથી અમે તે જમીનો લેવાનો ઇન્કાર કરી દીધો હતો."
જોકે દેલવાડા સહિત આ તમામ ગામોના સરપંચો, ગ્રામ પંચાયતોના સભ્યો અને બીજા નાગરિકોએ આ પરિવારને તેમના ગામમાં જમીન ન ફાળવવામાં આવે તેવી અરજીઓ અનેક વખત કલેક્ટર ઑફિસમાં કરી હતી, પરંતુ સરવૈયા પરિવારના સંઘર્ષની સામે ગુજરાત સરકારે એમને દેલવાડામાં જમીન આપવી પડી હતી.


ઇમેજ સ્રોત, MohFW, GoI


આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
YouTube કન્ટેન્ટ પૂર્ણ
તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો













