ગુજરાતમાં રચાતાં 'તપાસપંચ માત્ર એક તૂત' છે?

શ્રેય હૉસ્પિટલ

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, અમદાવાદની શ્રેય હૉસ્ટિપલમાં 6 ઓગસ્ટે આગ લાગતા આઠ કોરોના દરદીઓનાં મૃત્યુ થયાં હતાં
    • લેેખક, ભાર્ગવ પરીખ
    • પદ, બીબીસી ગુજરાતી માટે

ગુજરાતમાં જ્યારે જ્યારે મોટાં કૌભાંડ થાય કે હિંસા થાય એટલે તરત કોઈને કોઈ તપાસપંચની નિમણૂક કરી દેવાય છે.

વિરોધપક્ષ તેને લોકોનો ગુસ્સો ઠંડો પાડવા માટેની તરકીબ ગણાવે છે, તો સરકાર એને તમામ રીતે તટસ્થ તપાસ ગણાવે છે, પણ આ વિવાદો વચ્ચે એક વાત તો કાયમ છે કે તપાસપંચ રચાય એટલે લાંબી તપાસ ચાલે અને એનો રિપોર્ટ વિધાનસભામાં મુકાય ત્યાં સુધી લોકોને રાહ જોવાની રહે છે.

ગુજરાતમાં અગાઉ અનેક ઘટનાઓ, દુર્ઘટનાઓ અને કિસ્સાઓમાં તપાસપંચ નિમાયાં છે.

અગાઉ 2002માં ગુજરાતના રમખાણોના કેસ માટે નાણાવટીપંચ, કે.જી. શાહ પંચ , આશારામના આશ્રમમાં દીપેશ-અભિષેક નામનાં બાળકોનાં મોત મામલે તપાસ માટે ડી કે ત્રિવેદી પંચ સહિતના અનેક તપાસપંચોની રચના કરાઈ છે.

જોકે કેટલાંકના રિપોર્ટને લઈને શંકાઓ વ્યક્ત કરવામાં આવે છે, તો કેટલાંકની તપાસ પૂરી થતી જણાતી નથી.

line

'તપાસપંચ માત્ર એક તૂત'

ગોધરામાં રેલવે ટ્રૅક પર નાણાવટી-શાહ પંચ

ઇમેજ સ્રોત, The India Today Group/Getty

ઇમેજ કૅપ્શન, ગોધરામાં રેલવે ટ્રૅક પર નાણાવટી-શાહ પંચ

ગુજરાતના પૂર્વ મુખ્ય મંત્રી સુરેશ મહેતા તપાસપંચને એક તૂત ગણાવે છે.

સુરેશ મહેતાએ કહ્યું કે તપાસપંચ એ સરકારનું એવું તૂત છે કે જ્યાં સરકાર ભીંસમાં આવે એટલે એક તપાસપંચ નિમી દે છે અને વર્ષો સુધી એની તપાસ ચાલુ રહે છે અને પછી ભુલાઈ જાય છે.

તેઓ કહે છે, "ગુજરાતમાં આવાં કમિશન બનવાની શરૂઆત આજથી નહીં ગુજરાત બન્યું એ પહેલાંથી થઈ હતી, પરંતુ પહેલાં સરકાર આવાં તપાસપંચના રિપોર્ટને ગંભીરતાથી લેતી હતી અને પગલાં પણ ભરતી હતી. પણ એ પછી લોકોની આંખમાં ધૂળ નાખવા માટે તપાસપંચ નિમાય છે, એને સત્તા અપાતી નથી. સરકારને રિપોર્ટ આપે એટલે એ અભરાઈએ ચઢી જાય છે."

"સરકાર આવાં તપાસપંચ બનાવી એમની સત્તાનો એક દાયરો નક્કી કરે છે, જેથી એ એમાંથી બહાર ન આવી શકે અને સાક્ષી તપાસાય નહીં અને સરકારની મરજી મુજબનો રિપોર્ટ આવે."

"પછી એ 2002માં નાણાવટી કમિશનનો 11 વર્ષે આવેલો સરકારને ક્લીનચિટ આપતો રિપોર્ટ હોય કે આશારામ આશ્રમમાં બે બાળકોનાં મોતના રિપોર્ટમાં આશારામને ક્લીનચિટ આપતો રિપોર્ટ હોય."

તેઓ કહે છે, "સરકાર આ તપાસપંચોની તપાસનો દાયરો એવો બનાવે કે જેમાં સાક્ષીની તપાસ ન થઈ શકે અને કોઈને સજા ન આપી શકે એટલે આ રિપોર્ટ એક રીતે સરકારને ક્લીનચિટ આપી લોકોની આઈ-વોશ કરવાનો ધંધો છે."આવું જ કંઈક 2002ની હિંસા માટે બનેલા નાણાવટીપંચના પીડિતોનાં વકીલ અને આશારામ કેસમાં બે બાળકોની હત્યામાં બનેલા ડી કે ત્રિવેદી પંચમાં પીડિતોના વકીલ એ. કે. ઐય્યર પણ કહે છે.

એમણે બીબીસી સાથેની વાતચીતમાં કહ્યું કે "ગુજરાતમાં 20 વર્ષમાં આ બે કેસ બહુ ચર્ચામાં રહ્યા. 2002ની ગુજરાતમાં થયેલી હિંસાનો કેસ 11 વર્ષ ચાલ્યો."

"જસ્ટિસ નાણાવટી સાથે જસ્ટિસ કે. જી. શાહ હતા. આ તપાસ એટલી લાંબી ચાલી કે તપાસ દરમિયાન કે જી શાહનું અવસાન થયું, પણ રિપોર્ટ ના બન્યો. અને 11 વર્ષે જ્યારે બે ભાગમાં આ રિપોર્ટ મુકાયો ત્યારે ગુજરાતમાં થયેલી હિંસાના કેસમાં સરકારને ક્લીનચિટ આપી દેવામાં આવી."

"તો આશારામના કેસમાં બનેલા દીપેશ-અભિષેક નામનાં બે બાળકોની હત્યાની તપાસ ડી. કે. ત્રિવેદી પંચે ઍક્સટેંશન લઈને પાંચ વર્ષથી વધુ ખેંચી અને સરવાળે આશારામને પણ ક્લીનચિટ આપી દીધી."

"આમ સરકાર તપાસપંચ ત્યારે જ રચે છે કે જ્યારે લોકોમાં આક્રોશ વધુ હોય અને લોકોનો ગુસ્સો ઠંડો પડી જાય ત્યારે એ સરકારને રિપોર્ટ આપે છે, જેની કોઈ નોંધ લેવા તૈયાર નથી હોતું."

line

"તપાસપંચના નામે લોકોનો આક્રોશ ઓછો કરવાનો પ્રયાસ"

અર્જુન મોઢવાડિયા

ઇમેજ સ્રોત, Bhargav Parikh

ઇમેજ કૅપ્શન, અર્જુન મોઢવાડિયા

તો કૉંગ્રેસના વરિષ્ઠ નેતા અર્જુન મોઢવાડિયાએ બીબીસી સાથેની વાતચીતમાં કહ્યું કે "ભાજપ સત્તા પર આવ્યો છે ત્યારથી તપાસપંચના નામે લોકોનો આક્રોશ ઓછો કરવાનો પ્રયાસ કરી રહ્યો છે."

તેઓ કહે છે કે કૉંગ્રેસના સમયમાં પણ તપાસપંચો નિમાયાં છે, પણ એને ગંભીરતાથી લેવાયાં છે અને એના પર સરકારે પગલાં પણ લીધાં છે.

"ગુજરાતમાં 80ના દાયકામાં થયેલી કોમી હિંસાની તપાસ માટે રચાયેલા કમિશને આપેલા રિપોર્ટમાં એક ભાગ અસામાજિક તત્ત્વો દ્વારા સસ્તામાં જમીન પચાવી પાડવાનો હતો, જેને ધ્યાનમાં રાખી અશાંતધારાને લાગુ પાડવાનો મુસદ્દો ઘડવામાં આવ્યો."

"પર્યુષણ વખતે પશુઓની કતલને કારણે વાતાવરણ ડહોળાતું હોવાનું તપાસપંચમાં બહાર આવ્યું તો એનો પણ અમલ કરવામાં આવ્યો હતો, પરંતુ તપાસપંચનો લાભ લઈને ભાજપ લોકોના ગુસ્સાને શાંત પાડી પોતાની ચામડી બચાવે છે, જેથી બીજા કોઈ મહત્ત્વના પુરાવા લઈને કોર્ટમાં કોઈ જાય અને સરકારને ભીંસમાં લે તો તપાસપંચનું બહાનું આગળ ધરી દેવામાં આવે."

line

ગુજરાતમાં તપાસપંચ ક્યારે-ક્યારે?

ગોધરાકાંડ

ઇમેજ સ્રોત, SEBASTIAN D'SOUZA/Getty

ઇમેજ કૅપ્શન, ગોધરામાં સાબરમતી એક્સપ્રેસનો સળગી ગયેલો ડબ્બો

સરકાર પર અર્જુન મોઢવાડિયાના આ આરોપોની તપાસ કરતા જાણવા મળ્યું કે ગુજરાતની રચના થઈ એના પહેલા દાયકામાં જ ગુજરાતમાં પહેલું તપાસપંચ નિમાયું હતું.

  • 1960માં ગુજરાતની સ્થાપના થઈ એ પછી 1969માં થયેલી કોમી હિંસામાં સંખ્યાબંધ લોકોનો ભોગ લેવાયો હતો. ગુજરાત ભડકે બળ્યું હતું. એની આગ અમદાવાદથી પ્રસરીને ગોધરા અને બીજાં શહેરોમાં પહોંચી હતી. ત્યારે રેડ્ડી કમિશનની રચના થઈ હતી અને રેડ્ડી કમિશને આપેલા રિપોર્ટમાં તે સમયના મુખ્ય મંત્રી હિતેન્દ્ર દેસાઈની ઝાટકણી કઢાઈ હતી. ગુજરાતમાં આવી હિંસા અટકાવવા માટે સામાજિક, આર્થિક પરિબળો જવાબદાર ગણાવાયાં હતાં, જેને સુધારવા સૂચનો થયાં હતાં અને બજેટમાં એની ફાળવણીની જોગવાઈ કરવાની વાત કરવામાં આવી હતી.
  • ત્યારબાદ ગુજરાતમાં કોમી હિંસાનાં નાનાંમોટાં છમકલાં થતાં, પણ તે ગંભીર ન હતાં. પરંતુ ગુજરાતના રાજકારણમાં ભૂકંપ આવે એવી ઘટના 1977માં બની. ગુજરાતમાં મોટો લઠ્ઠાકાંડ થયો અને સંખ્યાબંધ લોકોનાં મોત થયાં. આ સમયે જસ્ટિસ એમ એન મિયાંભાઈ પંચની રચના કરવામાં આવી. એ સમયે પણ એમણે સરકારની ઝાટકણી કાઢી હતી ત્યારબાદ 1989માં થયેલા લઠ્ઠાકાંડમાં જસ્ટિસ એ.એ. દવે પંચે પણ સરકારની ઝાટકણી કાઢી હતી. અને પાડોશી રાજ્યોમાંથી આવતો દારૂ બંધ કરવાનાં સૂચનો કર્યાં હતાં, જેનો અમલ થયો. ત્યારબાદ તપાસપંચો નિમાયાં પણ જસ્ટિસની કક્ષાનાં નહોતાં.
  • ગુજરાતને ભડકે બાળનાર 1985ના અનામત આંદોલન પર જસ્ટિસ વી. એસ. દવેનું પંચ બન્યું. એણે પણ સરકારની કામગીરી પર આકરા પ્રહારો કર્યા, પણ દવે પંચનાં સૂચનો પર બહુ અમલ ન થયો હોવાનું કહેવાય છે. પણ એક મહત્ત્વના કાયદાની પહેલ થઈ. અસામાજિક તત્ત્વો દ્વારા સસ્તામાં મકાન ખરીદવાના કારસા પર રોલ લાગી અને અશાંતધારાનો અમલ થયો.
  • ગોધરાકાંડની તપાસ માટે નાણાવટી અને કે. જી. શાહ પંચ રચાયું. છ માર્ચ 2002ના દિવસે રચાયેલા આ પંચે 11 વર્ષ કામગીરી કરી અને અનેક સાક્ષીઓને તપસ્યા બાદ બે ભાગમાં પોતાનો રિપોર્ટ આપ્યો, જેમાં સરકારને ક્લીનચિટ આપી હતી.
  • આ પછી 23 એપ્રિલ 2005ના દિવસે સામખિયાળી રેલવે સ્ટેશન પર થયેલા હુમલાની તપાસ માટે જસ્ટિસ એન. બી. પટેલના નેતૃત્વમાં તપાસ પંચ નિમાયું અને તપાસ બાદ એ રિપોર્ટ સરકારને સોંપી દેવામાં આવ્યો.
line

સુરતનાં વિનાશકારી પૂર અને આશારામ કેસમાં તપાસપંચનું શું થયું?

આશારામ બાપુ

ઇમેજ સ્રોત, Pacific Press/Getty

  • 2006માં સુરતમાં પૂરની મોટી હોનારત થઈ. આ ઘટના ડૅમમાંથી પાણી છોડવાને કારણે થઈ હતી કે કુદરતી હતી એની તપાસ માટે જસ્ટિસ સુજ્ઞા ભટ્ટના તપાસપંચને આ તપાસ સોંપાઈ અને એનો રિપોર્ટ વિધાનસભામાં સત્રના છેલ્લા દિવસે રજૂ થયો હતો.
  • એપ્રિલ 2008માં પાવાગઢમાં ધક્કામુક્કીને કારણે અનેક શ્રદ્ધાળુઓનાં મોત થયાં હતાં એના પર તપાસપંચની રચના થઈ અને જસ્ટિસ એસ. એમ. સોનીને તપાસ સોંપી, જેનો રિપોર્ટ પણ વિધાનસભાના સત્રના છેલ્લા દિવસે મૂકવામાં આવ્યો અને એના પર કોઈ ચર્ચા ના થઈ.
  • 21 જુલાઈ 2008માં આશારામના આશ્રમમાં બે બાળકો દીપેશ-અભિષેકનાં મૃત્યુ અંગે આશારામ તાંત્રિકવિધિ કરતા હોવાની તપાસ માટે પંચ રચાયું અને અંતે આશારામને ક્લીનચિટ મળી ગઈ.
  • ગુજરાતમાં વસતીનાં ધ્રુવીકરણ પર મોટો વિવાદ થયો હતો. આ સમયે જસ્ટિસ બી જે શેઠના અધ્યક્ષસ્થાને તપાસપંચ રચાયું અને સરકારને અહેવાલ સુપ્રત કરાયો છે.
  • થયેલા ગુજરાતમાં મોટા લઠ્ઠાકાંડની તપાસ જસ્ટિસ એ. એમ. મહેતાને સોંપાઈ, જેમાં એમને મિયાંભાઈ પંચના 1977ના હવાલા ટાંકી ગુજરાતમાં પાડોશી રાજ્યોથી આવતો દારૂ રોકવાની વાત કરી અને પોલીસનું વિજિલન્સ વધારવાની વાત કરવા ઉપરાંત બહારથી આવતા મિથેનોલનો સ્ટૉક મેન્ટેઇન કરવાની વાત કરી હતી.
line

નલિયાકાંડ, પાટીદાર અનામત આંદોલન માટે તપાસપંચ

હાર્દિક પટેલ

ઇમેજ સ્રોત, Hindustan Times/Getty

  • ગુજરાત સરકારની બેકાળજી અને કામગીરી પર આક્ષેપો થયા અને જસ્ટિસ એમ. બી. શાહનું તપાસપંચ રચાયું, પણ એમાં સાક્ષીઓને તપાસવાની છૂટ નહીં હોવાથી આ પંચમાં કોઈએ ભાગ ન લીધો.
  • એ પછી આવેલા એક મહિલાનાં ફોનકૉલના રેકૉર્ડિંગનો મામલો સરકારને ભીંસમાં મૂકનારો હતો. સરકારે આ અંગે 16 નવેમ્બર 2013ના રોજ જજ સુજ્ઞા ભટ્ટનું તપાસપંચ નિમ્યું હતું. પરંતુ જેના ફોન ટેપ કરવાનો સરકાર પર આરોપ હતો એ છોકરીનાં પિતાએ આ તપાસ બંધ કરવા કોર્ટમાં અરજી કરી અને આ તપાસપંચ કોઈ પણ કામગીરી કરે એ પહેલા એને બંધ કરવામાં આવ્યું.
  • ત્યારબાદ કચ્છમાં મહિલાઓના જાતીય શોષણનો નલિયાકાંડ બહાર આવ્યો. આ મામલામાં સરકારની ટીકા થઈ અને સરકારે 12 માર્ચ 2017માં જસ્ટિસ એ. એલ. દવેનું તપાસપંચ નિમ્યું, પણ હજુ સુધી એની રિપોર્ટ આવ્યો નથી.
  • એ પછી પાટીદાર આંદોલનમાં આંદોલનકારી પર દમન કરનાર પોલીસે સામે પગલાં લેવાની માગ કરતું જસ્ટિસ કે. એ. પુંજનું તપાસપંચ નિમાયું. એની ત્રણ મહિનાની મુદત સપ્ટેમ્બર 2019માં ફરી વધી અને એમને આ વર્ષમાં સરકારને પોતાનો રિપોર્ટ આપ્યો છે, પણ હજુ સુધી એ જાહેર થયો નથી.
  • ત્યારબાદ સૌરાષ્ટ્રમાં મગફળી સળગાવવાનું કૌભાંડ બહાર આવ્યું. ખેડૂતો નારાજ થયા. સૌરાષ્ટ્રમાં મોટો ઊહાપોહ થયો. અને ગુજરાત સરકારે 21-8-2018માં જસ્ટિસ એચ.કે. રાઠોડના અધ્યક્ષસ્થાને એક તપાસપંચ નિમ્યું છે. એની મુદત ત્રણ મહિનાની હતી, પરંતુ હજુ એનો રિપોર્ટ આવ્યો નથી.
  • તાજેતરમાં કોરોનાના આઠ દરદીઓ અમદાવાદની શ્રેય હૉસ્પિટલમાં આગ લાગતા મૃત્યુ પામ્યાં હતાં. એક વર્ષ પહેલાં ભાજપમાં જોડાયેલા ભરત મહંત નામના ટ્રસ્ટીની ચાર દિવસ અટકાયત થઈ પછી ગુનો નોંધાયો અને ધરપકડ થઈ અને તરત જમીન પર છૂટી ગયા. આ કેસમાં પણ ત્રણ મહિનામાં તપાસ કરવા માટે આદેશ આપ્યા છે.
બદલો YouTube કન્ટેન્ટ, 1
Google YouTube કન્ટેન્ટને મંજૂરી આપીએ?

આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.

થર્ડ પાર્ટી કન્ટેટમાં જાહેરખબર હોય શકે છે

YouTube કન્ટેન્ટ પૂર્ણ, 1

line

શ્રેય હૉસ્પિટલ અગ્નિકાંડની તપાસ માટે ત્રણ મહિનાનો સમય

શ્રેય હૉસ્પિટલની બહાર ભેગા થયેલાં લોકો

ઇમેજ સ્રોત, SAM PANTHAKY/Getty Images

શ્રેય હૉસ્પિટલમાં થયેલા અગ્નિકાંડના મામલે અપાયેલા ત્રણ મહિનાની તપાસના આદેશને લોકોની આંખમાં ધૂળ નાખવાનો પ્રયાસ હોવાનો દાવો કરતાં પૂર્વ મુખ્ય મંત્રી શંકરસિંહ વાઘેલાએ બીબીસી સાથેની વાતચીતમાં કહ્યું કે જ્યારથી મોદી સરકાર આવી છે ત્યારથી જ્યારે સરકાર ભીંસમાં હોય એટલે તપાસપંચનું હથિયાર મૂકી દે છે અને તપાસપંચને કોઈ સત્તા આપતા નથી.

"સાક્ષી તપાસવાથી માંડી કોઈને સજા કરવાનો અધિકાર નથી. આવા તપાસપંચનો કોઈ મતલબ બનતો નથી, કારણ કે જ્યારે લોકો બીજા તથ્યો લઈને જાય છે ત્યારે કોર્ટમાં સરકાર તપાસપંચનું કામ ચાલુ હોવાનું બહાનું કાઢી એ તપાસ પણ અટકાવી દે છે, જેના કારણે ન્યાયિક પ્રક્રિયા મંદ પડી જાય છે. જ્યારે લોકો આખીય ઘટના ભૂલી જાય ત્યારે તપાસપંચનો અહેવાલ બહાર આવે છે અને લોકોની આંખમાં ધૂળ નાખવામાં આવે છે."

આવું જ કંઈક એન.સી.પી.ના ગુજરાતના અધ્યક્ષ જયંત બોસ્કી કહે છે.

એમના મતે સરકાર તપાસપંચ બનાવી પોતાની નિષ્ફળતા છુપાવે છે, પરંતુ હવે લોકો જાણી ગયા છે. દરેક ગંભીર ઘટનામાં તપાસપંચ બનાવી લોકોને ગેરમાર્ગે દોરે છે.

જોકે ભૂતપૂર્વ જસ્ટિસ અને તપાસપંચના અધ્યક્ષ રહી ચૂકેલા બી.જે. શેઠનાએ બીબીસી સાથેની વાતચીતમાં કહ્યું કે તપાસપંચની જવાબદારી વધુ હોય છે.

"કોર્ટમાં માત્ર પુરાવાના આધારે ચુકાદો આપવાનો હોય છે, જ્યારે અહીં અનેક લોકોને ચકાસીને તથ્ય એકત્રિત કરવાના હોય છે. પણ ભવિષ્યમાં બીજી આવી કોઈ ઘટના ન બને અને બધા કાળજી લે એ મતે તપાસપંચની કામગીરી પર આંગળી ચીંધવી યોગ્ય નથી. તપાસપંચ લોકો માટે કામ કરે છે અને ન્યાયિક પ્રક્રિયામાં મદદરૂપ થાય છે."

તો ગુજરાતના ગૃહમંત્રી પ્રદીપસિંહ જાડેજાએ બીબીસી સાથેની વાતચીતમાં કહ્યું કે આ તમામ આક્ષેપો બેબુનિયાદ છે.

"તપાસપંચની જરૂર એટલે છે કે તથ્યો શોધાયાં હોય તો કોઈ કસૂરવાર છૂટી ન શકે અને પ્રજાને ન્યાય મળે, એટલે તપાસપંચ નિમવામાં આવે છે. અધૂરી જાણકારીના લીધે તપાસપંચ પર આરોપ કરવા યોગ્ય નથી."

કોરોના વાઇરસ ફર્નિચર
લાઇન

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો