રામજન્મભૂમિ અયોધ્યા : એ અફવાઓ જે રામને નામે સોશિયલ મીડિયાના મહાસાગરમાં વાઇરલ થઈ

    • લેેખક, શ્રૃતિ મેનન
    • પદ, બીબીસી રિયાલિટી ચેક

વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ અયોધ્યામાં રામમંદિરનાં નિર્માણની બુધવારે આધારશિલા મૂકી.

મંદિર નિર્માણ માટે ભૂમિપૂજનનો કાર્યક્રમ પર વિવાદ પણ થયો. પાછલા વર્ષે સુપ્રીમ કોર્ટના નિર્ણય પછી રામમંદિર નિર્માણનો રસ્તો સરળ થઈ શક્યો હતો.

ક્યારેક આ જગ્યા પર મસ્જિદ હતી, જેને વર્ષ 1992માં અમુક હિંદુવાદી સંગઠનોનીએક ભીડે તોડી નાંખી હતી.

બાબરી મસ્જિદ વિધ્વંસ પછી દેશમાં રમખાણો પણ થયાં જેમાં લગભગ બે હજાર લોકો માર્યા ગયા હતા.

ભારતમાં સોશિયલ મીડિયા પર મંદિરની ડિઝાઇન, પ્રિન્ટ અને ભૂમિપૂજન સમારોહને લઈને અનેક પ્રકારની વાતો ચાલી રહી છે, જેમાં કેટલીક તો ઘણી જ ભ્રામક છે.

અમે એવા જ કેટલાક સોશિયલ મીડિયા સંદેશાઓ પર નજર કરી જેને ઘણા બધા લોકો શૅર કરી રહ્યા છે.

આ નવા મંદિરની બ્લ્યૂ પ્રિન્ટ નથી

પ્રસ્તાવિત રામમંદિરની ડિઝાઇન સરકારે આ જ અઠવાડિયે જાહેર કરી છે, પરંતુ એના ઘણા સમય પહેલાંથી ઇન્ટરનેટ પર 'મંદિર કેવું દેખાશે' એને લઈને ચર્ચાઓનું બજાર ગરમ હતું.

વર્ષ 2014માં બનેલા એક ગ્રાફિક ઍનિમેશનને અયોધ્યાનું રામમંદિર બતાવી શૅર કરવામાં આવી રહ્યું હતું જે હકીકતમાં એક જૈન મંદિર હતું.

ફેસબુક અને ટ્વિટર પર એમ કહી પોસ્ટ શૅર કરવામાં આવી રહી હતી કે "ભગવાન શ્રીરામનું વિશાળ મંદિર આવું હશે. મારા ઈશ્વરની જન્મભૂમિ પરથી વિઘ્ન હઠાવી દેવાયું છે. ભારત એક નવી દિશા તરફ આગળ વધી રહ્યું છે.

રિવર્સ ઇમેજ સર્ચની સામાન્ય ટેકનિકથી એ માહિતી સામે આવી કે અસલી વીડિયો મહારાષ્ટ્રના આર્કિટૅક્ચર ડિઝાઇન સ્ટુડિયોએ તૈયાર કર્યો હતો.

ના, આ રામમંદિરના ભૂમિપૂજનની જગ્યા નથી

સોશિયલ મીડિયા પર એક વાઇરલ વીડિયોમાં નવા રામમંદિરના ભૂમિપૂજનની તૈયારીઓના ઘટનાક્રમમાં મોટા સ્તર પર સજાવટ બતાવાઈ રહી હતી.

વીડિયોમાં એક મોટો ભવ્ય હૉલ દીવા અને ફૂલોથી સજાવેલો દેખાઈ રહ્યો હતો.

પરંતુ રિવર્સ ઇમેજ સર્ચથી ફરી એકવાર એ વાત પરથી પડદો ઉઠી ગયો કે આ વીડિયોનો રામમંદિર અથવા તેના ભૂમિપૂજન સાથે કોઈ સંબંધ ન હતો.

હકીકતમાં આ તેલંગણામાં થઈ રહેલા એક સમારોહનો વીડિયો છે. વીડિયોમાં દેખાઈ રહેલા દેવતા ભગવાન વિષ્ણુ છે અને ભગવાન રામ નથી.

ભારતીય મીડિયામાં એવા અહેવાલો આવી રહ્યા છે કે અયોધ્યામાં ભૂમિપૂજન સમારોહ પહેલા શહેર આખાને સજાવી દેવાયું છે. પરંતુ આ વીડિયોનો બુધવારના કાર્યક્રમ સાથે કોઈ સંબંધ નથી.

આ તીર્થયાત્રી અયોધ્યા તરફ જઈ રહ્યા હતા, પરંતુ એ ગત વર્ષની વાત છે.

એક વાઇરલ વીડિયો જેમાં ભગવા લંગોટ પહેરીને કેટલાક લોકો માથા ઉપર ઈંટ મૂકી વરસાદમાં પગપાળા જઈ રહ્યા હતા. વીડિયોમાં દાવો કરવામાં આવ્યો કે તેઓ રામમંદિરના ભૂમિપૂજન માટે 1800 કિલોમીટર ચાલીને અયોધ્યા તરફ કૂચ કરી રહ્યા છે.

ટ્વિટર પર શૅર કરવામાં આવેલી એ વીડિયો પોસ્ટ એક લાખથી વધુ વાર જોવાઈ ચૂકી છે.

તેમાં કોઈ શંકા નથી કે આ વીડીયો અયોધ્યાની તીર્થયાત્રા સાથે જોડાયેલો છે. પરંતુ આ પોસ્ટને પહેલીવાર પાછલા વર્ષે સપ્ટેમ્બરમાં ફેસબુક પર વીડિયોમાં દેખાઈ રહેલા એક શખ્સે શૅર કરી હતી.

વીડિયોમાં દેખાઈ રહેલા લોકો કન્નડ ભાષામાં બોલી રહ્યા છે. અને તેઓ કર્ણાટકથી અયોધ્યા તરફ આગળ વધી રહ્યા હતા. તેમણે ભગવાન રામના સન્માનમાં એક મહત્વપૂર્ણ તહેવારમાં ભાગ લેવા માટે 1800 કિલોમીટરની યાત્રા કરી હતી.

આ લોકોએ વડા પ્રધાન નરેન્દ્ર મોદીને અપીલ કરી છે કે આ ઈંટોનો ઉપયોગ નવા રામમંદિરનાં નિર્માણમાં કરવામાં આવે. એ વીડિયો 5 ઑગસ્ટના ભૂમિપૂજનનો નથી.

સ્પેનમાં રામમંદિરના નિર્માણનો ઉત્સવ નથી

સોશિયલ મીડિયા પર વાઇરલ થઇ રહેલા એક અન્ય વીડિયોમાં સફેદ, કેસરી અને લીલા રંગના કપડાં પહેરેલા લોકોનો એક સમૂહ સ્પેનની સડકો ઉપર ડ્રમ વગાડતો જોઈ શકાય છે.

આ વીડિયોને શૅર કરતાં એમ દાવો કરાઈ રહ્યો છે કે સ્પેનમાં રહેતા ભારતીય લોકો રામમંદિર નિર્માણનો ઉત્સવ મનાવી રહ્યા છે.

આ વીડિયોની સોશિયલ પોસ્ટને એક લાખથી વધુ વાર જોવામાં આવી છે.

રીવર્સ ઇમેજ ટેકનિકના માધ્યમથી એમ જણાઈ આવે છે કે આ વીડિયો હકીકતમાં વર્ષ 2018ના જૂન મહિનાનો છે. ત્યારે ભારતથી એક ડાન્સ ગ્રુપ સ્પેનની મુલાકાતે ગયું હતું અને એ લોકો આ ડ્રમ વગાડી રહ્યા હતા.

તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો