કૃષિકાયદા રદ : એ ચાર શબ્દો જેણે ખેડૂત આંદોલનને વિવાદિત બનાવ્યું
શુક્રવારે વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ત્રણ વિવાદાસ્પદ કૃષિ કાયદાને પાછા ખેંચવાની જાહેરાત કરી હતી. આ સાથે જ તેમણે દિલ્હીની બહાર તથા અન્ય સ્થળોએ આંદોલન કરી રહેલા ખેડૂતોને પોતાનાં ઘરે પરત જવા માટે અપીલ કરી હતી.
બીજી બાજુ, ખેડૂતોનું કહેવું છે કે જ્યાર સુધી સંસદમાં આ ત્રણેય કાયદા પરત ખેંચવામાં નહીં આવે તથા ટેકાના ભાવો જેવા અન્ય મુદ્દા ઉપર ઉકેલ નહીં આવે ત્યાર સુધી તેમનું આંદોલન ચાલુ રહેશે.

ઇમેજ સ્રોત, MONEY SHARMA
આ અરસા દરમિયાન ખેડૂતો માટે વડા પ્રધાનથી માંડીને સૅલિબ્રિટીઝ દ્વારા 'આંદોલનજીવી', 'આતંકવાદી' અને 'ખાલિસ્તાની' જેવા અલગ-અલગ શબ્દોનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. જે આંદોલનના ઇતિહાસમાં અંકિત થઈ ગયા.
હજારો લાખો ખેડૂતોએ દિલ્હી તથા અન્ય સ્થળોએ આંદોલનમાં ભાગ લીધો હતો અને તેને તાજેતરના સમયનું સૌથી મોટું ખેડૂત આંદોલન માનવામાં આવે છે. કેટલાક લોકો મોદીની જાહેરાતને 'રાજકીય તથા ચૂંટણીલક્ષી જાહેરાત' ગણાવે છે, જ્યારે અન્ય કેટલાકના મતે આ જાહેરાત 'વ્યૂહાત્મક પીછેહઠ' છે.

આંદોલનકારી નહીં 'આંદોલનજીવી'
આ લેખમાં X દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં X કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
X કન્ટેન્ટ પૂર્ણ
ફેબ્રુઆરી-2021માં વડા પ્રધાન મોદીએ કહ્યું હતું કે દેશે આંદોલનકારીઓ તથા 'આંદોલનજીવીઓ'ની વચ્ચે ફરક સમજવાની જરૂર છે.
રાજ્યસભામાં ચર્ચા દરમિયાન વડા પ્રધાન મોદીએ કહ્યું હતું, "આપણે શ્રમજીવી અને બુદ્ધિજીવી જેવા શબ્દોથી વાકેફ છીએ. પણ દેશમાં આંદોલનકારીઓની એક નવી જમાત ઊભી થઈ છે જે 'આંદોલનજીવી' છે. જેઓ આંદોલન વગર જીવી નથી શકતા અને દેશે તેની સામે સતર્ક રહેવું જોઈએ."
સાથે જ વડા પ્રધાને કહ્યું હતું કે કૃ કાયદા ચિંતા પ્રગટ કરી રહેલા ખેડૂતોની ચિંતાનું આ ગૃહ અને સરકાર સન્માન કરે છે. એટલે જ અમારા પ્રધાનો સતત સંવાદ કરી રહ્યા છે. અમે ખેડૂતોનું સન્માન કરીએ છીએ."
વડા પ્રધાનના નિવેદન અંગે પ્રતિક્રિયા આપતા સંયુક્ત કિસાન મોરચાએ કહ્યું, "ભાજપ કે તેના પૂર્વજોએ બ્રિટિશરો સામેના કોઈ આંદોલનમાં ભાગ લીધો ન હતો. તેઓ હંમેશા જનઆંદોલનોથી ભયભીત રહેતા અને એટલે જ અત્યારે પણ તેઓ લોકઆંદોલનોથી ડરેલા રહે છે."
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર

આંદોલનમાં 'ખાલિસ્તાનીઓ'

ઇમેજ સ્રોત, Anadolu Agency
ગુજરાત ભાજપના અધ્યક્ષ સી.આર. પાટીલે ડિસેમ્બર-2020માં સવાલ ઉઠાવ્યો હતો, 'ખેડૂત આંદોલનમાં ખાલિસ્તાની ઝંડા કેમ આવી જાય છે. જ્યારે ખેડૂતો ઘરે પરત જવા માગે છે, ત્યારે કૅનેડાથી વીડિયો કૉલ કરીને તેમને કેમ ડરાવવામાં આવે છે? આ આંદોલન બે રાજ્યમાં જ કેમ ચાલે છે? પ્લાનિંગ કરીને દેશને અસ્થિર કરવાનો પ્રયાસ કૉંગ્રેસ સહિત વિપક્ષનો છે.
કૃષિ કાયદા વિરુદ્ધ સુપ્રીમ કોર્ટમાં સુનાવણી ચાલી રહી હતી ત્યારે કૃષિકાયદાનું સમર્થન કરી રહેલા ખેડૂતોએ આરોપ મૂક્યો હતો કે આંદોલનમાં ખાલિસ્તાની તત્વો ભળી ગયા છે. જ્યારે દેશના તત્કાલીન મુખ્ય ન્યાયધીશ એસએ બોબડે ઍટર્ની જનરલ કેકે વેણુગોપાલને પૂછ્યું કે 'શું આ આરોપોની ખરાઈ થઈ શકે છે, શું આ વાત તમે એફિડેવિટ ઉપર જણાવી શકો છો?'
ત્યારે વેણુગોપાલે આઈબીના રેકર્ડ સાથે એફિડેવિટ ઉપર આંદોલનમાં ખાલિસ્તાની તત્વોની પેશકદમીની વાત કરવાની તૈયારી દાખવી હતી.
કૉંગ્રેસ, એક સમયે ભાજપના સાથી પક્ષ શિરોમણિ અકાલીદળ તથા ખેડૂત નેતાઓએ સરકારના વલણ તથા પ્રધાનોની વાતને વખોડીને ખેડૂતોની વાતને કાને ધરવાની સલાહ આપી હતી.
સુપ્રીમ કોર્ટે કૃષિકાયદા મુદ્દે કમિટીનું ગઠન કર્યું હતું અને જ્યાં સુધી તે કોઈ ભલામણ ન કરે, ત્યાં સુધી ત્રણેય કૃષિકાયદાના અમલને મોકૂફ કરી દીધો હતો.

'આતંકવાદી'ની ઉપમા

ઇમેજ સ્રોત, NurPhoto
પોતાના નિવેદનો દ્વારા ચકચાર મચાવવા માટે ચર્ચિત બોલીવૂડનાં અભિનેત્રી કંગના રણૌતે ઑક્ટોબર-2020માં પોતાના ટ્વીટમાં લખ્યું, " જે લોકોએ સીએએ વિશે ખોટી માહિતી અને અફવા ફેલાવીને હુલ્લડ કરાવ્યા, એ જ લોકો હવે કૃષિકાયદા વિશે ખોટી માહિતી ફેલાવી રહ્યા છે અને દેશમાં આતંક ફેલાવી રહ્યા છે, તેઓ આતંકવાદી છે."
એક વકીલની ફરિયાદના આધારે કર્ણાટકના તુમકુરુની અદાલતે ફિલ્મ અભિનેત્રીની સામે ફરિયાદ દાખલ કરવાના આદેશ આપ્યા હતા. તેમની વિરુદ્ધ ભારતીય દંડ સંહિતાની કલમ 108 (ગુનાહિત ઉશ્કેરણી), સમુદાયને બદનામ કરવાની (153એ) તથા સુલેહ-શાંતિનો ભંગ થાય તે રીતે ઇરાદાપૂર્વક અપમાનની ફરિયાદ દાખલ કરવામાં આવી હતી.
ઉલ્લેખનીય છે કે ટ્વીટર દ્વારા ખોટી માહિતી શેર કરવા બદલ કંગના રણૌતનું સત્તાવાર હૅન્ડલ હંમેશાને માટે સસ્પેન્ડ કરી દેવામાં આવ્યું છે.

અસામાજિક અને દેશવિરોધી

ઇમેજ સ્રોત, MONEY SHARMA
કેન્દ્રના શાસકપક્ષ ભારતીય જનતા પાર્ટીની માતૃસંસ્થા રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘની અખિલ ભારતીય પ્રતિનિધિ સભા કર્ણાટકના બેંગ્લુરુ ખાતે મળી હતી. ત્યારે સંઘે નોંધ્યું હતું, "એવી કોઈ સમસ્યા નથી કે જેનો ઉકેલ ન આવી શકે, તેના માટે નિષ્ઠાપૂર્વક પ્રયાસો કરવાની જરૂર હોય છે. લોકશાહીમાં દરેકને પોતાના વિચાર વ્યક્ત કરવાનો અધિકાર છે, પરંતુ કોઈને અશાંતિ તથા અસ્થિરતા ઊભી કરવાનો હક નથી."
"અમને લાગે છે કે કેટલાક દેશવિરોધી તત્વો પોતાના રાજકીય હેતુઓને સિદ્ધ કરવા માટે દેશમાં અસ્થિરતા અને અશાંતિનો માહોલ ઊભો કરવા માગે છે."
એક સમયે કેન્દ્રમાં ભાજપના સાથીપક્ષ શિવસેનાએ તેના મુખપત્ર 'સામના'ના તંત્રીલેખમાં લખ્યું, "આંદોલન કરનારા ખેડૂતોને ખાલિસ્તાનના સમર્થકો જણાવીને બદનામ કરવામાં આવી રહ્યાં છે. જો આંદોલનમાં ખાલિસ્તાની તત્વો ભળી ગયા છે, તો તે સરકારની પણ નિષ્ફળતા છે. સરકાર વિરોધપ્રર્શનનો અંત નથી ઇચ્છતી, પરંતુ તેમને દેશવિરોધી ચિતરીને આ મુદ્દે રાજકારણ કરવા માગે છે."
આરએસએસે જ્યારે આ નિવેદન કર્યું ત્યારે ખેડૂત આંદોલનને નવી દિલ્હીમાં 100 દિવસ કરતાં વધારેનો સમય થઈ ગયો હતો.



આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
YouTube કન્ટેન્ટ પૂર્ણ
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો












