કૃષિકાયદા રદ : કૃષિકાયદા પર મોદી સરકારનો યૂ-ટર્ન કે ચૂંટણીનું ગણિત?

વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ શુક્રવારે વિવાદિત ત્રણ કૃષિકાયદા પરત ખેંચવાની જાહેરાત કરી ત્યારથી તેની પાછળના કારણોની ચર્ચા ચાલી રહી છે.

કેટલાક લોકો તેને માસ્ટરસ્ટ્રોક ગણાવી રહ્યા છે તો કેટલાક લોકો તેને યૂ-ટર્ન ગણાવી રહ્યા છે.

ખેડૂતો શરૂઆતથી આ કાયદાઓને 'કાળા કાનૂન' ગણાવી વિરોધ કરી રહ્યા હતા, તો સરકાર અનેક વાર આ કાયદા ખેડૂતોના હિતમાં હોવાનું કહી ચૂકી હતી.

અલબત્ત આંદોલનની આગેવાની કરનાર સંયુક્ત કિસાન મોરચાએ સંસદમાં કાયદા રદ ન કરાય ત્યાં સુધી અડગ રહેવાનું કહ્યું છે.

પીએમ મોદીએ સવારે રાષ્ટ્રજોગ સંબોધન કર્યું તેમાં જાહેરાત કરી.

ઇમેજ સ્રોત, NARENDRA MODI/YOU TUBE

ઇમેજ કૅપ્શન, પીએમ મોદીએ સવારે રાષ્ટ્રજોગ સંબોધન કર્યું તેમાં જાહેરાત કરી.

અત્રે નોંધવું કે દિલ્હીની સરહદે દેશભરના ખેડૂતો અને ખાસ કરીને પંજાબ-ઉત્તર પ્રદેશ-હરિયાણાના ખેડૂતો છેલ્લા એક વર્ષથી વિરોધપ્રદર્શન કરી રહ્યા હતા.

વળી તાજેતરમાં જ લખીમપુર ખીરીમાં ઘટેલી ઘટનાના પડઘા પણ દેશમાં પડ્યા હતા. ત્યારે મોદી સરાકર દ્વારા આ કાયદાઓ પાછા ખેંચવા પાછળના કારણો પર અલગ-અલગ પ્રતિક્રિયા આવી રહી છે.

line

ઇલેક્શન, ઉત્તર પ્રદેશ અને એલાન

ખેડૂતો

ઇમેજ સ્રોત, Getty Images

બીબીસી હિંદીના સંવાદદાતા સરોજ સિંહે મોદી સરકારની જાહેરાત વિશે કેટલાક રાજકીય વિશ્લેષકો સાથે વાત કરી. આ અંગે અંગ્રેજી અખબાર 'ધ હિંદુ'ના વરિષ્ઠ પત્રકાર નિસ્તુલા હેબ્બાર કહે છે :

"મોદી સરકારના આ નિર્ણય પાછળ પંજાબ અને ઉત્તર પ્રદેશ એમ બંને કારણ છે. સ્વાભાવિક છે કે ઉત્તર પ્રદેશ ચૂંટણી ઉપર અસર મુખ્ય કારણ છે, પરંતુ પંજાબ પણ અનેક કારણસર ભાજપ માટે મહત્ત્વપૂર્ણ રાજ્ય છે."

પંજાબ ઍંગલને વિસ્તારપૂર્વક સમજાવતા નિસ્તુલાએ કહ્યું, "પંજાબ ભારતનું સરહદી રાજ્ય છે તથા અનેક ખાલિસ્તાની જૂથ અચાનક જ સક્રિય થઈ ગયા છે. આવા સમયે ચૂંટણી પહેલાં અનેક જૂથ સક્રિય છે જે તકનો લાભ ઉઠાવવા માગે છે."

"જ્યારે ભાજપ અને અકાલી દળનું ગઠબંધન થયું, ત્યારે બંને દેશના ટોચના નેતાઓ લાલ કૃષ્ણ અડવાણી તથા પ્રકાશસિંહ બાદલને લાગતું હતું કે જો શીખોનું પ્રતિનિધિત્વ કરતી પાર્ટી (અકાલીદળ) તથા હિંદુઓનો હિતેષી પક્ષ (ભાજપ) સાથે મળે તો રાજ્ય તથા દેશની સુરક્ષાની દૃષ્ટિએ સારું રહેશે.એટલે જ આ ગઠબંધન લાંબા સમય સુધી ચાલ્યું."

"લાંબા ગાળા માટે પંજાબ ભાજપ માટે ખૂબ જ મહત્ત્વપૂર્ણ છે. 1980ના દાયકામાં પંજાબમાં જેવી સ્થિતિ હતી, તેવી પરિસ્થિતિ ઊભી થાય તેમ કોઈ નથી ઇચ્છતું. એટલે જ કેન્દ્ર સરકારે આ નિર્ણય લીધો છે."

બદલો YouTube કન્ટેન્ટ, 1
Google YouTube કન્ટેન્ટને મંજૂરી આપીએ?

આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.

થર્ડ પાર્ટી કન્ટેટમાં જાહેરખબર હોય શકે છે

YouTube કન્ટેન્ટ પૂર્ણ, 1

નવા કૃષિ કાયદાને કારણે ગતવર્ષે અકાલી દળે ભાજપના નેતૃત્વવાળું એનડીએ છોડી દીધું હતું. વાસ્તવમાં તે ભાજપનો સૌથી જૂનો સાથીપક્ષ હતો. આ નિર્ણય પછી એનડીએમાં અકાલીદળનું પુનર્રાગમન થાય છે કે નહીં, તે પણ જોવું રહ્યું. સેન્ટર ફૉર ધ સ્ટડી ઑફ ડેવલપિંગ સોસાયટીઝ સાથે જોડાયેલા સંજય કુમારના કહેવા પ્રમાણે :

"આ નિર્ણયથી ભાજપને ભલે ખાસ ફાયદો ન થાય, પરંતુ જો અકાલીદળ, ભાજપ અને અમરિન્દરની પાર્ટી સાથે મળી જાય તો તેની સૌથી મોટી અસર કૉંગ્રેસ ઉપર પડશે."

અમરિન્દરસિંહ પણ ભાજપ સાથે ગઠબંધન રચવાની ઇચ્છા વ્યક્ત કરી ચૂક્યા છે. સીએસડીએસના અનુમાન પ્રમાણે, ભાજપને પંજાબમાં સાત-આઠ ટકા મત મળતા હતા, પરંતુ અકાલીદળ સાથે ગઠબંધનને 35 ટકા જેટલા મત મળતા હતા.

તાજેતરમાં જ ભાજપ દ્વારા યુપીનું અનેક વિસ્તારોમાં વિભાજન કરવામાં આવ્યું હતું અને કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહને પશ્ચિમ યુપીની જવાબદારી સોંપવામાં આવી હતી, જે દર્શાવે છે કે આ વિસ્તાર પાર્ટી માટે કેટલો મહત્ત્વપૂર્ણ છે. યુપીની 100 બેઠક ઉપર ખેડૂત આંદોલનની અસર થશે, એમ જાણકારોનું માનવું છે.

મહિલા ખેડૂત

ઇમેજ સ્રોત, MONEY SHARMA

ઇમેજ કૅપ્શન, પશ્ચિમ યુપીમાં શેરડીની કિંમત ઉપરાંત યુરિયા તથા ખાતર, વીજળી અને પેટ્રોલ-ડીઝલના વધતા જતા ભાવો પણ ચૂંટણી દરમિયાન ચર્ચામાં આવે તેવા મુદ્દા છે.

વરિષ્ઠ પત્રકાર સુનિતા ઍરોનના મતે, "પશ્ચિમ યુપીમાં જયંત ચૌધરીને ખાસ્સું સમર્થન મળી રહ્યું હતું. આથી જો અખિલેશ અને આરએલડીનું ગઠબંધન થયું હોત તો સપાને ખાસ્સો લાભ થયો હોત."

સપા અને આરએલડી વચ્ચે ગઠબંધનની ઔપચારિક જાહેરાત થઈ ન હતી અને મોદી સરકારની જાહેરાત બાદ તેઓ કેવું વલણ અપનાવે છે, તે જોવું પણ રસપ્રદ બની રહેશે.

પશ્ચિમ યુપીમાં શેરડીની કિંમત ઉપરાંત યુરિયા તથા ખાતર, વીજળી અને પેટ્રોલ-ડીઝલના વધતા જતા ભાવો પણ ચૂંટણી દરમિયાન ચર્ચામાં આવે તેવા મુદ્દા છે. ઍરોન માને છે :

"ચૂંટણી આડે બહુ થોડા મહિનાનો સમય વધ્યો છે. ભાજપની પાસે કાર્યકર્તાઓની ફોજ છે. આ નિર્ણયને કારણે હાલ તો ભાજપ આગળ નીકળી ગયો હોય તેમ લાગે છે."

line

ખેડૂતોએ સરકારને ઝૂકવા 'મજબૂર કરી'

ખેડૂતો છેલ્લા એક વર્ષથી ત્રણેય કૃષિ કાયદાઓ સામે આંદોલન કરી રહ્યા હતા.

ઇમેજ સ્રોત, MONEY SHARMA

ઇમેજ કૅપ્શન, ખેડૂતો છેલ્લા એક વર્ષથી ત્રણેય કૃષિકાયદાઓ સામે આંદોલન કરી રહ્યા હતા.

વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ સવારે રાષ્ટ્રજોગ સંબોધનમાં જાહેરાત કરી કે, "કૃષિકાયદા નાના ખેડૂતોના હિત માટે લવાયા હતા, પણ સરકાર તેના ફાયદા ખેડૂતોને સમજાવવામાં નિષ્ફળ રહી છે."

"આથી તેને પાછા ખેંચવામાં આવે છે અને તેને સંસદના આગામી શિયાળુ સત્રમાં સત્તાવાર રીતે રદ કરી નાખવામાં આવશે."

"વળી હું પ્રદર્શન કરી રહેલા ખેડૂતોને અપીલ કરું છું કે તેઓ ઘરે જાય."

વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ જાહેરાતની શરૂઆતમાં માફી પણ માગી હતી.

પીએમ મોદીની આ જાહેરાત પર પ્રતિક્રિયા આપતા ઉત્તર ગુજરાતના આઝાદ કિસાન સંગઠનના નેતા લાલજી દેસાઈએ કહ્યું કે, "દેર આયે દુરુસ્ત આયે."

અત્રે નોંધવું કે વિવાદિત કૃષિકાયદા દૂર કરવા માટે ખેડૂતોને ટેકો આપવા ગુજરાતમાં કિસાનસંઘર્ષ મંચ બન્યો હતો. લાલજી દેસાઈની તેમાં પણ ભૂમિકા હતી.

તેમણે બીબીસી સંવાદદાતા દિપલકુમાર શાહ સાથેની વાતચીતમાં કહ્યું, "સરકારે આખરે કાયદા રદ કરવાની વાત માની લીધી, તે સરકારની મજબૂરી છે. પંજાબ, યુપીમાં ચૂંટણીઓ આવી રહી છે."

"પેટાચૂંટણીઓ, બંગાળ ચૂંટણીમાં જે પરિસ્થિતિ સર્જાઈ તેથી ભાજપ સમજી ગયો છે."

"આ ખેડૂતોની જીત છે. સરકારે આખરે ઝૂકવું પડ્યું છે. જોકે એ દુખની વાત છે કે બિનજરૂરી કાયદા લાવવામાં આવ્યા અને તેને રદ કરાવવા ઘણા ખેડૂતો શહીદ થયા."

"સરકારની આંખ ઊઘડી ગઈ છે. હવે સરકારે ખેડૂતની સમસ્યાઓ દૂર કરવા પર ધ્યાન આપવું જોઈએ અને ખેડૂતવિરોધી નીતિઓને દૂર કરવી જોઈએ."

બદલો YouTube કન્ટેન્ટ, 2
Google YouTube કન્ટેન્ટને મંજૂરી આપીએ?

આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.

થર્ડ પાર્ટી કન્ટેટમાં જાહેરખબર હોય શકે છે

YouTube કન્ટેન્ટ પૂર્ણ, 2

ઉત્તર ગુજરાત, દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્ર સહિતના પ્રદેશોના કેટલાક ખેડૂતસંગઠનોના અગ્રણી નેતાઓએ અગાઉ એવું કહ્યું હતું કે ગુજરાતમાં સરકાર તેમને કોઈ કાર્યક્રમ નથી કરવા દેતી.

જેથી તેઓ આ નવા કૃષિકાયદાઓ મામલે અસરકારક રીતે અવાજ ઉઠાવી શકતા નહોતા.

વળી ગુજરાતના ખેડૂતોને દિલ્હી સરહદે પ્રદર્શન કરવા જવાથી પણ રોકવામાં આવ્યા હતા, તેવી ફરિયાદો સામે આવી હતી.

ખેડૂત આંદોલનનો ચહેરો બનેલા રાકેશ ટિકૈતે એપ્રિલ 2021માં ગુજરાતની મુલાકાત લીધી હતી, જ્યાં તેમણે ગુજરાતનો ખેડૂત છેલ્લાં 15 વર્ષથી ભયભીત હોવાનું કહ્યું હતું.

તેમણે બીબીસી સંવાદદાતા રૉક્સી ગાગડેકર છારાને કહ્યું હતું કે "જે લોકો પણ દિલ્હી પહોંચ્યા, એમની જાણ થઈ તો પોલીસ એમની ઘરે ગઈ. તેમના વિરુદ્ધ નોટિસ ફટકારાઈ. તેમને જેલમાં મોકલવામાં આવ્યા. ખેડૂતો ભયમાં છે છેલ્લાં 15 વર્ષથી."

line

રાજકીય નિર્ણય

એક વર્ષથી ચાલી રહેલા આંદોલનમાં 700 ખેડૂતોએ જીવ ગુમાવ્યો છે તેમ સંયુ્ક્ત કિસાન મોરચાનું કહેવું છે. આમાં સૌથી કરપીણ ઘટના ઉત્તર પ્રદેશના લખીમપુર ખીરીમાં બની જ્યાં કેન્દ્રીય મંત્રી અજય મિશ્રના પુત્ર આશિષ પર ખેડૂતો પર થાર જીપ ચડાવી દેવાનો આરોપ લાગ્યો. આ મામલે સુપ્રીમ કોર્ટની દેખરેખમાં તપાસ થઈ રહી છે. તસવીરમાં લખીમપુરમાં અંતિમ અરદાસમાં પહોંચેલાં પ્રિયંકા ગાંધી

ઇમેજ સ્રોત, ANANT ZANANE

ઇમેજ કૅપ્શન, એક વર્ષથી ચાલી રહેલા આંદોલનમાં 700 ખેડૂતોએ જીવ ગુમાવ્યો છે તેમ સંયુ્ક્ત કિસાન મોરચાનું કહેવું છે. આમાં સૌથી કરપીણ ઘટના ઉત્તર પ્રદેશના લખીમપુર ખીરીમાં બની જ્યાં કેન્દ્રીય મંત્રી અજય મિશ્રના પુત્ર આશિષ પર ખેડૂતો પર થાર જીપ ચડાવી દેવાનો આરોપ લાગ્યો. આ મામલે સુપ્રીમ કોર્ટની દેખરેખમાં તપાસ થઈ રહી છે. તસવીરમાં લખીમપુરમાં અંતિમ અરદાસમાં પહોંચેલાં પ્રિયંકા ગાંધી

કૃષિકાયદા પરત ખેંચવાની જાહેરાત અંગે દક્ષિણ ગુજરાતના ભરૂચના ખેડૂતનેતા સાથે પણ બીબીસીએ વાત કરી.

ભરૂચના ખેડૂત હિતરક્ષક દળના નેતા યાકુબ ગુરજીએ બીબીસીને જણાવ્યું, "આ એક રાજકીય સ્ટંટ છે. સરકારે ખેડૂતો સામે ઝૂકવું પડ્યું છે. ચૂંટણીઓ આવી રહી હોવાથી સરકારને સમજાઈ ગયું છે કે શું પરિસ્થિતિ છે."

"એક તરફ મોંઘવારી, પેટ્રોલ-ડીઝલના ભાવમાં વધારો હોવાથી જનતા ત્રસ્ત છે. બીજી તરફ પંજાબ-યુપીમાં ચૂંટણીઓ આવી રહી છે. જેતરની ચૂંટણીમાં ભાજપનો રકાસ પણ થયો છે. આથી તે જનાધાર ગુમાવી રહી છે."

આમ ગુજરાતના કેટલાક ખેડૂતનેતાઓ અનુસાર કૃષિકાયદા રદ કરવાની બાબત એક રાજકીય પગલું છે, અને સરકારે પોતાની ભૂલ સુધારવાની કોશિશ કરી એ વાત પણ હોઈ શકે છે.

જોકે સરકારે કાયદા કેમ પાછા લેવા પડ્યા એ પરિબળો વિશે પણ સમજવાની બીબીસીએ કોશિશ કરી.

જેમાં સૌથી મોટું પરિબળ ખેડૂતોનો મોટો, દેશવ્યાપી વિરોધ રહ્યો, આ આંદોલનની નિર્ણાયક ભૂમિકા રહી હોવાનું નિષ્ણાતો અને રાજકીય વિશ્લેષકો માને છે.

મુંબઈથી રાજકીય વિશ્લેષક જતીન દેસાઈ કહે છે, "આ આવકાર્ય પગલું છે, પણ કાયદા એક વર્ષ પહેલાં જ રદ થઈ જવા જોઈતા હતા. આટલા એક વર્ષમાં કેટલું નુકસાન થયું છે."

"700થી વધુ ખેડૂતો શહીદ થયા છે. લખીમપુર ખીરીની ઘટના તાજી જ છે. કેન્દ્રીય ગૃહરાજ્ય મંત્રીને બરતરફ કરવા ખેડૂતોએ તીવ્ર માગ કરી હતી. કેસ ઘણો ચર્ચામાં રહ્યો."

"મોદી સરકાર માટે આ બાબત પણ ઘણી પડકારજનક રહી. બીજી તરફ હિમાચલની મંડી તથા દાદરા અને નગર હવેલીની લોકસભાની પેટાચૂંટણીની બેઠકો ભાજપ હારી ગયું."

"પેટ્રોલ-ડીઝલનો ભાવવધારો. તમામ બાબતોને લીધે મોદી સરકાર તમામ મોરચે ઘેરાયેલી હતી. સરકારની કૃષિ સંબંધિત કામગીરી મામલે પણ ખેડૂતોમાં નારાજગીની લાગણી હતી."

"પંજાબ-યુપીની ચૂંટણીઓ ભાજપ માટે અત્યંત મોટો પડકાર છે. ખેડૂત આંદોલને આ રાજ્યની ચૂંટણીઓ ભાજપ માટે વધુ પડકારજનક બની ગઈ છે. આથી એક રીતે તો આ ચૂંટણીલક્ષી નિર્ણય જ છે."

જતીન દેસાઈ કહે છે કે ખેડૂતોના આંદોલનમાં જે પરિવારોએ સ્વજન ગુમાવ્યા છે, તેમને સરકારે સહાય કરવી જોઈએ તથા એમએસપીનો મુદ્દો ઉકેલી નાખવો જોઈએ.

line

કોરોના અને મોંઘવારીથી જનતા પરેશાન

ખેડૂત આંદોલનની સૌથી મોટી વાત એ રહી કે એમાં શરૂઆતથી જ મહિલાઓની સક્રિય ભાગીદારી જોવા મળી.

ઇમેજ સ્રોત, HINDUSTAN TIMES

ઇમેજ કૅપ્શન, ખેડૂત આંદોલનની સૌથી મોટી વાત એ રહી કે એમાં શરૂઆતથી જ મહિલાઓની સક્રિય ભાગીદારી જોવા મળી.

છેલ્લા એક વર્ષથી દિલ્હી સરહદે કડકડતી ઠંડી હોય કે વરસાદ કે કાળઝાળ ગરમી, ખેડૂતો મક્કમપણે અડગ રહ્યા હતા. એટલું જ નહીં તેમણે ભાજપ સામે મોરચો માંડી દીધો હતો અને મહાપંચાયતોમાં ખેડૂતો ઊમટી પડ્યા હતા.

વિરોધપ્રદર્શન વેળા પોલીસના બળપ્રયોગ અને હિંસાનો પણ તેઓ ભોગ બન્યા, છતાં ધરણાં બંધ નહોતા થયાં.

દિલ્હીને અડેલી સિંઘુ અને ટીકરી સરહદો જાણે છેલ્લા એક વર્ષથી ખેડૂતોએ તેમનાં હંગામી ઘરો બનાવી દીધાં છે. તંબૂમાં જ તેઓ સમૂહમાં રહીને સામૂહિક ભોજન લેતા હોય છે.

આથી નિષ્ણાતો અનુસાર ખેડૂતોના સંઘર્ષનો આ વિજય છે. આ પ્રદર્શનમાં એક અન્ય મહત્ત્વપૂર્ણ પરિબળ એ પણ રહ્યું કે તેમાં મહિલાઓની ભાગીદારી ઘણી સક્રિય અને વ્યાપક રહી છે.

ખેડૂત પરિવારની દીકરીઓ અને મહિલાઓએ મોદી સરકારના ત્રણ કૃષિકાયદાને કાળા કાયદા ગણાવી સરકાર સામે મોરચો માંડ્યો હતો.

સાત વર્ષના શાસનમાં પહેલી વાર પીએમ મોદીએ આટલા મોટા નિર્ણયથી પીછેહઠ કરી છે.

કેટલાક રાજકીય વિશ્લેષકોમાં ચર્ચા છે કે ભાજપના નેતૃત્વવાળી કેન્દ્ર સરકારની પંજાબ, યુપીની ચૂંટણીઓ મામલે ચિંતા વધી ગઈ છે.

બીજી બાજુ કોરોનાકાળમાં વહીવટ અને મોંઘવારીને લઈને જનતામાં નારાજગી પ્રવર્તી રહી છે. જેથી ભાજપ માટે નિર્ણય બદલવો રાજકીય મજબૂરી બની ગઈ હતી.

line
બદલો YouTube કન્ટેન્ટ, 3
Google YouTube કન્ટેન્ટને મંજૂરી આપીએ?

આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.

થર્ડ પાર્ટી કન્ટેટમાં જાહેરખબર હોય શકે છે

YouTube કન્ટેન્ટ પૂર્ણ, 3

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો