You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
લાલજી ટંડન : મધ્ય પ્રદેશના રાજ્યપાલનું અવસાન
મધ્ય પ્રદેશના રાજ્યપાલ લાલજી ટંડનનું અવસાન થયું છે. તેઓ કેટલાક દિવસોથી ગંભીર રીતે બીમાર હતા.
85 વર્ષની ઉંમરે એમણે લખનઉમાં અંતિમ શ્વાસ લીધા.
લાલજી ટંડનના પુત્ર અને ઉત્તર પ્રદેશ સરકારમાં કૅબિનેટ મંત્રી આશુતોષ ટંડને ટ્વીટર પર એમના પિતાના મૃત્યુની પુષ્ટિ કરી છે.
લાલજી ટંડનને 11 જૂને લખનઉની મેદાંતા હૉસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા.
એમની ગેરહાજરીમાં ઉત્તર પ્રદેશના રાજ્યપાલ આનંદીબહેન પટેલને મધ્ય પ્રદેશનો વધારાનો ચાર્જ આપવામાં આવ્યો હતો.
વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ લાલજી ટંડનના નિધન પર શોક વ્યક્ત કરતા લખ્યું કે ઉત્તર પ્રદેશમાં ભાજપને મજબૂત કરવામાં એમણે મહત્ત્વપૂર્ણ યોગદાન આપ્યું.
ઉત્તર પ્રદેશના મુખ્ય મંત્રી યોગી આદિત્યનાથે પણ એમના નિધન પર શોક વ્યક્ત કર્યો છે.
બસપાના પ્રમુખ માયાવતીએ પણ લાલજી ટંડનના નિધન પર એમના પરિવાર પ્રત્યે સંવેદના પ્રગટ કરી છે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
ગુજરાત યુનિવર્સિટીએ કરી પરીક્ષાની જાહેરાત
ગુજરાત યુનિવર્સિટી સ્નાતક અને અનુસ્તાનક અભ્યાસક્રમોના અંતિમ વર્ષના વિદ્યાર્થીઓની પરીક્ષા બે તબક્કમાં આયોજિત કરશે. જેમાં પહેલો તબક્કો 21 ઑગસ્ટથી જ્યારે બીજો તબક્કો 31 ઑગસ્ટથી શરુ થશે.
અમદાવાદ મિરરના અહેવાલ પ્રમાણે સોમવારે પરીક્ષાના સંભવિત કાર્યક્રમની જાહેરાત કરતા યુનિવર્સિટી સત્તાવાળાઓએ કહ્યું કે સ્થાનિક તથા શહેર, રાજ્ય અને દેશ બહારના વિદ્યાર્થીઓ માટે પરીક્ષા ઑનલાઇન અને ઑફલાઇન એમ બે પદ્ધતિએ યોજાશે. ગુજરાત યુનિવર્સિટીના કંટ્રોલ ઑફ એક્ઝામના જણાવ્યા પ્રમાણે બંને પદ્ધતિમાં 50 માર્કની પરીક્ષા હશે. રાજ્યના શિક્ષણ વિભાગની ગાઇડલાઇન્સ પ્રમાણે પરીક્ષાઓ બે કલાકના સમયગાળાની હશે.
જોકે, ઑનલાઇન અને ઑફલાઇન પરીક્ષાઓ માટે સમય એક જ રહેશે કે કેમ એ બાબતે હજુ સ્પષ્ટતા નથી. વિદ્યાર્થીઓ અગાઉથી જાહેરાત મુજબ જિલ્લા કક્ષાના પરીક્ષા કેન્દ્રોમાંથી પસંદગી કરી શકશે.
સુપ્રીમ કોર્ટના ભૂતપૂર્વ જજ પણ વિકાસ દુબે ઍન્કાઉન્ટર કેસની તપાસમાં જોડાશે
ઉત્તર પ્રદેશ સરકારે સોમવારે ગૅંગસ્ટર વિકાસ દુબેના 10 જુલાઇએ એક પોલીસ ઍન્કાઉન્ટરમાં થયેલા મૃત્યુની તપાસ માટે બનાવાયેલી એક સભ્ય કમિટીના વિસ્તરણની સંમતિ આપી હતી. હવે આ તપાસ કમિટીમાં સુપ્રીમ કોર્ટના એક ભૂતપૂર્વ જજ અને એક નિવૃત્ત પોલીસ અધિકારી પણ જોડાશે.
ઇન્ડિયન એક્સપ્રેસના અહેવાલ મુજબ આ પગલું સુપ્રીમ કોર્ટની એ ટિપ્પણી બાદ લેવાયું હતું જેમાં સર્વોચ્ચ અદાલતે કાયદો અને વ્યવસ્થાની જાળવણી સરકારની જવાબદારી હોવા પર ભાર મૂકતા કહ્યું હતું કે આ માટે દોષિતની ધરપકડ અને સજા પણ જરૂરી છે.
ચીફ જસ્ટિસ એસ. એ. બોબડે સહિતની ત્રણ જજોની બેન્ચે યુપી પોલીસના એ કથન કે એવું કોઈ પણ પગલું ન લેવાવું જોઇએ જે પોલીસ ફોર્સના મનોબળને નીચું લાવે સાથે પણ અસંમતિ દર્શાવી.
વિકાસ દુબે અને તેના સાથીઓના પોલીસ ઍન્કાઉન્ટરમાં થયેલા મોતની સ્વતંત્ર તપાસની માગ કરતી અનેક અરજીઓ પર સુનાવણી દરમિયાન સુપ્રીમ કોર્ટની આ ટિપ્પણી આવી હતી. સુનાવણી દરમિયાન સુપ્રીમ કોર્ટે વિકાસ દુબે જેવા હિસ્ટ્રી-શીટરને મળેલી બૅઇલ બાબતે પણ નારાજગી દર્શાવી.
હજ 29 જુલાઈથી શરૂ થશે
સાઉદી સત્તાવાળાઓએ સોમવારે જણાવ્યું કે આ વર્ષની મર્યાદિત કરાયેલી હજયાત્રાની શરૂઆત 29 જુલાઇથી થશે. કોરોના વાઇરસની મહામારી સામે સાઉદી અરેબિયા પણ ઝઝૂમી રહ્યું છે જેને કારણે આ વર્ષે હજ યાત્રાને 1000 શ્રદ્ધાળુંઓ સુધી સીમિત કરી દેવાઈ છે.
હિંદુસ્તાન ટાઇમ્સના અહેવાલ પ્રમાણે આ વર્ષની હજ યાત્રા આરોગ્ય સુરક્ષા માટેના કડક નિયમો સાથે આયોજિત થશે જેમાં 65 વર્ષથી ઓછી વયના અને કોઈ પણ રોગથી પીડાતા ન હોય તેવા શ્રદ્ધાળુંઓનો સામેલ થવાની પરવાનગી હશે.
પાછલા મહિને સાઉદી અરેબિયાએ જાહેરાત કરી હતી કે તે આ વર્ષે ઘણા મર્યાદિત સ્વરુપમાં હજ યાત્રાનું આયોજન કરશે.
કોરોના વાઇરસ મહામારી સામે ઝઝૂમી રહેલા દેશ માટે જો કે આ નિર્ણય રાજકીય અને આર્થિક જોખમો ભરેલો છે. સરકારના આંકડા પ્રમાણે મુસ્લિમોની પવિત્ર હજ યાત્રા દર વર્ષે સાઉદી અરેબિયાની અર્થવ્યવસ્થામાં 12 બિલિયન ડૉલરનો ફાળો આપે છે.
હજ યાત્રા માટે મક્કા પહોંચતા પહેલા યાત્રીઓનો કોરોના વાઇરસ ટેસ્ટ કરવામાં આવશે અને યાત્રા પૂર્ણ કર્યા બાદ દરેક શ્રધ્ધાળુએ હોમ ક્વોરૅન્ટિન થવું પડશે એમ સાઉદી સ્વાસ્થ્ય અધિકારીઓએ જણાવ્યું.
અમેરિકા અને ભારતની નૌસેનાની સંયુક્ત કવાયત
અમેરિકાના મહાકાય વિમાનવાહક જહાજ યુએસએસ નિમિટ્ઝના નેતૃત્વ વાળા અમેરિકી યુદ્ધ જહાજોના જથ્થાએ સોમવારે અંદામાન અને નિકોબાર ટાપુઓ પાસે ભારતીય યુદ્ધજહાજો સાથે સંયુક્ત રીતે કવાયત કરી છે.
ટાઇમ્સ ઑફ ઇન્ડિયા અખબારના અહેવાલ પ્રમાણે પૂર્વ લદ્દાખમાં ચીનની સેના સાથેના સૈન્ય ઘર્ષણની ઘટના વચ્ચે ચીનને આ એક મજબૂત કૂટનૈતિક સંકેત અપાયો છે.
શનિવારે ન્યુક્લિયર ક્ષમતા ધરાવતા મહાકાય અમેરિકન વિમાનવાહક જહાજ યુએસએસ નિમિત્ઝ અને તેની સાથેના યુદ્ધજહાજો મલ્લાકા સ્ટ્રેઇટ પાર કરીને હિંદ મહાસાગરમાં પ્રવેશ્યા હતા. જે બાદ ભારત અને અમેરિકાની નૌસેનાએ પાસૅક્સ કહેવાતી પાસિંગ કવાયત થઈ હતી. મહત્વનું છે કે બંને દેશોની નૅવી 'મલાબાર' અને અન્ય કેટલીક કવાયતો વડે "આંતરસંચાલનક્ષમતા" પણ ધરાવે છે.
ચીનના અનેક મહત્વના દરિયાઈ વેપારના માર્ગો મલાક્કા સ્ટ્રેઇટ પાસેથી પસાર થાય છે.
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો