You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
રાજસ્થાન ઓડિયો ટેપ : FIR દાખલ, રાજકીય ઊથલ-પાથલમાં નવો વળાંક
રાજસ્થાન કૉંગ્રેસમાં પ્રવર્તમાન રાજકીય ઉથલપાથલ તથા આંતરિક કલહમાં નવો વળાંક આવ્યો છે.
શુક્રવારે રાજસ્થાન સરકારના મુખ્ય દંડક મહેશ જોશીની ફરિયાદના આધારે રાજસ્થાન પોલીસના સ્પેશિયલ ઑપરેશન્સ ગ્રૂપ (એસ.ઓ.જી.)એ એફ.આઈ.આર. દાખલ કરી છે, જેમાં વાઇરલ ઓડિયોનો પણ ઉલ્લેખ છે.
જયપુર એસ.ઓ.જી.ના આઈ.જી. (ઇન્સ્પેક્ટર જનરલ) અશોક કુમાર રાઠોડે પ્રેસ કૉન્ફરન્સમાં જણાવ્યું, "ત્રણ શખ્સો વિરુદ્ધ આઈ.પી.સી. (ઇન્ડિયન પીનલ કોડ, ભારતીય દંડ સંહિતા)નીકલમ 124-અ તથા 120-બ હેઠળ કેસ દાખલ કરવામાં આવ્યો છે."
"જે ઓડિયો ટેપના આધારે આ ફરિયાદ દાખલ કરવામાં આવી છે, તેની સત્યતાની તપાસ અમારી ટીમ દ્વારા કરવામાં આવશે."
કોઈની સામે નામજોગ એફ.આઈ.આર. (ફર્સ્ટ ઇન્ફર્મેશન રિપોર્ટ) દાખલ કરવામાં નથી આવી અને વિવરણમાં તેમનો ઉલ્લેખ 'એ' વ્યક્તિ અને 'બી' વ્યક્તિ તરીકે કરવામાં આવ્યો છે.
આ પહેલાં કૉંગ્રેસના પ્રવક્તા રણદીપ સુરજેવાલાએ મીડિયા મારફત અમુક ઓડિયો ટેપને ટાંકતા કેન્દ્રની મોદી સરકારમાં પ્રધાન ગજેન્દ્રસિંહ શેખાવત ઉપર આરોપ મૂક્યા હતા કે જેઓ બળવાખોર ધારાસભ્યોની મદદથી રાજસ્થાનની કૉંગ્રેસ સરકારના ઉથલાવવામાં લાગેલા છે.
રાજસ્થાનમાં કૉંગ્રેસ પાર્ટીની આંતરકલહથી શરૂ થયેલું રાજકીય સંકટ હજી ચાલી રહ્યું છે.
રાજસ્થાન હાઈકોર્ટ શુક્રવાર બપોરે એક વાગ્યે સચીન પાઇલટ અને અન્ય બળવાખોર ધારાસભ્યોની અરજી પર સુનાવણી કરશે. બળવાખોર જૂથમાં સામેલ ધારાસભ્યોએ રાજસ્થાન વિધાનસભાના સ્પીકર દ્વારા ધારાસભ્ય પદ રદ કરવા માટે અપાયેલી નોટિસને હાઈકોર્ટમાં પડકાર આપ્યો છે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
અત્યાર સુધી રાજકીય પ્રકરણની માહિતી આપવા અને કૉંગ્રેસ પાર્ટીનો પક્ષ રજૂ કરવા માટે રણદીપ સુરજેવાલાએ પ્રેસ કૉન્ફરન્સ કરી હતી.
તેમણે કહ્યું, “મીડિયામાં ઑડિયો ટેપ સામે આવી છે જેમાં કથિત રૂપે કૉંગ્રેસના બળવાખોર નેતા ભાજપના એક વરિષ્ઠ નેતા સાથે વાત કરી રહ્યા છે. આનાથી સ્પષ્ટ થાય છે કે પૈસાની લેવડદેવડ થઈ રહી છે.”
જોકે સુરજેવાલાએ કહ્યું, “ઑડિયો ટેપની સત્યતા અને તે ક્યારની છે તે વિશે સ્પેશિયલ ઑપરેશન ગ્રુપ તપાસ કરશે.”
સુરજેવાલાએ ઑડિયો ટેપના હવાલાથી ભાજપના નેતા તથા કેન્દ્રીય મંત્રી ગજેન્દ્ર સિંહ શેખાવત, ભાજપ નેતા સંજય જૈન અને કૉંગ્રેસ ધારાસભ્ય ભંવરલાલ વર્માની સામે એફઆઈઆર નોંધવાની અને તેમની ધરપકડની માગ કરી છે.
જોકે, ગજેન્દ્ર સિંહ શેખાવતે કહ્યું કે ઑડિયો ટેપમાં એમનો અવાજ નથી અને તેઓ કોઈ પણ તપાસ માટે તૈયાર છે.
તેમણે કહ્યું, “આ વાતથી સ્પષ્ટ થાય છે કે આ ત્રણે મળીને રાજસ્થાન સરકાર પાડવાનો પ્રયત્ન કરી રહ્યા હતા.”
સુરજેવાલાએ કહ્યું ,“આ વાતની તપાસ થવી જોઈએ કે ધારાસભ્યોને ખરીદવા માટે કાળુ નાણું ક્યાંથી આવ્યું છે.”
પ્રેસ કૉન્ફરન્સમાં કૉંગ્રેસ બળવાખોરોનું નેતૃત્વ કરનાર સચીન પાઇલટને ટાંકતા સુરજેવાલાએ કહ્યું, “તેઓ સામે આવીને સ્પષ્ટ કરે કે ભાજપને ખરીદવા માટે કૉંગ્રેસ ધારાસભ્યોની યાદી તેમણે આપી હતી કે નહીં.”
સુરજેવાલાએ કહ્યું, બળવાખોર ધારાસભ્ય ભંવરલાલ અને વિશ્વેન્દ્ર સિંહની તપાસ પૂરી થાય ત્યાં સુધી કૉંગ્રેસ પાર્ટીમાં તેમનું પ્રાથમિક સભ્યપદ રદ કરવામાં આવ્યું છે. બંને નેતાઓને નોટિસ આપવામાં આવી છે.
પ્રેસ કૉન્ફરન્સમાં સામેલ કૉંગ્રેસ નેતા ચેતન ડૂડીએ કહ્યું કે તેમને પણ પ્રલોભન આપવાનો પ્રયત્ન થયો હતો અને તેમણે એટલે આ સ્પષ્ટતા કરવી પડે છે કે વાઇરલ થયેલા ઑડિયોમાં તેમનું પણ નામ સાંભળવા મળ્યું છે.
છેલ્લા 24 કલાકમાં શું થયું
રાજસ્થાનના નાગૌરથી સાંસદ અને રાષ્ટ્રીય લોકતાંત્રિક પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક હનુમાન બેનીવાલે ભૂતપૂર્વ મુખ્યમંત્રી અને ભાજપનાં વરિષ્ઠ નેતા વસુંધરા રાજે સિંધિયા પર સીધો આરોપ લગાવ્યો. તેમણે કહ્યું કે રાજસ્થાનમાં જે થઈ રહ્યું છે એ ગેહલોત-રાજે જૂથબંધીને કારણે થઈ રહ્યું છે.
તેમણે કહ્યું કે “વસુંધરા રાજે ગેહલોતની લઘુમતી સરકારને બચાવવાના પ્રયત્ન કરી રહ્યાં છે. વસુંધરા રાજેએ પોતાનાં નજીકના કૉંગ્રેસ ધારાસભ્યો અને સીકર-નાગૌર જિલ્લાના એક એક જાટ ધારાસભ્યને ફોન કરીને સચીન પાઇલટથી દૂર રહેવા કહ્યું હતું.”
સચીન પાઇલટ તરફથી ગુરુવારે રાજસ્થાન હાઈકોર્ટમાં વકીલ હરીશ સાલ્વેએ વિધાનસભા સ્પીકર તરફથી ધારાસભ્યોને આપવામાં આવેલી નોટિસને ગેરબંઘારણીય કહી અને તેને રદ કરવાની માગ કરી હતી.
ભારતીય ટ્રાઇબલ પાર્ટીના ઉપાધ્યક્ષ પરેશ વસાવાએ કહ્યું, “બીટીપી જનતાના નિર્ણયનું સન્માન કરે છે. તે ચૂંટાયેલી સરકારને પાડવા નથી માગતી. બીટીપીના બે ધારાસભ્યો છે અને તેઓ કૉંગ્રેસનું સમર્થન કરશે.” પહેલા પાર્ટીનો મત સ્પષ્ટ નહોતો.
રાજસ્થાનમાં એક ઑડિયો ક્લિપ સોશિયલ મીડિયા પર વાઇરલ થઈ રહી છે જે કથિત રૂપે કૉંગ્રેસના નેતાઓની કૉલ રિકૉર્ડિંગ છે. આમાં ભંવરલાલ શર્માનો ઑડિયો હોવાનું કહેવાઈ રહ્યું છે જેમાં કૉંગ્રેસ નેતાઓ ગેહલોત સરકાર પાડી દેવા માટે પૈસાની ડીલ કરી રહ્યા છે. જોકે ભંવરલાલ શર્માએ આ ઑડિયો તેમનો હોવાનો ઇન્કાર કર્યો છે.
રાજસ્થાન સરકાર અને અંકગણિત
પાઇલટના બળવા છતાં મુખ્યમંત્રી અશોક ગેહલોત પાસે સરકાર ચલાવવા માટે બહુમતી તો છે પરંતુ થોડી હેરફેરથી તેમની સરકાર પડી શકે તેમ છે.
ગેહલોત સમર્થકોનો દાવો છે કે તેમની ટીમમાં 106 ધારાસભ્યો છે જે રાજસ્થાનમાં બહુમતી માટે જરૂરી 101ની સંખ્યા કરતા વધારે છે. રાજસ્થાન વિધાનસભામાં કુલ 200 બેઠકો છે. સચીન પાઇલટના જૂથે આ વાત પર શંકા વ્યક્ત કરી હતી.
જોકે મંગળવારે અશોક ગેહલોતના સમર્થકોની સંખ્યા 102 હતી. કૉંગ્રેસ પાસે અત્યાર સુધી 122 ધારાસભ્યોનું સમર્થન હતું, એમાં 107 કૉંગ્રેસના અને 15 સ્વતંત્ર ધારાસભ્યો હતા પરંતુ સચીન પાઇલટના બળવાએ આ ગણિત બગાડી દીધું હતું.
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો