મોટાપાયે સાઇબર હુમલાની ભારત સરકારની ચેતવણી - TOP NEWS

સરકારે ચેતવણી આપી છે કે લોકોની વ્યક્તિગત જાણકારીની ચોરી માટે મોટા પ્રમાણમાં ફિશિંગ સાઇબર ઍટેક થઈ શકે છે.

ભારતની કૉમ્પ્યૂટર ઇમર્જન્સી રિસ્પોન્સ ટીમે ચેતવણી આપતાં કહ્યું કે આ હુમલો રવિવારે કરી શકાય છે.

ભારતના ઇલેક્ટ્રૉનિક અને ટેકનૉલૉજી વિભાગ હેઠળ કામ કરતા વિભાગ સર્ટ તરફથી કહેવામાં આવ્યું કે 'ખરાબ ઇરાદો રાખનારા લોકો' આ પ્રકારનો હુમલો કરી શકે છે.

ચેતવણીમાં કહેવામાં આવ્યું છે, "આ ફિશિંગ અભિયાન હેઠળ ભારતના સરકારી ઈ-મેઇલ જેવા દેખાતા ઈ-મેઇલ પરથી કોવિડ-19 મહામારી સાથે જોડાયેલા ઈ-મેઇલ મોકલીને વ્યક્તિ જાણકારીઓને ચોરી થઈ શકે છે."

ફિશિંગ સાઇબર હુમલા દ્વારા તમને ખોટી વેબસાઇટ પર લઈ જવાય છે અને પછી ડેટાની ચોરી કરવામાં આવે છે. આમાંથી વ્યક્તિગત જાણકારી સિવાય નાણાકીય જાણકારી પણ હોય છે.

21 જૂન : આજે આંતરરાષ્ટ્રીય યોગદિવસ, સૂર્યગ્રહણ અને ફાધર્સ ડે

21 જૂન એટલે કે આજે સૂર્યગ્રહણ થવાનું છે. તેમજ આજે યોગદિવસ અને ફાધર્સ ડે પણ ઉજવાઈ રહ્યો છે.

વડા પ્રધાન મોદીએ યોગદિવસ પર સંબોધન કરતાં કહ્યું કે કોવિડ-19ની મહામારીમાં યોગ રોગપ્રતિકારક શક્તિ વધારવામાં મહત્ત્વની ભૂમિકા ભજવી શકે છે.

સૂર્યગ્રહણની વાત કરીએ તો સમાચાર એજન્સી પીટીઆઈએ કોલકાતાસ્થિત એમપી બિરલા તારામંડળના નિદેશક દેવીપ્રસાદ દ્વારીના હવાલાથી જણાવ્યું કે સૂર્યગ્રહણની શરૂઆત રાજસ્થાનના ઘરસાણામાં સવારે 10.12 મિનિટે થશે. 11.49 વાગ્યે એ વલયાકારે દેખાવાનું શરૂ થશે અને 11.50 વાગ્યે બંધ થશે.

દેશના ઘણા ભાગોમાં સૂર્યગ્રહણ વલયાકારે દેખાશે, જ્યાં ખગોળવિજ્ઞાનમાં રસ ધરાવતા લોકો 'રિંગ ઑફ ફાયર' કે 'આગના ગોળા'નાં દર્શન કરશે.

જોકે દેશના ઘણા ભાગોમાં સૂર્યગ્રહણ આંશિક દેખાશે.

રાજસ્થાનના સુરતગઢ અને અનુપગઢ, હરિયાણાના સિરસા, રતિયા અને કુરુક્ષેત્ર, ઉત્તરાખંડના દેહરાદૂન, ચંબા, ચમોલી અને જોશીમઠ જેવી જગ્યાએ આ 'આગનો ગોળો' એક મિનિટ સુધી દેખાશે.

સિંહો માટે સીડીવીની રસી વિકસાવવાના માર્ગે ગુજરાત

ગુજરાતમાં સિંહો માટેની રસી સીડીવી (કેનાઇન ડિસ્ટેમ્પર વાઇરસ)ના પરીક્ષણ પર કામ ચાલી રહ્યું છે.

ટાઇમ્સ ઑફ ઇન્ડિયાના અહેવાલ અનુસાર ગુજરાત બાયૉલૉજી રિસર્ચ સેન્ટર (જીબીઆરસી)ના સાયન્સ અને ટેકનૉલૉજી દ્વારા રસી (સીડીવી) પર કામ ચાલી રહ્યું છે અને તે ટ્રાયલના સ્ટેજ પર છે.

સાયન્સ અને ટેકનૉલૉજીના સેક્રેટરી હરિત શુક્લાએ જણાવ્યું કે "અમે સિંહો માટે સીડીવીની રસી વિકસાવવાની પ્રક્રિયા કરી રહ્યા છીએ. તેના પર કામ ચાલુ છે અને ટૂંક સમયમાં તેનાં પરિણામો મળશે."

ડિપાર્ટમેન્ટના સૂત્રોએ જણાવ્યું હતું કે ઑક્ટોબર 2018માં ગીર (પૂર્વ) વિભાગમાં સીડીવી અને બેબેસિયાને કારણે 26 સિંહોનાં મોત થયાં હતાં. એ સમયે અમેરિકાથી સીડીવી રસી આયાત કરવામાં આવી હતી.

અધિકારીઓએ કહ્યું કે જીબીઆરસીના વિજ્ઞાનિકોએ એક પ્રોજેક્ટ હેઠળ કામ શરૂ કર્યું છે અને તેમને પ્રારંભિક પરિણામો આશાસ્પદ મળી રહ્યાં છે.

એક સિનિયર અધિકારીએ જણાવ્યું કે પ્રાણીસંગ્રહાલયનાં પ્રાણીઓ પર રસીનું પરીક્ષણ કરવામાં આવશે.

રાજ્યસભા ચૂંટણીમાં ભાગ લેનારા ધારાસભ્યને કોરોના

મધ્ય પ્રદેશમાં ભારતીય જનતા પાર્ટીના એક ધારાસભ્ય કોરોના વાઇરસથી સંક્રમિત થયા છે.

એનડીટીવીના અહેવાલ અનુસાર આ ધારાસભ્ય શુક્રવારે યોજાયેલી રાજ્યસભાની ચૂંટણીમાં મત આપવા પહોંચ્યા હતા.

ભાજપના ધારાસભ્યને કોરોના હોવાની જાણ થતાં તેમના સંપર્કમાં આવેલા અન્ય ધારાસભ્યો પણ ભોપાલની જે.પી. હૉસ્પિટલ પહોંચ્યા હતા.

ધારાસભ્ય દેવીલાલ ધાકડ, યશપાલસિંહ સિસોદિયા અને દિલીપસિંહ મકવાણા કોવિડ-19ની તપાસ માટે હૉસ્પિટલ પહોંચ્યા હતા.

ધારાસભ્ય યશપાલસિંહ સિસોદિયાએ કહ્યું કે "તેઓ છેલ્લા બે દિવસથી કોરોના સંક્રમિત ભાજપના ધારાસભ્ય સાથે હતા. મતદાનના દિવસે પણ સાથે હતા. ગુરુવારે ઘણા ભાજપના ધારાસભ્યોએ તેમની સાથે ડિનર પણ લીધું હતું."

તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો