Parle-G : લૉકડાઉનમાં વેચાણના રેકર્ડ તોડનાર પારલે કંપનીનો પાયો કેવી રીતે નખાયો?

પારલે-જી. લગભગ તમામ ભારતીયો આ નામથી પરિચિત હશે. આ વર્ષે જેટલી ચર્ચા લૉકડાઉનની થઈ રહી છે એટલી જ ચર્ચા ગયા વર્ષે સ્લો-ડાઉનની થઈ રહી હતી.

એ વખતે કહેવાતું હતું કે સ્થિતિ એવી છે કે આર્થિક તાણને લીધે મજૂરો પાંચ રૂપિયાના પારલે-જી બિસ્કિટ પણ ખરીદી નથી શકી રહ્યા.

એ પછી જ સમાચાર આવ્યા કે વેચાણ ઘટી જવાને લીધે કંપની માટે પડકાર સર્જાયો છે.

આ વખતે લૉકડાઉનમાં પણ પારલે-જી બિસ્કિટ ફરીથી હેડલાઇન્સમાં છે.

પારલે-જી બિસ્કિટ બનાવનારી કંપનીનું કહેવું છે કે લૉકાઉનમાં તેમનાં બિસ્કિટ એટલાં બધાં વેચાઈ કે છેલ્લા ચાર દાયકામાં ક્યારેય આટલી નહોતાં વેચાયાં. એનો અર્થ એવો કે લૉકડાઉનનો કંપનીને જંગી લાભ થયો.

પારલે-જી બનાવનાર કંપની પારલે પ્રોડક્ટ્સના વરિષ્ઠ અધિકારી મયંક શાહે સમાચાર એજન્સી પીટીઆઈને કહ્યું, "લૉકડાઉન દરમિયાન જબરદસ્ત વૃદ્ધિ થઈ છે, ઓછામાં ઓછાં છેલ્લાં 30-40 વર્ષોમાં તો આવી વૃદ્ધિ નથી જ થઈ."

બિસ્કિટના સ્પર્ધાપ્રચુર બજારમાં કંપનીએ છેલ્લા બે મહિનામાં પોતાનો હિસ્સો વધારીને પાંચ ટકા કરી લીધો છે.

એવું કેમ થયું? એનું કારણ આપતાં અધિકારી કહે છે, "એક કારણ તો એ કે મહામારીના વખતમાં લોકોએ પારલે બિસ્કિટ જથ્થામાં જમા કરી લીધાં."

"બીજું કારણ એ કે બિનસરકારી સંસ્થાઓએ પણ લોકોની મદદ કરવા માટે જે ફૂડપૅકેટ્સ વહેંચ્યાં, જેમાં પારલે-જી બિસ્કિટ પણ સામેલ હતાં. જેનું નાનું પૅકેટ બે રૂપિયાનું આવે છે."

તેમનું કહેવું છે કે ભૂકંપ, પૂર જેવી કુદરતી હોનારત વખતે પારલે-જી બિસ્કિટની માગ વધી જતી હોય છે.

જોકે કંપનીનું કહેવું છે કે લૉકડાઉનને પગલે પારલેને હાલાકીઓ પણ વેઠવી પડી રહી છે.

પારલે પ્રોડક્ટ્સના માર્કેટિંગ મૅનેજર કૃષ્ણરાવ બુદ્ધાએ બીબીસી સંવાદદાતા નિધિ રાય સાથેની વાતમાં કહ્યું કે માત્ર 50 ટકા કામદારો સાથે કામ કરવાની પરવાનગી હોવાથી તેમના ઉત્પાદન પર અસર થઈ છે.

તેમણે કહ્યું કે મજૂરોની સંખ્યા ઓછી હોવાથી કારોબાર પર 15-20 ટકા અસર થઈ છે અને નિશ્ચિત રીતે અમારી માટે આ પડકારભર્યો વખત છે.

પારલે કંપનીની કહાણી

આ પારલે કંપનીની સ્થાપનાથી લઈને ઉદ્ભવ અને વિકાસની કહાણી પણ રસપ્રદ છે.

પારલે કંપનીની સાઇટ પરની માહિતી અનુસાર પારલે હાઉસની શરૂઆત મોહનલાલ દયાલ નામના એક ઉદ્યોગસાહસિક દ્વારા કરાઈ હતી.

મોહનલાલ દયાલે એક સામાન્ય ડસ્ટિંગ બૉય તરીકે પોતાની કારકીર્દિની શરૂઆત કરી હતી. ત્યાર બાદ તેમણે કાપડના ધંધામાં ઝંપલાવ્યું.

વર્ષ 1927ની સ્વદેશી ચળવળને પગલે તેમણે જથ્થાબંધ રેશમના કાપડની આયાતનો ધીકતો ધંધો છોડી ભારતીયો માટે સ્વદેશી સ્વીટ્સ, ટૉફી અને બિસ્કિટ બનાવવાનું કામ શરૂ કર્યું.

આવી રીતે વર્ષ 1928થી ભારતની આ લોકલાડીલી કંપનીનો 'હાઉસ ઑફ પારલે'ના નામે જન્મ થયો.

મુંબઈના વીલે પારલે ખાતે આ કંપની વર્ષ 1929માં પારલેએ પોતાની પ્રથમ ફેકટરી શરૂ કરી. ત્યારથી આજ સુધી આ વિસ્તારનું નામ આ કંપની સાથે જોડાઈ ગયું.

પરંતુ આ ફેકટરીની શરૂઆત થઈ ત્યારે કંપનીનું ધ્યાન સ્વદેશી કૅન્ડી-ચૉકલેટ બનાવવા પર કેન્દ્રિત હતું, હજુ આ કંપનીની ઓળખસમાં પારલે-જી બિસ્કિટ અસ્તિત્વમાં નહોતાં આવ્યાં.

કંપનીની વેબસાઇટ પર દર્શાવેલ માહિતી અનુસાર વર્ષ 1938માં કંપની પોતાનાં પ્રથમ બિસ્કિટ બૅક કર્યાં હોવાનો દાવો કરે છે.

કંપનીએ આ બિસ્કિટ બનાવતી વખતે એવું તો કદી નહીં વિચાર્યું હોય કે આ બિસ્કિટ સમગ્ર દેશ માટે બિસ્કિટનો પર્યાય બની જશે.

આ તૈયાર બિસ્કિટની પેદાશને કંપનીએ નામ આપ્યું 'પારલે ગ્લુકો' જે પાછળથી 'પારલે-જી' બિસ્કિટ તરીકે ઓળખાઈ.

પારલે-જી સિવાય કંપનીએ કિસમી ચૉકલેટ, મોનેકો અને ક્રેક-જેક બિસ્કિટ જેવાં સ્વાદિષ્ટ પેદાશો બનાવવાનું પણ શરૂ કર્યું. જેથી કંપનીની પેદોશો વધુને વધુ લોકપ્રિય બનતી ગઈ.

મોહનલાલ દયાલે શરૂ કરેલી આ કંપનીની પેદાશો લોકપ્રયિ બનતા તેમના પરિવારના અન્ય લોકો પણ તેમાં જોડાવા લાગ્યા. ધ પ્રિન્ટ ડોટ ઇનના એક અહેવાલ અનુસાર શરૂઆતના સમયમાં મોહનલાલના પુત્ર નરોત્તમ પોતાના પારિવારિક ધંધાના વિકાસ માટે આધુનિક તકનીકી જ્ઞાન મેળવવા માટે જર્મની ગયા અને પરત ફરતી વખતે ફેકટરી શરૂ કરવા માટે આધુનિક મશીનરી લેતા આવ્યા.

પારલેની સફળતા પાછળ આ પરિવારના કઠોર પરિશ્રમનો ઉદાહરણ પૂરું પાડતી એક પ્રચલિત વાત એવી પણ છે કે નાણાકીય ભીડનો સામનો કરી રહેલા આ પરિવારે ફેકટરી સેટ કરવા માટે એન્જિનિયરોની મદદ મેળવવાનું ટાળી અને મોહનલાલના અન્ય પુત્ર જયંતિલાલ અને તેમના પૌત્ર રમેશે જાતે જ પ્લાન્ટ નાખવાનું કામ કર્યું હતું.

પારલે-જી અસ્તિત્વમાં આવ્યાના આટલાં વર્ષો પછી પણ આ બિસ્કિટ હજી પણ ગરીબ અને મધ્યમ વર્ગને પરવડે તેટલી કિંમતે એ જ પરંપરાગત અને સ્વાદિષ્ટ બિસ્કિટ લોકો માટે ઉપલબ્ધ બનાવવા માટે કાર્યરત્ છે.

સ્વાદ અને શક્તિનું ગજબ મિશ્રણ ધરાવતી આ બિસ્કિટ હજુ પણ અનેક ભારતીય પરિવારોની પ્રથમ પસંદ તરીકે જળવાઈ રહી છે.

ધ પ્રિન્ટ ડોટ ઇનના એક અહેવાલ અનુસાર માત્ર ભારતમાં જ નહીં પણ પારલે કંપનીની પેદાશો અમેરિકા, બ્રિટન, કૅનેડા, ઑસ્ટ્રેલિયા, ન્યૂ ઝીલૅન્ડ અને મધ્ય-પૂર્વના દેશોમાં પણ સારી એવી લોકપ્રિયતા ધરાવે છે.

આ સિવાય ભારત સહિત અન્ય સાત દેશોમાં પણ આ કંપનીના મેન્યુફેકચરિંગ યુનિટ આવેલા છે.

મીડિયા અહેવાલો પ્રમાણે લૉકડાઉન દરમિયાન પારલે-જીનો ઉપયોગ સ્વયંસેવી સંસ્થાઓ અને સરકારી કચેરીઓ દ્વારા જરૂરિયાતમંદો શક્તિવર્ધક આહાર મળી રહે તે માટે કરાયો, જે કારણે તેના વેચાણમાં ધરખમ વધારો થયો છે.

આમ, કંપનીની સ્થાપનાના આટલાં વર્ષો પછી હજુ પણ પારલે-જી ઓછા પૈસે શક્તિ અને સ્વાદ મેળવવા માટેનો એક શ્રેષ્ઠ વિકલ્પ છે, તેવું કહેવામાં કોઈ અતિશયોક્તિ નથી.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો