રાજ્યસભા ચૂંટણી : જ્યારે ભાજપની કારમાં આવેલા છોટુ વસાવાએ કૉંગ્રેસને જિતાડી

શંકરસિંહ વાઘેલા અને નરેન્દ્ર મોદી

ઇમેજ સ્રોત, Getty Images

    • લેેખક, ભાર્ગવ પરીખ
    • પદ, બીબીસી ગુજરાતી માટે

ગુજરાતમાં રાજ્યસભાની ચૂંટણીમાં ક્રૉસ વોટિંગ થવું અને અને ચૂંટણી અગાઉ ધારાસભ્યોની ઊથલપાથલ એ કોઈ પહેલી ઘટના નથી.

આ સિલસિલાની શરૂઆત આજથી સાડા ત્રણ દાયકા પહેલાં થઈ હતી. કૉંગ્રેસના ગુજરાતમાં તપતાં સૂરજ સામે ગુજરાતના પૂર્વ મુખ્ય મંત્રી શંકરસિંહ વાઘેલા પહેલું ક્રૉસ વોટિંગ કરાવીને રાજ્યસભામાં ગયા હતા.

ગુજરાતમાં રાજ્યસભાટાણે ધારાસભ્યોની હેરફેર થવાની સિલસિલો એ વખતથી શરૂ થયો હતો.

એ પહેલાં ગુજરાતમાં રાજ્યસભાની ચૂંટણી સમયે કોઈ ક્રૉસ વોટિંગ થતું નહોતું.

પણ ગુજરાતમાં પહેલી વાર 1984માં રાજ્યસભાની ચૂંટણી હતી ત્યારે કૉંગ્રેસને શંકરસિંહ વાઘેલાએ ક્રૉસ વોટિંગનો પરચો બતાવ્યો હતો.

line

ગુજરાતમાં ક્રૉસ વોટિંગનાં મંડાણ

શંકરસિંહ વાઘેલા

ઇમેજ સ્રોત, FACEBOOK/SHANKERSINHVAGHELA

શંકરસિંહ વાઘેલાએ બીબીસી સાથેની વાતચીતમાં કહ્યું કે "એ સમયે કૉંગ્રેસનો તપતો સૂરજ હતો. એ પહેલાં એક વાર ગુજરાતમાં બિનકૉંગ્રેસની સરકાર આવી હતી અને એ પડી ગઈ પછી માધવસિંહ સોલંકીની સરકાર આવી હતી."

માંડીને વાત કરતાં શંકરસિંહ કહે છે, "1984ની ચૂંટણી હતી. રાજ્યસભાની આ ચૂંટણીમાં વિપક્ષના 40 વોટ હતા. જીત માટે 45 વોટની જરૂર હતી. મેં રાજ્યસભાની ચૂંટણીમાં ઝંપલાવ્યું. એ સમયે ઘણા કૉંગ્રેસી ધારાસભ્યો મારા સંપર્કમાં હતા. 1981ના આંદોલન પછી કેટલાક નારાજ ધારાસભ્યો પણ મારા સંપર્કમાં હતા અને હું ભાજપમાં હતો."

"કૉંગ્રેસ એ સમયે ભાજપને કંઈ ગણતી નહોતી. મેં રાજ્યસભાની ચૂંટણી લડવાનો નિર્ણય કર્યો ત્યારે બધા મને અણઘડ રાજકારણી ગણતા હતા. અમારી પાસે 40 વોટ હતા."

"કૉંગ્રેસના જે નારાજ ધારાસભ્યો મારા સંપર્કમાં હતા એમણે મને ખાનગીમાં વોટ આપવાની ખાતરી આપી હતી. એ સમયે ખરીદીની વાત નહોતી સંબંધોની વાત હતી. મને 9 વોટ ક્રૉસ વોટિંગથી મળ્યા અને હું રાજ્યસભાની ચૂંટણી જીતી ગયો."

ગુજરાતમાં આ ઘટના પછી ધારાસભ્યોના રાજ્યસભામાં વોટનું મહત્ત્વ તમામ લોકોને સમજાયું હતું.

પરંતુ એ જમાનામાં સિક્રેટ વોટિંગ થતું હતું એટલે કયા ધારાસભ્યે કોને વોટ આપ્યો એની કોઈને ખબર પડતી નહોતી.

line

'કૂટનીતિના ચાણક્ય' તરીકે શંકરસિંહ ઊપસી આવ્યા

ભાજપની રેલી

ઇમેજ સ્રોત, Getty Images

શંકરસિંહ એ વખતે રાજકીય કૂટનીતિમાં 'ચાણક્ય' તરીકે ઊપસી આવ્યા હતા.

એ પછી થયેલી રાજ્યસભાની કોઈ ચૂંટણીમાં ક્રૉસ વોટિંગ થયું નહોતું, પણ બરાબર 10 વર્ષ પછી ફરી એક વાર રાજ્યસભાની ચૂંટણીમાં ક્રૉસ વોટિંગની રમત રમાઈ.

એ સમયે શંકરસિંહ વાઘેલાએ પોતાનાં પત્તાં રાષ્ટ્રીય ફલક પર કાઠું કાઢી રહેલા ગુજરાતના મુખ્ય મંત્રી ચીમનભાઈ પટેલ સામે નાખ્યાં હતાં.

1990માં ભાજપ અને જનતાદળે સાથે મળીને ચૂંટણી લડી કૉંગ્રેસને હરાવી હતી. ચીમનભાઈ પટેલ મુખ્ય મંત્રી બન્યા અને કેશુભાઈ પટેલ નંબર ટુ પર હતા.

એ સમયે કેન્દ્રીય કક્ષાએ ભાજપ અને જનતાદળ છૂટું પડ્યું અને ચીમનભાઈ પટેલ કૉંગ્રેસનો છેડો પકડીને ગુજરાતની ગાદી પર બેસી રહ્યા.

પછી 1994માં ગુજરાતમાં રાજ્યસભાની ચાર બેઠક પર ચૂંટણી આવી.

આ સમયે ભાજપના સંખ્યાબળ પ્રમાણે એક સીટ જીતાય એમ હતું અને વધુ 21 વોટ હતા.

તો ચીમનભાઈ પટેલે એ સમયે કૉંગ્રેસ હાઈકમાન્ડના કહેવા પ્રમાણે કૉંગ્રેસના બે ઉમેદવાર માધવસિંહ સોલંકી અને રાજુ પરમારને ઉતાર્યા હતા અને પોતાના નિકટના સાથી જે.વી. શાહને મેદાનમાં ઉતારાયા હતા.

ભાજપે આનંદીબહેન પટેલ અને શંકરસિંહના ખાસ માનતા કનકસિંહ માંગરોળને ચૂંટણીમેદાનમાં ઉતાર્યાં હતાં.

ભરતસિંહ સોલંકી અને શક્તિસિંહ ગોહિલ

ઇમેજ સ્રોત, Getty Images

આ ચૂંટણી લડનારા અને ત્રણ વાર રાજ્યસભાના સાંસદ રહી ચૂકેલા રાજુ પરમારે બીબીસી સાથેની વાતચીતમાં કહ્યું કે "એ સમયે હાઈકમાન્ડનો આદેશ હતો કે બે ઉમેદવાર મેદાનમાં ઉતારવા. પરંતુ મુખ્ય મંત્રી ચીમનભાઈ પટેલે વડા પ્રધાન નરસિમ્હા રાવને ખાતરી આપી હતી કે એ ત્રીજા ઉમેદવારને જીતાડશે. અને એમણે જે.વી. શાહની જવાબદારી લઈ ત્રીજા ઉમેદવાર તરીકે ઉતાર્યા હતા."

તેઓ કહે છે, "સમય જતાં તડજોડ શરૂ થઈ અને કૉંગ્રેસનો એક ઉમેદવાર હારે એવો ઘાટ રચાઈ રહ્યો હતો. કૉંગ્રેસ હાઈકમાન્ડ તરફથી કમલનાથ ગુજરાત આવ્યા અને એમણે કૉંગ્રેસના બંને ઉમેદવારને ફર્સ્ટ પ્રેફરન્સ આપવાનું કહ્યું."

"એ સમયે ધારાસભ્યોની ખેંચતાણ ચાલુ હતી અને ચીમનભાઈને વિશ્વાસ હતો કે એ ક્રૉસ વોટિંગ કરાવીને ત્રીજા ઉમેદવારને જીતાડશે. એવામાં ચૂંટણી પહેલાં એમનું નિધન થયું અને ક્રૉસ વોટિંગમાં એમના ઉમેદવાર જે.વી. શાહ હારી ગયા હતા."

ગુજરાતની આ ઐતિહાસિક ગણાતી ચૂંટણીમાં શંકરસિંહ વાઘેલાના ખાસ ગણાતા કનકસિંહ માંગરોળા સૌથી વધુ વોટથી જીત્યા હતા.

બદલો YouTube કન્ટેન્ટ, 1
Google YouTube કન્ટેન્ટને મંજૂરી આપીએ?

આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.

થર્ડ પાર્ટી કન્ટેટમાં જાહેરખબર હોય શકે છે

YouTube કન્ટેન્ટ પૂર્ણ, 1

કનકસિંહ માંગરોળાએ બીબીસી સાથેની વાતચીતમાં કહ્યું કે "એ સમયે ભાજપના હાઈકમાન્ડે પહેલા ઉમેદવાર તરીકે આનંદીબહેન પટેલને રાખ્યાં હતાં. મારા ફાળે માત્ર 21 મત હતા અને જીતવા માટે 44 વોટની જરૂર હતી."

"એ સમયે શંકરસિંહ વાઘેલાએ બાજી ગોઠવી હતી. એમણે બે અપક્ષ ધારાસભ્ય અને બાકીના એમના સંપર્કના જનતાદળ (ગુજરાત)ના ધારાસભ્યોનો સંપર્ક કર્યો હતો."

"મને આખીય ચૂંટણીમાં નિશ્ચિંત રહેવાનું કહ્યું હતું. હું ઉચાટમાં હતો પણ એ સમયે સિક્રેટ વોટિંગ થતું હતું. શંકરસિંહે ચોકઠાં ગોઠવ્યાં હતાં. રાત્રે ફાર્મહાઉસ અને અન્ય જગ્યાએ બેઠકો થતી હતી. બધા દ્વારા મને આશ્વાસન પણ મળતું હતું કે મને વોટ મળશે અને હું એ ચૂંટણીમાં સૌથી વધુ 49 વોટથી જીત્યો હતો."

આ ચૂંટણી પછી ગુજરાતના રાજકારણમાં 13 વર્ષ સુધી રાજ્યસભામાં ક્રૉસ વોટિંગ કે ધારાસભ્યોની તોડફોડ થઈ નહોતી, પરંતુ 2017ના વર્ષમાં ફરીથી આ સ્થિતિ સર્જાઈ.

line

ફરી તોડજોડની રાજનીતિ

અલ્પેશ ઠાકોર

ઇમેજ સ્રોત, Getty Images

2017ની ચૂંટણીમાં અહમદ પટેલને હરાવવાનો કારસો ઘડાયો. એમાં ધારાસભ્યોને સાચવવાની જવાબદારી હતી કૉંગ્રેસ નેતા નીશિત વ્યાસની.

નીશિત વ્યાસે બીબીસી સાથેની વાતચીતમાં કહ્યું કે "2017 જુલાઈ મહિનામાં અમારી પાર્ટીમાં ગણગણાટ શરૂ થઈ ગયો હતો. શંકરસિંહ વાઘેલા અમારાથી અલગ થયા હતા."

"રાજ્યસભાની ચૂંટણીની રણનીતિમાં માહેર શંકરસિંહ વાઘેલાએ કૉંગ્રેસથી છેડો ફાડ્યા બાદ ગણિત ગોઠવવા અમારા પક્ષમાંથી એમના વફાદાર 6 લોકોના રાજીનામાં અપાવ્યાં. અને એમના વેવાઈ બળવંતસિંહ રાજપૂતને ચૂંટણીમાં ભાજપ તરફથી ઊભા રાખ્યા."

"એમણે પોતાના વેવાઈને જિતાડવાની જવાબદારી લીધી હતી, પણ અમને આખીય ગેમનો અંદાજો આવી ગયો હતો. અમે ધારાસભ્યોને લઈને બેંગલુરુ પહોંચ્યા. જે ધારાસભ્યો અમને વોટ નહોતા આપવાના એમનું કાઉન્સેલિંગ કર્યું."

"ત્યારબાદ અમને ખબર હતી કે અમારામાંથી બે વોટનું ક્રૉસ વોટિંગ થવાનું છે અને એનસીપીના બેમાંથી એક વોટ ભાજપમાં જવાનો છે."

line

છોટુ વસાવા 'ગેમચેન્જર' બન્યા

અહમદ પટેલ

"બીજી તરફ અમને ખબર પડી કે જેડી(યુ)ના એકમાત્ર ધારાસભ્ય છોટુ વસાવાને ભાજપના દબાણથી વ્હિપ મળ્યો છે, અને ફરજિયાત ભાજપને વોટ આપવાના છે. અમે અમારા સંપર્કો લગાવ્યા અને છોટુ વસાવાને કૉંગ્રેસ તરફી વોટ કરવા માટે મનાવી લીધા, કારણ કે એ કૉંગ્રેસમાં નહીં હોવા છતાં ભાજપથી નારાજ હતા. અમને ભરોસો હતો કે હવે ચૂંટણી જીતવી આસાન છે."

વ્યાસ કહે છે, "છોટુ વસાવાને ભાજપે ઘેરી રાખ્યા હતા. એ વોટ કરવા આવ્યા ત્યારે ભાજપની કારમાં આવ્યા હતા. ભાજપને વિશ્વાસ હતો કે વોટ એમને મળશે, કારણ કે છોટુ વસાવાએ પોતાનું મન કળાવા દીધું નહોતું. એમણે કૉંગ્રેસને વોટ આપ્યો."

"અહીં અમારા માટે બીજું કપરું ચઢાણ એ હતું કે કેટલા લોકો ક્રૉસ વોટિંગ કરે છે. અમને અંદાજ હતો કે અમારામાંથી બે લોકો ક્રૉસ વોટિંગ કરશે. અને થયું પણ એવું જ."

"ભોળા ગોહિલ અને રાઘવજીએ ક્રૉસ વોટિંગ કર્યું. પણ ભાજપની ગાડીમાં આવેલા છોટુ વસાવાના વોટને કારણે કૉંગ્રેસની જીત પાક્કી થઈ ગઈ હતી. અને શંકરસિંહના વેવાઈ જે કૉંગ્રેસમાંથી ભાજપમાં ગયા અને ચૂંટણી લડ્યા હતા એ હારી ગયા."

"ત્યારબાદ 2019માં અમારા બે ધારાસભ્યો અલ્પેશ ઠાકોર અને ધવલસિંઘ ઝાલાએ ક્રૉસ વોટિંગ કર્યું. એમને પ્રજાએ જાકારો આપ્યો છે."

"આ વખતે ભાજપે એમની ચાલ ફરી રમી છે. કૉંગ્રેસનું સંખ્યાબળ પૂરું હતું. બે સીટ જીતી શકે. ભાજપ દ્વારા ધારાસભ્યોને રાજીનામાં અપાવ્યાં છે જેથી મતોનું ગણિત ખોરવાય અને ભાજપ ત્રણ સીટ પર જીતે. જોકે અમે અમારાં પત્તાં ખોલ્યાં નથી, અમે બંને સીટ પર જીતીશું."

નરહરિ અમીન

ઇમેજ સ્રોત, @NARHARI_AMIN/TWITTER

તો ભાજપના પ્રવક્તા ભરત પંડ્યાએ બીબીસી સાથેની વાતચીતમાં કહ્યું કે "કૉંગ્રેસ પોતાના ધારાસભ્યોને સાંભળી શકતી નથી એટલે એ ભાજપ પાસે આવે છે. એમાં ખરીદીનો સવાલ નથી. ભાજપની જીત જોઈને બઘવાયેલી કૉંગ્રેસ આવા આરોપ કરે છે."

જાણીતા સેફોલૉજિસ્ટ અને તાલીમ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટના ડિરેક્ટર એમ.આઈ. ખાને બીબીસી સાથેની વાતચીતમાં કહ્યું કે "2017ની ચૂંટણીમાં છોટુ વસાવાના એક વોટ માટે ગફલતમાં રહેલો ભાજપે આ વખતે એ ભૂલનું પુનરાવર્તન ન થાય એટલે 8 રાજીનામાં પડે એની રાહ જોઈ."

"શરૂઆતમાં 5 અને પછી 3 રાજીનામાં પડે એટલે વિધાનસભામાં ધારાસભ્યોનું સંખ્યાબળ ઓછું થાય અને ત્રણેય સીટ જીતી શકાય એવું આયોજન કર્યું છે."

તો જાણીતા રાજકીય વિશ્લેષક યોગેશ ચુડગરે બીબીસી સાથેની વાતચીતમાં કહ્યું કે "ભાજપને રાજ્યસભામાં બહુમતીની જરૂર છે એટલે એક-એક સીટ જીતવાનો પ્રયાસ કરી રહ્યો છે અને ગુજરાતની જેમ અન્ય રાજ્યોમાં પણ આ પ્રયાસ કરશે એમાં કોઈ શંકાને સ્થાન નથી."

કોરોના વાઇરસ
લાઇન
બદલો YouTube કન્ટેન્ટ, 2
Google YouTube કન્ટેન્ટને મંજૂરી આપીએ?

આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.

થર્ડ પાર્ટી કન્ટેટમાં જાહેરખબર હોય શકે છે

YouTube કન્ટેન્ટ પૂર્ણ, 2

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો