મોદી સરકાર 2.0ના 'મૅન ઑફ ધ મૅચ' અમિત શાહ છે?

નરેન્દ્ર મોદી અને અમિત શાહ

ઇમેજ સ્રોત, Getty Images

    • લેેખક, રેહાન ફઝલ
    • પદ, બીબીસી સંવાદદાતા

2019ની ચૂંટણી પહેલાં એક વખત અમિત શાહને પૂછવામાં આવ્યું હતું કે શું ભાજપ લોકસભાની ચૂંટણી માટે તૈયાર છે? શું તેમને મતદારોનો સામનો કરતાં ડર લાગે છે? ત્યારે અમિત શાહે તરત જવાબ આપ્યો હતો કે "અમે 27મી મે, 2014થી જ 2019ની ચૂંટણીની તૈયારી શરૂ કરી દીધી હતી."

શેતરંજના શોખીન અમિત શાહને રણનીતિ બનાવીને પોતાના હરીફોને હરાવવામાં આનંદ આવે છે. અમિત શાહનો કામ કરવાનો અંદાજ તેમના 'ટિપિકલ નેતાઓ' કરતાં અલગ છે.

અનિર્બાન ગાંગુલી અને શિવાનંદ દ્વિવેદી અમિત શાહની જીવનકથા 'અમિત શાહ ઍન્ડ ધ માર્ચ ઑફ બીજેપી'માં લખે છે કે "એક વખત અમેઠીમાં જગદીશપુરના પ્રવાસ સમયે અમિત શાહે છેલ્લી મિનિટે ભાજપના કાર્યકર્તાઓની બેઠક બોલાવી લીધી. આ બેઠક વનસ્પતિ ઘી બનાવનારી એક કંપનીના ગોડાઉનમાં બોલાવાઈ હતી, કેમ કે એ સમયે ત્યાં બીજી કોઈ જગ્યા ઉપલબ્ધ નહોતી. બેઠક સવારે બે વાગ્યા સુધી ચાલી હતી."

"ભાજપના સ્થાનિક નેતાઓએ અમિત શાહના રોકાવા માટે કોઈ વ્યવસ્થા નહોતી કરી, કેમ કે તેઓ એમ માનતાં હતા કે શાહ બેઠક પૂર્ણ થતાં જ લખનઉ પાછા જતાં રહેશે. પણ શાહે તો એ રાત એ જ ગોડાઉનમાં રોકાવાનું નક્કી કર્યું."

"તેઓ સીડી પર ચઢ્યા. પોતાના માટે એક જગ્યા શોધી અને થોડા કલાક માટે આડા પડ્યા. તેમને જોઈને ભાજપના અન્ય નેતાઓ પણ જેને જ્યાં જગ્યા મળી ત્યાં આરામ કરવા લંબાવ્યું. ભાજપના સ્થાનિક કાર્યકર્તાઓને વિશ્વાસ ન થયો કે તેમના પક્ષના રાષ્ટ્રીય અધ્યક્ષ એક ગોડાઉનના સાદાં છાપરાંઓની નીચે આરામથી રાત વીતાવી શકે છે."

line

મોદીના જનરલ અમિત શાહ

ભાજપના રાષ્ટ્રિય અધ્યક્ષ બન્યા બાદ અમિત શાહ

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, ભાજપના રાષ્ટ્રિય અધ્યક્ષ બન્યા બાદ અમિત શાહ

2019ની ચૂંટણી જીત્યા બાદ જે રીતે પાર્ટી મુખ્યાલયમાં અમિત શાહે નરેન્દ્ર મોદીનું સ્વાગત કર્યું હતું તે જોઈને જ ખ્યાલ આવી ગયો હતો કે હવે તેઓ મોદીના શિષ્યથી આગળ વધીને તેમના જનરલની શ્રેણીમાં સ્થાન પામી ચૂક્યા છે.

શાહને રાજનાથ સિંહના બદલે ગૃહમત્રી બનાવાયા હતા. રાજનાથ સિંહને આ ફેરફાર ગમ્યો નહોતો. ખાસ કરીને એવા સમયે જ્યારે તેમણે પોતાનો વિભાગ ચલાવવામાં જરાયે કચાશ નહોતી રાખી.

અમિત શાહને ગૃહમંત્રીનો કાર્યભાર સોંપાતાં જ સંકેત મળી ગયા હતા કે ભાજપના ચૂંટણીઢંઢેરામાં કરાયેલા RSSના ઍજન્ડાઓને અમલીકરણનાં વાઘાં પહેરવવાં માટે તેમને આ જવાબદારી આપવામાં આવી રહી છે.

આ ઍજન્ડામાં સામેલ હતા- કાશ્મીરને વિશેષ દરજ્જો આપતી કલમ 370 રદ્દ કરાવવી, રામમંદિર મુદ્દાનું નિરાકરણ, ગેરકાયદે રીતે ભારતમાં ઘૂસતા બાંગ્લાદેશીઓને રોકવા માટે નેશનલ રજિસ્ટાર ઑફ સિટીઝન બનાવવું અને નાગરિકતા કાયદામાં સંશોધન કરી પડોશી દેશના હિંદુ શરણાર્થીઓને નાગરિકતા અપાવવી.

કલમ 370ને રદ્દ કરવાનો વિચાર નરેન્દ્ર મોદીને પુલવામા હુમલા બાદ ત્વરિત આવ્યો હતો. તેમ છતાં તેનો અમલ ત્યારે એમણે ન કર્યો, કેમ કે તેમના વિરોધીઓ તેમના પર આરોપ મૂકી શકતા કે એવું તેઓ ચૂંટણી જીતવા માટે કરી રહ્યા છે. શાહે ગૃહમંત્રાલયનો કાર્યભાર સંભાળતાં જ કાશ્મીર પરની દરેક ફાઇલ વાંચી અને પછી નરેન્દ્રી મોદીને આગળનું પગલું લેવાની સલાહ આપી.

બંનેએ આ મામલે તેમના નજીકના સલાહકારો સાથે ચર્ચા કરી અને નિર્ણય લીધો કે કાશ્મીરને વિશેષ દરજ્જો આપનારી કલમ રદ્દ કરવા કરતાં જમ્મુ અને કાશ્મીરને બે હિસ્સામાં વિભાજિત કરવામાં આવે અને તેને કેન્દ્રશાસિત પ્રદેશ બનાવી દેવાય.

અમિત શાહે આ માટે ચોક્કસપણે પૂરતું હોમવર્ક કર્યું. અમરનાથ યાત્રાને વચ્ચે જ રોકી દેવામાં આવી અને ખીણના અગ્રણી નેતાઓ તેમજ ત્રણ પૂર્વ મુખ્ય મંત્રીઓને પણ કસ્ટડીમાં લેવામાં આવ્યાં.

જાણીતા રાજકીય વિશ્લેષક અને ભાજપના નેતૃત્વને નજીકથી જાણનારા રામબહાદુર રાય કહે છે કે "અમિત શાહની કાર્યશૈલી એવી છે કે તેઓ એક લક્ષ્ય નક્કી કરે અને પછી તેને પ્રાપ્ત કરવામાં લાગી જાય છે. તેમના આ પગલાનો ખીણમાં ભલે વિરોધ થયો હોય, પરંતુ ભારતના અન્ય વિસ્તારમાં તેઓ એ સંદેશો પહોંચાડવામાં સફળ રહ્યા કે આ સમસ્યા પહેલાંની સરકારોની નાલાયકીના લીધે ચાલી આવતી હતી. જેને તેઓ પાટા પર લઈ આવ્યા."

કાશ્મીરમાં જ અમિત શાહે એક બીજું મોટું પગલું લીધું છે, જેના તરફ હજુ સુધી લોકોનું ધ્યાન નથી ગયું. એ છે કાશ્મીરની પંચાયતોનું સશક્તીકરણ કરવાનું.

અમિત શાહે ગૃહમંત્રી બન્યા બાદ જમ્મુ-કાશ્મીરના પંચાયતી કાયદાને બદલી નાખ્યા. અને હવે જમ્મુ-કાશ્મીર સંભવત: ભારતનું પહેલુ એવું રાજ્ય બની ગયું છે, જેમની પાસે 29માંથી 23 વિષય પર કામ કરવા માટે બહોળું ફંડ અને કર્મચારીઓ પણ છે.

પંચાયતને પોતાના નિર્ણય લેવાનો સંપૂર્ણ અધિકાર છે. તે માટે તેમણે કોઈ કલેક્ટર અથવા કમિશનરની મંજૂરી નહીં લેવી પડે. પરિણામ એ આવ્યું કે ત્યાં પંચાયતો પોતાની રીતે કાર્યક્ષમ થઈ ગઈ છે અને રાજનેતાઓની ભૂમિકા સંકુચિત થઈ ગઈ છે. પણ અમિત શાહની અસલી પરીક્ષા તો ત્યારે થશે જ્યારે જમ્મુ-કાશ્મીરના પુનર્ગઠનની પ્રક્રિયાને આખરે રૂપ આપવામાં સફળ થશે, જે હાલ ચાલી રહી છે.

line

નાગરિકતા સંશોધન વિધેયક વિવાદમાં

અમિત શાહ

ઇમેજ સ્રોત, Getty Images

શાહનું બીજું મહત્ત્વનું પગલું હતું નાગરિકતા સંશોધન કાયદાને લાગુ કરાવવો. દેશના મોટા ભાગના વિસ્તારમાં એ આધાર પર વિરોધ થયો કે આ કાયદા મુજબ પડોશી દેશના માત્ર હિંદુઓને નાગરિકતા આપવાની વાત કરવામાં આવી છે. સમગ્ર દેશમાં સર્જાયેલા હાહાકાર પછી શાહનો જવાબ હતો કે 'આનાથી મુસલમાનોએ હેરાન થવાની જરૂર નથી, કેમ કે આ વિધેયકનું ધ્યેય નાગરિકતા આપવાનું છે નહીં કે નાગરિકતા લેવાનું.'

'ઇન્ડિયા ટુડે'ના સંપાદક રાજ ચેંગપ્પા લખે છે કે "આ બિલને પાસ કરાવવા પહેલાં ગૃહમંત્રી અમિત શાહે લોકોને, ખાસ કરીને અલ્પસંખ્યકોને ન તો વિશ્વાસમાં લીધા કે ન તો તેમને તૈયાર કર્યા, જેવી રીતે અયોધ્યા મામલે કર્યું હતું."

રામબહાદુર રાય કહે છે, "અગત્યની વાત હતી કે આ બિલ માટે લોકોને જાગરૂક નહોતા કરવામાં આવ્યા. અને બીજું કે કોઈ પણ સંપ્રદાયનો ઉલ્લેખ કર્યા સિવાય પણ આ બિલ પાસ કરી શકાયું હોત. તે એવી જ રીતે કામ કરત જેવી રીતે તમારે જોઈતું હતું. તેને લીધે લોકોને કારણ વગર નરેન્દ્ર મોદી સરકાર વિરુદ્ધ એક મુદ્દો મળી ગયો."

"અમિત શાહથી એક ભૂલ ત્યારે થઈ જ્યારે તેઓએ પોતાના એક ભાષણમાં CAAને NRC સાથે જોડી દીધું. અને વડા પ્રધાને રામલીલા મેદાનમાં સભા કરીને સ્પષ્ટતા આપવી પડી કે NRC પર તો કૅબિનેટમાં હજુ વિચાર જ નથી કરાયો. કાયદાની દૃષ્ટિએ જોઈએ તો નહેરુ અને પટેલ પણ CAAની મૂળ ભાવનાના વિરોધમાં નહોતા, પણ એ વાત લોકોને જણાવવી જરૂરી છે."

line

પ્રવાસી મજૂરો રસ્તા પર ઉતરી આવતા શાહના ધજાગરા

અમિત શાહ

ઇમેજ સ્રોત, Getty Images

અમિત શાહના ગૃહમંત્રાલયને કોરોના વાઇરસનું નિરાકરણ લાવવા મુખ્ય એજન્સી બનાવાઈ છે.

સૂત્રો જણાવે છે કે તેઓ આ સંકટના સમયે પણ દરરોજ સવારે સાડા આઠ વાગ્યે પોતાની નૉર્થ બ્લૉકની ઑફિસમાં પહોંચી જાય છે અને અડધી રાત સુધી પણ ત્યાં રહીને પોતાના મંત્રાલય દ્વારા બહાર પડાયેલાં નિર્દેશો અને કાર્યો પર પૂરતું ધ્યાન આપે છે.

કેન્દ્ર અને રાજ્યો વચ્ચેના સુચારુ સમન્વયને પણ સુનિશ્ચિત કરે છે. જ્યાં સુધી બધી ફાઇલ ક્લિયર ન કરી દે ત્યાં સુધી તેઓ ઘરે આવતા નથી.

તેમ છતાં પ્રવાસી મજૂરોને તેમના ઘર સુધી પહોંચાડવામાં જે યોજનાબદ્ધ કાર્યકુશળતાની જરૂર હતી તેમાં અમિત શાહ ઊણા ઊતર્યા છે. ભારતના ભાગલા સમયે આવાં દૃશ્યો જોવાં મળ્યાં હતાં, જ્યારે એકથી દોઢ કરોડ જેટલા લોકો પગપાળા દેશના એક છેડેથી બીજે છેડે જવા નીકળી પડ્યા હતા.

જાણીતા ઇતિહાસકાર રામચંદ્ર ગુહા આ સમગ્ર ગેરવ્યવસ્થા માટે અમિત શાહને જવાબદાર ગણાવે છે.

ગુહાએ તો ત્યાં સુધી કહી દીધું કે "જો સમસ્યાનું નિરાકરણ જોઈતું હોય તો આ સઘળો કાર્યભાર ગૃહમંત્રાલય પાસેથી લઈ લેવો જોઈએ."

નરેન્દ્ર મોદી અને અમિત શાહની ઘણી બાબતે ટીકા થઈ છે, જેમ કે ચાર કલાકની નોટિસમાં સમ્રગ ભારતમાં લૉકડાઉન લાગુ કરી દેતાં પહેલાં થોડી તૈયારીઓ કરવી જરૂરી હતી. તેના જવાબમાં અમિત શાહ-કૅમ્પનું કહેવું છે કે જો તૈયારી કરવાનો સમય આપ્યો હોત તો એ સમય દરમિયાન જ લાખો લોકો કોરોનાથી સંક્રમિત થઈ જાત.

ભારતના લોકો આ આપદાનું મહત્ત્વ ત્યારે જ સમજી શક્યા હોત જ્યારે તેમને આ એક 'શૉક ટ્રીટમેન્ટ'ની જેમ સમજાવવામાં આવી હોત કે આ બાબત કેટલી ગંભીર છે.

રામબહાદુર રાય કહે છે, "જે અચાનક નિર્ણય લેવામાં આવ્યો છે તે એકદમ યોગ્ય છે, કારણ કે તમે લોકોને આંચકો આપીને જ મનોવૈજ્ઞાનિક રીતે તૈયાર કરી શકો. પણ ત્યારબાદ રાજ્યો વચ્ચે સમન્વય સ્થાપવામાં અને તેમને સમજાવવામાં ચોક્કસ ચૂક થઈ ગઈ છે."

"મજૂરોને તેમના હાલ પર છોડી દેવામાં આવ્યા. એટલું જ નહીં કેટલાંક રાજ્યોના તો એવા પ્રયત્નો હતા કે મજૂરો તેમનાં રાજ્યોથી બહાર જતા રહે. 1991 પછી આપણે જે પ્રયત્નો કરી રહ્યા હતા કે ગામડામાંથી 20-25 કરોડ લોકો શહેર તરફ આવી જશે તે સ્વપ્ન જ તૂટી ગયું છે."

line

શાહ અને મોદી બે શરીર એક જીવ

નરેન્દ્ર મોદી અને અમિત શાહ

ઇમેજ સ્રોત, Getty Images

નાગરિકતા સંશોધન કાયદો પાસ થયા પછી દિલ્હીમાં ભડકેલી હિંસા પછી મોદી અને શાહ વચ્ચે કથિત મતભેદો થયાની અટકળો થવા લાગી હતી.

અમિત શાહના ઘણા મોટા નિર્ણયો પછી છત્તીસગઢના મુખ્ય મંત્રી ભૂપેશ બઘેલે ત્યાં સુધી કહી દીધું કે દિલ્હીનો બધો શો તો ગૃહમંત્રી અમિત શાહ ચલાવી રહ્યા છે.

બઘેલે કહ્યું કે અમિત શાહ અને વડા પ્રધાનની વચ્ચે અનેક મુદ્દે મતભેદ જોવા મળે છે. પણ બઘેલે એના માટે કોઈ પુરાવા રજૂ ન કર્યા.

આ અનુમાનની પાછળ મોદીવિરોધીઓ માટે સુખની વાત હતી કે જો મોદી અને અમિત શાહ એકબીજાથી દૂર ચાલ્યા જાય તો મોદીની તાકાત પહેલાં કરતાં ઘટી જશે. વાસ્તવિકતા એ છે કે બંને એકબીજા પૂરક છે.

તેઓ લોકોની સામે બે અલગ-અલગ પ્રકારની છબિ રજૂ કરે છે. મોદી પોતાની જાતને વિઝનરી નેતા તરીકે રજૂ કરે છે, જ્યારે અમિત શાહ કટ્ટર હિંદુત્વના પ્રોત્સાહક તરીકેની પોતાની છબિ આગળ ધરે છે, આ પ્રકારે વિકાસ અને હિંદુત્વ, બંનેનું લક્ષ્ય સાધી શકાય છે.

આ અટલ બિહારી વાજપેયી અને લાલકૃષ્ણ અડવાણીની જોડી જેમ છે, જેમની વચ્ચે મતભેદની વાતો થતી હતી પણ બંને એકબીજાના પૂરક હતા અને સમજી-વિચારીને બે પ્રકારની છબિને પ્રોજેક્ટ કરતા હતા.

ધ પ્રિન્ટ વેબસાઇટનાં વરિષ્ઠ પત્રકાર રમા લક્ષ્મીનું માનવું છે કે "મોદીવિરોધી પણ સારી રીતે જાણે છે કે તેમને તેમના એજન્ડાથી લડાવીને હરાવી નહીં શકીએ."

"તેમના માટે તક ત્યારે જ હોય છે જ્યારે મોદીની છબિને નુકસાન પહોંચે અથવા 'શો-રનર' અમિત શાહ સાથેનો તેમનો મનમેળ બગડી જાય પણ આ હવામાં કિલ્લા બાંધવા જેવી વાત છે. હકીકત તો એ કે મોદી અને શાહ બંને બે શરીર અને એક જીવ છે."

મોદી અને અમિત શાહે લાંબા સમય સુધી એકબીજાની સાથે કામ કર્યું છે, તેઓ ગુજરાતમાં પણ નંબર-વન અને નંબર-ટુની ભૂમિકામાં રહ્યા છે.

ગુજરાતના મુખ્ય મંત્રી અને ગૃહમંત્રી તરીકે બંનેએ એકસાથે એટલા સમય સુધી કામ કર્યું છે કે વડા પ્રધાન અને ગૃહમંત્રી તરીકે તેમને તાલમેલ બેસાડવામાં કોઈ વધારે પ્રયત્નો કરવા પડ્યા નથી.

ગુજરાતના ગૃહમંત્રી તરીકે અમિત શાહના રાજકીય જીવનમાં અનેક ઉતાર-ચઢાવ આવ્યા. તેમના પર ગંભીર આરોપ લાગ્યા, તેમને ફૅક ઍન્કાઉન્ટર કેસમાં જેલ જવું પડ્યું અને ગુજરાતની બહાર પણ સમય પસાર કરવો પડ્યો. જોકે આ તમામ મુશ્કેલી છતાં તેમના પ્રત્યે નરેન્દ્ર મોદીનો વિશ્વાસ અને સમર્થન ટકી રહ્યું છે.

line

અમિત શાહનું માનવીય પાસું

અમદાવાદમાં ઉત્તરાયણ પર પતંગ ચગાવતા અમિત શાહ

ઇમેજ સ્રોત, ANI

બ્રિટિશ ઇતિહાસકાર અને લેખક પેટ્રિક ફ્રેન્ચને આપેલા ઇન્ટરવ્યૂમાં અમિત શાહે કહ્યું કે તેઓ ડાયરી લખતા હતા, પ્રકાશન માટે નહીં પરંતુ આત્મ-મૂલ્યાંકન અને પોતાના અનુભવોનો રેકર્ડ રાખવા માટે.

અમિત શાહ પોતાના ઓરડામાં ટાંગેલી બે તસવીરોના બૅકગ્રાઉન્ડમાં પોતાની તસવીર ખેંચાવવાનું પસંદ કરે છે. પેટ્રિક ફ્રેન્ચને આપેલા ઇન્ટરવ્યૂમાં પણ અન્ય પણ કેટલીય વાર પણ આ બાબત જોવા મળી છે.

સ્પષ્ટ છે કે આ બંને લોકો તરફથી અમિત શાહ ઘણી પ્રેરણા મેળવતા હશે. ધ્યાન આપવાની વાત એ છે કે આ બંને પ્રેરકપુરુષોમાંથી કોઈનો પણ સંબંધ આરએસએસ સાથે નથી. એક તસવીર છે ચાણક્યની અને બીજી છે વિનાયક દામોદર સાવરકરની.

ચાણક્યના 'સામ દામ દંડ ભેદ'ની નીતિનો ભરપૂર ઉપયોગ અમિત શાહની રાજકીય કાર્યશૈલીમાં જોવા મળે છે. તેઓ કોઈ દાવ ખેલતાં અચકાતા નથી અને સાવરકર તો હિંદુત્વ શબ્દના જનક રહ્યા છે, જેમણે બીજી અનેક વાતોની સાથે એ વાત પર પણ ભાર મૂક્યો છે કે ભારત મુસ્લિમોની પુણ્યભૂમિ નથી.

અમિત શાહના વ્યક્તિત્વની એક બીજી રસપ્રદ વાત એ છે કે તેઓ પોતાના હાથમાં ઘડિયાળ નથી પહેરતાં. ખાવાના શોખીન શાહ ભજિયાં અને ફરસાણ ખાવાનું પસંદ કરે છે.

પાર્ટીના અધ્યક્ષ બન્યા પહેલાં અમિત શાહ પોતાના દિલ્હી પ્રવાસ દરમિયાન અનેક વખત સોનીપત રોડ પાસેના ઢાબા પર ખાવા જવાનું પસંદ કરતા હતા.

શાહને ગુરુદત્તની ફિલ્મ પસંદ છે, સાહિર લુધિયાણવી અને કૈફી આઝમીએ લખેલી નઝમ અને ગઝલ પણ પસંદ છે.

'પ્યાસા' ફિલ્મમાં સાહિરના ગીત 'યે દુનિયા અગર મિલ ભી જાએ'થી તેઓ એટલા પ્રભાવિત થયા હતા કે પોતાની કિશોરાવસ્થામાં તેમણે મુંબઈ જઈને સાહિર લુધિયાણવીને મળવાનો પ્રયાસ પણ કર્યો હતો.

આજકાલ તેઓ કૃષ્ણ મેનન માર્ગના એ જ ઘરમાં રહે છે, જ્યાં કેટલાક સમય પહેલાં પૂર્વ વડા પ્રધાન અટલ બિહારી વાજપેયી રહેતા હતા. અમિત શાહ પોતાના નેતાની જેમ સાતેય દિવસ સંપૂર્ણ સમય માત્ર રાજકારણમાં જીવે છે. રાજકારણ તેમના માટે કૅરિયર નહીં પરંતુ જીવન છે.

line

મહેનતુ રાજકારણી

અમિત શાહ

ઇમેજ સ્રોત, ANI

ભારતીય રાજકારણમાં અમિત શાહ જેટલા મહેનતુ રાજકારણી ઘણા ઓછા છે. જાણીતા પત્રકાર રાજદીપ સરદેસાઈ પોતાના પુસ્તક '2019-હાઉ મોદી વૉન ધ ઇન્ડિયા'માં એક કિસ્સો લખે છે, "હું એક વખત સવારે છ વાગ્યે ને 40 મિનિટે ફ્લાઇટથી લખનૌ જઈ રહ્યો હતો."

"સવારે વહેલા ઊઠી જવાના કારણે મારી આંખો લાલ થઈ ગઈ હતી અને મારા વાળ વિખેરાયેલા હતા. ત્યારે જ સફેદ કુર્તો-પાયજામો પહેરીને અમિત શાહે પ્રવેશ કર્યો. તેઓ મોડી રાતે કોલકાતાથી પરત ફર્યા હતા અને છ કલાક પછી ફરીથી ફ્લાઇટમાં હતા."

"જેવો નાસ્તો આવ્યો હું તો ઇડલી-સંભાર પર તૂટી પડ્યો, પરંતુ અમિત શાહે ખાધું નહીં. તેમણે ઍરહૉસ્ટેસને માત્ર પાણી આપવા કહ્યું, કારણ કે તેમણે વ્રત રાખ્યું હતું. સંયોગથી અમે બંને એક જ હોટલમાં રોકાયા હતા."

રાજદીપ યાદ કરે છે, "11 વાગે મને હોટલના કૉરિડૉરમાં કંઈક ચહલપહલ સંભળાઈ. શાહ પોતાનું ભાષણ પૂર્ણ કરીને પોતાના સુરક્ષાકર્મીઓની સાથે પોતાના રૂમમાં પહોંચી ગયા હતા. પાર્ટી નેતાઓએ તેમને મળવા માટે લાઇન લગાવી હતી. આ બેઠક અડધી રાત પછી પણ લાંબા સમય સુધી ચાલી. બીજી દિવસે સવારે હું સાત વાગ્યે ઊઠ્યો."

"મને વિચાર આવ્યો કે કેમ ન અમિત શાહના રૂમમાં જઈને તેમની સાથે વાત કરી લેવાય. જ્યારે હું તેમના રૂમમાં પહોંચ્યો ત્યારે જાણકારી મળી કે અમિત શાહ સવારે વહેલા જ દિલ્હી માટે રવાના થઈ ગયા છે. ત્યારે મને અંદાજ આવી ગયો કે દેશની બીજી સૌથી તાકાતવર વ્યક્તિ માટે આ પ્રકારનું જીવન જીવવું રોજબરોજની વાત છે."

line

હોમવર્ક કરનાર સાંસદ

અમિત શાહ

ઇમેજ સ્રોત, ANI/RSTV SCREEN GRAB

પાર્ટીના પ્રમુખ તરીકે ઘણા સમય પહેલાંથી અમિત શાહને મોદી પછી બીજા સૌથી મોટા નેતા માનવામાં આવી રહ્યા છે.

મોદી સરકારના બીજા કાર્યકાળમાં એક વર્ષની અંદર અમિત શાહે સરકાર પર સારી એવી પકડ બનાવી છે.

એક જમાનામાં જે સરકારને 'મોદી સરકાર' કહેવામાં આવતી હતી, હવે તેને 'મોદી-શાહ' સરકાર તરીકે જોવામાં આવે છે.

'સન્ડે ગાર્ડિયન'ના સંપાદક પંકજ વોરા લખે છે, "અમિત શાહે સ્પષ્ટ દર્શાવ્યું છે કે તેઓ એક સામાન્ય રાજનેતા નથી. તેઓ કોઈ પણ વિષય પર ચર્ચા કરતાં પહેલાં પોતાનું હોમવર્ક કરે છે અને પોતાની પાર્ટીના એજન્ડાને આગળ વધારવા શબ્દોમાં ઘટાડો કરતા નથી. નાગરિકતા સંશોધન વિધેયકની ચર્ચામાં તેઓ તમામ સાંસદો પર ભારે પડ્યા."

"ખરેખર લાંબા સમયથી ભારતીય સંસદે સરકારની નીતિઓનો આટલો સારી રીતે બચાવ કરતા કોઈ કૅબિનેટમંત્રીને જોયા નથી. ગત ત્રણ દશકમાં માત્ર બે જ નેતા એવા હતા જે કોઈ પણ નોંધ જોયા વિના અને કોઈની પણ મદદ વગર કોઈ પણ વિષય પર સંસદમાં બોલી શકે છે - એક ચંદ્રશેખર અને લાલકૃષ્ણ અડવાણી. અમિત શાહ એ કૅટેગરીમાં આવે છે."

ભાજપમાં તેમના પ્રશંસકો કહે છે કે શાહ 'રિયલ પૉલિટિક્સ'માં માનનારા રાજકારણી છે. તેમની જીવનકથાના લેખક અનિર્બાન ગાંગુલી અને શિવાનંદ દ્વિવેદી એક કિસ્સો કહે છે, "એક વખત તેઓ પોતાના ગઢ નારણપુરા વિધાનસભાની ચૂંટણી લડી રહ્યા હતા."

"તેમની જીત લગભગ નક્કી જ માનવામાં આવી રહી હતી. ત્યારે જ ચૂંટણીપ્રચાર દરમિયાન તેમણે પોતાના સમર્થકોને પોતાના વિરોધી કૉંગ્રેસના જીતુભાઈ પટેલનાં 500 પોસ્ટર લગાવવાં માટે કહ્યું."

"જ્યારે તેમના સમર્થકોએ કારણ પૂછ્યું તો તેમણે જવાબ આપ્યો કે આપણા વિરોધીએ હાર માની લીધી છે. આપણે આ પોસ્ટર એટલે લગાવી રહ્યા છીએ કે આપણા વોટરોને લાગે કે લડાઈ ટક્કરની છે અને તેઓ મોટી સંખ્યામાં મતદાન કરવા જાય. જો તેમને લાગશે કે આપણે જીત પાક્કી છે તો તે ઘરમાં બેસી રહેશે. આ ચૂંટણીમાં અમિત શાહ 63 હજાર મતથી જીત્યા હતા."

line

મોદીના ઉત્તરાધિકારી

નરેન્દ્ર મોદી અને અમિત શાહ

ઇમેજ સ્રોત, Getty Images

કેટલાંક જૂથમાં તેમને મોદીના ઉત્તરાધિકારી તરીકે જોવામાં આવે છે. રસપ્રદ વાત એ છે કે મોદી પણ સ્વયં આ ધારણાને બનાવી રાખવા માગે છે.

જે દિવસે લોકસભામાં નાગરિકતા સંશોધન બિલ પાસ થયું તે દિવસે લોકસભામાં વડા પ્રધાન નરેન્દ્ર મોદીની ખુરશી ખાલી હતી.

અમિત શાહે આ પ્રકારે આભાસ કરાવ્યો કે તેઓ જ સંસદના નેતા હોય. ભાજપના સાંસદોએ પણ બિલ પાસ થયા પછી 'ભારત માતાની જય'ના નારા લગાવીને તેમનું સ્વાગત કર્યું.

તે દિવસે વડા પ્રધાને સંસદમાં ન આવવાનું કારણ ઝારખંડના ચૂંટણીપ્રચારમાં વ્યસ્ત હોવાનું આપ્યું હતું.

જોકે ભાજપના કેટલાક નેતાઓ મુજબ વડા પ્રધાન મોદીએ આવું જાણીજોઈને કર્યું, જેથી અમિત શાહને બિલ રજૂ કરવાનું અને તેને પાસ કરાવાનું સંપૂર્ણ શ્રેય મળે અને તેમને મોદીના ઉત્તરાધિકારી તરીકે જોવામાં આવે.

કોરોના વાઇરસ
લાઇન
બદલો YouTube કન્ટેન્ટ
Google YouTube કન્ટેન્ટને મંજૂરી આપીએ?

આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.

થર્ડ પાર્ટી કન્ટેટમાં જાહેરખબર હોય શકે છે

YouTube કન્ટેન્ટ પૂર્ણ

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો