લૉકડાઉન : પગપાળા વતન જતી એ મહિલા જેમણે રસ્તામાં જ બાળકને જન્મ આપ્યો

- લેેખક, સુશીલા સિંહ
- પદ, બીબીસી સંવાદદાતા
માથે સામાનનું પોટલું, ખોળામાં બે વર્ષની બાળકી અને તેની પાછળ અન્ય ત્રણ નાનાં બાળક, જેમાં સૌથી મોટો સાત વર્ષનો છે. આ શકુંતલા અને રાકેશનો પરિવાર છે, જે પગપાળા જ મહારાષ્ટ્રના નાસિકથી મધ્ય પ્રદેશના સતના માટે રવાના થયો.
આવા હજારો મજૂરો એક જગ્યાએથી બીજી જગ્યાએ જઈ રહ્યા છે. ફરક એ છે કે શકુંતલા ગર્ભવતી હતાં. તેમને નવમો મહિનો ચાલતો હતો અને અંતર બહુ લાંબું હતું.
જ્યાં આ પરિવાર કામ કરતો હતો ત્યાં અન્નનો એક દાણો પણ બચ્યો નહોતો અને ચાર બાળકોને ખવડાવવાનાં ફાંફાં હતાં.
દહાડી મજૂરી કરતાં રાકેશને એક દિવસના 400 અને શકુંતલાને 300 રૂપિયા મળતા હતા.
કોરોના વાઇરસને લીધે લાગુ લૉકડાઉનને એક મહિનાથી વધુ સમય થઈ ગયો હતો અને તેના ખૂલવાના દૂરદૂર સુધી કોઈ અણસાર વર્તાતા નહોતા.

'કોઈ રસ્તો ન રહ્યો તો ચાલવું માંડ્યું'
આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
YouTube કન્ટેન્ટ પૂર્ણ, 1
નાસિકના ગામથી કેટલાક અન્ય મજૂરો આવતાં હતા. ગામ પરત આવનારી આ બીજી ટોળી હતી.
શકુંતલા અને તેમના પતિ રાકેશે પરિસ્થિતિઓ સામે હાર માનીને ટોળી સાથે જ પગપાળા પોતાના ગામ ઉચેહરા જવા માટે હામ ભીડી.
શકુંતલા કહે છે, "મને લાગતું હતું 10-15 દિવસમાં બાળક થશે. એટલું નહોતું વિચાર્યું કે બાળક ઝડપથી થવાનું છે. ખાવાપીવાનો સામાન બધો પૂરો થઈ ગયો હતો. બસ અમે તો નસીબ પર બધું છોડીને ચાલી નીકળ્યા ભગવાન ભરોસે."
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
રાકેશ કહે છે, "અમે સવારે ચાલ્યા અને રસ્તામાં લોકો બિસ્કિટ, ખાવાનો સામાન અને પાણી આપતા હતા અને અમે ચાલતાં રહ્યાં. અમારી સાથે મહિલા અને પુરુષો મળીને પગપાળા ચાલતાં 18 લોકો હતાં."
"સાથે તેમનાં બાળકો પણ હતાં. અમે લોકો લગભગ 60 કિમી ચાલ્યા અને સાંજ થવામાં હતી."
"મારી પત્નીએ દુખાવાની ફરિયાદ કરી અને કહ્યું કે લાગે છે કે બાળક આવવાનું છે. પણ ત્યાં ન કોઈ હૉસ્પિટલ હતી, ન નર્સ કે ન કોઈ દાયણ."
ઘણી મુશ્કેલીઓ વેઠતો આ પરિવાર રસ્તામાં હતો અને તેમની સામે વધુ એક મુશ્કેલી આવી ગઈ.

'બાળકનો જન્મ ઘર થાય કે બહાર, અમારા માટે બધું સરખું'
શકુંતલા કહે છે, "આ ટોળીમાં ઉપસ્થિત મહિલાઓએ મને રસ્તા પરના એક ઝાડ નીચે લઈ ગઈ અને જલદી મેં બાળકીને જન્મ આપ્યો. બાળકીની નાળ મહિલાઓએ કાતરથી કાપી નાખી અને સાડીથી સાફ કરીને મને સોંપી દીધી. અમે અંદાજે એક કલાક આરામ કર્યો અને પછી ચાલવાનું શરૂ કરી દીધું."
પરંતુ શું તમને ડર ન લાગ્યો કે બાળકીને કંઈક થઈ જશે કે તમારા જીવને જોખમ છે?
આ સવાલ પર શકુંતલાએ કહ્યું, "મારાં બાળકો ભૂખે મરતાં હતાં. ગરીબ મહેનત નહીં કરે તો કમાશે શું? બાળકનો જન્મ ઘરે થયો હોત કે બહાર, અમારા માટે તો એક જ વાત છે."
જોકે પતિ રાકેશનું કહેવું છે કે તેઓ ડરી ગયા હતા કે તેને કંઈ થઈ જાત તો ચાર બાળકોનું શું થાત. હવે તેમને એ વાતની રાહત છે કે માતા-બાળક બંને સ્વસ્થ છે.

'પત્ની થાકી જતી, તેને હિંમત આપતો...'

ઇમેજ સ્રોત, ARUN SANKAR/AFP VIA GETTY IMAGE
રાકેશ કહે છે, "બાળકીના જન્મ બાદ અમે ચાલતાં હતાં ત્યારે ઘણી વાર શકુંતલાએ કહ્યું કે તે બહુ થાકી ગઈ છે અને હવે ચલાતું નથી. પરંતુ હું તેને હિંમત આપતો અને ધીમેધીમે ચાલવાનું કહેતો."
"બાદમાં અમે અંદાજે 150 કિમી ચાલ્યા અને અમારી ચેકપૉઇન્ટ પર પૂછપરછ થઈ. લોકોએ જણાવ્યું કે આ ટોળીમાં એક મહિલા પણ છે, જેમણે નવજાતને જન્મ આપ્યો છે. ત્યારે અમને રાતમાં એક કૉલેજમાં રહેવા દીધા."
બાળકીને જન્મ આપ્યા બાદ શકુંતલા 150 કિમીમીટર પગપાળા ચાલ્યાં ત્યારે પરિવાર મહારાષ્ટ્ર-મધ્ય પ્રદેશ સીમા પરના બિજાવન પહોંચ્યો.
સતના જિલ્લામાં બ્લૉક મેડિકલ ઑફિસર એ.કે. રાયનું કહેવું છે, "અમને જાણકારી મળી હતી કે મજૂરોની એક ટોળી નાસિકથી મધ્ય પ્રદેશના સતના માટે રવાના થઈ છે. અમને એ પણ જાણકારી મળી હતી કે તેમાં એક ગર્ભવતી મહિલા છે અને અમે એ ટોળી વિશે જાણકારી મેળવવાની કોશિશમાં હતા."
"આ મહિલા અંદાજે 60 કિલોમીટર ચાલી હશે કે પ્રસવપીડા શરૂ થઈ અને ટોળીમાં રહેલી મહિલાઓની મદદથી તેણે બાળકીને જન્મ આપ્યો."
એકે રાયનું કહેવું છે કે તેઓ જાતે જનની સુરક્ષા સેવાની ગાડી સાથે ગયા હતા.
તેઓ કહે છે, "શકુંતલા ખોળામાં બાળકી લઈને બહુ બહાદુરી સાથે ઊભી હતી. તેના ચહેરા પર કોઈ ચિંતા નહોતી. તેમણે સંપૂર્ણ તપાસ કરાવી અને કોવિડ-19નું પરીક્ષણ પણ કરાવ્યું."
"બાળકના જન્મ પછીની બધી રસી અપાઈ ચૂકી છે. શકુંતલાનું હિમોગ્લોબિન 9.8 છે. તેમને વિટામિન અને અન્ય સપ્લિમેન્ટ્સ અપાયાં છે. હાલમાં તેઓ સ્વસ્થ છે અને તેમને રજા પણ અપાઈ છે."
જિલ્લા કલેક્ટરે પણ પરિવારને 10 હજાર રૂપિયા અને ખાવાપીવાનો સામાન આપ્યો છે.

'ગામમાં જ કામ શોધીશું'

ઇમેજ સ્રોત, GETTY IMAGES
રાકેશ પોતાના પરિવાર સાથે હવે ગામમાં પહોંચી ગયા છે. બાળકીનું નામ શું રાખ્યું છે એ વિશે તેઓ કહે છે કે હજુ કંઈ વિચાર્યું નથી.
તો પછી હવે છ લોકોના પરિવારના ભરણપોષણ માટે શું કરશો? રાકેશ કહે છે કે હાલમાં ગુજરાન માટે ગામમાં જ કંઈક કામ શોધશે.
જોકે કામ મળે એની શક્યતા બહુ ઓછી છે. આથી જેવું લૉકડાઉન ખૂલશે કે તેઓ ફરી કામની શોધમાં પોતાનું ગામ છોડી દેશે.
પ્રવાસી મજૂરો માટે સરકારે વિશેષ ટ્રેનની વ્યવસ્થા કરી છે, જેથી તેઓ પોતાના ઘરે પહોંચી શકે.
તેમ છતાં ઘણા વિસ્તારમાંથી મજૂરો પગપાળા જ પોતાના ઘર તરફ જતા હોવાના સમાચાર સતત સાંભળવા મળે છે.
શક્ય છે કે તેમાં પણ કોઈ શકુંતલા હોય જેને મદદની ખાસ જરૂર હોય.


- ગુજરાતમાં લૉકડાઉન છતાં કેમ સતત વધી રહી છે કોરોના કેસોની સંખ્યા?
- ગુજરાત સહિત દેશવિદેશમાં તાજેતરની સ્થિતિ વિશે જાણવા માટે અહીં ક્લિક કરો
- ઉનાળો શરૂ થતાં કોરોના વાઇરસ ફેલાતો અટકી જશે? જાણવા માટે ક્લિક કરો
- કોરોના વાઇરસ દૂધની થેલી, વાસણો, પ્લાસ્ટિક પર અને હવામાં કેટલું જીવે છે? જાણવા માટે ક્લિક કરો
- ઇમ્યુન સિસ્ટમ કેવી રીતે મજબૂત કરશો અને એ કેવી રીતે અસર કરે છે?
- કોરોના વાઇરસનાં લક્ષણો શું છે અને કેવી રીતે બચશો? જાણવા માટે ક્લિક કરો

આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
YouTube કન્ટેન્ટ પૂર્ણ, 2
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો













