ગુજરાત પોલીસ જેલના કેદીઓને કોરોના વાઇરસથી કઈ રીતે બચાવશે?

    • લેેખક, રોક્સી ગાગડેકર છારા
    • પદ, બીબીસી સંવાદદાતા

કોરોના વાઇરસના સંક્રમણના વધી રહેલા કેસો વચ્ચે ગુજરાતભરની જેલોમાં કેદીઓને કોરોના નો ચેપ ન લાગી જાય તે માટે અનેક પ્રકારની તૈયારીઓ કરવામાં આવી છે.

સબજેલથી માંડીને અમદાવાદ સાબરમતી જેવી મોટી જેલમાં પણ કેદીઓની સંખ્યમાં ઘટાડો કરવામાં આવ્યો છે અને જે રહી ગયા છે, તેમને સોશિયલ ડિસ્ટન્સિંગના પાઠ ભણાવવામાં આવી રહ્યા છે.

દરેક બૅરેકમાં કેદીઓની સંખ્યામાં પણ નોંધપાત્ર ઘટાડો કરવામાં આવી રહ્યો છે.

ગુજરાત સરકારે અગાઉ જાહેરાત કરી હતી કે રાજ્યમાં 1,200 કેદીઓને બે મહીનાના પેરોલ પર મુક્ત કરવામાં આવશે.

રાજ્યની દરેક જેલમાંથી કેદીઓની ગીચતા ઘટાડવા માટે આ કેદીઓને પેરોલ પર મુક્ત કરવામાં આવ્યા હતા.

સુપ્રીમ કોર્ટના એક ઑર્ડર પ્રમાણે રાજ્ય સરકારોએ સાવચેતી રાખવા માટે કેદીઓની સંખ્યાની સમીક્ષા કરીને યોગ્ય નિર્ણય લેવાનો રહેશે.

આ ઑર્ડરને આધારે સાત વર્ષથી ઓછી સજા ધરાવતા ગુનેગારો કે જેઓ સ્વસ્થ છે તેમને પેરોલ પર મુક્ત કરવામાં આવ્યા હતા.

નવસારી સબજેલમાંથી 84 કેદીઓને મુક્ત કરવામાં આવ્યા છે, જેથી તેમાં કેદીઓની સંખ્યા 230થી ઘટીને 146 થઈ ગઈ છે.

530 કેદીઓની કૅપેસિટી ધરાવતી ભુજની પલારા જેલમાં હાલમાં 330 કેદીઓ છે. આ 330 કેદીઓમાં 18 પાકિસ્તાની નાગરિકોનો પણ સમાવેશ થાય છે.

દરેક નાની-મોટી જેલમાં કેદીઓની સંખ્યા ઘટાડવામાં આવી છે.

જો કે દરેક નવા કેદીને સુપ્રીમ કોર્ટની ગાઇડલાઇન્સ પ્રમાણે જ પ્રવેશ આપવામાં આવે છે, તેવું જેલ ખાતાના અધિક પોલીસ મહાનિદેશક ડૉ. કે. એન. રાવે બીબીસી ગુજરાતીને જણાવ્યું હતું.

તેમણે કહ્યું હતું કે કોઈ પણ જેલમાં પ્રવેશતાં પહેલાં પોલીસસ્ટેશનના અધિકારીઓએ પકડાયેલા આરોપીની સરકારી લેબોરેટરીમાં તપાસ કરાવવાની રહે છે.

રિપોર્ટ આવવામાં સમય લાગે એવું હોય તો એવા સંજોગોમાં શું કરાય છે?

એ વિશે ડૉ. રાવ કહે છે કે પોલીસસ્ટેશનથી આવેલા આરોપીને અમે ખાસ આઇસોલેશન બૅરેકમાં રાખીએ છીએ.

તેઓ આગળ જણાવે છે કે જો રિપોર્ટ નૅગેટીવ આવે તો તેમને ક્વોરૅન્ટીન બૅરેકમાં મોકલી દેવામાં આવે છે, જ્યાં તે વ્યક્તિને 14 દિવસ સુધી ક્વોરૅન્ટીન કરાય છે.

અમદાવાદની સાબરમતી જેલમાં હાલમાં 47 જેટલા કેદીઓ આઇસોલેશનમાં છે.

ગુજરાતની મોટી જેલો પૈકીની એક તેવી સુરતની લાજપોર જેલમાં હાલમાં 14 ક્વોરૅન્ટીન બૅરેક બનાવવમાં આવી છે અને દરેક કેદીની બેરૅક રોજ બદલાઈ જાય છે, તેવું લાજપોર જેલના સુપરિન્ટેન્ડન્ટ એન. એમ. નિનામા કહે છે.

રોગપ્રતિકારક શક્તિ વધારવાના પ્રયાસ

કેદીઓની ગીચતા ઘટાડવાના પ્રયાસો વચ્ચે તેમની રોગપ્રતિકારક શકિતને વધારવા માટેના પણ પ્રયાસો થઈ રહ્યા છે.

આ વિશે ભુજની પલારા ખાસ જેલના સુપરિન્ટેન્ડન્ટ ડી. એમ. ગોહીલ કહે છે કે હાલમાં તેમણે કેદીઓ માટે એક ડૉક્ટરની વ્યવસ્થા કરી છે.

તેની સાથે-સાથે તેમને દરરોજ ઉકાળો અને લીમડાના મોરનું પાણી પણ આપવામાં આવે છે.

હાલમાં ભુજની જેલમાં દિવસમાં એક વખત કેદીઓ માટે ઉકાળાની વ્યવસ્થા કરવામાં આવી છે, તેની સાથે-સાથે તેમને બીજા હોમિયોપથીના ઉપચારથી પણ વાકેફ કરાવવામાં આવી રહ્યાં છે.

સેનેટાઇઝર ટનલથી માંડી -મુલાકાત સુધી

હાલમાં અમદાવાદ અને સુરત જેવી મોટી જેલોમાં સેનેટાઇઝર ટનલ બનાવવામાં આવી છે, જેથી કેદીઓ ઉપરાંત જેલ સ્ટાફને તેમાંથી પસાર થઈને સેનેટાઇઝ કરી શકાય.

નડિયાદ, ભુજ, છોટા ઉદેપુર જેવી સબજેલમાં સેનેટાઇઝ કરવા માટે પંપની મદદ લેવામાં આવી રહી છે.

જો કે ઘણી જેલોમાં કેદીઓને મુલાકાત માટે ઈ-મુલાકાતની વ્યવસ્થા પણ કરવામાં આવી છે, જેમાં વીડિયો કૉલ મારફતે કેદી પોતના સ્વજનો સાથે વાત કરી શકે છે.

આ માટે મુલાકાત લેનાર સ્વજને ઑનલાઇન અરજી કરવાની હોય છે અને ત્યારબાદ તેઓ જેલમાં કેદ તેમના સ્વજન સાથે વીડિયો કૉલ પર વાત કરી શકે છે.

ત્રણ પૉઝિટિવ કેસોએ તંત્રને દોડતું કર્યું

અમદાવાદના ઇસનપુરથી રેપ અને પોક્સોના ગંભીર ગુનામાં પકડાયેલા બે આરોપીઓને સિવિલ હૉસ્પિટલમાં કોરોનાનો રિપોર્ટ કરાવ્યા બાદ સાબરમતી જેલના આઇસોલેશન વૉર્ડમાં રાખવામાં આવ્યા હતા.

ઝડતી વગેરે કરવા માટે લગભગ 14 જેટલા પોલીસ અને જેલના કર્મચારીઓ તેમના સંપર્કમાં આવ્યાં હતા.

જો કે તેમને આઇસોલેશનમાં મોકલી દીધા બાદ સિવિલમાંથી તેમનો રિપોર્ટ પૉઝિટિવ આવતાં આ બન્ને આરોપીઓને સિવિલ હૉસ્પિટલમાં ટ્રીટમૅન્ટ માટે મોકલી દેવામાં આવ્યાં હતા.

તેમના સંપર્કમાં આવેલા તમામ કર્મચારીઓને ક્વોરૅન્ટીન કરી દેવામાં આવ્યા હતા.

આવી જ રીતે સુરતની લાજપોર જેલમાં સલાબતપુરા પોલીસસ્ટેશનથી મર્ડરના આરોપમાં પકડાયેલા એક આરોપીનો રિપોર્ટ પૉઝિટિવ આવતાં તેમને પણ સારવાર માટે સરકારી હૉસ્પિટલમાં મોકલી દેવામાં આવ્યા હતા.

જો કે આ બન્ને ઘટનાને કારણે જેલતંત્રમાં હડકંપ મચ્યો હતો અને ઉચ્ચ અધિકારીઓએ તમામ જેલોમાં વ્યવસ્થા અંગે સમીક્ષા કરી હતી.

દિલ્હી સ્થિત પીપલ્સ યુનિયન ફોર ડેમૉક્રેટીક રાઇટ્સ સંસ્થા જે માનવીય હકોના મુદ્દે કામ કરે છે તેમણે અનેક વાર દેશભરની જેલોમાં કેદીઓની ગીચતાને કારણે કોરોનાના ફેલાવાની ભીતીના મુદ્દાને લઈને સવાલો ઊભા કર્યા છે.

આ સંસ્થાએ બીમાર હોય તેવા કેદીઓને તથા ઇમ્યુનિટી ઓછી થઈ ગઈ હોય તેવા કેદીઓને તુરંત પેરોલ આપવાની રજૂઆતો કરી છે.

એક પ્રેસ વિજ્ઞાપ્તિમાં આ સંસ્થા કહે છે કે જેલોમાં ચેપી રોગ ફેલાવવાની શક્યતા સૌથી વધુ હોય છે અને તે ઘણા લોકોના જીવ જોખમાં મૂકી શકે છે.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો