'એક જ ટંક જમીએ છીએ, કોઈ મદદ નથી કરતું'- ઈરાનમાં ફસાયેલા ગુજરાતી માછીમારોની વ્યથા

    • લેેખક, શૈલી ભટ્ટ
    • પદ, બીબીસી સંવાદદાતા

"મારા માતાને ગુજરી ગયા તેર દિવસ થયાં. લૉકડાઉન છે અને અમે વાહણ પર ફસાયા છીએ, હું પહોંચી ન શક્યો. અમે અહીં ચીરૂ બંદર પર છીએ. ગુજરાત અને તમિલનાડુના ભેગા થઈને લગભગ 500 જેટલા માછીમારો આ એક બંદર પર છે. બીજા બધા બંદર પર પણ અમારા ભાઈઓ છે. હવે ઘરે જવું છે. સરકાર અમારી મદદ કરે."

આ શબ્દો છે 44 વર્ષના પ્રભાકર મંગેલાના. તેઓ વલસાડના ઉમરગામના વતની છે. એક માછીમાર છે અને અત્યારે ઈરાનના એક બંદર પર ફસાયા છે.

ઈરાનમાં ભારતીય દૂતાવાસ પાસેથી બીબીસી ગુજરાતીને મળેલી માહિતી અનુસાર, ભારતના એક હજાર જેટલા માછીમારો ત્યાં ફસાયા છે.

આ પૈકી 750 જેટલા માછીમારો તમિલનાડુના, ગુજરાતના 225 અને 75 કેરળના માછીમારો કિશ આઇલૅન્ડ, બંદર-એ-મોઘમ અને ચીરૂ બંદર પર છે.

કોરોના વાઇરસના ફેલાવા સામે ગ્લોબલ લૉકડાઉન ચાલી રહ્યું છે. ઈરાન પણ એ દેશોમાંથી એક છે, જેણે પોતાની સરહદો બંધ કરી છે અને આંતરિક મુસાફરી પર પણ પ્રતિબંધો લાદ્યા છે.

ઉલ્લેખનીય છે કે ઈરાનમાં અત્યાર સુધી કોરોના વાઇરસના કેસનો આંકડો 91 હજારથી વધુ છે, જ્યારે 28 એપ્રિલ સુધી 5,806 લોકોનાં મૃત્યુ થયાં છે.

ભારતમાં પણ ત્રીજી મે સુધી લૉકડાઉન જાહેર કરાયું છે, જેમાં તમામ પ્રકારની મુસાફરી પર પ્રતિબંધ છે.

આ લૉકડાઉનના કારણે ઈરાનમાં માછીમારી કરવા ગયેલા ભારતીય માછીમારો બે મહિનાથી વહાણ પર જ દિવસો પસાર કરી રહ્યા છે.

એક જ ટંક જમીએ છીએ

આ વિશે બીબીસી ગુજરાતી સાથે વાત કરતાં સૂર્યા બારિયા (ઉંમર વર્ષ 39)એ જણાવ્યું, "અમે ચીરૂ બંદર પર છીએ. 27 ફેબ્રુઆરીથી વાહણ એન્કર પર છે અને અમે વાહણમાં જ રહીએ છીએ. એક વાહણ પર સરેરાશ પાંચથી આઠ લોકો છે."

"છેલ્લે અમને માર્ચ મહિનામાં અનાજ પહોંચાડવામાં આવ્યું હતું. એક જ ટંક જમીએ છીએ, જેથી થોડો વધારે સમય ચાલે પણ આવું લાંબો સમય સુધી નહીં ચાલે."

પરિવાર વિશે વાત કરતાં બારિયાને જણાવ્યું, "ઉમરગામમાં પરિવાર રહે છે, મારો દીકરો હૅન્ડિકૅપ છે. પત્ની એકલી તેને સંભાળે છે. કોરોનાને કારણે વધુ ચિંતા રહે છે. ધંધો બંધ છે, પૈસા પણ પૂરતાં નથી. હવે અગવડો અને ચિંતા વધી રહ્યા છે."

રૅશનને કારણે બારિયાને પોતાના સ્વાસ્થ્યની ચિંતા છે. સાથે જ ગુજરાતમાં પોતાના પરિવારની ચિંતા પણ થાય છે.

ગણેશ ટંડેલ, જે હાલ કિશ આઇલૅન્ડ બીજા માછીમારો સાથે વહાણ પર છે. તેમણે બીબીસી ગુજરાતી સાથે વાત કરતાં જણાવ્યું:

"અમને રૅશનમાં ચોખા, ખાંડ-ચા, તેલ અને મસાલા અને બટાકા-ડુંગળી, ટામેટા આપવામાં આવ્યા હતાં. એક વાહણ પર આઠેક લોકો વચ્ચે આ લાંબો સમય નહીં ચાલે. અમે જ્યાં ફસાયા છીએ ત્યાંથી 70 કિલોમિટરના વિસ્તારમાં કોઈ જ સુવિધાઓ નથી."

"જો અમારામાંથી કોઈની પણ તબિયત ખરાબ થઈ જાય, તો સારવાર માટે કોઈ વ્યવસ્થા નથી."

"વાહણના માલિકો પણ સામે નથી જોતા કે નથી અધિકારીઓ જવાબ આપતાં. અમારી વિનંતી એ જ છે કે અમને પહેલાં પૂરતું રૅશન આપે અને પછી ભારત લઈ જવાની કોઈ વ્યવસ્થા કરે. ટુરિસ્ટ અને વિદ્યાર્થીઓ માટે સરકારે ઘણું કર્યું છે, માછીમારો માટે પણ કરે."

ગણેશ ટંડેલના પરિવરામાં બે દીકરી, એક દીકરો, પત્ની અને માતા છે. તેમના વિશે વાત કરતા ગણેશભાઈ જણાવે છે:

"ભારતમાં કોરોની સ્થિતિ વિશે ઇન્ટરનેટ પર જાણીએ છીએ, ત્યારે પરિવારની ચિંતા પણ થાય છે. ફોન કરીએ, પણ અમે દરિયા કિનારે હોવાથી નેટવર્ક ખૂબ ખરાબ હોય છે. જ્યારે પણ ઘરે વાત થાય, ત્યારે બળકોનો એક જ સવાલ હોય કે પાછા ક્યારે આવશો."

ઈરાન બંદર પર ફસાયેલા માછીમારોનું કહેવું છે કે વીડિયો બનાવીને, ભારતીય દૂતાવાસમાં ફોન કરીને સંપર્ક કરવાં છતાં તેમને કોઈ જવાબ કે મદદ મળી નથી.

બિનલ બારિયા (ઉંમર વર્ષ 26)એ બીબીસી ગુજરાતી સાથે વાત કરતાં જણાવ્યું, "અમે અહીં આટલા દિવસથી અહીં હેરાન થઈએ છીએ."

"દર વખતે અમે ફોન કરીએ, ત્યારે અમારા ફોન એક અધિકારીથી બીજા અધિકારી પર ટ્રાન્સફર કરતા રહે છે, પણ કોઈ જવાબ આપતું નથી. મુલાકાત લેવી તો વાત દૂરની વાત છે."

"27 ફેબ્રુઆરીથી વાહણ નાંગરેલું છે અને અમારા માટે અનાજ છેક માર્ચ મહિનામાં પહોંચાડાયું."

"મારો એકનો એક દીકરો ત્યાં છે, એને પાછો લાવો"

ઉમરગામમાં રહેતાં રીટાબહેનના દીકરા બંટી ઈરાનમાં માછીમારી માટે ગયા હતાં, જે હવે લૉકડાઉનના કારણે ત્યાં ફસાયા છે.

બીબીસી ગુજરાતી સાથે વાત કરતાં રીટાબહેને જણાવ્યું,"મારો 20 વર્ષનો દીકરો બંટી ઈરાનમાં છે. આઠ મહિના થયા. મારો એકનો એક દીકરો છે."

"વીડિયો કૉલિંગથી મોઢું જોઉં પણ ચિંતા થાય છે. એ બે દિવસે એકાદ વાર ફોન કરે, પણ એ બહુ વાત ન કરે, એની તકલીફો કહેતો નથી, કેમ કે એને ખબર છે કે હું અહીંયા એકલી ચિંતા કરીશ."

"એ ન કહે તો પણ ચિંતા તો થવાની જ. એના સિવાય મારી એક દીકરી છે એના લગ્ન થઈ ગયા છે. મારા પતિ ગુજરી ગયા વર્ષો થયા."

"બંને બાળકોને મેં એકલા હાથે મોટા કર્યા છે. મારી એક જ વિનંતી છે કે તેને પાછો લઈ આવો."

રીટાબેનની જેમ જ ઉમરગામના ઘણા પરિવારો છે જે ઈરાનમાં ફસાયેલા પોતાના પરિજનની રાહ જોઈ રહ્યા છે. એમાંથી એક છે સતીશભાઈ ટંડેલ. બીબીસી ગુજરાતી સાથે વાત કરતાં તેમણે જણાવ્યું:

"મારો નાનો ભાઈ અક્ષય પાંચ મહિનાથી ત્યાં છે. એ માછીમારી કરવા ગયો હતો. આ કોરોનાને કારણે હવે ત્યાં વાહણ પર છે. બે મહિના પહેલાં અક્ષયના પત્નીએ દીકરીનો જન્મ આપ્યો, પણ એણે હજી દીકરીને જોઈ નથી."

"એ ફોન કરે પણ બંને બાજુ નેટવર્ક ખરાબ હોવાથી વધુ વાતચીત નથી થઈ શક્તી. પણ ખાવા-પીવાની અગવડ વિશે તેની પાસેથી સાંભળીએ અને ત્યાં વાઇરસના કેસો ઘણા છે એવું સમાચારમાં જોઈએ, ત્યારે ખૂબ ચિંતા થાય કે બને એટલા જલદી પાછા આવી જાય."

બી.બી.સી. ગુજરાતીએ ઈરાનની રાજધાની તેહરાનમાં આવેલા ભારતીય દૂતાવાસનો સંપર્ક કર્યો હતો. આ મુદ્દે કૉન્સ્યુલર વિંગના સેકન્ડ સેક્રેટરી એસ .બી. સરોહાએ બીબીસી ગુજરાતીને જણાવ્યું:

આ માછીમારો ઈરાનની દક્ષિણે દરિયાઈ પટ્ટીમાં 500 કિમીમાં પથરેલા વિસ્તારમાં ફેલાયેલા છે. જેમાં બુશહેર (અસ્સાલુયેહ પૉર્ટ સિટી)થી લઈને હોર્મોઝગાન (કિશ આઇલૅન્ડ, મોઘમ,ચીરૂ, ચરક, લવાન, બુસ્તાનેહ)નો સમાવેશ થાય છે.

ભારતીય દૂતાવાસના દાવા મુજબ ઈરાનના ઉત્તર અને કેન્દ્રીય પ્રદેશો કે જ્યાં કોવિડ-19ના કેસની સંખ્યા ઘણી વધુ છે, તેની સરખામણીએ આ બે વિસ્તારો પ્રમાણમાં ઓછા સંક્રમિત થયા છે.

સરોહાએ બી.બી.સી. ગુજરાતીને જણાવ્યા મુજબ, બંદર અબ્બાસમાં આવેલી ઓફિસ પર ફરજ બજાવતા કૉન્સ્યુલેટ્સ અને તહેરાન દૂતાવાસના કૉન્સ્યુલેટ્સ છેલ્લા બે મહિનાથી આ માછીમારોના સતત સંપર્કમાં છે.

બંદર અબ્બાસ પર ફરજ બજાવતા અધિકારી કિશ આઇલૅન્ડ પર માછીમારોને મળ્યા હોવાનો દાવો દૂતાવાસ કરી રહ્યું છે. ઈરાનમાં ચાલી રહેલા લૉકડાઉન અને મુસાફરી પર પ્રતિબંધોને કારણે તેઓ બીજી કોઈ જગ્યાની મુલાકાત નથી લઈ શક્યા તેમ જણાવ્યું છે.

માછીમારો માટે રૅશન અને અનાજ-પાણીની વ્યવસ્થા અંગે જવાબ આપતાં એસ. બી. સરોહાએ જણાવ્યું કે, નવરોઝની રજાઓ, લૉકડાઉનના પડકારો વચ્ચે 20-21 માર્ચ દરમિયાન આ તમામ માછીમારોને જરૂરી રૅશન અને પાણી પહોંચાડવામાં આવ્યું હતું.

ત્રીજી મે સુધી, એટલે કે જ્યાં સુધી ભારતમાં લૉકડાઉન છે અને કૉમર્શિયલ ફ્લાઇટ ઑપરેશન બંધ છે, ત્યાર સુધી અને આ માછીમારોને અહીંની ગાઇડલાઇન્સ મુજબ સ્વાસ્થ્યને લગતી સૂચનાઓનો અમલ કરવાની સલાહ આપી છે.

દૂતાવાસનો દાવો છે કે માછીમારો સાથેના સતત સંપર્કથી અને સ્થાનિક સરકારના સૂચનોના અમલથી હજી સુધી એક પણ માછીમાર કોવિડ-19થી સંક્રમિત થયા નથી.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો