કોરોના વાઇરસ : મહામારીના ખરા સમયે રિઝર્વ બૅન્કની આક્રમક નીતિ વખાણવા જેવી છે

આરબીઆઈના ગવર્નર શશિકાંત દાસ

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, આરબીઆઈના ગવર્નર શશિકાંત દાસ
    • લેેખક, ડૉ. જય નારાયણ વ્યાસ
    • પદ, બીબીસી ગુજરાતી માટે

દેશ કોરોના વાઇરસની મહામારી સામે લૉકડાઉન થઈને લડી રહ્યો છે એ સમયે રિઝર્વ બૅન્કે જે નાણાનીતિ જાહેર કરી છે એનાં અનેક પાસાં છે.

સૌપ્રથમ તો નાણાં એ કોઈ પણ અર્થવ્યવસ્થાની લાઇફલાઇન એટલે કે જીવાદોરી અથવા કરોડરજ્જુ છે.

ટર્મ લોન ઉપરનું મૉનેટોરિયમ એટલે કે વ્યાજની વસૂલાત મુલતવી રાખી ને હવે એને ડિફોલ્ટ (ચૂક ) નહીં ગણવામાં આવે તેવું રિઝર્વ બૅન્કના ગવર્નરે જાહેર કર્યું.

રિઝર્વ બૅન્ક ઑફ ઇન્ડિયાનું માનવું છે કે ક્રૂડ ઑઇલના ભાવ જે રીતે ઘટ્યા છે તેમજ અનાજનું ઉત્પાદન પણ વિક્રમી થયું છે તેને કારણે ખાધાખોરાકીની ચીજ-વસ્તુઓના ભાવ પણ ઘટશે.

શૅરબજારમાં કડાકો બોલે તેને તમારી બેંકમાં પડેલી ડિપૉઝિટોની સલામતી સાથે કોઈ લેવા દેવા નથી અને ડિપૉઝિટરોએ તેમનાં નાણાંની ચિંતા ન કરવી એવું રિઝર્વ બૅન્કના ગવર્નર શશિકાંત દાસનું કહેવું છે.

ભારતીય બૅન્કિંગ વ્યવસ્થા સ્થિર અને સલામત છે અને આ વ્યવસ્થા સ્થિર અને સલામત રહે તેની બધી જ ચિંતા રિઝર્વ બૅન્ક ઑફ ઇન્ડિયા કરી રહી છે.

આજે રિઝર્વ બૅન્ક ઑફ ઇન્ડિયાએ જે નીતિ જાહેર કરી છે તે ખરેખર આક્રમક નીતિ કહી શકાય તેવી અને આજની પરિસ્થિતિમાં વખાણવા લાયક છે.

line
કોરોના વાઇરસ
line

બુસ્ટર ડોઝ

ખેતરમાં મહિલાઓ

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, ખેતરમાં મહિલાઓ

રિઝર્વ બૅન્ક ઑફ ઇન્ડિયાએ આ પગલાં થકી 3,74,000 કરોડની તરલતા એટલે કે લિક્વિડિટી અથવા નાણાનો પુરવઠાનો એક બુસ્ટર ડોઝ આપણી અર્થવ્યવસ્થાને આપ્યો છે.

રિઝર્વ બૅન્ક ઑફ ઇન્ડિયાની આ જાહેરાતની કુલ કિંમત જીડીપીના લગભગ 3.2 ટકા થાય છે.

આવનાર ત્રણ મહિના માટે બૅન્કોને જે હપ્તા ભરવાના થતાં હોય અથવા તો ટર્મ લૉન હોય કે વર્કિંગ કૅપિટલ જે કાંઈ પેટે બૅન્કને હપ્તો ભરવાનો થતો હોય એને આરબીઆઈની હાલની નીતિ પ્રમાણે ત્રણ મહિના માટે મુલતવી રાખવામાં આવે છે.

બૅન્કો તમારી પાસે ઉઘરાણી નહીં કરે અને જે રકમ બાકી રહેશે એના ઉપર દંડાત્મક વ્યાજ પણ નહીં વસૂલ કરવામાં આવે.

આ ઉપરાંત આને કારણે જે બૅન્કોને તકલીફ ઊભી થાય તેમને ઍસેટ ક્લાસિફિકેશન ડાઉન ગ્રૅડ કરવું પડે અને NPA માં લઈ જવું પડે તેમાંથી મુક્તિ આપવામાં આવી છે. તમને ત્રણ મહિના માટે બૅન્કને હપ્તો ભરવામાંથી મુક્તિ મળી છે. ઉદ્યોગ ધંધા માટે આ મોટી રાહત છે.

ઘરની લોન લીધી હોય એના હપ્તા ક્યાંથી ચૂકવીશું એની ચિંતા જે કરતા હોય તેમના માટે અથવા તો વાહન માટેની કોઈ લૉન લીધી હોય તો એના હપ્તા ભરવાની જોગવાઈ કેવી રીતે કરીશું તેની ચિંતા કરતાં હોય તેમના માટે આ બહુ મોટી રાહતના સમાચાર છે.

ટૂંકમાં, આવનાર ત્રણ મહિના તમારે કોઈ કહેતાં કોઈ હપ્તો ભરવાનો નથી અને એના ઉપર કોઈ પણ પ્રકારનું વ્યાજ લાગશે નહીં.

line

લોકો અને બૅન્કો પર કેવી અસર?

સસ્તા અનાજની દુકાને રાહ જોઈ રહેલા લોકો

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, સસ્તા અનાજની દુકાને રાહ જોઈ રહેલા લોકો

ઇન્વેસ્ટમેન્ટ ગ્રેડ કૉર્પોરેટ બૉન્ડમાં રોકાણ કરવા માટે બૅન્કોને અપાયેલી છૂટના કારણે અત્યારે નાણાં બજારમાં જે તરલતા ઘટી છે અને નાણાંનો પ્રવાહ ઘટી ગયો છે તે ફરી સુધરશે.

આથી આગળ CRRમાં ૧૦૦ બૅઝિસ પૉઇન્ટના ઘટાડા સાથે રેપોરેટ અને રિવર્સ રેપોરેટમાં ઘટાડો પણ લિક્વિડિટી એટલે કે તરલતામાં વધારો કરશે.

NBFC અને MFsને લઈને વધારાની લિક્વિડિટી વિન્ડો ઊભી કરાશે એવી અપેક્ષા હતી જે થયું નથી કદાચ ભવિષ્યમાં ખપ પડે તેના માટે બાકી રખાયું હશે.

કટોકટીનાં પગલાં તરીકે રિઝર્વ બૅન્ક ઑફ ઇન્ડિયાએ રેપો રેટ કટ કર્યા છે. રેપોરેટમાં ૭૫ બૅઝિસ પૉઇન્ટ ઘટાડીને 4.4 ટકા અને રિવર્સ રેપોરેટ ઘટાડીને 4 ટકા કર્યો છે. જેના કારણે બૅન્કો પોતાના વધારાના પૈસા રિઝર્વ બૅન્ક પાસે પાર્ક કરતી હતી એટલે કે ડિપૉઝિટ મૂકતી હતી તેમાં હવે આકર્ષણ રહેશે નહીં.

રિઝર્વ બૅન્ક ઑફ ઇન્ડિયાએ રેપો રેટ ઘટાડીને 4.4 ટકા કર્યો તેનો અને અગાઉના રેટ કટનો લાભ બૅન્કો ગ્રાહકોને જેમનો તેમ આપે અને એમાંથી પોતાના માટે કંઈક રાખવાની લાલચ જતી કરે તો જ એનો અર્થ સરે.

સીઆરઆરમાં રાહતને કારણે બૅન્કોને વધારાનું ફંડ નીચા વ્યાજે મળશે જેનો યોગ્ય ઉપયોગ જરૂરી છે.

ઘટેલા આ વ્યાજદરની પોતાનું ઘર વસાવવા માટે લૉન લેનાર માટે પણ ફાયદાકારક અસર થશે અને એ રીતે રિયલ ઍસ્ટેટના ધંધાને પણ ફાયદો થશે.

બૅન્કો માટે આ મિક્સ પૅકેજ છે. સીઆરઆર ઘટવાને કારણે બૅન્કો વધારાનાં નાણાં સરેરાશ ઓછા વ્યાજે મળશે. 90 દિવસ માટે આ પેટે કોઈ જોગવાઈ કરવાની નથી.

બીજી તરફ નીચા વ્યાજના દર ધિરાણ માટેનું દબાણ અને ઍસેટ ક્વૉલિટિ ડિટોરીએશન એટલે કે અસ્કયામતોની ગુણવતામાં ઘસારો આ નીતિનાં નકારાત્મક પાસાં છે.

આ નીતિ વિકાસને ઝાઝો વેગ ભલે ન આપે પણ કૉલેપ્સ એટલે કે અર્થવ્યવસ્થાને કડડભૂસ કરતી તૂટી પડતા જરૂર બચાવશે.

કટોકટીની પળે રિઝર્વ બૅન્ક ઑફ ઇન્ડિયાએ ખાસ્સું મોટું પેકેજ જેની રૂપિયાની દ્રષ્ટિ એ બહુ મોટી કિંમત થાય તે આપણી અર્થવ્યવસ્થાને બચાવવા માટે અને લૉન લેનારાઓને રાહત મળે તે માટે જાહેર કર્યું છે.

રિઝર્વ બેન્ક ઑફ ઇન્ડિયાની પોલિસી જાહેર થઈ જેમાં હાલ પૂરતી ઘરના લોનના હપ્તા ભરવામાંથી મુક્તિ, વ્યાજ ઉપર રાહત અને અન્ય પગલાંઓને કારણે વેપારીઓ અને ઉદ્યોગપતિઓ માટે વધારાનાં નાણ છુટા થશે અને તેમની જે પણ ફંડની જરૂરિયાત હોય, લિક્વિડિટીની જરૂરિયાત હોય તે બૅન્ક પાસેથી મળી રહેશે.

બદલો YouTube કન્ટેન્ટ, 1
Google YouTube કન્ટેન્ટને મંજૂરી આપીએ?

આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.

થર્ડ પાર્ટી કન્ટેટમાં જાહેરખબર હોય શકે છે

YouTube કન્ટેન્ટ પૂર્ણ, 1

કુલ 5.40 લાખ કરોડ રૂપિયા જેટલું પૅકેજ

મહામારી સામે રાહત-સેવાની કામગીરી

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, મહામારી સામે રાહત-સેવાની કામગીરી

અગાઉ નાણામંત્રી નિર્મલા સીતારમણે 1.7 લાખ કરોડનું પૅકેજ જાહેર કર્યું અને પછી 3.74 લાખ કરોડ રિઝર્વ બૅન્ક ઑફ ઇન્ડિયાએ જાહેરાત કરી એટલે બેઉનો સરવાળો કરીએ તો લગભગ 5.40 લાખ કરોડ રૂપિયા જેટલું પૅકેજ અત્યાર સુધીમાં ભારત સરકાર અને કેન્દ્રિય બૅન્ક રિઝર્વ બેન્ક દ્વારા આપવામાં આવ્યું છે.

આ ઉપરાંત ભારત સરકાર દ્વારા 2 રૂપિયે કિલો ઘઉં અને 3 રૂપિયે કિલો ચોખા એ પ્રમાણે વ્યક્તિ દીઠ સાત કિલો અનાજ ત્રણ મહિના માટે આગોતરું આપવાની જાહેરાત કરવામાં આવી છે.

ગુજરાતનાં મુખ્ય મંત્રી વિજયભાઈ રૂપાણીએ એક મહિનાનું રેશન ગરીબીની રેખા નીચે જીવતા લગભગ 20 લાખ પરિવારોને એટલે કે સાડા ત્રણ કરોડ લોકોને આપવાની વાત કરી છે.

સરકાર પોતાની રીતે બનતું બધું જ કરી રહી છે આપણે ધીરજ રાખવાની છે. પરપ્રાંતીય મજૂરો આ રાજ્યમાં કે અન્યત્ર ફસાયા હોય તો તેના નિભાવ માટેની વ્યવસ્થા પણ જે તે રાજ્ય સરકારો દ્વારા કરવામાં આવી રહી છે.

આવા કોઈ કિસ્સા હોય તો પ્રાંત ઑફિસર અથવા મામલતદારને ધ્યાને લાવી એ માટે સરકાર દ્વારા શું સવલત મળી શકે છે તે જોઈ આગળની કાર્યવાહી કરી શકાય છે.

અત્યારે તો રિઝર્વ બૅન્કે તમને લોનોના હપ્તા ભરવામાંથી મુક્તિ આપી અને તમારા બાકી રહેતા લહેણાં પર વ્યાજના દર ઘટી જાય એ પ્રકારની વ્યવસ્થા કરી એ માટે રિઝર્વ બૅન્ક ઑફ ઇન્ડિયાનો આભાર માનીએ. શશિકાંત દાસ સંકટ સમયની સાંકળ બનીને મેદાનમાં આવ્યા એ માટે એમનો આભાર.

સારું થવા તરફ આપણે આગળ વધી રહ્યા છીએ પણ જ્યારે કટોકટી હોય ત્યારે એક નાની સરખી ચૂક પણ ભારે પડી જતી હોય છે.

નિયમો માં કોઈપણ પ્રકારની છૂટછાટ લેવાની નથી. સરકારે જે કઈ કહ્યું હોય તેનો ચુસ્ત દુરસ્ત અમલ કરવાનો છે. સોશિયલ ડિસ્ટન્સિંગ એટલે કે એકબીજાથી સલામત અંતર રાખવા, ઘરમાં પણ પાંચ ફૂટનું અંતર રાખીને બેસવાનો નિયમ બિલકુલ ચુસ્ત રીતે પાળવાનો છે તો આપણે ચોક્કસ આ કટોકટીમાથી બહાર આવી જઇશું.

તમે આ મહામારીમાં માનસિક રીતે ભાંગી ન પડો એ પણ ખૂબ જ જરૂરી છે. જરૂર છે એક બીજાની સાથે ઊભાં રહેવાની, અત્યારની પળે સરકાર કહે તે કરવાની, જે ગરીબો છે વંચિતો છે તેમનું ધ્યાન રાખવાની, જે દર્દીઓ છે એમના માટે ચિંતા કરવાની.

બદલો YouTube કન્ટેન્ટ, 2
Google YouTube કન્ટેન્ટને મંજૂરી આપીએ?

આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.

થર્ડ પાર્ટી કન્ટેટમાં જાહેરખબર હોય શકે છે

YouTube કન્ટેન્ટ પૂર્ણ, 2

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો