કોરોના વાઇરસ : 'થોડા દિવસની દવા બચી છે' હરિદ્વારમાં ફસાઈ ગયેલા ગુજરાતીઓની વ્યથા

    • લેેખક, ટીમ બીબીસી ગુજરાતી
    • પદ, નવી દિલ્હી

"અમે 45 સિનિયર સિટીઝનો ગંગાસ્નાન કરાવવા માટે ભાવનગરથી નીકળ્યા હતા, અચાનક જ લૉકડાઉનની જાહેરાત થતાં સ્થિતિ કફોળી થઈ ગઈ છે. કેટલાક વડીલોની દવા પણ પૂરી થવામાં છે." આ શબ્દો છે, મૂળ ભાવનગરના તથા હાલ હરિદ્વારમાં ફસાયેલાં સુખદેવસિંહ ગોહિલના.

અચાનક થયેલી આ જાહેરાતને કારણે દેશ-વિદેશમાં ફરવા કે તીર્થયાત્રાએ નીકળેલા સેંકડો ગુજરાતીઓની સ્થિતિ કફોળી થઈ ગઈ છે.

સ્થાનિક વહીવટીતંત્ર દ્વારા વૃદ્ધોને મદદની તૈયારી દાખવવામાં આવી છે, પરંતુ તેમનું પરત ફરવું તત્કાળ શક્ય નહીં હોય.

લૉકડાઉનને કારણે બસ, રેલવે તથા વિમાન સહિતની સેવાઓ બંધ થઈ ગઈ છે. આ સિવાય મોટાભાગનાં રાજ્યોએ તેમની સીમાઓ સીલ કરી દીધી હોવાથી 'આંતરરાજ્ય વ્યવહાર' બંધ થઈ ગયો છે.

આ પહેલાં મંગળવારે સાંજે વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ રાષ્ટ્રવ્યાપી સંબોધન કર્યું હતું, જેમાં તેમણે કોરોના વાઇરસનું પ્રસારચક્ર અટકાવવા માટે 21 દિવસના લૉકડાઉનના અમલની જાહેરાત કરી હતી.

સેવા, સ્નાન અને સંકટ

ભાવનગરમાં સ્વૈચ્છિક સંસ્થા ચલાવતા ગોહિલ અન્ય સ્વયંસેવકો સાથે સમયાંતરે સિનિયર સિટીઝનોને ગંગાસ્નાન કરાવવા હરિદ્વાર લાવે છે.

ચાલુ વર્ષે પણ લગભગ 45 જેટલા સિનિયર સિટીઝન શ્રદ્ધાળુઓ સાથે 19મી તારીખે ભાવનગરથી નીકળ્યા હતા, પરંતુ લૉકડાઉનને કારણે તેઓ સમસ્યામાં સપડાયા છે.

હિન્દુ ધર્મમાં પ્રચલિત માન્યતા પ્રમાણે, ગંગાસ્નાન કરવાથી પાપોનો નાશ થાય છે અને મૃત્યુ બાદ તેમાં અસ્થિવિસર્જન કરવામાં આવે તો મોક્ષની પ્રાપ્તિ થાય છે એટલે ગંગાને 'મોક્ષદાયિની' તરીકે પણ ઓળખવામાં આવે છે.

ગોહિલે બીબીસી ગુજરાતીના જયદીપ વસંત સાથે વાત કરતા જણાવ્યું:

"19મી તારીખે અમે ભાવનગરથી નીકળ્યા ત્યારે કોરોના વિશે સાંભળ્યું તો હતું, પરંતુ તેના કારણે આવી પરિસ્થિતિ ઊભી થશે, તેની કલ્પના ન હતી. સંઘમાં અનેક વડીલો ડાયાબિટીસ, બ્લડપ્રેશર તથા ઍસિડિટી જેવી સમસ્યાથી પીડિત છે અને તેમની ભાવનગરમાં સારવાર ચાલુ છે."

તેઓ ઉમેરે છે, 'સ્થિતિ ગંભીર બનતાં 12-13 વધુ જરૂરિયાતમંદ વૃદ્ધોને દેહરાદૂનથી ફ્લાઇટ દ્વારા ગુજરાત પરત મોકલવા 25-26 અને 27 તારીખની ટિકિટ બુક કરાવી હતી, પરંતુ ઉડ્ડાણો પણ બંધ થઈ ગઈ છે.'

વર્લ્ડ હેલ્થ ઑર્ગેનાઇઝેશને કોવિડ-19થી બચવા વૃદ્ધ, ડાયાબિટીસ, હાઈપર ટૅન્શન તથા અસ્થમાનાના દરદીઓને વિશેષ કાળજી રાખવાની સલાહ આપવામાં આવી છે. જોકે, સંકટના આ સમયમાં સહાયની સરવાણી પણ વહી છે.

'થોડી દવા લઈને આવ્યા હતા'

તીર્થયાત્રામાં સામેલ 60 વર્ષીય કનકબા કહે છે, "આમ તો અહીં કોઈ સમસ્યા નથી, પરંતુ અમે 19મી તારીખે નીકળ્યા હતાં. બહુ થોડા દિવસની દવા બચી છે અને અમારી ટ્રિટમૅન્ટ ભાવનગરમાં ચાલી રહી છે. અમારી દવાઓ અહીં મળી નથી રહી."

મૂળ ભાવનગર જિલ્લાના તળાજા તાલુકાનાં કનકબા સાથે તેમના 85 વર્ષીય પતિ જોરૂભા પણ છે. જોકે, કેટલાક યાત્રાળુઓ સંઘના સથવારે એકલા જ જાત્રા કરી રહ્યા છે. મોટાભાગના યાત્રાળુઓ ઘોઘા કે તળાજા તાલુકાના છે.

24મી માર્ચે સાંજે આઠ વાગ્યાના રાષ્ટ્રજોગ સંબોધનમાં વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ 'જે જ્યાં છે, ત્યાં જ રહે' તેવી અપીલ કરી હતી. સાથે જ ઉમેર્યું હતું કે 'આ નિર્દેશ વડા પ્રધાનથી માંડીને સામાન્ય ગ્રામજનને પણ લાગુ પડે છે.'

સંઘના આયોજક ગોહિલ કહે છે, રહેવા અને ખાવા-પીવાની તો ચિંતા નથી, પરંતુ જો વૃદ્ધોને વહેલાસર તેમના ઘર પરત મોકલી શકાય એવી જ રાજ્ય સરકારને વિનંતી છે.

ગુજરાતી, સંકટ, સહાય અને સમય

હરિદ્વારની જાત્રા દરમિયાન સંઘ ઉમિયાધામ, ઊંઝા સંચાલિત હરિદ્વારના 'ઉમિયાધામ આશ્રમ' ખાતે ઊતર્યો હતો. 24 માર્ચની અચાનક જાહેરાતથી યાત્રાળુઓ અને આયોજકો મૂંઝાયા હતા.

આથી, તેમણે આશ્રમના ટ્રસ્ટીઓને વાત કરી હતી. સ્થિતિની સમીક્ષા કરીને ટ્રસ્ટીમંડળે પરિસ્થિતિ થાળે ન પડે, ત્યાર સુધી નિઃશુલ્ક રહેવા-ખાવા પીવાની વ્યવસ્થા કરી આપી છે.

હરિદ્વારના બિરલા ફાર્મ રોડ ઉપર આવેલાં આશ્રમના મૅનેજર અમૃતભાઈ પટેલે જણાવ્યું : "હાલ આશ્રમમાં 51 ગુજરાતીઓએ ઉતારો લીધો હતો. તેમાંથી યાત્રાસંઘના સમૂહ માટે રહેવા અને ખાવા-પીવાનું નિઃશુલ્ક કરી દેવામાં આવ્યું છે."

આ સિવાયના નિવાસીઓ માટે રહેવાની સગવડ નિઃશુલ્ક કરી દેવામાં આવી છે, જ્યારે ભોજન માટે ટૉકન દર લેવામાં આવી રહ્યો છે.

ભાવનગરથી સ્થાનિક પત્રકાર ચૌહાણ સાથે વાત કરતા કલેક્ટર ગૌરાંગ મકવાણાએ જણાવ્યું : "વૃદ્ધોની સમસ્યા અંગે હરિદ્વારના સ્થાનિક અધિકારીઓ સાથે વાત થઈ છે, તેઓ વૃદ્ધોને રહેવા, ખાવા-પીવા કે અન્ય કોઈ સમસ્યા ન થાય તે માટે કાળજી લઈ રહ્યું છે."

સાથે જ મકવાણાએ ઉમેર્યું કે ગુજરાત સહિત અનેક રાજ્યોમાં સીમાઓ સીલ કરી દેવાઈ છે અને આંતરરાજ્ય વાહનવ્યવહાર બંધ છે, ત્યારે તેમનું તત્કાળ પુનરાગમન શક્ય નહીં બને.

(આ અહેવાલ માટે ભાવનગરથી હઠીસિંહ ચૌહાણના ઇનપુટ્સ મળેલા છે.)

તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો