ડૅબિટ-ક્રૅડિટ કાર્ડ વાપરો, નહીં તો ઑનલાઇન સુવિધા બંધ થઈ જશે

કાર્ડ

ઇમેજ સ્રોત, PA Media

    • લેેખક, કમલેશ
    • પદ, બીબીસી સંવાદદાતા

ડૅબિટ અને ક્રૅડિટ કાર્ડના આધારે ઑનલાઇન ખરીદી થઈ શકતી હતી, પણ હવેથી એવું થશે નહીં.

ભારતીય રિઝર્વ બૅન્ક (આરબીઆઈ)ના નવા નિયમ મુજબ 16 માર્ચ 2020 પછી આપવામાં આવેલાં ડૅબિટ અને ક્રૅડિટ કાર્ડમાં ઑનલાઇન ચુકવણી કરવાની સુવિધા બંધ કરી દેવામાં આવશે.

ગ્રાહકોને ઑનલાઇન સુવિધા મળશે ખરી, પણ તે માટે પ્રક્રિયા કરીને તેને સક્રિય (ઍનેબલ) કરવી પડશે.

નવા કાર્ડમાં અગાઉ મળતી સુવિધાઓ મળતી જ રહેશે - એટલે કે એટીએમમાંથી રોકડ ઉપાડી શકાશે અને કાર્ડ સ્વાઇપ કરીને પૉઇન્ટ ઑફ સેલ ડિવાસીઝ પર પેમેન્ટ કરી શકાશે.

એ જ રીતે અત્યાર સુધી ડૅબિટ અને ક્રૅડિટ કાર્ડનો ઑનલાઇન ઉપયોગ જે ગ્રાહકોએ નહીં કર્યો હોય, તેના માટે પણ સુવિધા બંધ થઈ જશે. સેવા શરૂ કરવા માટે ફરીથી તેને સક્રિય કરાવવી પડશે.

ગ્રાહક પોતાની ઇચ્છા પ્રમાણે ઑનલાઇન લેતીદેતીની સુવિધા ચાલુ કે બંધ કરાવી શકશે.

હાલમાં કાર્ડનો ઑનલાઇન ઉપયોગ કરનારા ગ્રાહકોની તે સુવિધા ચાલુ રહેશે, પણ તેની ઇચ્છા હોય તો તે બંધ પણ કરાવી શકે અને બાદમાં ચાલુ પણ કરાવી શકે.

ઑનલાઇન ઉપયોગ માટે કાર્ડધારકોને ત્રણ વિકલ્પો આપવામાં આવશે. પ્રથમ વિકલ્પ નૉટ પ્રેઝન્ટ (સ્થાનિક અને આંતરરાષ્ટ્રીય), બીજો વિકલ્પ કાર્ડ પ્રેઝન્ટ (આંતરરાષ્ટ્રીય) અને ત્રીજો વિકલ્પ રહેશે સંપર્ક વિના લેતીદેતી.

ગ્રાહક પોતાની રીતે આ સુવિધાઓને ચાલુ કે બંધ કરાવી શકે છે. ઇન્ટરનેટ બૅન્કિંગ, મોબાઇલ બૅન્કિંગ, ઇન્ટરેક્ટિવ વૉઇસ રિસ્પૉન્સ અને એટીએમ દ્વારા 24x7 ગમે ત્યારે ઑનલાઇન સુવિધા ચાલુ કે બંધ કરાવી શકાશે. બૅન્કની શાખામાં જઈને પણ તે કામ કરી શકાશે.

line

શા માટે બન્યો નવો નિયમ

રિઝર્વ બૅન્ક ઑફ ઇન્ડિયા

ઇમેજ સ્રોત, AFP

આરબીઆઈએ 15 જાન્યુઆરી 2020ના રોજ આ માટે પરિપત્ર બહાર પાડ્યો હતો, જે બધી બૅન્કોને લાગુ પડે છે.

ભારતમાં કરોડો લોકો પાસે ડૅબિટ અને ક્રૅડિટ કાર્ડ છે અને તેના પર આ નિયમોની સીધી અસર પડશે.

આરબીઆઈના આંકડાં પ્રમાણે 31 માર્ચ, 2019ના રોજ ભારતમાં 92 કરોડ 50 લાખ ડૅબિટ કાર્ડ અને 4 કરોડ 70 લાખ ક્રૅડિટ કાર્ડ આપવામાં આવેલા છે. વિશ્વમાં ચીન પછી ડૅબિટ કાર્ડની બાબતમાં ભારત બીજા નંબરે છે.

આરબીઆઈના આંકડા અનુસાર 2018-19ના નાણાકીય વર્ષમાં 25 ટકા વ્યવહાર ડૅબિટ અને ક્રૅડિટ કાર્ડથી થયો હતો.

આરબીઆઈનું કહેવું છે કે કાર્ડના ઉપયોગને વધુ સલામત બનાવવા માટે નવા નિયમો લાગુ કરવામાં આવ્યા છે. ગ્રાહકોને વધારે સલામત બૅન્કિંગ સુવિધા તેનાથી મળશે.

નવા નિયમોથી ગ્રાહકોને શું ફરક પડશે તે વિશે વાત કરતાં નિષ્ણાત અભિનવ કહે છે કે ડૅબિટ અને ક્રૅડિટ કાર્ડમાં સૌથી વધુ ગોલમાલ ઑનલાઇન થાય છે.

તેથી ઑનલાઇન થતી ગેરરીતિ અટકાવવામાં આરબીઆઈના નવા નિયમો ઉપયોગી થશે.

line

કેવી રીતે ફાયદો?

કાર્ડ વાપરતો માણસ

ઇમેજ સ્રોત, THINK STOCK

બૅન્કિંગના નિષ્ણાત અભિનવ કહે છે, "હાલમાં કાર્ડ વિના કે કાર્ડધારકની હાજરી વિના પણ ઑનલાઇન વ્યવહાર થઈ શકે છે. હોટલ બુકિંગથી માંડીને ખરીદી સુધીમાં માત્ર કાર્ડનો નંબર આપીને પેમેન્ટ કરી શકાતું હતું. તેના કારણે વ્યક્તિ પાસે ખરેખર કાર્ડ છે કે કેમ કે માત્ર તેની પાસે નંબર છે તે ખબર પડતી નહોતી."

"ઑનલાઇન ગેરરીતિમાં લોકો પાસેથી કાર્ડ નંબર અને ઓટીપી મેળવી લેવામાં આવતા હતા. એટલું જ નહીં, ગેરકાયદે રીતે કાર્ડધારકોના ડેટા પણ વેચાતા હતા."

"કાર્ડ નંબર અને સીવીવી નંબર બદમાશોના હાથમાં આવી જાય પછી તેમણે માત્ર ઓટીપીની જરૂર પડતી હતી. તેનો ઉપયોગ કરીને ઑનલાઇન નાણાં ટ્રાન્સફર કરી લેવામાં આવતાં હતાં."

અભિનવ કહે છે, "બૅન્કિંગ સુવિધા મોટા પ્રમાણમાં લોકો લેવા લાગ્યા છે, પણ મોટા ભાગના લોકોને પૈસા ઉપાડવા અને જમા કરાવવા એટલી જ ખબર હોય છે."

"ઘણા લોકોને ઑનલાઇન પેમેન્ટ વિશે કશી ખબર પણ નથી હોતી. તેથી સરળતાથી છેતરપિંડી થઈ શકતી હતી. તમારું કાર્ડ બંધ થઈ જશે એવું કહીને ફોન કરે અને તમારી પાસેથી નામ, નંબર વગેરે માહિતી પડાવી લે. ફોન પર ઘણા લોકો આ રીતે ઓટીપી પણ જાણી લે છે. નવી સિસ્ટમમાં આવી રીતે છેતરપિંડી કરવી મુશ્કેલ બની જશે."

"કાર્ડને ઑનલાઇન પેમેન્ટ માટે બંધ કરી દેવાયું હોય તો તેનો અર્થ એ થયો કે નંબર વગેરેની માહિતી હોય તો પણ છેતરપિંડી કરી શકાશે નહીં. કાર્ડનો ઑનલાઇન ઉપયોગ કરવાનો હોય ત્યારે તે સુવિધા ઍનેબલ કરી દેવાની."

line

નલાઇન લેતીદેતી કરનારા માટે ફાયદો

કાર્ડ

ઇમેજ સ્રોત, Getty Images

અભિનવ કહે છે કે આપણા દેશમાં લોકો પાસે ડૅબિટ અને ક્રૅડિટ કાર્ડ આવી ગયાં હોય છે, પણ તેમાંથી મોટા ભાગના લોકો તેનો ઉપયોગ ઑનલાઇન કરતા નથી.

ખાસ કરીને ગામડાંના લોકો અને વૃદ્ધો તેનો ઉપયોગ કરતા નથી. પરંતુ તેમના કાર્ડનંબરથી ગેરરીતિ થઈ શકે છે. આ લોકો પોતાનું કાર્ડ ઑનલાઇન લેતીદેતી માટે બંધ કરાવી દેશે તો આ પ્રકારની છેતરપિંડી થઈ શકશે નહીં.

ઑનલાઇન પેમેન્ટ કરનારા લોકોને પણ આ પદ્ધતિનો ફાયદો થશે. જેમ કે કોઈ એક વ્યક્તિ પાસે એકથી વધુ કાર્ડ હોય તો તે એક જ કાર્ડને ઑનલાઇન પેમેન્ટ માટે ઍનેબલ કરી શકે છે. બીજાં બધાં કાર્ડને ડિસેબલ કરી શકાય છે. ડિસેબલ કરી દેવાના કારણે બીજા પાસે કાર્ડ નંબર વગેરેની માહિતી હોય તો પણ તેનો ગેરરીતિમાં ઉપયોગ કરી શકાશે નહીં.

ડૅબિટ અને ક્રૅડિટ કાર્ડ મારફત થતી ઑનલાઇન છેતરપિંડીને રોકવાનું કામ મોટો પડકાર બની ગયો છે.

સાયબર

ઇમેજ સ્રોત, Getty Images

2018-19માં આરબીઆઈને એટીએમ/ડૅબિટ કાર્ડ, ક્રૅડિટ કાર્ડ અને ઇન્ટરનેટ બૅન્કિંગના માધ્યમથી છેતરપિંડી થયાની 921 ફરિયાદો મળી હતી. આગલાં વર્ષોમાં હજારોની સંખ્યામાં છેતરપિંડીના કિસ્સા બન્યા હતા.

છેતરપિંડી અટકાવવા માટે આરબીઆઈ સમયાંતરે નિયમોમાં ફેરફાર કરતી રહે છે. લોકોને જાગૃત પણ કરવામાં આવે છે. કોઈને પોતાનો ઓટીપી ના આપવો તે માટેની સૂચના વારંવાર એટલા માટે જ આપવામાં આવે છે.

જાણકારો કહે છે કે નવા નિયમથી કાર્ડધારકોએ ચિંતા કરવાની જરૂર નથી, કેમ કે તે ગ્રાહકોની સુરક્ષા માટે જ લાવવામાં આવ્યા છે.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો