ભારત આર્થિક નિરાશામાં ઘેરાયેલો બહુમતવાદી દેશ બનવા તરફ : મનમોહન સિંહ

ભારતના પૂર્વ વડા પ્રધાન મનમોહન સિંહે એક સંપાદકીય લેખમાં કહ્યું કે ભારત ઉદારવાદી લોકતંત્ર માટે વૈશ્વિક ઉદાહરણમાંથી હવે આર્થિક નિરાશામાં ઘેરાયેલો બહુમતવાદી દેશ બનવા તરફ ઢળી રહ્યો છે.

ધ હિંદુમાં છપાયેલાં સંપાદકીયમાં મનમોહન સિંહે કહ્યું કે, તેઓ ખૂબ જ દુખ સાથે આ કહી રહ્યા છે.

મનમોહન સિંહે કહ્યું કે, ભારત આ સમયે સામાજિક દ્વેષભાવ, આર્થિક મંદી અને વૈશ્વિક મહામારીના ત્રિકોણિય ભયનો સામનો કરી રહ્યું છે.

લેખમાં સિંહે કહ્યું, "સામાજિક તણાવ અને આર્થિક બરબાદી તો સ્વપ્રેરિત છે પરંતુ કોરોના વાઇરસના કારણે થઈ રહેલી કોવિડ-19ની બીમારી બહારનો ઝટકો છે. મને ખૂબ ચિંતા છે કે આ ત્રણે ભયનું મેળાપીપણું ન ફક્ત ભારતનો આત્મા તોડશે પરંતુ એ દુનિયામાં આપણી આર્થિક અને લોકતાંત્રિક તાકાત અને વૈશ્વિક ઓળખને કમ કરશે."

દિલ્હીમાં ગત અઠવાડિયે થયેલી હિંસાને ટાંકીને મનમોહન સિંહે લખ્યું, "દિલ્હીમાં ભીષણ હિંસા થઈ. આપણે કોઈ કારણ વિના આપણા 50 જેટલાં ભારતીયોને ગુમાવી દીધા. અંદાજે 100 લોકો ઘાયલ થયા છે. યુનિવર્સિટી પરિસર, સાર્વજનિક સ્થળો અને લોકોની વ્યક્તિગત સંપત્તિ સાંપ્રદાયિક હિંસાનો ઘા સહન કરી રહી છે. એ ભારતના ઇતિહાસનાં કાળાં પાનાંઓની યાદ અપાવી રહ્યાં છે."

પોલીસ, સરકાર, અદાલતો અને મીડિયાને ટાંકીને મનમોહન સિંહે લખ્યું, "કાયદો અને વ્યવસ્થાનો અમલ કરનારાઓ નાગરિકોની સુરક્ષા કરવાનો પોતાનો ધર્મ ત્યાગી દીધો છે. ન્યાયતંત્રએ અને લોકતંત્રના ચોથા સ્તંભ મીડિયાએ પણ નિરાશ કર્યા છે."

તેમણે લખ્યું, "કોઈ રોકટોક વિના, સામાજિક તણાવની આગ ખૂબ જ ઝડપથી દેશમાં ફેલાઈ રહી છે અને દેશના આત્મા માટે ખતરો બની રહી છે. જે લોકોએ આ આગ ચાંપી છે તે જ તેને ઓલવી શકે છે. સાંપ્રદાયિક હિંસાની દરેક ઘટના ગાંધીના ભારત પર ડાઘ છે."

સિંહે કહ્યું કે સામાજિક તણાવની અસર ભારતીય અર્થવ્યવસ્થા પર પણ થશે.

સિંહે કહ્યું, "જ્યારે પડોશમાં ગમે ત્યારે હિંસા થવાનો ભય ઊભો હોય ત્યારે ટૅક્સમાં ફેરફાર કરવાથી, કૉર્પોરેટને પ્રોત્સાહન આપવાથી ભારતીય અથવા વિદેશી રોકાણકારો પર પૈસા લગાવવા માટે પ્રેરિત નહીં થાય. રોકાણ ન થવાનો અર્થ છે કે નોકરીઓ વધારે નિરાશ કરશે. આ એક કુચક્ર છે જેમાં આપણી અર્થવ્યવસ્થા ફસાઈ ગઈ છે."

ગુજરાતમાં પાણીનું કનેક્શન આધાર કાર્ડ સાથે લિંક થશે

ઇન્ડિયન એક્સપ્રેસના અહેવાલ અનુસાર, ગુજરાત સરકાર નવા અને જૂનાં તમામ પાણીના જોડાણને આધાર નંબર સાથે જોડી દેશે.

ગુરુવારે આ સંદર્ભે ભાજપના ધારાસભ્ય પ્રવીણભાઈ ઘોઘારીએ વિધાનસભામાં દરખાસ્ત મૂકી હતી. જેના પર કૅબિનેટ મંત્રી કુંવરજી બાવળિયાએ ચર્ચા કરીને માહિતી આપી હતી ત્યારબાદ પ્રસ્તાવને પસાર કરવામાં આવ્યો હતો.

ગામડાંમાં 55 લિટર પાણી વ્યક્તિદીઠ અપાય છે. જે હવે વધારીને 100 લિટર આપવામાં આવશે.

પાણી પુરવઠા મંત્રી કુંવરજી બાવળિયાએ ઇન્ડિયન એક્સપ્રેસને કહ્યું કે, "આવનારા સમયમાં પાણીના જોડાણને આધાર નંબર સાથે જોડવાની યોજના છે."

"આ પહેલાં પાણી પુરવઠા મંત્રાલય મોટા વિસ્તારમાં પાઇપલાઇન દ્વારા વહેંચણીનું મોટું નેટવર્ક ઊભું કરશે અને વાસ્મોની સ્કીમને પૂર્ણ કરશે. ત્યારબાદ આધાર નંબર સાથે પાણીના કનેક્શનનું જોડાણ કરવામાં આવશે."

'2 વર્ષમાં 261 સિંહ અને 340 દીપડાનાં મૃત્યુ'

ટાઇમ્સ ઑફ ઇન્ડિયાના અહેવાલ અનુસાર 261 સિંહોના મૃત્યુ છેલ્લાં બે વર્ષમાં થયા છે, જેમાં 123 બચ્ચાં સમાવિષ્ટ છે.

ગુજરાત સરકારે વિધાનસભામાં આપેલી માહિતી મુજબ, ગુજરાતમાં 340 દીપડાના મૃત્યુ છેલ્લાં બે વર્ષમાં થયા છે, જેમાં 90 બચ્ચાંઓનો સમાવેશ થાય છે. 340 દીપડાના મૃત્યુમાં 95 મૃત્યુ અપમૃત્યુ થયા છે.

વર્ષ 2018માં 113 મૃત્યુ થયા છે, જેમાં 29 મૃત્યુ સી.ડી.વી. વાઇરસ ફેલાવવાના કારણે થયા છે. 2019માં આ સંખ્યા વધીને 148એ પહોંચી હતી.

અધિકારીઓએ કહ્યુ હતું કે સી.ડી.વી. વાઇરસની અસરો 2019ના શરૂઆતના મહિનાઓમાં ચાલુ રહેવાના કારણે પણ મૃત્યુની સંખ્યા વધી હશે. 2018ની સરખામણીએ 2019માં મૃત્યુઆંકમાં 30 ટકાનો વધારો જોવા મળ્યો છે.

'તો ભારત ઇસ્લામિક જગતમાં એકલું ન પડી જશે'

ઈરાનના સર્વોચ્ચ નેતા સૈયદ અલી હોસેની ખોમેનેઈએ દિલ્હી હિંસામાં 'મુસ્લિમોના નરસંહાર'ની ટીકા કરી છે.

ઇન્ડિયન એક્સપ્રેસના અહેવાલ મુજબ, ખોમેનેઈએ ટ્વીટ કરીને કહ્યું કે 'ઇસ્લામિક જગતમાં એકલું ન પડી જવાય તે માટે ભારત સરકારે હિંદુઓ તથા તેની પાર્ટીઓ ઉપર લગામ કસવી રહી.'

આ પહેલાં ઈરાનના વિદેશપ્રધાન જાવદ ઝરિફે પણ ભારતીય મુસ્લિમો વિરુદ્ધની હિંસાની ટીકા કરી હતી. ભારત ખાતે ઈરાનના રાજદૂતને ભારતની નારાજગીથી વાકેફ કરવામાં આવ્યા હતા.

આ સિવાય તુર્કી, મલેશિયા તથા પાકિસ્તાને દિલ્હીની હિંસાની ટીકા કરી હતી.

સાત વર્ષના તળિયે EPFO દર

ઍમ્પ્લૉયીઝ પ્રૉવિડન્ટ ફંડ ઑર્ગેનાઇઝેશને વર્ષ 2019-'20 માટે 8.5 ટકા વ્યાજદરની ભલામણ કરી છે.

ઇકૉનૉમિક ટાઇમ્સના અહેવાલ મુજબ, જાહેર કરાયેલો દર સાત વર્ષમાં સૌથી નીચો દર છે. અગાઉ આ દર 8.65 ટકા હતો. દરોમાં ઘટાડાની સીધી અસર છ કરોડ ખાતાધારકો ઉપર થશે.

નાણાં મંત્રાલયના કહેવા પ્રમાણે, વ્યાજદરોમાં સાર્વત્રિક ઘટાડાની અસર ઈ.પી.એફ. ઓ. પર પણ જોવા મળી રહી છે.

સેન્ટ્રલ બોર્ડ ઑફ ટ્રસ્ટીઝ દ્વારા ઈ.પી.એફ.ઓ.ના દર નક્કી કરવામાં આવે છે. નવા દર લાગુ થયા બાદ સંગઠન પાસે રૂ. 700 કરોડની પુરાંત રહેશે.

તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો