ભારતમાં કોરોના વાઇરસ વિશે જાણવા જેવી પાંચ વાતો

ઇમેજ સ્રોત, Getty Images
કોરોના વાઇરસનું સંક્રમણ વિશ્વ આખામાં ઝડપથી ફેલાઈ રહ્યું છે અને વાઇરસને કારણે મરનારા લોકોનો આંક ત્રણ હજારની પાર પહોંચી ગયો છે. ચીનમાં વધુ 42 મૃત્યુ થયાં છે અને આ બધા વચ્ચે દિલ્હીમાં પણ કોરોના વાઇરસનો પ્રથમ કેસ નોંધાયો છે.
ભારતમાં કોરોના વાઇરસના વધુ બે કેસ નોંધાયા છે. એક કેસ દિલ્હીમાં નોંધાયો છે. જ્યારે બીજો કેસ તેલંગણામાં નોંધાયો છે.
દિલ્હીમાં કોરોના વાઇરસનો પ્રથમ પૉઝિટિવ કેસ નોંધાયો છે. પીડિત વ્યક્તિએ ઇટાલીની મુલાકાત લીધી હતી. જ્યારે તેલંગણાના દર્દીએ દુબઈનો પ્રવાસ ખેડ્યો હતો. બન્ને દર્દીની હાલત સ્થિર છે અને તબીબી દેખરેખ હેઠળ છે.
સ્વાસ્થ્યમંત્રી ડૉક્ટર હર્ષવર્ધને આ મામલે પત્રકારપરિષદને સંબોધીને માહિતી આપી હતી.
તેમણે જણાવ્યું, "બન્ને દર્દીના પરિવારનો અને સહકર્મીઓને જાણ કરી રહ્યા છીએ અને આગળની તપાસ હાથ ધરી છે."
કોરોના વાઇરસના પૉઝિટિવ કેસોને ધ્યાનમાં રાખીને 12 દેશોમાંથી ભારત આવનારા મુસાફરોનું સ્ક્રીનિંગ કરવાની પણ તેમણે વાત કરી છે.
આ ઉપરાંત તેમણે કહ્યું, "ભારતીયોને બિનજરૂરી રીતે ચીન, ઈરાન, કોરિયા, સિંગાપોર અને ઇટાલીમાં ન જવાની સલાહ આપીએ છીએ. વિદેશથી આવતા મુસાફરોનું સ્ક્રીનિંગ 21 ઍરપૉર્ટ, 12 મોટાં અને 65 નાનાં બંદરો પર હાથ ધરાયું છે. અત્યાર સુધી ઍરપૉર્ટ પર 5,57,431 અને બંદરો પર 12,431 મુસાફરોનું સ્ક્રીનિંગ કરાયું છે."
નોંધનીય છે કે ભારતમાં અત્યાર સુધી કોરોના વાઇરસના પાંચ કેસ સામે આવી ચૂક્યા છે. આ પહેલાં કેરળમાં ત્રણ કેસ સામે આવ્યા હતા.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર

1. ભારતમાં કોરોના વાઇરસ

ઇમેજ સ્રોત, Getty Images
સોમવાર એટલે બીજી માર્ચે કેન્દ્રીય સ્વાસ્થ્યમંત્રી ડૉ હર્ષવર્ધને જાહેરાત કરી કે તેલંગણામાં કોરોના વાઇરસ સંક્રમણના એક કેસની પુષ્ટિ થઈ છે. હૈદરાબાદની એક હૉસ્પિટલના આઇસોલેશન વૉર્ડમાં તેની સારવાર ચાલી રહી છે.
તેમણે કહ્યું કે દિલ્હીમાં પણ એક કેસ સામે આવ્યો છે.
ડૉ. હર્ષવર્ધને કહ્યું કે આ દર્દીઓ ઇટાલી અને દુબઈની યાત્રા કરી ચૂક્યા છે.
સ્વાસ્થ્ય મંત્રાલયે કહ્યું, "દિલ્હીમાં જે વ્યક્તિમાં કોવિડ-19 વાઇરસનું સંક્રમણ મળી આવ્યું છે, તે ઇટાલીના પ્રવાસે ગઈ હતી."
"તેલંગણામાં કોવિડ-19થી સંક્રમિત વ્યક્તિએ દુબઈનો પ્રવાસ કર્યો હતો."
સ્વાસ્થ્ય મંત્રાલયનું કહેવું છે કે બંને દર્દીઓ સ્થિર છે અને તેઓ મેડિકલ નિરીક્ષણમાં છે.
ભારતમાં કોરોના વાઇરસનો પ્રથમ કેસ કેરળમાં 30 જાન્યુઆરીએ જાહેર કરવામાં આવ્યો હતો.
તેમની સાથે ચાર અન્ય લોકોને કેરળમાં હૉસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા, હવે બધાને ડિસ્ચાર્જ કરી દેવામાં આવ્યા હતા.

2. ભારત સરકારે અત્યાર સુધીમાં શું કર્યું?

ઇમેજ સ્રોત, Getty Images
- કેન્દ્રના આરોગ્યમંત્રી ડૉક્ટર હર્ષવર્ધને કોરોના વાઇરસ પર નજર રાખવા માટે પ્રધાનોની એક સમિતિની રચના કરી છે.
- ચીનથી ભારત આવનારા લોકોનું પરીક્ષણ કરવામાં આવી રહ્યું છે. શંકાસ્પદ કેસ લાગે ત્યારે તેમને અલગ રાખીને સારવાર કરવામાં આવી રહી છે.
- કોરોના વાઇરસ વિશે ફરિયાદ કે સલાહ આપવા માટે કૉલ સેન્ટર શરૂ કરાયું છે. 24 કલાક કાર્યરત આ કૉલ સેન્ટરનો નંબર છે: 01123978046.
- વિદેશપ્રવાસ સામે ચેતવણી જાહેર કરવામાં આવી છે. ટ્રાવેલ પૉલિસીમાં ફેરફારો કરાયા છે.
- 21 ઍરપૉર્ટ્સ અને બંદરો પર બહારથી આવતા મુસાફરોનું થર્મલ સ્કેનિંગ શરૂ કરાયું છે. થર્મલ સ્કેનિંગ દ્વારા કોરોના જેવા વાઇરસનો ચેપ લાગ્યો હોય તો જાણ થઈ શકે છે.

3. શું ભારતે ચિંતા કરવાની જરૂર છે?

ઇમેજ સ્રોત, Getty Images
ભારતમાં તૈયારીઓને લઈને નિષ્ણાતોમાં જુદા-જુદા મત છે.
નિષ્ણાતો માને છે કે એનવનએનવન પરિવારના વાઇરસ વધારે તાપમાનમાં જીવી નથી શકતા અને ભારતનું તાપમાન વધારે ગરમ છે.
જેમકે હૈદરાબાદસ્થિત ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઑફ પબ્લિક હેલ્થમાં ઍસોસિએટ પ્રોફેસર ડૉક્ટર સુરેશકુમાર રાઠીએ બીબીસીને કહ્યું, "બીજા દેશોની સરખામણીમાં ભારતમાં કોરોના વાઇસરનો ખતરો ઓછો છે, કારણ કે એચવનએનવન પરિવારના વાઇરસ વધારે તાપમાનમાં સર્વાઇવ ન કરી શકે. બીજા દેશોની સરખામણીમાં ભારતનું તાપમાન ગરમ હોય છે."
તો બીજી તરફ દિલ્હીસ્થિત ગંગારામ હૉસ્પિટલના ડૉક્ટર ધીરેન ગુપ્તા કહે છે, "બાકી વસ્તુઓની જેમ ભારતમાં તાપમાન અને હવામાન અલગઅલગ છે. રાજસ્થાનમાં પણ દિવસમાં ગરમી અને રાત્રે પણ ગરમી હોય છે તો મેઘાલય જેવા રાજ્યમાં વરસાદ થતો હોય છે. એવામાં વાઇરસના ચેપના ફેલાવાની આશંકાને નકારી ન શકાય."

4. હેલ્પલાઇન અને સૂચના

ઇમેજ સ્રોત, Getty Images
દક્ષિણ કોરિયા, ઈરાન અને ઇટાલીથી આવી રહેલા મુસાફરોને અથવા અહીં પહેલાં યાત્રા કરી ચૂકેલા લોકોને ભારત આવવા પર 14 દિવસ માટે ક્વૉરન્ટાઇનમાં રાખવામાં આવી રહ્યા છે.
ભારત સરકારનાં સલાહ-સૂચન અનુસાર કોરોના વાઇરસ (કોવિડ-19)થી પ્રભાવિત વિસ્તારથી આવેલા લોકોએ 28 દિવસની અંદર અસ્વસ્થતા જણાય તો હેલ્પલાઇન નંબર (011-23978046) પર ફોન કરવો.
ઘરમાં પણ એકલાં રહેવું, સાફ-સફાઈનું ધ્યાન રાખવું અને નજીકની હૉસ્પિટલમાં જાણ કરવી.
ચીનના વુહાનમાં ફસાયેલા ભારતીયોને ભારત લાવીને નવી દિલ્હીમાં આઈટીબીપીના ક્વૉરન્ટાઇન કેન્દ્રમાં રાખવામાં આવ્યા હતા.
એ સિવાય ભારત સરકારે જાપાનના દરિયાકિનારાથી દૂર ઊભા રાખવામાં આવેલા વહાણમાં ફસાયેલા ભારતીયોને પરત લાવીને નવી દિલ્હીમાં ક્વૉરેન્ટાઇનમાં રાખ્યા છે.

5. ટ્રાવેલ ઍડવાઇઝરી

ઇમેજ સ્રોત, Getty Images
દુનિયાની અનેક ઍરલાઇન્સે કોરોના વાઇરસથી પ્રભાવિત દેશોમાંથી ફ્લાઇટ્સ રદ કરી છે.
ભારતે પણ ઈરાન અને ચીન સિવાય અન્ય દેશો પર પરિસ્થિતિ અનુરૂપ ટ્રાવેલ પ્રતિબંધ મૂકવાની તૈયારી બતાવી છે.
ઈરાનના ચીરુ બંદર અને આસપાસના વિસ્તારમાં વલસાડના ઉમરગામના કેટલાક ગુજરાતીઓ ફસાઈ ગયા છે. ઈરાનથી ઉડાણો રદ થતા તેઓ મુશ્કેલીમાં મુકાયા છે.
મીડિયામાં પ્રકાશિત અહેવાલ મુજબ 300 કાશ્મીરી વિદ્યાર્થીઓ પણ ફસાયેલા છે. તેમણે ભારતીય સરકાર પાસેથી ભારત પરત આવવા મદદ માગી છે.

ઈરાનમાં 100 માછીમાર ફસાયા

ઇમેજ સ્રોત, Getty Images
કેરળના મુખ્ય મંત્રી પિનરાઈ વિજયને દેશના વિદેશ પ્રધાન એસ. જયશંકરને પત્ર લખીને જણાવ્યું છે કે 100થી વધુ માછીમાર કોરોના વાઇરસના કારણે ઈરાનના અઝલૂરમાં ફસાયેલા છે.
તેમણે પત્રમાં લખ્યું છે, "હું આપને આગ્રહ કરું છું કે દૂતાવાસને આ અંગે જરૂરી પગલાં લેવાં માટે આદેશ આપો. આ લોકો સુરક્ષિત પરત ફરી શકે તે માટે જરૂરી વ્યવસ્થા કરવા માટે કહો."
વિજયનના કહેવા પ્રમાણે, ઈરાનમાં 100થી વધુ માછીમાર ફસાયેલા છે, જેમાંથી લગભગ 60 કેરળના છે. કૉંગ્રેસના નેતા શશી થરૂરે પણ વિદેશપ્રધાનને પત્ર લખીને માછીમારોને ભારત પરત લાવવા અપીલ કરી છે.
ઈરાને કોરોના વાઇરસને કારણે 54 લોકોનાં મૃત્યુની ઔપચારિક પુષ્ટિ કરી છે.
વર્લ્ડ હેલ્થ ઑર્ગેનાઇઝેશનના રિપોર્ટ પ્રમાણે, 57 દેશમાં 85 હજારથી વધુ લોકો આ રોગથી પીડિત છે. કોરોનાને કારણે ત્રણ હજાર લોકોનાં મૃત્યુ થયાં છે. મરનારાઓની મોટી સંખ્યા ચીનમાં છે.

યુરોપિયન સંઘે 'કોરોના વાઇરસ રિસ્પૉન્સ ટીમ' ઘડી

ઇમેજ સ્રોત, Getty Images
યુરોપિયન કમિશનનાં પ્રમુખ ઉર્સુલા વૉન દેર લૅયેને 'કોરોના વાઇરસ રિસ્પૉન્સ ટીમ'નું ગઠન કર્યું છે. યુરોપમાં વાઇરસને ફેલાતો અટકાવવા માટે આ પગલું ભરાયું છે.
તેમણે એવું પણ જણાવ્યું છે કે સંઘે કોરોના વાઇરસના જોખમનું પ્રમાણ 'મૉડરેટ'માંથી 'હાઈ' કરી દીધું છે.
બ્રઝેલ્સમાં પત્રકારો સાથેની વાતચીતમાં તેમણે જણાવ્યું, "યુરોપિયન સેન્ટ્રર ફૉર ડિસીઝ પ્રિવૅન્શન ઍન્ડ કંટ્રોલે આજે જાહેરાત કરી છે કે જોખમનું પ્રમાણ 'મૉડરેટ'માંથી 'હાઈ' કરી દેવાયું છે. એનો અર્થ એવો થાય કે વાઇરસ ફેલાવાનું ચાલુ જ છે."
સંઘના સ્વાસ્થ્ય મિશનરના જણાવ્યા અનુસાર કોરોના વાઇરસને કારણે યુરોપિયન સંઘના કુલ 38 નાગરિકોનાં મૃત્યુ થયાં છે, જ્યારે 2100 લોકોમાં વાઇરસનો ચેપ ફેલાયો છે.
આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
YouTube કન્ટેન્ટ પૂર્ણ
તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો













