નમસ્તે ટ્રમ્પનો ખર્ચ : "આ ભવ્યતા એ ગાંધીજી, સરદાર અને લાલબહાદુર શાસ્ત્રીની સાદગીની મજાક છે."

    • લેેખક, ટીમ બીબીસી ગુજરાતી
    • પદ, નવી દિલ્હી

અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ અને વડા પ્રધાન મોદીની મુલાકાતને લઈને અમદાવાદમાં સજાવટ કરાઈ રહી છે.

મળતી માહિતી મુજબ ટ્રમ્પ અમદાવાદમાં માત્ર ત્રણ કલાક રોકવાના છે અને તેને લઈને શહેરના રસ્તાઓને ચોખ્ખાચણાક કરી દેવાયા છે.

સમાચાર એજન્સી રૉયટર્સને ગુજરાત સરકારના અધિકારીએ જણાવ્યું કે અમદાવાદમાં ટ્રમ્પ ત્રણ કલાક રોકાશે અને 85 કરોડ રૂપિયાનો ખર્ચ થશે.

અંદાજે 12 હજાર પોલીસ અધિકારી તહેનાત રહેશે અને તેમાં જ અડધી રકમ ખર્ચાઈ જશે.

સ્થાનિક મીડિયાના રિપોર્ટ પ્રમાણે ટ્રમ્પની મુલાકાત દરમિયાન થનારા સુશોભનમાં વપરાતાં ફૂલ પાછળ આશરે સાડા ત્રણ કરોડ રૂપિયા ખર્ચ થવાનો છે.

અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ અને વડા પ્રધાન નરેન્દ્ર મોદી અમદાવાદમાં દુનિયાના સૌથી મોટા ક્રિકેટ સ્ટેડિયમનું ઉદઘાટન કરશે.

રાષ્ટ્રપતિ બન્યા બાદ ટ્રમ્પ પહેલી વાર ભારત આવી રહ્યા છે. તેઓ અમદાવાદમાં આવેલા ગાંધીઆશ્રમની મુલાકાત લેવાના છે કે નહીં તે મુદ્દે હજી કોઈ સ્પષ્ટતાઓ નથી.

ટ્રમ્પ જે રસ્તેથી નીકળવાના છે ત્યાંના વિસ્તારમાં આવતી ઝૂંપડપટ્ટીને ઢાંકી દેવા માટે એક દીવાલ પણ ચણી દેવામાં આવી તે પણ વિવાદમાં છે.

તો તેમની આ મુલાકાત દરમિયાન કરાઈ રહેલા ખર્ચ મામલે પણ વિવાદ થઈ રહ્યો છે.

તો અગાઉ શિવસેનાના મુખપત્ર 'સામના'માં લેખ લખાયો હતો, જેમાં 'ગુજરાત મૉડલ'ની ઝાટકણી કઢાઈ હતી.

સામનામાં લખાયું હતું કે ટ્રમ્પથી ગરીબી છુપાવવા માટે 100 કરોડ રૂપિયાનો ખર્ચ કરાઈ રહ્યો છે.

'સરકારે હિસાબ આપવો જોઈએ'

ગુજરાતમાં કૉંગ્રેસના પ્રવક્તા મનીષ દોશી બીબીસી ગુજરાતી સાથે વાત કરતાં કહે છે કે, આ પ્રજાના પૈસાનો માત્ર વેડફાટ છે.

તેઓ કહે છે, "હું ડોનાલ્ડ ટ્રમ્પની મુલાકાતને આવકારું છે. પણ બેરોજગારી, આરોગ્યના પ્રશ્નો, ખેડૂતોની પણ સમસ્યા, કુપોષણની સમસ્યાથી ગુજરાત પીડાઈ રહ્યું છે- આવી સ્થિતિમાં આવો તામઝામ કરવાને બદલે આ પૈસા લોકોની સમસ્યાના નિવારણ માટે વાપરવા જોઈએ."

તેઓ કહે છે, "બે દેશના વડા મળે જ એક મોટી ઇવેન્ટ છે, પણ એના માટે આવા તામઝામની જરૂર નથી."

તો ગુજરાતના પૂર્વ મુખ્ય મંત્રી અને એનસીપીના નેતા શંકરસિંહ વાઘેલાએ પણ આ મુલાકાતની આકરી ટીકા કરી છે.

શંકરસિંહ વાઘેલા ફેસબુકમાં પોસ્ટ થયેલા વીડિયોમાં કહે છે, "હું ગુજરાત અને ભારત સરકારને વિનંતી કરું છું કે ટ્રમ્પની મુલાકાત પહેલાં અને પછી કેટલો થયો એની વિગત લોકો સામે મૂકવો જોઈએ."

"શું તમે ટ્રમ્પને માર્કેટિંગ માટે બોલાવો છો, ટ્રમ્પને અહીં બોલાવવાનું કોઈ કારણ ખરું, તમે ટ્રમ્પના પ્રચારક કેમ બનો છો એ મારી સમજણ બહારનું છે."

"ગુજરાતના લોકોના, દેશના લોકોના પરસેવાના પૈસા જે, આપણે ટેક્સ મારફતે સરકારમાં જમા કરાવીએ છીએ એને લૂંટવાનો તમને અધિકાર નથી. તમે પ્રજાના સાચા સેવક હોય તો હિસાબ આપો."

શંકરસિંહ વાઘેલાએ કહ્યું કે "આ ભવ્યતા એ ગાંધીજી, સરદાર અને લાલબહાદુર શાસ્ત્રીની સાદગીની મજાક છે."

એમણે કહ્યું કે "આપણે પ્રાથમિકતા નક્કી કરવી જોઈએ. ગુજરાતની જે તાકાત છે એના પર ગુજરાતે આગળ વધવું જોઈએ. ગુજરાતમાં જે અસમાનતા છે એને દૂર કરવી જોઈએ."

આ ઉપરાંત નર્મદા જિલ્લાના કેવડિયા વિસ્તારમાં આવેલાં 14 ગામોના અનેક લોકો હાલમાં કેવડિયામાં ધરણાં પર બેઠા છે.

આદિવાસીઓ ઇચ્છે છે કે 'ભારત પાકિસ્તાન વચ્ચે મધ્યસ્થી કરવાની ઓફર કરી ચૂકેલા ટ્રમ્પ આદિવાસીઓની સમસ્યાના ઉકેલ માટે સરકાર અને આદિવાસીઓ વચ્ચે મધ્યસ્થી કરે.'

આ પ્રકારની ઇવેન્ટ નવા પ્રકારની ડિપ્લોમસી છે?

અમેરિકાના રાષ્ટ્રપ્રમુખની ઇવેન્ટ પાછળ આટલો ખર્ચ થવો જોઈએ કે નહીં તે અંગે બીબીસીના ગુજરાતીના જીગર ભટ્ટ સાથે વાત કરતા વરિષ્ઠ પત્રકાર રાજ ગોસ્વામી કહે છે, "સામાન્ય માણસનો પગાર હજાર અને લાખ રૂપિયામાં હોય ત્યારે તેને આ ખર્ચ ઘણો લાગે છે."

"આપણે ઘરમાં મહેમાનને બોલાવીએ તો પણ સફાઈ કરાવીએ, ખાવા-પીવાની નવી વાનગીઓ બનાવે તો ઘણો ખર્ચો થાય છે."

રાજ ગોસ્વામી 'નમસ્તે ટ્રમ્પ' બિનસત્તાવાર ઇવેન્ટને વિદેશનીતિનો એક નવો પ્રકાર ગણાવતાં કહે છે, "જ્યારે કોઈપણ દેશના ટોચના નેતા બીજા દેશની સત્તાવાર મુલાકાતે હોય છે ત્યારે તેઓ તે દેશના કલ્ચર, ટુરિઝમ, હરવા-ફરવાની જગ્યાની મુલાકાત લેતા હોય છે. આ દરેક દેશમાં થાય છે."

તેઓ વધુમાં કહે છે, "આ પ્રકારની ઇવેન્ટ દુનિયાભરમાં થાય છે. દરેક દેશના ઇતિહાસમાં આ પ્રકારની આંતરરાષ્ટ્રીય ઇવેન્ટમાં ખર્ચ થતો રહે છે."

"અમદાવાદમાં પહેલીવાર આ પ્રકારની ઇવેન્ટ થતી હોય ત્યારે મોટા ન્યૂઝ બનતા હોય છે માટે આપણને લાગે કે ખર્ચ ઘણો થાય છે."

ચીનના રાષ્ટ્રપ્રમુખ અમદાવાદની મુલાકાતે આવ્યા તેને યાદ કરીને કહે છે, "ચીનના રાષ્ટ્રપ્રમુખ આવ્યા ત્યારે આટલો મોટો કાર્યક્રમ નહોતો થયો તેમણે માત્ર રિવરફ્રન્ટ અને ગાંધીઆશ્રમની મુલાકાત લીધી હતી."

"વડા પ્રધાન મોદીનો ટેક્સાસમાં 'હાઉડી મોદી' કાર્યક્રમ યોજાયો હતો. જેથી હવે અમેરિકાના રાષ્ટ્રપતિનો કાર્યક્રમ પણ અહીં યોજાઈ રહ્યો છે."

"નરેન્દ્ર મોદીને તાયફા કરવાની આદત છે"

બીબીસીના ગુજરાતીના જીગર ભટ્ટ સાથે વાત કરતા વરિષ્ઠ પત્રકાર રમેશ ઓઝા કહે છે, "નરેન્દ્ર મોદીને તાયફા કરવાની આદત છે માટે તે આ કરી રહ્યા છે. તેમને ઇવેન્ટનું વળગણ છે. માટે તેઓ આ પ્રકારની ઇવેન્ટ કરી રહ્યા છે."

અર્થશાસ્ત્રી ઇન્દિરા હિરવે કહે છે, "દેશની આર્થિક સ્થિતિ જ્યારે ખરાબ હોય ત્યારે આવા ખર્ચ પોષાય તેમ નથી. આ પ્રકારની દીવાલ તો તોડી જ પાડવી જોઈએ."

બીબીસીના ગુજરાતીના જીગર ભટ્ટ સાથે વાત કરતા અર્થશાસ્ત્રી હેમંતકુમાર શાહ આ ખર્ચને બે રીતે જોઈ રહ્યા છે. તેઓ કહ છે, "જો ખર્ચ રસ્તા, ફૂટપાથ, પુલ જેવી જંગમ સંપત્તિ પાછળ જો ખર્ચ થતો હોય તો તેનો વાંધો નથી. કારણ કે તેનો કાયમી વપરાશ કરી શકાય છે."

હેમંતકુમાર શાહ લાઇટિંગ અને મોટી મેદની ભેગી કરવા માટે થતાં ખર્ચને અટકાવવાનું કહે છે. તેઓ કહે છે, "લાઇટિંગ કરવી, રંગારગ કાર્યક્રમ વગેરે કાયમી ઉપયોગી નથી. એનાથી રોજગારી ઊભી નહીં થાય."

કાયમી પ્રકારનો ખર્ચ

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના કમિશનર વિજય નેહરાએ જણાવ્યું,"અમદાવાદ મ્યુનિસિપલ કૉર્પોરેશનના બજેટમાંથી વસ્તુઓ બનાવી રહ્યા છીએ, આ તમામ વસ્તુઓ અમે કાયમી પ્રકારની બનાવી રહ્યા છીએ. જેથી આવનારા સમયમાં જ્યારે-જ્યારે મૅચ રમાશે ત્યારે આ ખર્ચ કામે લાગશે."

વિજય નેહરા કહે છે, "રોડ-શોમાં એકથી બે લાખ લોકો ભાગ લેશે. રસ્તામાં અલગ-અલગ રાજ્યોના સાંસ્કૃતિક કાર્યક્રમ યોજાશે. ત્યાંથી આવેલા લોકોને પોતાની કળા દેખાડશે. અમદાવાદીઓ દેશના બ્રાન્ડ એમ્બેસેડર બનીને વિશ્વને ઝાંખી કરાવશે."

અમદાવાદના મ્યુનિસિપલ કમિશનર વિજય નેહરાએ રૉયટર્સને જણાવ્યું કે અંદાજે 30 કરોડ રૂપિયા ક્રિકેટ સ્ટેડિયમની આસપાસ રસ્તા પહોળા કરવામાં અને બાંધકામમાં ખર્ચ થઈ ગયા છે.

સ્ટેડિયમની ક્ષમતા એક લાખ દસ હજાર દર્શકોની છે. નેહરાએ કહ્યું કે જ્યાંથી ટ્રમ્પ નીકળવાના છે એ વિસ્તારની સજાવટમાં છ કરોડ રૂપિયા ખર્ચ થશે.

ફાયર સુરક્ષા અંગે તેમણે કહ્યુ, "પ્રેક્ષકોના આગમન અને નિર્ગમન માટે જરૂરી વ્યવસ્થા કરવામાં આવી છે. 18મીએ વપરાશ માટે મંજૂરી આપી દીધી છે."

"જર્મની તથા ઇન્ડિયાના લોકોએ ચકાસણી કરી છે. ફાયર સેફ્ટીનું ધ્યાન રાખવામાં આવ્યું છે, આ સિવાય વોટર હાર્વેસ્ટિંગ માટે વ્યવસ્થા ઊભી કરવામાં આવી છે અને ડિસેન્ટ્રલાઇઝ્ડ સુએઝ પ્લાન્ટ પણ તેમાં છે."

અમદાવાદમાં કરવામાં આવેલાં રસ્તાઓ અંગે તેમણે કહ્યું, "સ્ટેડિયમ તરફ જતા 18 રોડને પહોળા કરવામાં આવ્યા છે અને તેનું રિસરફેસિંગ તથા રિકાર્પેટિંગ કરવામાં આવ્યું છે."

"આ સિવાય બ્યુટિફિકેશન પણ કરવામાં આવ્યું છે. અમદાવાદ જ નહીં, વિશ્વ માટે યાદગાર ઇવેન્ટ બની રહે તેવા પ્રયાસ છે. તમામ સ્ટાફ ઓવરટાઇમ કામ કરી રહ્યો છે."

ઉલ્લેખનીય છે કે અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ હવાઈ માર્ગે અમદાવાદ ઍરપૉર્ટ પર આવશે. બાદમાં વડા પ્રધાન નરેન્દ્ર મોદી અને ટ્રમ્પ ઍરપૉર્ટથી 22 કિલોમિટર લાંબો રોડ શો યોજશે.

ટ્રમ્પ અમદાવાદમાં દુનિયાના સૌથી મોટા ક્રિકેટ સ્ટેડિયમનું ઉદ્ઘાટન કરશે અને આશરે એક લાખ લોકોની હાજરીમાં આ કાર્યક્રમ યોજાશે.

DCP વિજય પટેલ, (કંટ્રોલર અમદાવાદ શહેર) દ્વારા અપાયેલી પ્રાથમિક માહિતી અનુસાર, "ટ્રમ્પની મુલાકાત દરમિયાન 25 IPS અધિકારીઓ, 65 ACP કક્ષાના અધિકારીઓ, 200 પોલીસ ઇન્સ્પેક્ટર, 800 પોલીસ સબ ઇન્સ્પેક્ટર અને 10,000 જેટલા પોલીસ કર્મચારીઓ સુરક્ષાવ્યસ્થા માટે ખડેપગે રહેશે."

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો