Vodafone - Idea : શું વોડાફોન ભારતમાં બંધ થઈ જશે?

ઇમેજ સ્રોત, Reuters
સરકારને ચૂકવવાની અબજો રૂપિયાની રકમ માટે ટેલિકૉમ કંપનીઓને વધુ સમય આપવાનો સુપ્રીમ કોર્ટે ઇનકાર કરી દીધો છે. તેના કારણે સમગ્ર ઉદ્યોગને કેવી રીતે ફટકો પડી શકે છે, તેનું વિશ્લેષણ રજૂ કરે છે બીબીસીના બિઝનેસ રિપોર્ટર અરુણોદય મુખરજી.
દુનિયાની સૌથી મોટી ટેલિકૉમબજારમાં ભારતનો સમાવેશ થાય છે, પણ તેની મુખ્ય કંપનીઓ હાલનાં વર્ષોમાં ભારે મુશ્કેલીમાંથી પસાર થઈ રહી છે.
તેમની મુશ્કેલીમાં હવે વધારો થયો છે, કેમ કે સર્વોચ્ચ અદાલતે 17 માર્ચ સુધીમાં 1.47 લાખ કરોડ રૂપિયા ચૂકવી દેવા જણાવ્યું છે.
અગાઉના આદેશ છતાં કેમ સમયસર ચૂકવણી ન કરાઈ અને તે બદલ અદાલતના આદેશની અવગણનાની કાર્યવાહી કેમ ના કરવી તેવો સવાલ પણ ઉઠાવ્યો હતો.
ભારતની અગ્રણી ટેલિકૉમ કંપની વોડાફોન-આઇડિયા માટે બહુ કપરા સમયે આ અદાલતી આદેશ આવ્યો છે. હાલમાં જ કંપનીએ સતત છઠ્ઠા ત્રિમાસિકમાં 6,439 કરોડ રૂપિયાની ખોટ જાહેર કરી હતી.

'રાહત નહીં મળે તો કંપની બંધ કરવી પડશે'

ઇમેજ સ્રોત, Getty Images
હાલત એટલી ગંભીર છે કે કંપનીના ચૅરમૅન કુમારમંગલમ બિરલાએ હાલમાં જ કહ્યું હતું કે જો સરકાર કે અદાલત તરફથી રાહત નહીં મળે તો કંપનીને બંધ કરી દેવી પડશે.
વોડાફોન-આઇડિયા અને સ્પર્ધક કંપની ઍરટેલ બંને સરકારી લેણાંની ચૂકવણી માટે સમયની માગણી કરી રહ્યાં છે, કેમ કે તેમની પર ઘટતી આવક અને વધતાં દેવાંનો બોજ છે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
હવે સવાલ એ છે કે સરકાર તરફથી સહાયની કોઈ શક્યતા જણાતી નથી અને સુપ્રીમ કોર્ટે આખરી મુદત 17 માર્ચની આપી દીધી છે, ત્યારે શું કંપની ભારતમાં પોતાનું કામકાજ સંકેલી લેશે?
યુકેસ્થિતિ વોડાફોન કંપની ભારતમાં ટેલિકૉમ સેવા આપનારી સૌથી જૂની અને સૌથી મોટી કંપનીઓમાંની એક છે.

કંપનીના 30 કરોડ જેટલા ગ્રાહક છે

ઇમેજ સ્રોત, Getty Images
કંપની બંધ થાય તો તેની અસર સમગ્ર ઉદ્યોગને થઈ શકે છે. કંપનીના 30 કરોડ જેટલા ગ્રાહકો છે અને તેના કર્મચારીઓની સંખ્યા પણ લાખોમાં છે.
કંપની બંધ થઈ જશે તો દેશમાં ટેલિકૉમ સેક્ટર પર સમગ્રતયા અવળી અસર પડી શકે છે.
જો વોડાફોન ભારતમાં પોતાનું કામકાજ બંધ કરી દે તો તે પછી ભારતમાં રિલાયન્સ જિઓ ઇન્ફોકૉમ અને ભારતી ઍરટેલ એમ માત્ર બે જ ટેલિકૉમ કંપનીઓ રહી જશે.
ઍરટેલની હાલત પણ એટલી સારી નથી. ઍરટેલ કંપનીએ પણ છેલ્લા ક્વાર્ટર સુધીમાં 23,000 કરોડ રૂપિયા સુધીની ખોટ જાહેર કરી હતી. ઍરટેલે સરકારને 35,586 કરોડ રૂપિયા ચૂકવવાના છે.

આના માટે જિઓ છે જવાબદાર?

ઇમેજ સ્રોત, Getty Images
ટેલિકૉમ સેક્ટરના નવા ખેલાડી જિઓ માટે સ્થિતિ ઘણી સારી છે અને ઉદ્યોગની બદલાયેલી સ્થિતિ માટે મોટા ભાગે તેને જ જવાબદાર ગણવામાં આવે છે.
ત્રણ વર્ષ પહેલાં જિઓએ ટેલિકૉમ ક્ષેત્રમાં પ્રવેશ કર્યો ત્યારે ડેટાના ભાવ બહુ જ ઘટાડી દીધા હતા. તેના કારણે ફોન કૉલ પર આધારિત ઉદ્યોગ ડેટા પર આધારિત ઉદ્યોગ બની ગયો હતો.
બદલાયેલી સ્થિતિમાં ભારત દુનિયાનો સૌથી સસ્તા ડેટા દર ધરાવતો દેશ બની ગયો. તેના કારણે વોડાફોન અને ઍરટેલના કામકાજને વિપરિત અસર થઈ હતી.
જિઓના આગમન પછી બંને કંપનીઓએ કરોડો ગ્રાહકો ગુમાવ્યા છે. બંને કંપનીની સંયુક્ત ખોટ વધીને 74 હજાર કરોડની આસપાસ પહોંચવા આવી છે. સાથે જ આવતા મહિને દોઢ લાખ કરોડ રૂપિયા સરકારને ચૂકવવાના થશે.
2019 સુધીમાં જિઓના ગ્રાહકોની સંખ્યા 35 કરોડને પાર થઈ ગઈ છે. વોડાફોન ભારતમાંથી વિદાય લે તો તેનો સૌથી મોટો ફાયદો જિઓને થાય તેમ છે.
જાણકારોના અંદાજ અનુસાર 2022 સુધીમાં જિઓના ગ્રાહકોની સંખ્યા 50 કરોડને પાર જઈ શકે છે અને તેની આવક પણ બમણી થઈ શકે છે.
પરંતુ તેના કારણે કિમત પર આધાર રાખીને ચાલતાં ભારતના ગ્રાહકોનું શું થશે?

મોબાઇલ ફોનધારકો માટે સારા સમાચાર નથી

ઇમેજ સ્રોત, Getty Images
મોબાઇલ ફોનધારકો માટે કદાચ આ સારા સમાચાર નથી.
વોડાફોન અને ઍરટેલ બંને કંપનીને જંગી નુકસાન થયું છે, તેના કારણે તે બંને સહિત ત્રણેય મુખ્ય કંપનીઓએ દરમાં વધારો કરી દીધો છે.
અર્થશાસ્ત્રી વિવેક કૌલે બીબીસીને અગાઉ જણાવ્યું હતું, "દરમાં વધારો થઈ રહ્યો છે, તે ખરાબ જ છે એવું નથી - તે કદાચ સારી બાબત પણ છે. કેમ કે તેના કારણે જ બજારમાં થોડી સ્પર્ધા રહી શકશે."
"ભારતમાં ટેલિકૉમ કંપનીઓ ટકી શકે અને બચી શકે તે માટે દરોમાં વધારો જરૂરી છે."
જોકે તેના કારણે ભારતમાં ઝડપથી આગળ વધી રહેલા ટેલિકૉમસેક્ટરમાં સુસ્તી આવશે કે કેમ તે જોવાનું રહે છે.

ટેલિકૉમ કંપનીઓ અને સરકાર વચ્ચે વિખવાદ શું છે?

ઇમેજ સ્રોત, Getty Images
ઍડ્જસ્ટેડ ગ્રોસ રેવન્યૂ (AGR - કુલ કાચી આવક)ની ગણતરી કેવી રીતે કરવી તે વિશે લાંબા સમયથી વિખવાદ ચાલી રહ્યો છે.
સામાન્ય સમજણ પ્રમાણે વાત કરીએ તો ટેલિકૉમ કંપનીઓને જે પણ કંઈ આવક થાય, તેમાંથી અમુક હિસ્સો તેણે સરકારના ટેલિકૉમવિભાગને આપવાનો રહે છે.
પરંતુ કુલ કાચી આવક કોને કહેવાય અને તેમાં કઈ-કઈ આવકનો સમાવેશ કરવો તેની વ્યાખ્યાની બાબતમાં કંપનીઓ અને સરકાર વચ્ચે 2005થી વિખવાદ ચાલતો આવ્યો છે.
ટેલિકૉમ કંપનીઓ ઇચ્છે છે કે ફોનસેવા આપવાથી થતી આવકને જ સરકારે ધ્યાને લેવી જોઈએ, જ્યારે સરકાર બધા જ પ્રકારની આવકને ગણવા માગે છે. ટેલિકૉમસેવા સિવાયની મિલકતોનું વેચાણ, વ્યાજની આવક વગેરેને પણ ધ્યાને લેવા માગે છે.
આ મામલામાં હાલમાં જ સુપ્રીમ કોર્ટે સરકારની તરફેણમાં ચુકાદો આપ્યો છે. તેના કારણે બધી ટેલિકૉમ કંપનીઓએ સરકારને જૂની બાકી ચૂકવણી પેટે 99,000 હજાર કરોડ રૂપિયા ચૂકવવા પડે તેમ છે.
આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
YouTube કન્ટેન્ટ પૂર્ણ
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો













