LRD અનામત વિવાદ : 'બેઠકો વધારાઈ, તમામ જ્ઞાતિના ઉમેદવારોને સમાવાશે'

નીતિન પટેલ

ઇમેજ સ્રોત, Getty Images

LRD ભરતીમાં અનામત મામલે છેલ્લા અનેક દિવસથી ચાલી રહેલા આંદોલન બાદ ઉપમુખ્ય મંત્રી નીતિન પટેલ દ્વારા પત્રકારપરિષદ યોજવામાં આવી.

ઉપમુખ્ય મંત્રી નીતિન પટેલે જાહેરાત કરી છે, "તમામ જ્ઞાતિ-જાતિના લાયકાત ધરાવતા ઉમેદવારોની ભરતી કરવામાં આવશે. મહિલા અનામતના ધોરણો પણ જાળવવામાં આવશે."

"62.5 ટકા મેળવનારાં તમામ જ્ઞાતિનાં મહિલાઓ ઉમેદવારોની ભરતી કરવામાં આવશે. બધાને લાભ મળે એ માટે નવી ભરતી કરવાનો નિર્ણય લીધો છે."

News image

ઉપમુખ્ય મંત્રી નીતિન પટેલ દ્વારા જાહેરાત કરવામાં આવી છે કે ભરતીની સંખ્યામાં માતબર વધારો કરવામાં આવ્યો છે.

નીતિન પટેલે જાહેરાત કરી છે કે અગાઉ 3,077 બેઠક માટે ભરતી થનારી હતી, જેના બદલે હવે 5,227 જગ્યાઓ માટે ભરતી કરવામાં આવશે.

અગાઉ બક્ષીપંચના 1834 ઉમેદવારોની ભરતી થનાર હતી અને હવે 3248ની ભરતી કરવામાં આવશે.

એ જ પ્રમાણે અનુસૂચિત જાતિના 376 ઉમેદવારના બદલે હવે 588 ઉમેદવારને નોકરી મળશે.

અનુસૂચિત જનજાતિની 476 જગ્યાઓ ભરવાપાત્ર હતી, જેના બદલે હવે 511 બેઠકો માટે ભરતી કરવામાં આવશે.

બિનઅનામત માટે 421 ભરતી કરવાની થતી હતી હવે એના બદલે 880 બેઠક માટે ભરતી કરાશે.

line

શું છે મામલો?

ભરતી

ઇમેજ સ્રોત, Getty Images

60 દિવસ કરતાં વધુ સમયથી ગાંધીનગરમાં સત્યાગ્રહ છાવણી ખાતે એસસી, એસટી, ઓબીસી સમાજનાં મહિલા ઉમેદવારો સરકારના પરિપત્ર સામે વિરોધ કરી રહ્યાં છે.

મહિલાઓના આંદોલન બાદ ગુજરાત સરકારે એ વિવાદિત પરિપત્ર રદ કરવાનો નિર્ણય કર્યો હતો.

ગુજરાત સરકારે એ પરિપત્ર રદ કરવાની જાહેરાત કરી એ બાદ હવે બિનઅનામત વર્ગનાં મહિલા ઉમેદવારો મેદાને આવ્યાં છે.

તેમનું કહેવું છે કે સરકારે આ પરિપત્ર રદ કરીને અમને અન્યાય કર્યો છે.

line

પરિપત્રની તરફેણ અને વિરોધ

વિરોધ

એલઆરડીની પરીક્ષા આપનારાં અનામત વર્ગનાં મહિલા ઉમેદવારોની ફરિયાદ હતી કે સરકારે બિનઅનામત વર્ગમાં અનામત વર્ગનાં યોગ્ય મહિલા ઉમેદવારોને મેરિટ યાદીમાં સ્થાન આપ્યું નથી.

રાજકોટથી આવેલાં પૂજા સાગઠિયા ગાંધીનગરમાં આંદોલન કરી રહ્યાં છે.

બીબીસી ગુજરાતીના સંવાદદાતા રોક્સી ગાગડેકર છારા સાથેની વાતચીતમાં તેઓ કહે છે, "અમે છેલ્લા 64 દિવસથી ગાંધીનગરમાં સત્યાગ્રહ છાવણી ખાતે ગાંધીચીંધ્યા માર્ગે આંદોલન કરી રહ્યાં છીએ અને છેલ્લા 21 દિવસથી સાત બહેનોએ અને સક્સેનાસાહેબે ઉપવાસ શરૂ કર્યા છે."

તેમનું કહેવું છે, "ગુજરાત સરકાર એવું ઇચ્છે છે કે અમે ભણીને આગળ ન વધીએ. જો ભણીએ તો ગુજરાત સરકાર સામે આંદોલન કરી શકે ને, એટલે ગુજરાત સરકારે આ પરિપત્ર દાખલ કર્યો છે."

આંદોલન કરનારાં મહિલા ઉમેદવારો કહે છે કે આ પરિપત્ર ગેરબંધારણીય છે.

તેઓ કહે છે, "શું અમે એસસી, એસટી, ઓબીસીમાં જન્મ લીધો એ અમારો ગુનો છે, મહિલા છીએ એ અમારો ગુનો છે?"

પૂજાબહેન કહે છે કે ડૉક્યુમૅન્ટ વેરિફિકેશન સુધી એસસી, એસટી, ઓબીસીની બહેનોને જનરલમાં ગણવામાં આવી હતી, પણ જ્યારે ફાઇનલ રિઝલ્ટ બહાર પાડવામાં આવ્યું ત્યારે એસસી, એસટી, ઓબીસીની બહેનોને જનરલમાંથી કાઢીને અનામતના ક્વૉટામાં સામેલ કરવામાં આવી હતી. જેને કારણે અમારી બહેનોને અન્યાય થયો છે.

તો અન્ય મહિલા ઉમેદવારો પરિપત્ર રદ કરવાના સરકારના નિર્ણયને એકતરફી ગણાવે છે.

શીતલબા વાઘેલા કહે છે કે આ સરકાર કોઈ પણ નિર્ણય સરખી રીતે લઈ નથી શકતી. સરકાર એવા નિર્ણયો જ શું કામ લે છે કે વિરોધનો સામનો કરવો પડે. સરકારને ખુદને ખબર નથી કે મારે શું નિર્ણય લેવો.

અન્ય મહિલા ઉમેદવારોનું કહેવું છે કે અનામતવાળા અને બિનઅનામતવાળા કોઈને પણ અન્યાય ન થવો જોઈએ. આથી અમે પણ હવે આંદોલન માટે તૈયાર છીએ. સરકારે બધા સમાજની દીકરીઓને ન્યાય આપવો જોઈએ.

સરકારના પરિપત્રમાં એવો ઉલ્લેખ છે કે જો મેરિટના આધારે અનામતવાળાં મહિલા ઉમેદવારો પસંદગી પામે તો તેઓને અનામતના ક્વૉટામાં ગણવા.

નોંધનીય છે કે ગાંધીનગરમાં 62 દિવસથી વધુ સમયથી ઓબીસી-એસસી, એસટી સમાજનાં મહિલા ઉમેદવારો ધરણાં કરી રહ્યાં હતાં.

અનુસૂચિત જાતિ, જનજાતિ અને ઓબીસીના સત્તાપક્ષના સાંસદો અને ધારાસભ્યોએ જ નહીં અનામત વર્ગના કેટલાક મંત્રીઓએ પણ અનામત વર્ગનાં મહિલાઓને એલઆરડીની ભરતીમાં અન્યાય અંગે મુખ્ય મંત્રીને પત્ર લખ્યા હતા.

અગાઉ શ્રમ અને રોજગારમંત્રી દિલીપ ઠાકોરે બીબીસીના સહયોગી ભાર્ગવ પરીખને જણાવ્યું, "અલગઅલગ સમાજના લોકોની રજૂઆતો ઘણા સમયથી મળી રહી હતી જેના સંદર્ભમાં અમે આજે ઓબીસી અને અન્ય જ્ઞાતિના આગેવાનો સાથે મુખ્ય મંત્રીની અધ્યક્ષતામાં બેઠક કરી હતી."

"આ બેઠકમાં એલઆરડી મુદ્દે પરિપત્રમાં ફેરફાર કરવાનું નક્કી કર્યું છે. હવે કોઈ પણ સમાજને અન્યાય ન થાય તે પ્રકારે નવો પરિપત્ર જાહેર કરવામાં આવશે."

બદલો YouTube કન્ટેન્ટ
Google YouTube કન્ટેન્ટને મંજૂરી આપીએ?

આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.

થર્ડ પાર્ટી કન્ટેટમાં જાહેરખબર હોય શકે છે

YouTube કન્ટેન્ટ પૂર્ણ

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો