કેજરીવાલ ક્યાં સુધી દિલ્હીને મફત વીજળી અને પાણી આપી શકશે?

ઇમેજ સ્રોત, Getty Images
- લેેખક, સરોજ સિંહ
- પદ, બીબીસી સંવાદદાતા
આમ આદમી પાર્ટીએ દિલ્હીની વિધાનસભાની ચૂંટણીમાં 62 બેઠક પર જીત મેળવીને ઇતિહાસ રચી દીધો છે.
સતત બીજી વખત આટલી મોટી જીત બીજી કોઈ પાર્ટીને મળી નથી. પોતાની આ જીતનો શ્રેય અરવિંદ કેજરીવાલે પોતાની સરકારને આપ્યો છે.
આ ચૂંટણીમાં આમ આદમી પાર્ટીએ નારો આપ્યો હતો - 'મારો વોટ કામને, સીધો કેજરીવાલને'
'કેજરીવાલ સરકાર'ની 'મફત'યોજના

ઇમેજ સ્રોત, Getty Images
આમ તો દિલ્હી સરકાર અનેક યોજાનાઓ ચલાવે છે, પરંતુ ચર્ચા એ સ્કીમની વધારે રહે છે જેમાં લોકોને મફતમાં પ્રમાણભૂત સુવિધાઓ મળે છે. એવી ચર્ચિત મફતની સ્કીમોમાં સામેલ છે :
- દિલ્હીમાં 400 યુનિટ વીજળીના ઉપયોગ પર 500 રૂપિયાનું બિલ આવે છે. પાંચ વર્ષમાં વીજળીના ભાવમાં કોઈ પણ વધારો થયો નથી.
- મહિલાઓ માટે બસની મુસાફરી મફત છે.
- 20 હજાર લીટર સુધી પાણીનો ઉપયોગ કરો તો 'શૂન્ય' બિલ.
- મહોલ્લા ક્લિનિકમાં મફતમાં ઉપચારની વ્યવસ્થા.
દિલ્હી સરકારે પોતે મફતમાં કરેલાં કામોનો ખૂબ જ પ્રચાર કર્યો.
તેમની જીત પછી ચર્ચા શરૂ થઈ કે કેટલા દિવસ સુધી દિલ્હીની સરકારની મફત યોજના ચાલી શકશે અને દિલ્હીના ખજાના પર આની શું અસર થશે?
વીજળી - દિલ્હી સરકાર દ્વારા જાહેર કરવામાં આવેલા રિપોર્ટ પ્રમાણે 2018-19માં તેમણે સબસિડી પર 1,700 કરોડ રૂપિયાનો ખર્ચ કર્યો.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
દિલ્હીમાં જેમનું વીજળીનું બિલ શૂન્ય આવે છે તેવા પરિવારોની સંખ્યાની વિગતો દર મહિને બદલાતી રહે છે, પરંતુ ડિસેમ્બર મહિનાના આંકડા પ્રમાણે અંદાજે 48 લાખ લોકોનું બિલ શૂન્ય આવ્યું હતું.
મુસાફરી - દિલ્હી સરકારે મહિલાઓ માટે બસની મુસાફરી મફત કરવાની જાહેરાત ચૂંટણીના કેટલાક મહિનાઓ પહેલાં જ કરી હતી. રાજ્ય સરકારનો દાવો છે કે આની પર 108 કરોડ રૂપિયાનો ખર્ચ કરવામાં આવ્યો.
જોકે આ યોજનાનો લાભ અત્યાર સુધી કેટલી મહિલાઓને મળ્યો તેનો કોઈ આંકડો નથી, પરંતુ ડીટીસી પ્રમાણે મહિલાઓ દ્વારા દિલ્હી ટ્રાન્સપૉર્ટ કૉર્પોરેશનની (ડીટીસી)ની બસના ઉપયોગમાં 40 ટકાનો વધારો થયો છે.
પાણી - 2019-20ના દિલ્હી સરકારના આંકડા પ્રમાણે આ સ્કીમ પર 468 કરોડ રૂપિયાનો ખર્ચ કરવામાં આવ્યો.
તેમના પ્રમાણે 20 હજાર લિટર સુધી પાણીના ઉપયોગ પર ઝીરો બિલ પછી પણ 'દિલ્હી જલ બોર્ડ'ની આવકમાં નફો થયો છે. અંદાજે 14 લાખ લોકોને આ સ્કીમનો ફાયદો મળ્યો છે.
મહોલ્લા ક્લિનિક - રાજ્ય સરકારે અંદાજે 400 મહોલ્લા ક્લિનિક ખોલ્યાં છે. આ વર્ષે બજેટમાં સરકારે 375 કરોડ રૂપિયાની જોગવાઈ મહોલ્લા ક્લિનિક માટે કરી છે.

સરકારી ખજાનો ખાલી નથી થઈ રહ્યો?

ઇમેજ સ્રોત, Getty Images
રાજ્ય સરકરાની આર્થિક સ્થિતિ પર જાહેર કરાયેલા આરબીઆઈના અહેવાલ અનુસાર દિલ્હીમાં આમ આદમી પાર્ટીની સરકાર આવી છે, ત્યારથી શિક્ષણ અને સ્વાસ્થ્યની સેવાઓ પર થતા ખર્ચમાં વધારો થયો છે.
દિલ્હીમાં રાજકીય આવકનું સંતુલન ચિંતાનો વિષય બની ગયો છે. રાજકીય આવકના સંતુલનનો અર્થ એ છે કે ખર્ચ અને આવકમાં સંતુલન યોગ્ય છે કે નહીં.
આરબીઆઈ દ્વારા જાહેર કરાયેલા આંકડાઓ પ્રમાણે આજથી 10 વર્ષ પહેલાં દિલ્હી રાજ્યનો જીડીપીનો 4.2 ટકા ભાગ સરપ્લસમાં હતો.
દસ વર્ષ પછી 2019-20માં આ ઘટીને 0.6 ટકા રહી ગયો છે.

ઇમેજ સ્રોત, Getty Images
આનો અર્થ એ થાય છે કે જેટલાં પૈસા દિલ્હી સરકારના ખજાનામાં જમા થઈ રહ્યા છે, તે ખર્ચના કારણે ખાલી થઈ રહ્યો છે અને હવે પૂર્ણ થવાના આરે આવ્યો છે.
જોકે દિલ્હીની સ્થિતિ અન્ય રાજ્યોની સરખામણીએ સારી છે. પરંતુ જાણકારોનું માનવું છે કે જો યોજનાઓ કોઈ પણ આવકનાં નવાં સાધનોને ઊભાં કર્યા વિના ચાલુ રહેશે તો આવનારા દિવસોમાં આ ચિંતાનો વિષય બની શકે છે.
દિલ્હી સરકાર માટે એક ચિંતાની વાત છે. દરેક રાજ્ય સરકાર મોટું ઇન્ફ્રાસ્ટ્રક્ચર ઊભું કરવા માટે દર વર્ષે પોતાના ખજાનામાં કેટલાક પૈસા અલગ રાખે છે.
જેમ કે નવી હૉસ્પિટલ, સ્કૂલ, ફ્લાયઑવર બનાવવા માટે મોટો ખર્ચ લાગે છે, જે એક દિવસમાં તૈયાર થતાં નથી અને ખર્ચો પણ એક દિવસમાં નથી થતો. આને કૅપિટલ ઍક્સ્પેન્ડિચર કહે છે.
ગત કેટલાક સમયથી રાજ્ય સરકારના આ ફંડમાં ઊણપ આવી ગઈ છે. 2011-12માં રાજ્યની જીડીપીમાં કૅપિટલ ઍક્સ્પેન્ડિચરનો આંકડો 1.16 ટકા હતું. જ્યારે હવે ઘટીને 2018-19માં 0.54 ટકા પર રહી ગયો છે.

દિલ્હી સરકારનો પક્ષ

ઇમેજ સ્રોત, PTI
દિલ્હીના મુખ્ય મંત્રી અરવિંદ કેજરીવાલને ચૂંટણી પહેલાં અનેક ઇન્ટરવ્યૂમાં સવાલ પૂછવામાં આવ્યો હતો - દિલ્હી સરકાર મફતમાં વીજળી પાણી કેવી રીતે આપી રહી છે?
આ યોજનાઓ માટે પૈસા ક્યાંથી આવે છે? જવાબમાં તેમણે એક જ વાત કહી, તેમના કહેવા મુજબ ગુજરાતના મુખ્ય મંત્રીએ પોતાના માટે 191 કરોડનું હેલિકૉપ્ટર ખરીદ્યું. અમે તેવા જ રૂપિયા આ યોજનાઓ પર લગાવ્યા છે. અમારા આવા ખર્ચા નથી.
એક પ્રાઇવેટ ચેનલને આપેલા ઇન્ટરવ્યૂમાં અરવિંદ કેજરીવાલે કહ્યું, "જો દિલ્હીમાં વીજળી-પાણી મફત કરી શકાય તો હરિયાણાવાળા પણ કરી શકે. કેમ તેઓ ફ્રી નથી કરી રહ્યા."
"એના માટે ઇમાનદાર હોવું જરૂરી છે. તમામ પૂછે છે, આના માટે લાગતા પૈસા ક્યાંથી આવ્યા? પૈસા એટલા માટે આવ્યા કારણ કે સરકારી કામમાં થતા ભ્રષ્ટાચારને અમે પૂર્ણ કરી દીધો છે."
"હું પૈસા નથી ખાતો. મારા મંત્રી ખાતા નથી. એટલા માટે પૈસા બચી રહ્યા છે."
ચેનલના ઇન્ટરવ્યૂમાં તેમને આ સવાલ પણ પૂછવામાં આવ્યો કે આ ફ્રી-કલ્ચર ક્યાં સુધી ચાલશે? જવાબમાં અરવિંદ કેજરીવાલે કહ્યું, "ઇમાનદારીનો પૈસો બચાવીને, ભ્રષ્ટાચાર ખતમ કરીને, લોકો માટે વીજળી-પાણી માફ કર્યાં."
"તેમની જિંદગીમાં થોડી રાહત આપી દીધી તો મારો શું વાંક છે."
દિલ્હી સરકારની ફ્રી યોજનાઓમાંથી પાઠ લઈને અન્ય રાજ્ય સરકારો હાલ આના પર અમલ કરવા લાગી છે.
પશ્ચિમ બંગાળ સરકારમાં મમતા બેનરજીએ આ વર્ષે બજેટમાં 75 યુનિટ વીજળીનો ઉપયોગ કરનાર પરિવારને સબસિડી આપવાની જાહેરાત કરી છે.
દિલ્હી સરકારની જેમ જ તમામ સરકારો એવો તર્ક આપી રહી છે કે - સબસિડીવાળા તમામ પૈસા જનતાના છે અને આ પગલાંથી તેમને જ પૈસા પરત આપવામાં આવી રહ્યા છે.

સરકરીખજાના પર CAGનો રિપોર્ટ

ઇમેજ સ્રોત, Getty Images
ગત વર્ષે ડિસેમ્બરમાં દિલ્હી સરકારના ખજાનાની સ્થિતિ બતાવતા સીએજીના રિપોર્ટ મુજબ દિલ્હી સરકારના ખજાનામાં સરપ્લસની વાત છે.
પરંતુ અહીં એ પણ જાણવું જરૂરી છે કે 2013-14થી હાલ સુધી દિલ્હી સરકાર હંમેશાંથી સરપ્લસમાં જ રહેલી છે.
દિલ્હીના પૂર્વ ચીફ સેક્રેટરી ઓમેશ સેહગલના કહેવા મુજબ કોઈ સરકારનું બજેટ સરપ્લસમાં હોવું તેના સારા પ્રદર્શનની નિશાની બનતી નથી.
તેમના કહેવા પ્રમાણે, "સરપ્લસમાં બજેટ હોવાનો અર્થ છે કે કલ્યાણકારી યોજનાઓમાં સરકારે ખર્ચ જ નથી કર્યો."
કલ્યાણકારી યોજનાઓની વ્યાખ્યા આપતાં ઓમેશ સેહગલ કહે છે, "એવી યોજનાઓ, જેનાથી લોકોને લાભ મળે, લોકોને ફાયદો પહોંચે."
પોતાની વાતને વિસ્તારથી સમજાવતાં ઓમેશ કહે છે, "જો સરકારે નવી હૉસ્પિટલ બનાવી હોત, તો એમાં ઇલાજ કરાવવા માટે આવતાં લોકોથી સરકારને ફાયદો થયો હોત અને લોકોને પણ. પરંતુ રાજ્ય સરકાર આવું કરી રહી નથી."
"સરકારે નવી સ્કૂલ બનાવી હોત તો નવા ટીચરની ભરતી કરવાની જરૂરિયાત સર્જાત, બીજી બાજુ કર્મચારીઓને રોજગારી મળી હોત. પરંતુ આ સરકાર માત્ર ક્લાસરૂમ બનાવી રહી છે આને કલ્યાણકારી યોજના ન કહી શકીએ."

દિલ્હી સરકારના આવકના સ્રોત

ઇમેજ સ્રોત, Getty Images
દિલ્હી સરકારની આવકના સૌથી મહત્ત્વના બે સ્રોત છે - જીએસટી અને એક્સાઇઝથી થનારી આવક.
આ સિવાય રાજ્ય સરકારને કેટલીક રાષ્ટ્રીય સબસિડી પણ મળે છે અને કેટલીક કમાણી જમા પૈસાના લાભથી થતી હોય છે.
દિલ્હી સરકાર હાલ મફતમાં જે યોજનાઓ ચલાવી રહી છે, તેમાંથી સરકારને પણ રિટર્ન મળતું નજર આવી રહ્યું નથી. તે પૈસા સરકારના ખર્ચમાં જોડાઈ રહ્યા છે.

ક્યાર સુધી ચાલશે યોજનાઓ?

ઇમેજ સ્રોત, Getty Images
ઓમેશ સેહગલનું માનવું છે, "દિલ્હી સરકાર જેને પોતાનું કામ અને રિપોર્ટકાર્ડ કહી રહી છે, ખરેખર તે સરકારનું કામ જ નથી. સરકારનું કામ રસ્તા, સ્કૂલ, ફ્લાયઑવર બનાવવાનું છે. કલ્યાણકારી યોજનાઓમાં ખર્ચ કરવાનું છે."
"જો સરકાર મફતમાં વીજળી-પાણી આપવાનું ચાલુ રાખે તો તેમને કલ્યાણકારી યોજનાઓમાં કાપ મૂકવો પડે."
"ગત પાંચ વર્ષોમાં નવા ફ્લાયઑવર, નવી સ્કૂલ અને હૉસ્પિટલ કેટલી બન્યાં છે, તેના આંકડા આ સરકારે ક્યારેય નથી આપ્યા."
તેમના કહેવા પ્રમાણે સરકાર મફતમાં વીજળી, પાણી અને બસ સુવિધા ચાલુ રાખી શકે છે પણ આવું દિલ્હીના સંદર્ભમાં ખતરનાક થશે.
તેમના મુજબ દિલ્હીમાં સતત વધી રહેલી આબાદીને જોતાં દિલ્હીને આ વસ્તુઓની વધારે જરૂરિયાત છે.
આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
YouTube કન્ટેન્ટ પૂર્ણ
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો













