ICC Women's T20 World Cup : આજથી શરૂ થશે ટીમ ઇન્ડિયાનું મિશન, ટી-20 વર્લ્ડ કપ જીતવા ફેવરિટ

ઇમેજ સ્રોત, Getty Images
- લેેખક, તુષાર ત્રિવેદી
- પદ, બીબીસી ગુજરાતી માટે
હરમનપ્રિત કૌરની આગેવાની હેઠળની ભારતીય મહિલા ક્રિકેટ ટીમ પાસે ટી-20 વિશ્વ કપની આશા રખાય છે, ગયા વર્લ્ડ કપમાં ભારત સેમિફાઇનલમાં પ્રવેશ્યું હતું. આ વખતે ભારતની ટીમ કપ જીતવાની દાવેદાર મનાય છે.
નવેમ્બર 2018માં વેસ્ટ ઇન્ડીઝમાં યોજાયેલી વિમેન્સ ટી-20 વર્લ્ડ કપની સેમિફાઇનલ અને 21મી ફેબ્રુઆરી 2020ના દિવસે રમાનારી ભારત અને ઑસ્ટ્રેલિયા વચ્ચેની વર્તમાન વર્લ્ડ કપની પ્રારંભિક મૅચ વચ્ચે દોઢેક વર્ષ વીતી ગયા છે, પરંતુ ટીમમાં ઘણો ફરક પડી ગયો છે.
એ વખતે ઇંગ્લૅન્ડ સામે સેમિફાઇનલ રમતા અગાઉ સુકાની હરમનપ્રિત કૌર વિવાદમાં સપડાયાં હતાં.
ભારતે મૅચની પૂર્વસંધ્યાએ ટીમનાં સૌથી અનુભવી ખેલાડી મિતાલી રાજને પડતાં મૂકયાં હતાં અને કોચ રમેશ પવાર તથા કૅપ્ટન હરમનપ્રિત વિવાદમાં આવી ગયાં હતાં.
એ વખતે ભારતે આઠ વિકેટે મૅચ ગુમાવી તેના કરતાં પણ વધારે નુકસાન ટીમની પ્રતિષ્ઠાને પહોંચ્યું હતું પણ હવે સ્થિતિ બદલાઈ ગઈ છે.

મિતાલી રાજ અને ઝુલન ગોસ્વામીની ખોટ

ઇમેજ સ્રોત, Getty Images
બે દિવસ અગાઉ હરમનપ્રિત કૌરે સિડનીમાં પત્રકારો સાથે આ વર્લ્ડ કપ વિશે વાત કરી, તેમાં મિતાલી રાજ અને ઝુલન ગોસ્વામીની ટીમને ખોટ પડી રહી છે તેવું નિવેદન આપ્યું હતું.
વાત સાચી છે, કેમ કે વર્લ્ડ કપ જેવી મેગા ઇવેન્ટમાં મિતાલી રાજની હાજરી પણ ટીમનો ઉત્સાહ વધારવા માટે પર્યાપ્ત હોય છે તો ઝડપી બૉલર ઝુલન ગોસ્વામી લગભગ દરેક મૅચમાં ભારતને મજબૂત શરૂઆત અપાવવાની કાબેલિયત ધરાવે છે.
જોકે આ બંને ખેલાડી નિવૃત્ત થઈ ગયાં છે ત્યારે તેમના વિશે વધુ ચર્ચા કરવા કરતાં વર્તમાન ટીમની ક્ષમતા પર ફોક્સ કરવાની જરૂર છે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
હરમનપ્રિત કૌરે આ વર્લ્ડ કપ જીતવા માટે અન્ય બે-ત્રણ ટીમ સાથે ભારત સક્ષમ છે તેવો દાવો કરી દીધો છે.
હરમન હજી આઈસીસી વિમેન્સ વર્લ્ડ કપની સેમિફાઇનલમાં થયેલા એ પરાજયને પણ ભૂલ્યાં નથી અને તેનો બદલો લઈને આ વખતે વર્લ્ડ કપ જીતવા માગે છે.
ખરેખર તો તેમની આ સ્પિરિટ જ ઘણું બધું કહી જાય છે.
રમતમાં આવી સ્પિરિટ હોવી જરૂરી છે અને તો જ ટીમ આગળ ધપી શકે છે, સફળતા હાંસલ કરી શકે છે.

ભારતની રણનીતિ

ઇમેજ સ્રોત, Getty Images
દોઢ વર્ષ અગાઉની ભારતીય ટીમ અને અત્યારની ટીમમાં એકાદ બે ખેલાડીને બાદ કરતાં ખાસ ફરક નથી, પરંતુ સૌથી મોટું પરિવર્તન ટીમના વલણમાં આવ્યું છે.
કોચ ડબ્લ્યુ. વી. રમણે ટીમમાં ઘણા ફેરફાર કર્યા છે. ઉપરાંત શેફાલી વર્મા જેવાં યુવા અને પ્રતિભાશાળી ખેલાડીના આગમનથી ટુર્નામેન્ટમાં ભારતની સફળતાની શક્યતા ઘણી વધી ગઈ છે.
ઑસ્ટ્રેલિયામાં વર્લ્ડ કપ માટે રમવા જતાં અગાઉ હરમનપ્રિતે દબાણ હેઠળ શાંતચિત્તે રમવાની બાબત પર ભાર મૂક્યો હતો.
તેમણે ટીમના ખેલાડીઓના પ્રદર્શનની ચિંતા કર્યા વિના આ જ બાબત પર ભાર મૂક્યો તેની પાછળનું કારણ એ હતું કે ભારત છેલ્લી બે મેગા ઇવેન્ટમાં નજીક આવીને ઘણું દૂર જતું રહ્યું હતું.
વેસ્ટ ઇન્ડીઝમાં તે સેમિફાઇનલમાં અટકી ગયું હતું, તો વન ડે વર્લ્ડ કપમાં તો ફાઇનલ જીતવાને આરે આવી ગયા બાદ છેલ્લી ઘડીએ ફાઇનલ ગુમાવી હતી અને રનર્સ-અપ રહેવું પડ્યું હતું.
આ બંને મૅચમાં ભારતીય ખેલાડીઓ દબાણને વશ થઈ ગયાં હતાં, જે હવે નહીં બને તેવી ખાતરી હરમનપ્રિતે ઉચ્ચારી હતી.
આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
YouTube કન્ટેન્ટ પૂર્ણ, 1
તેમણે જણાવ્યું હતું કે "અમે મોટી ટુર્નામેન્ટમાં રમવા જઈએ છીએ તેમ વિચારવાને બદલે અમે માત્ર અમારી સ્કીલ પર જ ધ્યાન આપી રહ્યાં છીએ."
"અમારા માટે અમારું કૌશલ્ય મહત્ત્વનું છે અને તેમાં કામયાબ થઈશું તો અમે સારું પરિણામ લાવી શકીશું."
એવું પણ નથી કે ભારતને અત્યારે હોટ ફેવરિટ ગણી શકાય, પરંતુ ટીમ જે રીતે ફૉર્મમાં રમી રહી છે અને અન્ય ટીમો જે દેખાવ કરી રહી છે તે જોતાં ઇંગ્લૅન્ડ અને ઑસ્ટ્રેલિયા પછી ત્રીજા ક્રમે ભારતને જ મૂકી શકાય તેમ છે.
2018ના ટી-20 વર્લ્ડ કપ બાદ ભારતનું એકચક્રી શાસન પણ રહ્યું નથી, પરંતુ દિવસેદિવસે તેના દેખાવમાં ગજબનો સુધારો થતો રહ્યો છે.
વર્લ્ડ કપ બાદ ન્યૂઝીલૅન્ડ અને ઇંગ્લૅન્ડ સામે ભારતનો પરાજય થયો પરંતુ વેસ્ટ ઇન્ડીઝ અને સાઉથ આફ્રિકા સામે તેનું પ્રદર્શન જોરદાર રહ્યું હતું જેનાથી એક આશા ઊભી થઈ છે કે આ વખતે ભારતીય વિમેન્સ ટીમને કમસે કમ સેમિફાઇનલમાં પ્રવેશતા તો કોઈ અટકાવી શકે તેમ નથી.
તાજેતરમાં રમાયેલી ત્રિકોણીય ટી-20 સિરીઝની પ્રથમ જ મૅચમાં કેનબરા ખાતે ઇંગ્લૅન્ડ સામે ભારતનો પરાજય થયો હતો, પરંતુ તેમ છતાં અંતે ભારતે ફાઇનલમાં પ્રવેશવામાં સફળતા મેળવી હતી.
જ્યાં ઑસ્ટ્રેલિયા સામે તેને હારનો સામનો કરવો પડ્યો હતો. આમ છતાં ટી-20 વર્લ્ડ કપમાં આ સિરીઝના પ્રદર્શનની ઘણી અસર પડશે તેમાં શંકા નથી.

ભારતનાં કયાં ખેલાડી પાસે કેટલી આશા?

ઇમેજ સ્રોત, Getty Images
ભારત કોની પાસેથી આશા રાખી શકે છે? ભારતનાં મોખરાનાં ચાર બૅટ્સમેન- શેફાલી વર્મા, સ્મૃતિ મંધાના, જેમિમાહ રોડ્રિગ્સ અને ખુદ કૅપ્ટન હરમનપ્રિત કૌર તેમના સર્વશ્રેષ્ઠ ફૉર્મમાં છે.
આવી જ રીતે ઑલરાઉન્ડર દીપ્તિ શર્મા, પૂજા વસ્ત્રાકર અને શિખા પાંડે ટીમની બેટિંગને વધારે મજબૂત બનાવી રહી છે.
બૉલિંગમાં રાજેશ્વરી ગાયકવાડ, રાધા યાદવ અને પૂજા યાદવ ભારતનાં સ્પિન બૉલિંગના વિકલ્પો છે અને તેઓ ગમે તે હરીફને ભારે પડી શકે છે તે નવેમ્બરમાં સુરત ખાતે યોજાયેલી સાઉથ આફ્રિકા સામેની ટી-20 સિરીઝમાં જોવા મળ્યું હતું.
જેમિમાહ રોડ્રિગ્સ છેલ્લા એકાદ વર્ષથી ભારતનાં આધારભૂત બૅટ્સમૅન બની ગયાં છે.
ટી-20 ઇન્ટરનેશનલમાં તેઓ ભારતનાં બીજાં સર્વોચ્ચ રન સ્કોરર રહ્યાં છે તો વન ડેમાં તેમનો ક્રમ ત્રીજો આવે છે.
જેમિમાહ 39 ટી-20માં 845 રન ફટકારી ચૂક્યાં છે. તેમના નામે છ અડધી સદી બોલે છે અને તેમનો સર્વોચ્ચ સ્કોર 72 રનનો છે.
જેમિમાહ 114.19ના સ્ટ્રાઇક રેટથી બેટિંગ કરે છે.

સ્મૃતિ મંધાના વર્તમાન ક્રિકેટમાં મોખરે

ઇમેજ સ્રોત, Getty Images
સ્મૃતિ મંધાના માત્ર ભારત માટે જ નહીં પરંતુ વર્તમાન ક્રિકેટ વિશ્વમાં મોખરે છે.
વિશ્વનાં સૌથી ખતરનાક ઓપનરમાં તેમની ગણના થઈ રહી છે. ટી-20 ક્રિકેટમાં મિતાલી અને હરમન બાદ સૌથી વધુ રન ફટકારનારાં તેઓ ત્રીજાં ભારતીય ખેલાડી છે.
71 મૅચના અનુભવ સાથે તેઓ 1667 રન કરી ચૂક્યાં છે અને 12 અડધી સદી પણ ફટકારી છે.
શેફાલી વર્મા ફૉર્મમાં હોય તે દિવસે તેમને કોઈ રોકી શકતું નથી. 16 વર્ષીય આ યુવા ખેલાડીને વિમેન્સ ક્રિકેટનાં સચીન તેંડુલકર માનવામાં આવે છે.
શેફાલી તેમના મોટા ભાગના રન બાઉન્ડરી શૉટથી જ લેતાં હોય છે તેવી તેમની પ્રતિષ્ઠા છે.
ટી-20 કારકિર્દીમાં 33 મૅચમાં તેઓ 12 સિક્સર ફટકારી ચૂક્યાં છે અને તેમનો સ્ટ્રાઇક રેટ 132.46નો છે.
આ ડાબોડી ખેલાડીની શૈલી જોતાં તેઓ ઑસ્ટ્રેલિયન વિકેટ પર વધુ આક્રમક બની શકે તેમ છે. ટી-20 ચેલેન્જરની ફાઇનલમાં શેફાલીએ 48 બૉલમાં 89 રન ફટકાર્યા હતા.

હરમનપ્રિત પાસેથી ભારતને મોટી આશા

ઇમેજ સ્રોત, Getty Images
વન ડેમાં તો હરમનપ્રિતનો સર્વોચ્ચ સ્કોર 172 રનનો છે અને વન ડે વર્લ્ડ કપમાં તેમની આ ઇનિંગ્સને કપિલ દેવ સાથે સરખાવવામાં આવી હતી.
હરમનપ્રિત કૌર 100થી વધુ મૅચનો અનુભવ ધરાવે છે તો સાથેસાથે તેઓ 2100 કરતાં વધુ રન ફટકારી ચૂક્યાં છે.
હરમન કામચલાઉ બૉલિંગ પણ કરી લે છે અને ટી-20 કારકિર્દીમાં 29 વિકેટ ઝડપી ચૂક્યાં છે.
ભારતને તેમની પાસેથી ઘણી આશા છે. હરમને એક સુકાની તરીકે પણ સારી એવી ખ્યાતિ પ્રાપ્ત કરી લીધી છે.
હરમનનું ફૉર્મ મંધાના અને શેફાલીની સરખામણીએ એવું જોરદાર નથી, પરંતુ તેમનો ક્લાસ અકબંધ રહ્યો છે જે ભારતને લાભ કરાવી શકે છે.
દીપ્તિ શર્મા ભારતનાં સૌથી અનુભવી ઑલરાઉન્ડર છે. તેઓ 43 મૅચમાં 49 વિકેટ ખેરવી ચૂક્યાં છે.
વન ડેમાં તો તેમણે આથી વધુ તરખાટ મચાવેલો છે. સુરત ખાતેની સિરીઝમાં તેમણે પહેલી જ મૅચમાં સાઉથ આફ્રિકા સામે માત્ર આઠ રન આપીને ત્રણ વિકેટ લીધી હતી.
ભારતને પ્રારંભે જ સફળતા અપાવ્યા બાદ સિરીઝ વિજયમાં પણ તેમનું યોગદાન રહ્યું હતું.
2014 પછી પૂજા ભારતનાં મહત્ત્વનાં ખેલાડી બની ગયાં છે.
એક તરફ ઝુલન ગોસ્વામી નિવૃત્તિની નજીક પહોંચી ગયાં હતાં ત્યારે તેમને સ્થાને ભારતને એવા પ્રતિભાશાળી ખેલાડીની જરૂર હતી જે સ્પિનર બૉલિંગ આક્રમણ સંભાળે તે પહેલાં પરિસ્થિતિને ટીમની તરફેણમાં કરી શકે અને આ જવાબદારી પૂજા વસ્ત્રાકરે સારી રીતે સંભાળી લીધી છે.
પૂજા 45 મૅચમાં 29 વિકેટ ઝડપી ચૂક્યાં છે.
રાધા યાદવની સ્પિન બૉલિંગ ભારતની પરંપરા અને મૂળ તાકાત પણ રહી છે. રાધા યાદવ આવાં જ એક સ્પિનર છે જે ગમે ત્યારે મૅચનું પાસું પલટી શકે છે.
તાજેતરમાં ત્રિકોણીય સિરીઝમાં પણ રાધા યાદવે તેમની કમાલ કરી દેખાડી હતી. રાધા માત્ર બે જ વર્ષનો અનુભવ ધરાવે છે, પરંતુ આ બે વર્ષના ગાળામાં તેઓ ભારતની મોટા ભાગની મૅચો રચ્યાં છે.
તેઓ અત્યાર સુધીમાં 32 મૅચમાં 43 વિકેટ ઝડપી ચૂક્યાં છે.
આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
YouTube કન્ટેન્ટ પૂર્ણ, 2
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો













