TOP NEWS : ડોનાલ્ડ ટ્રમ્પની 3 કલાકની અમદાવાદ યાત્રા પર 100 કરોડ રૂપિયાનો ખર્ચ

ઇમેજ સ્રોત, NurPhoto
અમેરિકાના રાષ્ટ્રપતિ 24 ફેબ્રુઆરીના રોજ અમદાવાદની મુલાકાતે આવવાના છે અને તેને લઈને ગુજરાત સરકારે જોરશોરથી તૈયારીઓ શરૂ કરી છે.
જનસત્તામાં પ્રકાશિત એક અહેવાલ પ્રમાણે ડોનાલ્ડ ટ્રમ્પની મેજબાની માટે સરકાર 100 કરોડ કરતાં વધારે રૂપિયા ખર્ચ કરશે.
માત્ર 3 કલાકની યાત્રા પર 100 કરોડ રૂપિયા કરતાં વધારે ખર્ચ કરવાની વાત મામલે ખૂબ ચર્ચા થઈ રહી છે.
ટ્રમ્પની મેજબાનીમાં સામેલ અધિકારીઓ દ્વારા પ્રાપ્ત માહિતી પ્રમાણે ગુજરાતના મુખ્ય મંત્રી વિજય રૂપાણીએ કહ્યું છે કે રાષ્ટ્રપતિ ટ્રમ્પના સત્કારમાં બજેટ બાધા ન બનવું જોઈએ.
રસ્તા રિપેર કરવાથી માંડીને શહેરનું સુશોભન કરી રહેલું AMC અને AUDA સંયુક્ત રૂપે આશરે 100 કરોડ રૂપિયા ખર્ચશે.
માહિતી પ્રમાણે 17 જગ્યાએ રસ્તા રિપેર કરવા માટે 60 કરોડ રૂપિયાનું બજેટ ફાળવવામાં આવ્યું છે.

અરવિંદ કેજરીવાલ આજે લેશે CM પદના શપથ

ઇમેજ સ્રોત, Getty Images
અરવિંદ કેજરીવાલ ત્રીજી વખત દિલ્હીના મુખ્ય મંત્રી તરીકે આજે શપથ લેવાના છે. અરવિંદ કેજરીવાલની સાથે જ તેમના કૅબિનેટ મંત્રીઓ પણ આજે જ શપથગ્રહણ કરશે.
અરવિંદ કેજરીવાલના શપથગ્રહણ સમારોહ માટે વડા પ્રધાન નરેન્દ્ર મોદીને પણ નિમંત્રણ આપવામાં આવ્યું છે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
વડા પ્રધાન સિવાય ભાજપ તેમજ કૉંગ્રેસના પ્રદેશ અધ્યક્ષોને પણ આ સમારોહમાં હાજરી આપવા નિમંત્રણ પાઠવવામાં આવ્યું છે.
જોકે, હજુ એ સ્પષ્ટ થઈ શક્યું નથી કે કેજરીવાલના શપથગ્રહણ સમારોહમાં વડા પ્રધાન નરેન્દ્ર મોદી આવશે કે નહીં.
ઇન્ડિયન એક્સપ્રેસમાં પ્રકાશિત અહેવાલ પ્રમાણે આ શપથ સમારોહ દરમિયાન દિલ્હીના વિકાસમાં ફાળો આપનાર અલગ અલગ વ્યવસાય સાથે સંકળાયેલા 50 મહેમાન હાજર રહેશે.
આ ખાસ મહેમાનોની યાદીમાં વેપારીઓ, શિક્ષકો, આચાર્યો, મજૂર, વકીલ, ઍન્જિનિયર, ડૉક્ટર, ખેલાડી, બસ ટ્રાઇવર- કંડક્ટર, રિક્ષા-ચાલક, મેટ્રો પાઇલટ, ખેડૂત અને આશા વર્કર્સનો સમાવેશ થાય છે. આ યાદીમાં આવતા લોકોને 'દિલ્હીના નિર્માતા' નામ આપવામાં આવ્યું છે.
શનિવારે નાયબ મુખ્ય મંત્રી મનીષ સિસોદીયાએ કહ્યું હતું, "આ દિલ્હીવાસીઓની મોટી જીત છે, જેમણે કેજરીવાલ સરકારને સુશાસનનું મૉડલ બનાવી છે અને વિકાસમાં ફાળો આપ્યો છે."
"આ એ લોકોની જીત છે જેઓ દિલ્હીને એક વર્લ્ડ-ક્લાસ શહેર બનાવવા માગે છે અને તેની માટે સતત કામ કરે છે. 50 'દિલ્હી કે નિર્માતા' મુખ્ય મંત્રીની સાથે સ્ટેજ પર બેસશે. "

શાહીનબાગના પ્રદર્શનકારીઓ અમિત શાહને મળશે?

ઇમેજ સ્રોત, Getty Images
નાગરિકતા સંશોધન કાયદાનો 15 ડિસેમ્બરથી દિલ્હીના શાહીનબાગમાં વિરોધ થઈ રહ્યો છે. લોકો રસ્તા પર બેસીને ધરણાં કરી રહ્યા છે.
હવે આશરે 2 મહિનાથી પ્રદર્શન કરી રહેલા લોકોના એક વર્ગનું કહેવું છે કે તેઓ આજે ગૃહમંત્રી અમિત શાહને મળવા જશે.
પ્રદર્શન કરી રહેલા કેટલાક લોકોએ શનિવારે એક પ્રેસ કૉન્ફરન્સ કરી અમિત શાહના એક નિવેદનનો હવાલો આપતા કહ્યું કે 'ગૃહમંત્રીએ તેમને વાતચીત કરવા માટે બોલાવ્યા છે અને તેઓ તેમને મળવા જશે.'

ઇમેજ સ્રોત, ANI
જોકે, શાહીનબાગમાં જ પ્રદર્શન કરી રહેલા એક વ્યક્તિએ કહ્યું છે કે એક વર્ગ છે જેનું કહેવું છે કે તેઓ અમિત શાહને મળવા નહીં જાય.
બીબીસી સાથે વાતચીત દરમિયાન આ વ્યક્તિએ નામ ન જણાવવાની શરતે કહ્યું, "અમારી શરૂઆતથી માગ રહી છે કે અમિત શાહ અને નરેન્દ્ર મોદી અહીં આવે. અહીં જે કંઈ વાતચીત થાય તેને લાઇવ પ્રસારિત કરવામાં આવે."
મહત્ત્વનું છે કે શાહીનબાગમાં પ્રદર્શન કરી રહેલા લોકોની માગ છે કે CAAને સરકાર પરત ખેંચે.
જોકે, પ્રદર્શનને બે મહિના જેટલો સમય થઈ ગયો છે છતાં સરકારના કોઈ પ્રતિનિધિ તેમને મળવા પહોંચ્યા નથી.

અસંમતિને 'રાષ્ટ્ર-વિરોધી' ગણાવવી એ લોકતંત્ર પર હુમલો

ઇમેજ સ્રોત, Getty Images
અસંમતિને લોકતંત્રનું સુરક્ષા કવચ ગણાવતા સુપ્રીમ કોર્ટના જજ જસ્ટિસ ડી. વાઈ. ચંદ્રચૂડે કહ્યું છે કે અસંમતિ પર લેબલ લગાવીને તેને 'રાષ્ટ્ર-વિરોધી' કે પછી 'લોકતંત્ર-વિરોધી' ગણાવવી એ ઇરાદાપૂર્વક લોકતંત્ર પર કરાયેલો હુમલો છે.
સમાચાર એજન્સી પીટીઆઈના પ્રમાણે, ગુજરાતમાં ભાષણ આપતા સમયે જસ્ટિસ ચંદ્રચૂડે કહ્યું કે રાજ્યની મશીનરીનો ઉપયોગ કરી અસંમતિઓ પર અંકુશ લગાવવાથી ડરની ભાવના ઉત્પન્ન થાય છે, જે કાયદાના શાસનનું ઉલ્લંઘન છે.
જસ્ટિસ ચંદ્રચૂડે કહ્યું કે અસંમતિનું સંરક્ષણ કરવું એ યાદ અપાવે છે કે લોકતાંત્રિક રૂપે એક નિર્વાચિત સરકાર આપણને વિકાસ તેમજ સામાજિક સમન્વય માટે એક ન્યાયોચિત હથિયાર આપે છે.
જસ્ટિસ ચંદ્રચૂડનું આ નિવેદન એવા સમયે આવ્યું છે જ્યારે નાગરિકતા સંશોધન કાયદા અને એનઆરસીના કારણે દેશના ઘણા વિસ્તારોમાં વ્યાપક પ્રમાણમાં પ્રદર્શન થઈ રહ્યાં છે.
તેમણે કહ્યું કે સવાલ કરવા પર રોક લગાવવી અને અસંમતિને દબાવી દેવી દરેક પ્રકારની પ્રગતિ-રાજકીય, આર્થિક, સાંસ્કૃતિક અને સામાજિક માળખાને નષ્ટ કરી દે છે. આ રીતે અસંમતિ લોકતંત્રનું એક 'સેફ્ટી વૉલ્વ' છે.
આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
YouTube કન્ટેન્ટ પૂર્ણ
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો













