દિલ્હી સર કર્યા બાદ કેજરીવાલ અને આમ આદમી પાર્ટીની નજર હવે રાષ્ટ્રીય રાજકારણ પર?

ઇમેજ સ્રોત, EPA
- લેેખક, નીતિન શ્રીવાસ્તવ
- પદ, બીબીસી સંવાદદાતા
દિલ્હીમાં ત્રીજી વાર વિજય મળ્યા પછી એવો સવાલ થવાનો કે શું અરવિંદ કેજરીવાલનો આમ આદમી પક્ષ (આપ) ભારતનાં બીજાં રાજ્યોમાં પોતાનું નસીબ અજમાવશે ખરો.
નવેમ્બર 2016માં દિલ્હીના મુખ્ય મંત્રી બન્યા પછી અરવિંદ કેજરીવાલે બીબીસી હિન્દીને જણાવ્યું હતું કે "2014ના લોકસભાનાં પરિણામો કરતાંય ઘણા સારો દેખાવ અમે આગળ જતા કરીશું."
"આમ આદમી પાર્ટી દક્ષિણ અને ઈશાન ભારતમાં અસરકારક બનશે, કેમ કે લોકોને ઈમાનદારી પસંદ છે."
લોકસભાની 2014ની ચૂંટણીમાં આપને પંજાબમાં ચાર બેઠક મળી હતી, જ્યારે દિલ્હીની સાતેય બેઠક પર તેણે બીજા સ્થાને રહેવાનો સંતોષ માનવો પડ્યો હતો.
તે વખતે અરવિંદ કેજરીવાલ વારાણસીમાં ભાજપના પીએમ દાવેદાર નરેન્દ્ર મોદી સામે ટક્કર લેવા માટે પહોંચી ગયા હતા.
જોકે મોદીએ તેમને ત્રણ લાખ મતોથી હરાવી દીધી હતા. ભાજપના એ ગઢમાં કેજરીવાલને લગભગ બે લાખ મતો મળ્યા હતા.
તે પછી કેજરીવાલની પાર્ટીએ દિલ્હીમાં ભાજપ અને કૉંગ્રેસ બંનેનો સફાયો કરી નાખ્યો.
વિધાનસભાની 70 બેઠકમાંથી 67 બેઠક જીતીને રેકર્ડ બનાવ્યો હતો.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
જોકે તે પછી તરત જ આપમાં આંતરિક વિખવાદો શરૂ થયા હતા. યોગેન્દ્ર યાદવ અને પ્રશાંત ભૂષણ જેવા લોકોને પક્ષમાંથી હટાવી દેવામાં આવ્યા અને 2017માં પંજાબની વિધાનસભા ચૂંટણીમાં પણ આપને કારમી હાર મળી હતી.

રાષ્ટ્રીયસ્તરે કોશિશ કરી, પણ નિરાશાજનક પરિણામો આવ્યાં

ઇમેજ સ્રોત, Getty Images
વરિષ્ઠ પત્રકાર પ્રદીપ સિંહ પંજાબની તે હાર અને આપની રાષ્ટ્રીય મહત્ત્વાકાંક્ષા વચ્ચેના એક સુક્ષ્મ તફાવત તરફ ધ્યાન દોરે છે.
તેઓ કહે છે, "પંજાબમાં કેજરીવાલની હારનું મુખ્ય કારણ એ હતું કે તેમણે ત્યાં એવી સ્પષ્ટતા નહોતી કરી કે જીત મળશે તો તેઓ દિલ્હી છોડીને પંજાબમાં આવી જશે. તેમણે મતદારોને એવી ખાતરી આપી હોત તો કદાચ તેઓ હાર્યા ના હોત."
મજાની વાત એ છે કે તે વખતે કૉંગ્રેસના નેતા અમરિન્દર સિંહને એ જ પ્રશાંત કિશોર સલાહ આપી રહ્યા હતા, જે હાલની (2020ની) ચૂંટણીમાં કેજરીવાલના સલાહકાર તરીકે કામ કરી રહ્યા હતા.
જોકે તે હાર પછી કેજરીવાલે લોકસભાની 2019ની ચૂંટણીઓમાં રાષ્ટ્રીયસ્તરે આગળ વધવાની કોશિશ કરી, પણ તેમાંય નિરાશાજનક પરિણામો આવ્યાં.
આપે 9 રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોની 40 બેઠકો પણ ચૂંટણી લડી હતી અને તેમાં પંજાબની એક માત્ર સંગરુર બેઠક પર જ તેમના ઉમેદવારને જીત મળી હતી.
દિલ્હીની બધી લોકસભા બેઠકો હારવા ઉપરાંત મોટા ભાગની બેઠકો પર પક્ષના ઉમેદવારો ત્રીજા સ્થાને જતા રહ્યા હતા.
તે પછી અરવિંદ કેજરીવાલે પોતાની રાજકીય શૈલી બદલવા માટે જોરદાર પ્રયાસો કર્યા.


ઇમેજ સ્રોત, Getty Images
રાજકીય વિશ્લેષક પૂર્ણિમા જોશી કહે છે, "કેજરીવાલ પાસે કરિશ્મા છે, પણ સંગઠન અને પૂરતા સ્રોતોનો અભાવ છે. બે વાર રાષ્ટ્રીયસ્તરે હાર મળી ચૂકી છે."
"જોકે કેજરીવાલ મહત્ત્વાકાંક્ષી છે અને દિલ્હી મૉડલ આગળ કરીને તેને રાષ્ટ્રીયસ્તરે રજૂ કરશે. જોકે ક્યારે તેવું થશે તે કહી શકાય નહીં." કેજરીવાલ અને આપને સમજાઈ ગયું હતું કે ભાજપ કે નરેન્દ્ર મોદી પર દરેક બાબતમાં પ્રહારો કર્યા કરવાથી કશો ફાયદો થવાનો નથી. સવારસાંજ તેમની ટીકા કરવી ફાયદાકારક નથી.
આસામમાં એનઆરસી અને નાગરિકતા કાયદામાં સુધારાના વિરોધમાં કેજરીવાલ અને આપે 'સમયાંતરે સંયમ સાથે' જ પ્રતિક્રિયા આપી હતી.
દિલ્હીના શાહીનબાગમાં નાગરિકતા કાયદામાં સુધારાના વિરોધમાં ધરણાં પર બેઠેલાં મહિલાઓ અને બાળકો વિશે આપે લાંબો સમય ચુપકીદી રાખી હતી.
જોકે તે વાતમાં કોઈ શંકા નથી કે બીજા પક્ષોની જેમ આમ આદમી પક્ષ પણ રાષ્ટ્રીયસ્તરે પગપેસારો કરવા માટે કોશિશ કરશે.
છેલ્લા બે દાયકામાં બહુજન સમાજ પક્ષ તેનું મોટું ઉદાહરણ છે.
પૂર્ણિમા જોશીના જણાવ્યા અનુસાર, "પ્રાદેશિક પક્ષોનો વિસ્તાર કરવો સહેલો હોતો નથી. માયાવતીના પક્ષને એક જમાનામાં બીજા રાજ્યોમાં મતો મળતા હતા, પણ ક્યારેય બીજે ક્યાંય તેની સરકાર બની નથી. આજે બીએસપી માટે પોતાના રાજ્ય યુપીમાં જ અસ્તિત્વ બચાવવાનો સવાલ આવીને ઊભો રહ્યો છે."
પ્રદીપ સિંહ પણ કેજરીવાલ અને માયાવતીના પક્ષોની સરખામણી કરે છે.


ઇમેજ સ્રોત, Getty Images
તેઓ કહે છે, "પક્ષમાં મારા સિવાય કોઈ મોટો નેતા ના હોવો જોઈએ તે બાબતમાં કેજરીવાલનું વલણ માયાવતીને મળતું આવે છે. તેના કારણે જ બીજા રાજ્યોમાં તેનો વિકાસ થવો મુશ્કેલ બનશે."
"આપ નવી નેતાગીરી તૈયાર કરે તો એવુંય બને કે બીજા રાજ્યનો કોઈ નેતા તેમનાથીય વધારે લોકપ્રિય બની જાય. કેજરીવાલ તેવું જોખમ લેશે નહીં."
જોકે કેટલાક જાણકારો કહે છે કે કેજરીવાલે જોરદાર શરૂઆત કરી, પણ વચ્ચે વચ્ચે તેને ફટકા પણ પડ્યા.
તેમાંથી સારાનરસા અનુભવોની શીખ મળી હશે તેનાના આધારે ફરી એક વાર રાષ્ટ્રીયસ્તરે આગળ વધવાની કોશિશ કરી શકે છે.
દેખીતી રીતે જ આપનું રાજકીય મૉડલ દિલ્હીવાસીઓના દિલદિમાગમાં છવાઈ ગયું છે અને તેના કારણે જ ઉપરાઉપરી બે વાર જીત મળી છે.
બિઝનેસ સ્ટાન્ડર્ડના રાજકીય બાબતોના તંત્રી અદિતિ ફડનીસનું માનવું છે કે, "બીજી વાર આપને જીત મળી તે ઐતિહાસિક જ છે, પરંતુ આગળ વધવા માટે હજી ઘણી બધી મહેતન કરવી પડશે."
તેમણે કહ્યું કે, "ભારતના રાજકારણમાં હાલમાં એક મજબૂત અને સંગઠિત વિરોધ પક્ષની જગ્યા ખાલી છે. તે જગ્યા ભરવા માટે જે પ્રકારની તૈયારીઓ કરવી પડે તે મુશ્કેલ છે અને તે એક લાંબી પ્રક્રિયા છે."

ઇમેજ સ્રોત, @ARVINDKEJRIWAL
છેલ્લે થયેલી વિધાનસભાની કેટલીક ચૂંટણીઓમાં મોદી-શાહના નેતૃત્વમાં ભાજપને હાર મળી છે.
મધ્ય પ્રદેશ, રાજસ્થાન, છત્તીસગઢ, ઝારખંડ અને મહારાષ્ટ્ર તેનાં ઉદાહરણ છે.
જોકે કેન્દ્રમાં સત્તા હોવા છતાંય 2015 અને ફરી 2020માં ભાજપને સૌથી આકરી હાર આપની સામે ખમવી પડી છે.
આપ રાષ્ટ્રીયસ્તરે આગળ વધવા કોઈ પણ પ્રયાસો કરશે તેના પર ભાજપની ઝીણી નજર રહેશે.
વરિષ્ઠ પત્રકાર જતીન ગાંધી આ બાબતમાં એક અગત્યના મુદ્દા તરફ ધ્યાન ખેંચે છે.
તેઓ કહે છે, ''બીજા વિરોધ પક્ષોની દૃષ્ટિએ જુઓ તો આપ દિલ્હીમાં જીતે અને ત્યાં જ સીમિત રહે તે જ સાનુકૂળ થાય તેવું છે.''
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો













