વૅલેન્ટાઇન ડે : સુરતમાં શાળાને મોકલાયેલા પરિપત્રથી વિવાદ કેમ થયો?

ઇમેજ સ્રોત, Getty Images
વૅલેન્ટાઇન ડે એટલે કે 14 ફેબ્રુઆરીને માતૃ-પિતૃદિવસ તરીકે ઊજવવા માટે સુરતમાં 1500 જેટલી શાળાઓને પરિપત્ર પાઠવવામાં આવ્યો છે.
આ પરિપત્ર બાદ કેટલીક શાળાઓમાં વિદ્યાર્થીઓએ વૅલેન્ટાઇન ડેને માતૃ-પિતૃદિવસ તરીકે ઊજવવાની તૈયારી શરૂ કરી છે. તો કેટલાક લોકોએ આ પ્રકારના સૂચનનો વિરોધ કર્યો છે.
બીબીસીએ પરિપત્ર વિશે સુરતના શિક્ષણ-અધિકારીનો સંપર્ક કર્યો પરંતુ તેમણે આ બાબતે કોઈ જવાબ આપ્યો નથી.
સુરત જિલ્લા શિક્ષણ-અધિકારીના પરિપત્રમાં શાળાઓને વાલી દંપતીઓને આમંત્રણ આપવા પણ સૂચન કરવામાં આવ્યું છે.
એ સિવાય શાળાઓમાં માતાપિતાનું પૂજન જેવા કાર્યક્રમો યોજવા માટે સૂચના આપવામાં આવી છે.
સંતાનો પોતાનાં માતાપિતાનું ભારતીય સંસ્કૃતિ મુજબ પૂજન કરે તે પ્રકારનાં સૂચનો કરાયાં છે.
આ ઉપરાંત પૂજનવિધિ માટે પણ કેટલાંક સૂચનો કરાયાં છે. જેમાં ચંદનતિલક, ફૂલહાર, પ્રદક્ષિણા અને મોઢું મીઠું કરાવવા જેવાં સૂચનો સામેલ છે.
શાળામાં શિક્ષણસમિતિ, પાલિકા, કૉર્પોરેટર અને શિક્ષણવિદ્દોને આમંત્રિત કરવાની પણ સૂચના આ પરિપત્રમાં આપવામાં આવી છે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
શિક્ષણ-અધિકારીની સૂચનામાં એમ પણ કહેવામાં આવ્યું છે કે બાળકોએ વાલી સમક્ષ સંસ્કૃતિ, માતાપિતાના મહત્ત્વ અંગે વક્તવ્ય પણ આપવું.
આ પરિપત્રમાં બદલાતા સમયની સાથે ભારતીય સંસ્કૃતિ જાળવી રાખવાનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે.

'માતાપિતાનું સન્માન 365 દિવસ કરવું જોઈએ'

ઇમેજ સ્રોત, Getty Images
માતાપિતાના સન્માનની વાતથી તો બધા જ સહમત થાય પરંતુ કેટલાક લોકોનો પ્રશ્ન છે કે માતાપિતાના સન્માન માટે માત્ર એક જ દિવસ?
સુરતની જ્ઞાનવિકાસ હિન્દી વિદ્યાલયના અંગ્રેજી માધ્યમનાં મૅનેજિંગ ડિરેક્ટર યામિની ઉપાધ્યાયે માતૃ-પિતૃદિવસ ઊજવવાના વિચારને આવકાર્યો હતો.
તેઓ તેમની સ્કૂલમાં માતૃ-પિતૃદિવસ ઊજવવા માટે તૈયાર છે.
તેમનું કહેવું છે, "આ પ્રકારની પહેલને લઈને ખુશી થાય છે. શિક્ષણવિભાગ તરફથી આ સૂચન આવ્યું એટલે વિશેષ વાત છે."
તેઓ કહે છે, "માત્ર 14 ફેબ્રુઆરી જ નહીં દર મહિનાની 14 તારીખે આ પ્રકારના કાર્યક્રમો કરવા જોઈએ જેથી બાળકોને શીખવી શકીએ કે જે રીતે ઈશ્વરનું સન્માન કરીએ છીએ એ જ રીતે માતાપિતાનો આદર કરવો જોઈએ."
તેમનું માનવું છે, "કહેવાય છે કે ત્વમેવ માતા ચ પિતા ત્વમેવ, જો ભગવાનને માતાપિતાની રૂપમાં જોવાની વાત હોય તો માતાપિતાને એક જ દિવસ આદર આપીએ એના કરતાં આપણે તેમને 365 દિવસ, અઠવાડિયાના સાતેય દિવસ સન્માન આપીએ એ વધારે સારું કહેવાય."

ભારતીય સંસ્કૃતિને બચાવવાનો પ્રયત્ન

ઇમેજ સ્રોત, Getty Images
વૅલેન્ટાઇન ડેનો વિરોધ લગભગ દર વર્ષે જોવા મળે છે. મીડિયા અહેવાલોમાં અનેક વખત હિંદુ સેના અને અન્ય કેટલાંક સંગઠનો વૅલેન્ટાઇન ડે ઊજવવાનો વિરોધ કરતાં હોય તેવા સમાચાર લગભગ કેટલાંક વર્ષોથી જોવા મળે છે.
પ્રેમી યુગલોને જાહેર સ્થળોએ પરેશાન કરવાં, વૅલેન્ટાઇન ડેનાં કાર્ડ સળગાવવાં, ચેતવણી જાહેર કરવી અને આવું ઘણું વૅલેન્ટાઇન ડેના દિવસે ઘટતું હોય છે.
તેની પાછળ જે કારણ બતાવવામાં આવતું હોય છે તેમાં ભારતીય સંસ્કૃતિ પર પાશ્ચાત્ય સંસ્કૃતિનો વધતો પ્રભાવ જવાબદાર છે.
સુરતમાં ભારતીય ગૌરક્ષા મંચના અધ્યક્ષ ધર્મેશ જાની કહે છે, "વૅલેન્ટાઇન ડેની ઉજવણી છે, એ પશ્ચિમી સંસ્કૃતિનું અનુકરણ થઈ રહ્યું છે. એ ઉજવણીના બદલે ભારતીય સંસ્કૃતિ પ્રમાણે માતૃ-પિતૃદિવસ ઊજવવાની સૂચના આપવામાં આવી, એ સારી જ વાત છે."
તેઓ કહે છે, "દેશમાં પ્રસરેલી પશ્ચિમ સંસ્કૃતિને નાબૂદ કરવું કે તેનો પ્રભાવ ઘટાડવો કોઈના હાથમાં નથી, એવામાં આવા સૂચનોનું સ્કૂલના બાળકો અનુકરણ કરે તો ફેર પડી શકે."
જોકે તેઓ કહે છે, "એક પ્રકારની વિચારધારાને આગળ ધપાવવી અને બળપૂર્વક તેને થોપવાના પ્રયત્નમાં અધિકારીઓ પણ ભાગ ભજવતા હોય, તો તે બરાબર નથી."
"માતાપિતાનું સન્માન તો આપણી સંસ્કૃતિનો ભાગ છે જ પરંતુ આ પ્રકારના પરિપત્ર બહાર પાડવામાં કંઈ ખોટું નથી."

'જરૂરી કામ પર ધ્યાન આપે સરકાર'

કેટલાક લોકો માતૃ-પિતૃદિવસ ઊજવવાના ફરમાનનો વિરોધ કરી રહ્યા છે.
સુરતના સ્થાનિક અનુપ રાજપૂત કહે છે, "સરકારે સમજવાની જરૂર છે કે દરેક વ્યક્તિ માટે તેમનાં માતાપિતા સન્માનનીય જ હોય છે એટલે માતૃ-પિતૃદિવસ ઊજવવાની જરૂર નથી હોતી."
"સરકારને જે કામ કરવાની જરૂર છે એ કરવાનો સમય નથી જેમ કે વિદ્યાર્થીઓ માટે સારી યોજના લાવવી, ભણતર સારું કરવું."
"'ભણશે ગુજરાત તો વધશે ગુજરાત' જેવા તાયફાઓમાં પૈસા વાપરવાની જગ્યાએ સરકારે વિદ્યાર્થીઓને સાચો લાભ પહોંચે એવાં કામ કરવાની જરૂર છે."
આ પરિપત્રનાં સૂચનોને તેઓ એક બોજ સ્વરૂપે જુએ છે, "તેમનું માનવું છે કે માતૃ-પિતૃદિવસની ઉજવણીનો બોજ વિદ્યાર્થી પર અને મારી પર પણ પડશે."
"અમારાં માતા-પિતા પહેલાંથી જ સન્માનનીય છે અને અમે અમારાં બાળકોને પણ આવા જ સંસ્કાર આપીએ છીએ."
તેઓ કહે કે ભાજપ સરકારે લોકોને આવી શીખામણ આપવાની જરૂર નથી.
ત્યારે સુરતના સ્થાનિક રહેવાસી ગૌરાંગ પટેલનો પ્રશ્ન છે, "માતા-પિતા માટેના પ્રેમને ઊજવવાનો એક જ દિવસ? માત્ર એક દિવસ ઊજવીને માત્ર તાયફા કરવા જેવી વાત છે."
તેઓ હે છે, "વૅલેન્ટાઇન ડેની જગ્યાએ એક દિવસ માટે માતૃ-પિતૃદિવસ ઊજવવાનો દેખાડો કરવાની કોઈ જરૂર નથી."
"આવા પરિપત્ર સરકાર વારંવાર બહાર પાડે એના કરતાં ઍડહૉક શિક્ષકોના પ્રશ્નો અને શિક્ષકોના આંદોલન પર ધ્યાન આપે."
"સરકાર આવા પરિપત્ર બહાર પાડવાની જગ્યાએ શિક્ષણનું સ્તર ઊંચું લાવવામાં મદદરૂપ થાય એવા પરિપત્ર બહાર પાડે તો લોકોને વધારે ગમશે."
આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
YouTube કન્ટેન્ટ પૂર્ણ
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો













