You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
800 રૂપિયા માટે મજૂરી કરતા ખેતમજૂરને જ્યારે 12 કરોડની લૉટરી લાગી
- લેેખક, ઇમરાન કુરેશી
- પદ, બેંગલુરુથી, બીબીસી ગુજરાતી માટે
તેઓ ગભરાયેલા અવાજે બોલ્યા, "મને હજુ સુધી એક પણ પૈસો મળ્યો નથી. બૅન્કે મને કહ્યું નથી કે પૈસા ક્યારે આવશે."
આ શબ્દ તમે કોઈ પણ એવી વ્યક્તિના મોઢેથી સાંભળી શકો છો, જેને ખાતામાં પૈસા આવવાનો ઇંતેજાર હોય.
પરંતુ આ કોઈ નાની-મોટી રકમની વાત નથી, આ વાત થઈ રહી છે પૂરા સાત કરોડ વીસ લાખ રૂપિયાની.
કેરળના કુન્નુર જિલ્લામાં રહેતા 58 વર્ષીય પેરુન્નન રાજનને આટલા જ પૈસા પોતાના ખાતામાં આવવાનો ઇંતેજાર છે.
ખેતરમાં મજૂરી કરનારા રાજને કેરળ સરકારની લૉટરીની સ્કીમની ટિકિટ ખરીદી હતી અને ક્રિસમસની લૉટરીમાં તેઓ 12 કરોડ રૂપિયા જીત્યા.
ટૅક્સ કાપતાં હવે તેમને 7.20 કરોડ રૂપિયા મળશે.
આટલી મોટી રકમ જીતીને રાજન એટલા ઉત્સાહિત છે કે તેઓ બૅન્કમાંથી લીધેલી લૉનને પણ સારી રીતે યાદ નથી કરી શકતા.
બીબીસી સાથેની વાતચીતમાં તેમણે કહ્યું, "એક બૅન્કના પાંચ લાખ બાકી છે. એક લૉન પણ છે. મેં અત્યાર સુધી કોઈ લૉન ચૂકવી નથી. પણ હવે હું સૌથી પહેલાં લૉન ચૂકવીશ."
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
સૌથી પહેલાં લૉન ચૂકવીશ
જ્યારે અમે રાજનને પૂછ્યું કે આ રૂપિયાનું તેઓ શું કરશે, તો તેમણે કહ્યું, "મેં હજુ સુધી કંઈ વિચાર્યું નથી. સૌથી પહેલાં તો હું લૉન ચૂકવવા માગું છું. બાદમાં વિચારીશ કે આ પૈસાનું શું કરવું છે."
રાજન માલૂરના થોલાંબરા વિસ્તારમાં ખેતમજૂરી કરે છે, આ એક આદિવાસી વિસ્તાર છે.
લૉટરી લાગ્યા બાદની ક્ષણો પર રાજન કહે છે, "જ્યારે અમને ખબર પડી કે મારે લૉટરી લાગી છે તો અમે બધા બહુ ખુશ થયા. સૌથી પહેલાં તો એ વાતની ખાતરી કરવા બૅન્કમાં ગયા કે શું ખરેખર મને લૉટરી લાગી છે?"
રાજનની સાથે તેમનાં પત્ની રજની, પુત્રી અક્ષરા અને પુત્ર રિજિલ પણ બૅન્કમાં ગયાં હતાં.
રાજનનું સ્થાનિક કો-ઑપરેટિવ બૅન્કમાં ખાતું છે. તેમણે લૉટરીની ટિકિટ એ બૅન્કમાં જમા કરાવી હતી.
ત્યાંથી તેમને કુન્નુર જિલ્લાની કો-ઑપરેટિવ બ્રાન્ચમાં જવાનું કહેવાયું હતું. જ્યારે અમે રાજન સાથે વાત કરી ત્યારે તેઓ કુન્નુરની બ્રાન્ચમાં જઈ રહ્યા હતા.
દરરોજ પાંચ ટિકિટ ખરીદતા હતા
થોલાંબરા સર્વિસ કો-ઑપરેટિવ સોસાયટી બૅન્કના સેક્રેટરી દામોદરન કે. જણાવે છે, "જ્યારે તેઓ અમારી પાસે આવ્યા ત્યારે તેઓ સાવ ચોંકેલા તો નહોતા, પરંતુ ગભરાયેલા લાગતા હતા. અમે તેમને સારી રીતે જાણીએ છીએ."
"તેઓ નિયમિત અહીં આવે છે. તેમણે 50,000 રૂપિયાની કૃષિલૉન અને 25,000 રૂપિયાની એક અન્ય લૉન લીધેલી છે. તેઓ વ્યાજના પૈસા ચૂકવવા હંમેશાં અહીં આવે છે, પરંતુ મૂળ રકમ હજુ ચૂકવાની બાકી છે."
રાજન કહે છે કે તેઓ મોટી રકમ જીતવાની આશાએ દરરોજ પાંચ ટિકિટ ખરીદતા હતા. હવે લાગે છે કે તેમની તપસ્યા ફળી છે.
ત્રણ વાર 500 રૂપિયાની રકમ જીત્યા બાદ પણ રાજન ઘણાં વર્ષો સુધી પોતાની દહાડીનો એક ભાગ લૉટરીની ટિકિટમાં લગાવતા રહેતા. કેરળમાં ખેતમજૂરીના રોજના 800 રૂપિયા મળે છે.
રાજનનાં પત્ની રજની પડોશનાં ઘરોમાં કામ કરે છે. તેમણે પોતાનાં પુત્ર-પુત્રીઓને ગ્રૅજ્યુએશન સુધી ભણાવ્યાં છે.
તેમની મોટી પુત્રી લગ્ન કરીને અન્ય જગ્યાએ રહે છે. નાની પુત્રી અક્ષરા હાઈસ્કૂલમાં ભણે છે. પુત્ર રિજિલ રાજન સાથે ખેતરોમાં દહાડી કરે છે.
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો