You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
વિરાટ કોહલી અને મહેન્દ્રસિંહ ધોની અંગે કપિલ દેવ સાથે વાતચીત
- લેેખક, વિદિત મેહરા
- પદ, બીબીસી સંવાદદાતા
"વર્લ્ડ રેકર્ડ તોડવા માટે તમારે લાંબો સમય સુધી રમવું પડે છે અને જો વિરાટ આવનારાં પાંચ વર્ષ સુધી પીચ પર પોતાનો જલવો કાયમ રાખશે તો તે અનેક નવા વિશ્વ રેકર્ડ બનાવી દેશે."
આવું કંઈક કહી રહ્યા છે ભારત માટે 1983નો ક્રિકેટ વર્લ્ડ કપ જીતનાર ક્રિકેટર કપિલ દેવ.
કપિલ દેવને મળવા માટે બીબીસીની ટીમ હરિયાણાના માનેસરમાં રહેલા એક ગોલ્ફ ક્લબમાં પહોંચી હતી.
તેમને મેં અત્યાર સુધી માત્ર બૉલ ફેંકતા, બેટિંગ કરતાં અને ફિલ્ડિંગ કરતા જોયા છે, પરંતુ કપિલ દેવને પહેલી વખત ગોલ્ફ રમતા જોઈ મારા મનમાં તેમની એક નવી છબી કંડારાઈ ગઈ.
વિરાટ આ સદીના મહાન બૅટ્સમૅનમાંના એક
સવાલોનો સિલસિલો હાલના ભારતીય ક્રિકેટ ટીમના કૅપ્ટન વિરાટ કોહલીને લઈને શરૂ થયો.
ઝડપથી રન બનાવનાર અને આખી મૅચને પલટી નાખવાની ક્ષમતા રાખનાર બૅટ્સમૅન વિરાટ કોહલી શું આ સદીના મહાન બૅટ્સમૅનની યાદીમાં સૌથી ઉપર પહોંચી ગયા છે?
આ સવાલના જવાબમાં કપિલ દેવે કહ્યું, "તેમણે પોતાની કાબેલિયત દેખાડી દીધી છે પણ હજુ તેમણે ઘણું આગળ જવાનું છે."
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
"જે ગુણ એક બૅટ્સમૅનની પાસે હોવો જોઈએ, તે હવે તેમની પાસે છે. રમતને લઈને ઝનૂન, તેમની ફિટનેસ કમાલની રહી છે અને હું આશા કરું છું કે તે પોતાનું આ ફૉર્મ બરકરાર રાખશે."
"વર્લ્ડ રેકર્ડ તોડવા માટે તમારે લાંબા સમય સુધી રમવું પડે છે અને જો વિરાટ કોહલી આગામી પાંચ છ વર્ષ સુધી પીચ પર પોતાનો જલવો યથાવત્ રાખશે તો અનેક નવા વિશ્વ રેકર્ડ બનાવી દેશે."
ધોનીની ખોટ
ક્રિકેટપ્રેમીઓ વિરાટ કોહલીની સાથેસાથે ભારતના પૂર્વ કૅપ્ટન મહેન્દ્રસિંહ ધોનીને પણ પસંદ કરે છે.
ધોનીએ વર્ષ 2014માં ટેસ્ટ ક્રિકેટમાંથી સંન્યાસ લીધો હતો અને ગત વર્ષે બીસીસીઆઈએ તેમની સાથે કોઈ કરાર કર્યો નથી.
ધોનીની પીચ પરની ગેરહાજરી તેમના ફેન્સને ખટકે છે, પરંતુ ભારતીય ટીમમાં લાંબા સમય સુધી વિકેટકીપિંગ કરનારા ધોનીની ખોટ પૂરી કરી શકાશે?
આ સવાલના જવાબમાં કપિલ બોલ્યા, "જુઓ, પહેલાં અમે એ વિચારતા હતા કે ગાવસ્કર વિના ટીમનું શું થશે? તેંડુલકર વિના ટીમનું શું થશે? પરંતુ તમારે એ વાત યાદ રાખવી જોઈએ કે ટીમ એ વ્યક્તિથી ઘણી મોટી છે."
"તમને એ વ્યક્તિની ગેરહાજરી ચોક્કસ સાલશે, પરંતુ દેશ માટે જે કરવાનું હતુ, એ તેણે કરી દીધું. જો તમે આ વાતને લઈને ઉદાસ રહેશે તો ફરીથી આગળ નહીં વધી શકો."
ટીકાકારોને આકરો જવાબ
હાલની ભારતીય ટીમ વિશે કપિલ દેવે કહ્યું કે ટીમ સારા ફૉર્મમાં છે અને હાલ સુધીની સર્વોત્તમ ભારતીય ક્રિકેટ ટીમમાંની એક છે.
પરંતુ ટીમ ઇન્ડિયાના વિદેશપ્રવાસ પર ઊભા થઈ રહેલા સવાલોના જવાબમાં કપિલે ટીકાકારો પર બાઉન્સર ફેંક્યો.
કપિલ દેવે કહ્યું કે, "તમે તેમની પાસે એ આશા ન રાખી શકો કે તેઓ દરેક વખતે રન બનાવશે. ગત દસ વર્ષમાં ટીમ ઇન્ડિયા ઘણું સારું પ્રદર્શન કરી રહી છે, તેના માટે તેમને આદર આપવો જોઈએ. ટીકાકારોનું કામ છે ટીકા કરવાનું."
'મહિલા ખેલાડીકરી રહ્યાં છે કમાલ'
ભારતમાં 80 અને 90ના દાયકાની સરખામણીએ હવે લોકો મહિલા ખેલાડીઓના નામ વધુ જાણી રહ્યા છે, કારણ કે તે દેશનું નામ રોશન કરી રહી છે અને દર વર્ષે વિશ્વની મોટી સ્પર્ધામાં ઇનામ જીતી રહી છે.
ભારતમાં મહિલા ખેલાડીઓનાં ભવિષ્ય અને તેમને મળી રહેલી તકો વિશે શું કહી રહ્યા છે?
કપિલ દેવ કહે છે, "મહિલાઓનું ભવિષ્ય ઘણું ઉજ્જવળ છે. તે બૅડમિન્ટન હોય, ટેનિસ હોય, ઍથ્લેટિક્સ હોય- આ તમામમાં મહિલાઓએ પુરુષો કરતાં સારું પ્રદર્શન કર્યું છે અને આ આપણી જવાબદારી છે કે તેમને રમવાની તક આપીએ."
તેમણે કહ્યું કે જરૂરી એ છે કે બાળકોને રમવા માટે જગ્યા, સુવિધા અપાય, બાકીનું બધું કામ એમના પર છોડી દો.
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો