2020-21ના અંદાજપત્ર પાસેથી શું આશા-અપેક્ષાઓ રહેશે?

ઇમેજ સ્રોત, EPA
- લેેખક, ડૉ. જય નારાયણ વ્યાસ
- પદ, બીબીસી ગુજરાતી માટે
શનિવારે કેન્દ્રીય અંદાજપત્ર જાહેર થશે. આમ તો હવે બજેટનો ઝાઝું મહત્ત્વ રહ્યું નથી સિવાય કે સીધા અને આડકતરા કરવેરા. આમ છતાંય બજેટ આવે તેની આતુરતાથી રાહ જોવાતી હોય છે.
છેલ્લા આઠ ત્રિમાસિક ગાળામાં સતત ઘટતો જતો જીડીપી વૃદ્ધિદર, બજારમાં પ્રવર્તી રહેલી માગની મંદી, બેરોજગારીનો છેલ્લાં 45 વરસમાં 7.5 ટકા જેટલો ઊંચામાં ઊંચો દર, એમાં શહેરી બેરોજગારી 9 ટકા અને ગ્રામ્ય બેરોજગારી 6.3 ટકા, મોંઘવારીનો દર છેલ્લાં 15 વરસમાં 4.62 ટકા થઈ ઉચ્ચત્તમ સપાટીએ અને તેમાં પણ ખાધાખોરાકીની ચીજવસ્તુઓમાં લગભગ બે આંકડાનો ફુગાવો, બૅન્કોના નૉન-પર્ફૉર્મિંગ ઍસેટ્સ 7.9 લાખ કરોડ, NBFCને પુનર્જીવિત કરવા માટેનો પ્રશ્ન, શિક્ષણ અને પર્યાવરણની કથળતી જતી સ્થિતિ જેવા મુદ્દાઓનો સમાવેશ થાય છે.
કરંટ એકાઉન્ટ ડેફિસિટ લગભગ 1.2 ટકાની આજુબાજુ રહે એવી શક્યતા છે. જોકે એનું કારણ ઔદ્યોગિક મંદીને કારણે દેશની કુલ આયાતમાં થયેલો લગભગ 8.5 ટકાનો ઘટાડો છે.
નિર્મલા સીતારમણનું બજેટ આ પરિપ્રેક્ષ્યમાં જોવું પડશે. કહેવાય છે - Coming events cast their shadow before.
બજેટના આગળના દિવસે આ ઉક્તિને ચરિતાર્થ કરતો Economic Survey સંસદનાં બંને ગૃહો સમક્ષ રજૂ થાય છે.
આ વખતે પણ 31મી જાન્યુઆરીએ ઇકૉનૉમિક સરવે પાર્લમેન્ટ સમક્ષ મુકાયો એનાં કેટલાંક ઊડીને આંખે વળગે તેવાં તારણો નીચે મુજબ હતાં.
આવનાર નાણાકીય વરસ 2020-21માં અર્થવ્યવસ્થા સુધારા તરફી રહી અને જીડીપી વૃદ્ધિદર 6થી 6.5 ટકા રહેશે એવું અનુમાન કરવામાં આવ્યું છે. (ચાલુ વરસે જીડીપી વૃદ્ધિદર 5 ટકા અથવા એથી ઓછો રહેવાનું અનુમાન છે જે 11 વરસમાં સૌથી ઓછો હતો.)
સરવેમાં એવું સૂચન કરવામાં આવ્યું છે કે જીડીપીના વૃદ્ધિદરને આગળ ધપાવવા સરકારે ફિસ્કલ ડેફિસિટના લક્ષ્યમાં છૂટછાટ મૂકવી જોઈએ. વિકાસના ભોગે ફિસ્કલ ડેફિસિટ જાળવવાની જરૂર નથી.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
YouTube કન્ટેન્ટ પૂર્ણ, 1
અહેવાલમાં જણાવ્યા મુજબ આગામી ત્રણ વરસમાં ઇન્ફ્રાસ્ટ્રકચર એટલે કે આંતરમાળખાકીય સવલતોના ક્ષેત્રે 1400 બિલિયન ડૉલર એટલે કે 100 લાખ કરોડના રોકાણની જરૂર છે, જેથી આવનાર સમયમાં અર્થવ્યવસ્થાની વૃદ્ધિની આડે અપૂરતી આંતરમાળખાકીય સવલતો નડતરરૂપ ન બને.
નાણાકીય વરસ 2020-25 વચ્ચે સરકાર આંતરમાળખાકીય સવલતોના ક્ષેત્રે 102 લાખ કરોડનું રોકાણ કરશે.
ભારતની વિશાળ અર્થવ્યવસ્થાના વિકાસ માટે સક્ષમ અને ધબકતું બૅન્કિંગ ક્ષેત્ર જરૂરી છે. ઇકૉનૉમિક સરવેની ભલામણ મુજબ જાહેર ક્ષેત્રીય બૅન્કોના વ્યૂહાત્મક જોડાણને કારણે એની નાણાકીય તાકાત વધે અને જોખમ ઘટે છે, જેને કારણે ધિરાણના દરોમાં ઘટાડો લાવી શકાય.

ઇમેજ સ્રોત, Getty Images
વરસ 2018-19 દરમિયાન ભારતીય રેલવેએ 120 કરોડ ટન માલ અને 840 કરોડ યાત્રીઓનું વહન કર્યું (દુનિયામાં સહુથી વધારે).
ઉત્પાદનને ક્ષેત્રે 'મૅક ઇન ઇન્ડિયા' અભિયાનને 'ઍસેમ્બલિંગ ઇન ઇન્ડિયા ફૉર વર્લ્ડ' સાથે જોડી આગળ ધપાવવામાં આવે, ઍક્સ્પૉર્ટ પર ભાર આપવામાં આવે, આ વ્યૂહરચના અપનાવવામાં આવે તો 2025 સુધીમાં સારા પગારવાળી ચાર કરોડ અને 2030 સુધીમાં આઠ કરોડ નોકરીઓ આપવી શક્ય બની શકે છે.
એક્સપૉર્ટને પ્રોત્સાહિત કરવા માટે વિધિઓનું સરળીકરણ, કોઈ પણ નવો ધંધો શરૂ કરવા માટે પ્રોપર્ટી રજિસ્ટ્રેશન, વેરાઓની ચુકવણી તેમજ કૉન્ટ્રાક્ટ અંગેના નિયમો, સરકારી મંજૂરીઓ વગેરેમાં સરળીકરણ જરૂરી છે, તેમ કહેવાયું છે.

ઇમેજ સ્રોત, Getty Images
ઇકૉનૉમિક સરવેમાં આ વખતે એક તદ્દન નવું જ પ્રકરણ ઉમેરવામાં આવ્યું છે, જેનું ટાઇટલ છે 'Thalinomics: The economics of a plate of food in India' જેમાં સામાન્ય માણસ રોજબરોજની પોતાની ભોજનથાળી માટે કેટલું ચૂકવે છે તેની વાત કરવામાં આવી છે. એનાં તારણો મુજબ વેજિટેરિયન થાળીની પોષણક્ષમતા 29 ટકા અને નૉન-વેજ થાળીની 18 ટકા સુધરી છે.
આ અહેવાલ મુજબ આનો અર્થ એ થાય કે ખાવાનું સસ્તુ બન્યું છે, 2019ના અપવાદરૂપ વરસમાં કિંમતોના વધારા છતાં પણ. આને કારણે પાંચ સભ્ય ધરાવતું વેજિટેરિયન કુટુંબ વરસે 10887 રૂપિયા અને નૉન-વેજિટેરિયન કુટુંબ 11787 રૂપિયા બચાવે છે.

ઇમેજ સ્રોત, Getty Images
આનાથી બિલકુલ વિપરીત IANS-સી-વોટર સરવે મુજબ 66 ટકા લોકોએ એવું કહ્યું છે કે આજે ઘર ચલાવવું મુશ્કેલ થઈ ગયું છે, ખરચ વધી રહ્યો છે, આવક ઘટી છે. છેલ્લા કેટલાક મહિનાઓમાં ખાધાખોરાકીની ચીજોના ભાવોમાં બેસુમાર વધારો થયો છે.
આના કારણે ઘરનું બજેટ ખોરવાઈ ગયું છે. સમજવા જેવી વાત તો એ છે કે 2014માં આવો સરવે થયો હતો અને આટલા જ લોકોએ ઘર ચલાવવું મુશ્કેલ છે એવું જણાવ્યું હતું.
એટલે લગભગ 6 વરસ પછી પણ સામાન્ય માણસ માટે તો પરિસ્થિતિ ત્યાંની ત્યાં જ છે. IANS-સી-વોટર સરવેને સાચો માનવો કે ઇકૉનૉમિક સરવે એ આપણે જ નક્કી કરવાનું છે.
ઇકૉનૉમિક સરવે અનુસાર 2019-20ના વરસના બીજા અડધા ભાગમાં જે સુધાર જોવાયો એના માટે જવાબદાર મુખ્ય કારણોમાંના કેટલાંક - નિફ્ટી ઇન્ડિયા કન્ઝમ્પ્શન ઇન્ડેક્સમાં આ વરસમાં પહેલી વાર સુધારો, સેકન્ડરી વરસમાં પૉઝિટિવ કરંટ, એફડીઆઇના રોકાણમાં સુધારો, માગમાં હકારાત્મક વલણ, ગ્રામ્ય અર્થવ્યવસ્થામાં સુધારાને કારણે વધતી માગ અને વપરાશ, ઔદ્યોગિક પ્રવૃત્તિમાં હકારાત્મક સુધાર, મરચન્ડાઇઝ એક્સપૉર્ટસના ઉત્પાદનમાં મક્કમ સુધારો, વિદેશી મુદ્રાભંડોળમાં સતત સુધારો અને જીએસટીમાંથી સરકારને મળતી આવકમાં પણ ધીમો પણ મક્કમ વધારો.
આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
YouTube કન્ટેન્ટ પૂર્ણ, 2
જમીન અને લેબર માર્કેટના કાયદાઓમાં સરળીકરણ અને સુધારો કરવાથી 'Business Cost' એટલે કે ઉત્પાદનની કિંમતો ઘટી શકે.
આ બધીય બાબતોને અર્થવ્યવસ્થા અને બજેટ માટેના મહત્ત્વના એક જ મુદ્દામાં કેન્દ્રિત કરવી હોય તો આ વરસનો ઇકૉનૉમિક સરવે 2020-21ના વરસમાં અર્થવ્યવસ્થાનું તળિયું આવી ગયું છે અને ચાલુ નાણાકીય વરસના અનુમાનિત જીડીપી વૃદ્ધિદર પાંચ ટકાની આસપાસ, 2020-21માં જીડીપી વૃદ્ધિદર છથી સાડા છ ટકા રહેવાનું અનુમાન છે.
આ ઉપરાંત કેન્દ્ર સરકારનું પહેલી ફેબ્રુઆરીએ રજૂ થનાર બજેટ રૂઢિચુસ્તતાથી ચીલો ચાતરીને ફિસ્કલ રિસ્પૉન્સિબિલિટી અને બજેટ મૅનેજમૅન્ટ ઍક્ટનો વીંટો વાળી દે અને ફિસ્કલ ડેફિસિટના મુદ્દે એ વધતી હોય તો પણ વધવા દઈને આર્થિક વિકાસ તરફ સરકાર ધ્યાન આપે એવો નિર્દેશ આજનો ઇકૉનૉમિક સરવે આવતી કાલના બજેટ માટે આપે છે.
એવું કહેવાય છે કે શૅરબજાર એ કોઈ પણ દેશની અર્થવ્યવસ્થાનું બૅરોમિટર છે. ત્યારે આગામી બજેટ પાસેથી શૅરબજારની શું અપેક્ષાઓ છે તે ઉપર પણ એક નજર કરી લેવી જરૂરી છે.
શૅરબજારની શું અપેક્ષાઓ છે?

ઇમેજ સ્રોત, AFP/GETTY IMAGES
ઇક્વિટી અને ઇક્વિટી ઓરિએન્ટેડ ફંડ્સના વેચાણ ઉપરથી લૉન્ગ ટર્મ કૅપિટલ ગેઇન (LTCG) ટૅક્સ દૂર કરવો.
અત્યારે જે હૉલ્ડિંગ પિરિયડ એક વરસનો છે તેને વધારીને બે વરસનો કરવો. પણ ત્યાર બાદ LTCG શૂન્ય કરવો.
જો શૅર એક વરસ કરતાં ઓછા સમયમાં વેચી મારવામાં આવે તો એના નફા પર 15 ટકા કૅપિટલ ગેઇન ટૅક્સ લાગે છે અને એક વરસ બાદ 10 ટકા લાગે છે.
10 ટકાનો લૉન્ગ ટર્મ કૅપિટલ ગેઇન ટૅક્સ જે એક વરસના હૉલ્ડિંગ પિરિયડ બાદ થયેલા શૅરના વેચાણના નફા પર લાગે છે તે 14 વરસના ગાળા બાદ અરુણ જેટલીએ 2019માં દાખલ કર્યો હતો જેનાથી શૅરબજાર નારાજ થયું હતું.
બીજી માગણી, ડિવિડન્ડ ડિસ્ટ્રિબ્યુશન ટૅક્સ (DDT) નાબૂદ કરવાની છે. એવું કહેવાય છે કે આ બંને ટૅક્સના કારણે ઘણા બધા ફાઇનાન્સિયલ ટ્રાન્ઝેકશન દેશ બહાર સિંગાપુર, હૉંગકૉંગ અને લંડન જેવી જગ્યાએ થઈ રહ્યા છે.
ડિવિડન્ડ ડિસ્ટ્રિબ્યુશન ટૅક્સ (DDT)ને લાગેવળગે છે ત્યાં સુધી આ દેશની કંપનીઓ 15 ટકા ડિવિડન્ડ ડિસ્ટ્રિબ્યુશન ટૅક્સ પોતે જે ડિવિડન્ડ જાહેર કરે તેના પર ભારે છે.

ઇમેજ સ્રોત, Getty Images
આ ઉપરાંત ઇન્વેસ્ટર્સ 10 લાખ કરતાં વધુ ડિવિડન્ડ મેળવે તેના પર બીજો 10 ટકા ટેક્સ ભરે છે.
ટૅક્સ ઍક્સપર્ટ્સના મત પ્રમાણે આ નિયમો વિદેશી રોકાણકારોને એમના દેશમાં ટૅક્સ ક્રૅડિટ મેળવવાની છૂટ નથી આપતા અને નાના રોકાણકારો બિનજરૂરી ઊંચો ટૅક્સ ભરે છે.
નિષ્ણાતોનું માનવું છે કે કરદાતાના હાથમાં જે ડિવિડન્ડ આવે તેના પર ટૅક્સ નાખવાની જે અગાઉની સિસ્ટમ હતી, તે તરફ પાછા વળવું જોઈએ અને ડિવિડન્ડ ડિસ્ટ્રિબ્યુશન ટૅક્સ નાબૂદ કરવો જોઈએ.
નાણામંત્રી નિર્મલા સીતારમણ પહેલી તારીખે જે બજેટ રજૂ કરશે તેમાં અર્થવ્યવસ્થા અને પુનઃધબકતી કરવા તેમજ શૅરબજારમાં રોકાણકારોનો ઉત્સાહ વધારવા ઘણાં બધાં પગલાં જાહેર કરશે એવી અપેક્ષા છે.
ઇકૉનૉમિક સરવેનાં તારણોમાં ખાસ કાંઈ નવું ન દેખાય તો પણ 2020ના વરસમાં જીડીપી ગ્રૉથ છથી સાડા છ ટકા રહેશે અને એ રીતે અર્થવ્યવસ્થા ઊંચકાશે, રોજગારી તેમજ અન્ય ક્ષેત્રે પણ મંદીનો માહોલ છે તે દૂર થશે એવું કહી શકાય.
આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
YouTube કન્ટેન્ટ પૂર્ણ, 3
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો













