શુક્રવાર અને શનિવારે બૅન્કકર્મીઓ શા માટે હડતાળ પાડી રહ્યા છે?

પ્રતીકાત્મક તસવીર

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, પ્રતીકાત્મક તસવીર

દેશના બૅન્કકર્મીઓ 31 જાન્યુઆરીથી બે દિવસની હડતાળ પર ઊતર્યા છે.

સમાચાર સંસ્થા 'યુનાઇડેટ ન્યૂઝ ઑફ ઇન્ડિયા'ના જણાવ્યા અનુસાર કર્મચારીઓ પગારવધારા સહિતની વિવિધ માગોને લઈને હડતાળ કરી રહ્યા છે.

દેશભરમાંથી પબ્લિક સૅક્ટર યુનિટની નવ બૅન્કોનાં કર્મચારીમંડળોએ 'યુનાઇડેટ ફૉરમ ઑફ બૅન્ક ઍમ્પલૉયીઝ (યુએફબીયુ) 'ના નેજા હેઠળ આ બે દિવસની હડતાળનુ આયોજન કર્યું હોવાનું યુએફબીયુના રાજ્યસંયોજક દેવીદાસ તુલીજાપુરકરે પત્રકારોને જણાવ્યું છે.

તુલીજાપુરકરે ઉમેર્યું કે બૅન્કોના અધિકારીઓ અને કર્મચારીઓને પગારવધારો નવેમ્બર 2017થી ચૂકવાયો નથી. ઇન્ડિયન બૅન્ક ઍસોસિયેશન (આઈબીએ) દ્વારા આ મામલે અત્યંત મોડું કરાયું હોવાને લીધે કર્મચારીમંડળોએ પોતાની માગો સાથે હડતાળ પર ઊતરવાનું નક્કી કર્યું છે.

News image

અહીં એ વાત પણ નોંધવી રહી કે 31 જાન્યુઆરીથી સંસદના બજેટસત્રનો પ્રારંભ થઈ રહ્યો છે અને પહેલી ફેબ્રુઆરીએ કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારમણ બજેટ રજૂ કરશે.

શ્રમમંત્રાલય અને વાણિજ્યમંત્રાલય દ્વારા આ પહેલાં બૅન્કકર્મીઓને હડતાળ પર ન જવા માટે મનાવવા પ્રયાસ કરાયા હતા. જોકે, ઇન્ડિયન બૅન્ક ઍસોસિયેશન અને યુએફબીયુ વચ્ચે સમાધાન થઈ શક્યું નહોતું.

line

બૅન્કકર્મીઓની માગ શી છે?

બૅન્ક

ઇમેજ સ્રોત, Getty Images

ઑલ ઇન્ડિયા બૅન્ક ઍમ્પ્લૉયી ઍસોસિયેશનના એક અધિકારીએ 'લાઇવમિન્ટ'ને જણાવ્યું કે આઈબીએ ઇચ્છતું હતું આગામી વાતચીત સુધી હડતાળ ટાળી દેવામાં આવે.

જોકે, મૅનેજમૅન્ટ તરફથી કર્મચારીઓની માગોને લઈને કોઈ પ્રતિબદ્ધતા ન દર્શાવાતા હડતાળનો રસ્તો અપનાવાયો હતો.

હડતાળને પગલે કેટલીય બૅન્કોએ પોતાના ગ્રાહકોને બે દિવસ માટે સેવા મેળવવામાં મુશ્કેલી પડવાની જાણ કરી દીધી છે.

ભારતની સૌથી મોટી બૅન્ક - સ્ટેટ બૅન્ક ઑફ ઇન્ડિયાએ જણાવ્યું છે કે હડતાળને પગલે બૅન્કનું કામકાજ પ્રભાવિત થઈ શકે છે. આ પહેલાં 8મી જાન્યુઆરીએ અપાયેલા 'ભારત બંધ'ને બૅન્કકર્મીઓએ સમર્થન આપતાં બૅન્કસેવાઓ ખોરવાઈ હતી.

કર્મચારીઓ 20%નો પગારવધારો માગી રહ્યા છે. જોકે, મૅનેજમૅન્ટ 12.25%થી વધુ વધારો આપવા માટે તૈયાર નથી. આ ઉપરાંત બૅન્કકર્મીઓ અઠવાડિયાના પાંચ દિવસ કામ, મૂળ પગાર સાથે ખાસ ભથ્થું ભેળવી દેવાની માગ પણ કરી રહ્યા છે.

કર્મચારીઓની માગ નહીં સંતોષવામાં આવે તો આગામી 11 માર્ચથી ત્રણ દિવસની હડતાળ યોજવાની અને 1 એપ્રિલથી અનિશ્ચિત મુદ્દત સુધી હડતાળ કરવાની ચીમકી પણ ઉચ્ચારાઈ છે.

બદલો YouTube કન્ટેન્ટ
Google YouTube કન્ટેન્ટને મંજૂરી આપીએ?

આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.

થર્ડ પાર્ટી કન્ટેટમાં જાહેરખબર હોય શકે છે

YouTube કન્ટેન્ટ પૂર્ણ

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો