દુતી ચંદ : BBC Indian Sportswoman of the Year પુરસ્કાર માટે નામાંકન

    • લેેખક, રાખી શર્મા
    • પદ, બીબીસી સંવાદદાતા

કોઈ સ્પ્રિન્ટર એટલે દોડવીરની વાત થાય છે ત્યારે ટ્રૅક પર ઝડપભેર દોડતી લાંબા કદ-કાઠીની એક મહિલા દોડવીરની છબી ઊભરી આવે છે.

ભારતની ચાર ફીટ, 11 ઇંચ ઊંચી સ્પ્રિન્ટર દુતી ચંદને જોઈને પહેલી નજરે એ માનવું મુશ્કેલ લાગે કે એ હાલ એશિયામાં સૌથી વધુ ઝડપે દોડતાં મહિલા ખેલાડી છે.

દુતી સ્મિત કરતાં જણાવે છે કે સાથી ખેલાડીઓ તેને પ્રેમથી 'સ્પ્રિન્ટ ક્વીન' કહે છે.

દુતી કહે છે, "2012માં મેં એક નાનકડી કાર જીતી હતી. એ પછી દોસ્તોએ મને 'નેનો' કહેવાનું શરૂ કર્યું હતું. હવે હું ઉંમરમાં મોટી થઈ ગઈ છું એટલે બધા મને 'દીદી' કહીને બોલાવે છે."

ઍથ્લીટ બનવાનો વિચાર ક્યાંથી આવ્યો?

દુતી ઓડિશાના જાજપુર જિલ્લાનાં વતની છે. તેમના પરિવારમાં છ બહેન અને એક ભાઈ સહિત કુલ નવ લોકો છે. તેમના પિતા વણકર હતા. એ દેખીતું છે કે દુતીએ ઍથ્લીટ બનવામાં અનેક મુશ્કેલીઓનો સામનો કર્યો હતો.

દુતીનાં મોટા બહેન સરસ્વતી ચંદ પણ સ્ટેટ લેવલનાં સ્પ્રિન્ટર હતાં. તેમને દોડતાં જોઈને દુતીએ સ્પ્રિન્ટર બનવાનો નિર્ધાર કર્યો હતો.

દુતી કહે છે, "મારી બહેને મને દોડવા માટેની પ્રેરણા આપી હતી. ભણવા માટે અમારી પાસે પૈસા ન હતા. તેમણે કહેલું કે રમતગમતમાં ભાગ લઈશ તો સ્કૂલની ચૅમ્પિયન બનીશ. ત્યારે તારા અભ્યાસનો ખર્ચ સ્કૂલ આપશે."

"આગળ જતાં સ્પૉર્ટ્સ ક્વૉટામાં નોકરી પણ મળી જશે. એ વાતને ધ્યાનમાં રાખીને મેં દોડવાનું શરૂ કર્યું હતું."

સામે હતો પડકારોનો પહાડ

દુતીના માર્ગમાં પડકારોની તો શરૂઆત જ થઈ હતી. દોડવા માટે તેની પાસે યોગ્ય બૂટ ન હતા, રનિંગ ટ્રૅક ન હતો અને સ્પ્રિન્ટિંગની આંટીઘૂંટી શીખવવા માટે કોઈ કોચ પણ નહોતા.

દુતીએ દર અઠવાડિયે બે-ત્રણ દિવસ માટે તેના ગામથી ભુવનેશ્વર આવવું પડતું હતું. એ માટેનું સાધન મેળવવું લગભગ અશક્ય હતું.

દુતીએ અનેક રાત રેલવેપ્લૅટફૉર્મ પર વિતાવવી પડી હતી.

દુતી કહે છે, "શરૂઆતમાં એકલી જ દોડતી હતી. ખુલ્લા પગે. ક્યારેક રસ્તા પર તો ક્યારેક ગામ પાસેની નદીના કિનારે. પછી 2005માં મારું સિલેક્શન ગવર્નમેન્ટ સૅક્ટરમાં સ્પૉર્ટ્સ હૉસ્ટેલમાં થઈ ગયું."

"ત્યાં મને મારા પહેલા કોચ ચિતરંજન મહાપાત્રા મળ્યા. શરૂઆતમાં તેમણે મને પ્રશિક્ષણ આપ્યું હતું."

પહેલો મેડલ મળ્યાનો આનંદ કેવો હતો?

દુતીની મહેનતનું ફળ ટૂંક સમયમાં મળ્યું હતું. તેમણે 2007માં તેમનો રાષ્ટ્રીયકક્ષાએ સૌપ્રથમ મેડલ જીત્યો હતો. જોકે, ઇન્ટરનેશનલ મેડલ માટે છ વર્ષ રાહ જોવી પડી હતી.

2013માં યોજાયેલી એશિયન ચૅમ્પિયનશિપમાં દુતીએ જુનિયર ખેલાડી હોવા છતાં સિનિયર સ્તરની સ્પર્ધામાં ભાગ લીધો હતો અને કાંસ્યચંદ્રક જીત્યો હતો.

દુતીની પહેલી ઇન્ટરનેશનલ ઇવેન્ટ જુનિયર વિશ્વ ચૅમ્પિયનશિપ હતી. તેમાં ભાગ લેવા દુતી તુર્કી ગયાં હતાં.

એ અનુભવને યાદ કરતાં દુતી કહે છે, "હું બહુ ખુશ હતી. એ પહેલાં અમે અમારા ગામમાં મોટરકાર સુધ્ધાં જોઈ ન હતી, પણ સ્પૉર્ટ્સને કારણે મને ઇન્ટરનેશનલ ફ્લાઇટમાં પ્રવાસ કરવાનો મોકો મળ્યો હતો. એ બધું કોઈ સપનું સાકાર થયું હોય એવું હતું."

દુતીએ મેડલ જીત્યો પછી લોકોનો દૃષ્ટિકોણ બદલાવા લાગ્યો હતો. જે લોકો પહેલાં દુતીની ટીકા કરતા હતા એ લોકો તેને પ્રોત્સાહન આપવા લાગ્યા હતા.

હૉર્મોન્સનો વિવાદ

દુતીની સૌથી આકરી પરીક્ષા બાકી હતી. 2014ની કૉમનવેલ્થ ગેમ્સ માટેની ભારતીય ટીમમાંથી દુતીનું નામ અચાનક હઠાવી દેવામાં આવ્યું હતું.

ભારતીય ઍથ્લેટિક્સ ફેડરેશનના જણાવ્યા અનુસાર, દુતીના શરીરમાં પુરુષ હૉર્મોન્સનું પ્રમાણ વધુ જોવા મળ્યું હતું. એ કારણે મહિલા ખેલાડી તરીકે રમતોત્સવમાં ભાગ લેવા પર પ્રતિબંધ લાદવામાં આવ્યો હતો.

દુતી કહે છે, "એ સમયે મને માનસિક ત્રાસ આપવામાં આવતો હતો. મીડિયામાં મારા વિશે ખરાબ વાતો પ્રકાશિત કરવામાં આવતી હતી. ઇચ્છા હોવા છતાં હું તૈયારી કરી શકતી નહોતી."

દુતીએ 2015માં કોર્ટ ઑફ આર્બિટ્રેશન ફૉર સ્પૉર્ટ (કેસ)માં અપીલ કરવાનો નિર્ણય કર્યો હતો.

તેનું પરિણામ દુતીની તરફેણમાં આવ્યું હતું અને તેઓ કેસ જીતી ગયાં હતાં. ત્યાં સુધી 2016ની રિયો ઑલિમ્પિક્સની તૈયારી પર માઠી અસર થઈ ચૂકી હતી.

દુતી કહે છે, "રિયોની તૈયારી માટે મારી પાસે માત્ર એક વર્ષ હતું. મેં મહેનત કરી અને રિયો માટે ક્વૉલિફાઈ કર્યું હતું."

દુતી ઉમેરે છે, "મારે એ માટે મારો બેઝ ભુવનેશ્વરથી બદલીને હૈદરાબાદ કરવો પડ્યો હતો, કારણ કે 2014માં પ્રતિબંધ પછી મને કૅમ્પસમાંથી કાઢી મૂકવામાં આવી હતી. એ વખતે પુલેલા ગોપીચંદ સરે મને તેમની એકૅડમીમાં આવીને તૈયારી કરવા કહ્યું હતું."

રિયોની ભૂલથી જુસ્સો ન તૂટ્યો

2016ની રિયો ઑલિમ્પિક્સમાં દુતી કોઈ પણ ઑલિમ્પિકની 100 મીટર દોડ સ્પર્ધામાં ભાગ લેનારાં ત્રીજા ભારતીય મહિલા બન્યાં હતાં.

જોકે, તેમની સફર હિટ્સથી આગળ વધી ન હતી. એ વખતે તેમણે 100 મીટરનું અંતર 11.69 સેકન્ડમાં કાપ્યું હતું.

અલબત્ત, એ પછી દુતીના પર્ફૉર્મન્સમાં સતત સુધારો થતો રહ્યો હતો. 2017ની એશિયન ઍથ્લેટિક ચૅમ્પિયનશિપમાં તેમણે 100 મીટર અને 4x100 મીટરની દોડ સ્પર્ધામાં બે બ્રૉન્ઝ મેડલ જીત્યા હતા.

2014ની એશિયન ગેમ્સમાં ભાગ ન લઈ શકવાનો હિસાબ તેમણે 2018ની એશિયન ગેમ્સમાં બરાબર કર્યો હતો. 11.32 સેકન્ડમાં 100 મીટર દોડીને દુતીએ સિલ્વર મેડલ મેળવ્યો હતો.

એ ઉપરાંત 200 મીટરમાં પણ તેમણે સિલ્વર મેડલ જીત્યો હતો. 1986ની એશિયન ગેમ્સમાં પીટી ઉષા પછી ભારતને મળેલો એ બીજો એશિયન સિલ્વર મેડલ હતો.

સમલૈંગિક સંબંધ વિશે સ્પષ્ટતા

રમતના મેદાનમાં પોતાની ક્ષમતા સાબિત કરી ચૂકેલાં દુતીએ અંગત જીવનમાં પણ એક લડાઈ લડવી પડી હતી.

2019માં તેમણે જાહેર કર્યું હતું કે તેઓ સમલૈંગિક વ્યક્તિ સાથે સંબંધ ધરાવે છે.

એ પછી દુતીએ તેમના ગામ તથા પરિવારના વિરોધનો સામનો કરવો પડ્યો હતો, પણ તેમણે હાર માની ન હતી.

આજે પણ દુતી તેમનાં પાર્ટનર સાથે રહે છે. જોકે, બીબીસી સાથેની ખાસ વાતચીતમાં તેમણે એ સંબંધ બાબતે કશું કહેવાનો ઇન્કાર કર્યો હતો.

ટોક્યો ઑલિમ્પિક્સ પર નજર

દુતી ચંદ હાલ તેમના કોચ નાગપુરા રમેશની દેખરેખ હેઠળ કોચિંગ લઈ રહ્યાં છે.

રમેશ સાથે તેમની મુલાકાત 2012માં થઈ હતી. એ વખતે દુતીનું 100 મીટરનું ટાઇમિંગ 12.50 સેકન્ડનું હતું, પણ આજે તેઓ 11.22 સેકન્ડમાં 100 મીટર દોડી કાઢે છે.

દુતી દસ વખત પોતાનો નેશનલ રેકર્ડ તોડી ચૂક્યાં છે. અત્યારે તેઓ એશિયાના પ્રથમ નંબરના 100 મીટરનાં વીમેન સ્પ્રિન્ટર છે.

હાલ તેમનું ધ્યાન આ વર્ષે યોજાનારી ટોક્યો ઑલિમ્પિક્સ પર છે.

દુતી કહે છે, "ટોક્યોમાં મારી સામે સૌથી આકરો પડકાર જમૈકા, અમેરિકા અને બ્રાઝિલના ઍથ્લીટ્સ તરફથી મળશે. તેમના ઍથ્લીટ્સ તાકાતની બાબતમાં આપણાથી ઘણાં આગળ છે."

"તેમ છતાં હું તનતોડ પ્રયાસો કરીશ. હું એશિયન ગેમ્સમાં મેડલ જીતી ચૂકી છું. હવે મારું લક્ષ્ય કૉમનવેલ્થ તથા ઑલિમ્પિક્સ બન્નેમાં મારા દેશ માટે મેડલ જીતવાનું છે."

નિવૃત્તિ પછી રાજકારણમાં પ્રવેશ

એક તરફ દેશ માટે મેડલ જીતવાનાં સપનાં નિહાળતાં દુતીની ઇચ્છા નિવૃત્તિ પછી રાજકારણમાં જોડાવાની છે.

દુતી કહે છે, "અમે સવાર-સાંજ ટ્રૅક પર દોડીએ છીએ. એ કારકિર્દી પૂરી થઈ જશે પછી ઇચ્છવા છતાં કોઈ ઑફિસમાં બેસીને કામ નહીં કરી શકીએ. તેથી હું બાળકો માટે એકૅડમી શરૂ કરવા ઇચ્છું છું. તેની સાથે રાજકારણમાં જોડાઈને દેશની સેવા કરવા ઇચ્છું છું."

દુતીને પ્રતિષ્ઠિત ટાઇમ મૅગેઝિનના એવા 100 ઊભરતાં સિતારાઓની 2019ની યાદીમાં સ્થાન મળી ચૂક્યું છે, જે પોતપોતાનાં ક્ષેત્રોમાં આગલી પેઢીને પ્રેરણા આપી રહ્યાં છે.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો