મેંગ્લોરમાં વિસ્ફોટક મૂકનારા આરોપી RSSના કાર્યકર? - ફૅક્ટ ચેક

    • લેેખક, હરિતા કાંડપાલ
    • પદ, ફૅક્ટ ચેક ટીમ

કર્ણાટકના મેંગ્લોરના ઍરપૉર્ટ પર કથિત રીતે વિસ્ફોટક મૂકવાના આરોપમાં મેંગ્લોર પોલીસે એક વ્યક્તિની ધરપકડ કરી છે.

સોશિયલ મીડિયા પર આ સામાચાર શૅર કરતી વખતે લોકો કહી રહ્યા છે કે આ વ્યક્તિ રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ સાથે સંકળાયેલી છે.

સોશિયલ મીડિયા પર એક તસ્વીર વાઇરલ થઈ રહી છે, જેમાં આરએસએસનો યુનિફોર્મ પહેરેલી બે વ્યક્તિમાંથી એકને મેંગલોર ઍરપૉર્ટ પર કથિત વિસ્ફોટક મૂકવાના કેસમાં આરોપી ઠેરવવામાં આવી છે.

કેટલાક લોકો આ બાબતે સોશિયલ મીડિયા પર ટિપ્પણી કરી રહ્યા છે કે આ વ્યક્તિ હિંદુ છે એટલે તેમને 'આતંકવાદી' તરીકે સંબોધવામાં નથી આવી રહી.

સોશિયલ મીડિયામાં એમ પણ કહેવામાં આવી રહ્યું છે કે જો આ વ્યક્તિ મુસ્લિમ હોત તો તેને ઉગ્રવાદી કહેવામાં આવત પણે તે હિંદુ છે એટલે આવું નહીં થાય.

20 જાન્યુઆરીએ કર્ણાટકના મેંગલોર ઍરપૉર્ટ પર એક બિનવારસી થેલો મળી આવ્યો હતો, જેમાં કથિત પણે વિસ્ફોટક હતા.

આ મામલે બેંગલુરુમાંથી આદિત્ય રાવ નામની વ્યક્તિની ધરપકડ કરવામાં આવી હતી.

શું છે સત્ય?

બીબીસીએ આ બાબતે સ્પષ્ટતા મેળવવા માટે મેંગલોર પોલીસને ફોન કર્યો હતો.

પોલિસ કમિશનર પી. એસ. હર્ષાએ બીબીસીને કહ્યું કે આદિત્ય રાવ રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ સાથે જોડાયેલા નથી.

તેમણે કહ્યું કે આદિત્ય રાવ નામની વ્યક્તિએ બેંગલુરુમાં સમર્પણ કર્યું હતું. પોલીસ આ બાબતે તપાસ કરી રહી છે.

પ્રાથમિક જાણકારી મુજબ આ વ્યક્તિ સન્માનિત કૉલેજોમાંથી મિકૅનિકલ એન્જિનિયરિંગ અને એમબીએનો અભ્યાસ કર્યો છે અને કેટલીક બૅન્કોમાં પણ કામ કર્યું છે.

પોલીસનું કહેવું છે કે ઍરકંડિશન્ડ કાર્યાલયમાં કામ કરવાને કારણે આરોપીને તકલીફ થતી હતી અને તેમને ફિલ્ડવર્ક કરવાની ઇચ્છા હતી.

પોલીસના જણાવ્યા અનુસાર આદિત્ય રાવે દાવો કર્યો છે કે સિક્યૉરિટી ગાર્ડ જેવા પદ પર નોકરી કરી છે.

મેંગલોર ઍરપૉર્ટ પર નોકરી માટે તેમણે અરજી કરી હતી, જેને પગલે તેમની પાસેથી વૈધ દસ્તાવેજો માગવામાં આવ્યા હતા.

જ્યારે તે દસ્તાવેજો લેવા માટે ઘરે ગયા ત્યારે નોકરી બીજા કોઈને આપી દેવામાં આવી હતી.

પોલીસ એવું પણ જણાવે છે કે આ વાતથી નારાજ થઈને તેમણે ઍરપૉર્ટના અધિકારીઓને ધમકી ભરેલો ફોન કર્યો હતો અને તેમને હેરાન કરવાનું નક્કી કર્યું હતું.

આ પહેલાં પણ તેણે બેંગલુરુના સૅન્ટ્રલ રેલવેસ્ટેશનમાં નકલી કૉલ કર્યા હતા, આ કેસમાં તેને 11 મહિનાની સજા પણ થઈ હતી અને 2019માં જેલમાંથી બહાર આવ્યો હતો.

પોલીસે કહ્યું કે પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું હતું કે આરોપીએ ઇ-રિટેલર્સ પાસેથી નાના-નાના પાર્ટ ખરીદ્યા અને એક ડિવાઇસ (આઈઈડી) બનાવ્યું હતું. 20 જાન્યુઆરીની સવારે મેંગલોરના આંતરરાષ્ટ્રીય ઍરપોર્ટ પર ડિવાઇસ મૂક્યું અને ઑટોરિક્ષા લઈને ત્યાંથી જતા રહ્યા.

આરએસએસના કાર્યકર્તાએ કરી ફરિયાદ

એટલું જ નહીં, આરએસએસની જે વ્યક્તિની તસવીર પોસ્ટ કરવામાં આવી રહી છે, તેમનું નામ સંદીપ છે.

ભાજપ દક્ષિણ કન્નડા નામના ફેસબુક પેજ પરની પોસ્ટમાં સ્પષ્ટ કરવામાં આવ્યું છે કે સંદીપે પોલીસમાં ફરિયાદ નોંધાવી છે કે તેમની તસવીરને ખોટી રીતે મેંગલુરુ ઍરપૉર્ટ પર વિસ્ફોટક મૂકવાના મામલામાં સોશિયલ મીડિયા પર પોસ્ટ કરવામાં આવી છે.

સંદીપ ભાજપના કાર્યકર્તા હોવાનો દાવો કરાઈ રહ્યો છે.

શું છે મામલો?

સમાચાર એજન્સી એએનઆઈ પ્રમાણે મેંગલોરના પોલીસ કમિશનર ડૉ. પી. એસ. હર્ષાએ કહ્યું કે આદિત્ય રાવ વિરુદ્ધ મેંગલોર ઍરપૉર્ટ પર આઇઇડી (વિસ્ફોટક) મૂકવા સિવાય પણ એક અન્ય કેસ દાખલ કરવામાં આવ્યો છે.

તેમના પર મેંગલોર આંતરરાષ્ટ્રીય ઍરપૉર્ટના ટર્મિનલ-મૅનેજરને 20 જાન્યુઆરીના દિવસે નકલી ફોનકૉલ કરવાનો પણ આરોપ મૂકવામાં આવ્યો છે.

આ પહેલાં ન્યૂઝ એજન્સી એએનઆઇ પ્રમાણે 20 જાન્યુઆરીએ સીઆઇએસએફના ડીઆઇજી અનિલ પાંડેએ કહ્યું હતું કે મેંગલોર ઍરપોર્ટ પરથી ટિકિટકાઉન્ટર પાસે લાવારિસ બૅગમાંથી વિસ્ફોટકના અંશ મળ્યા હતા.

એએનઆઇ પ્રમાણે પોલીસે સ્પષ્ટતા કરી હતી કે સીસીટીવી ફૂટેજમાં સંદિગ્ધ વ્યક્તિને જોવા મળી હતી.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો