વિશ્વ બૅંકે ભારતનો GDP વિકાસદર 5 ટકા આંક્યો તે ચિંતાનો વિષય કેમ?

    • લેેખક, ડૉ. જય નારાયણ વ્યાસ
    • પદ, બીબીસી ગુજરાતી માટે

તાજેતરમાં ભારતને ઝટકો લાગે એવા આવ્યા, પણ એવી સંસ્થાએ આ સમાચાર આપ્યા છે કે એ ઝટકો લાગે, તો પણ ચૂં કે ચાં કરવાની જગ્યા બહુ ઓછી છે.

'આ સમાચાર બક્વાસ છે', 'સત્યથી વેગળા છે' કે 'ભારતને બદનામ કરવા માટે મૂકાયા છે' વગેરે જેવા તર્ક પણ ચાલે તેમ નથી. કારણ કે આ સમાચાર આવે છે વિશ્વ બૅંકમાંથી.

ગ્લોબલ ઇકૉનૉમિક પ્રોસ્પેક્ટસ નામના આ અહેવાલમાં ભારતના 2019-20ના વર્ષ માટેના જીડીપીના અંદાજને વિશ્વ બૅંકે ઘટાડીને 5 ટકા કરી નાખ્યો છે.

આપણને ઝટકો લાગે એવી બાબત તો એ છે કે આ અહેવાલ પ્રમાણે જેને આપણે હજુ સુધી આર્થિક વિકાસની દૃષ્ટિએ ગંભીરતાથી નથી લેતા તેવા આપણા પાડોશી બાંગ્લાદેશના જીડીપી વૃદ્ધિદરનો અંદાજ સાત ટકા મૂકવામાં આવ્યો છે.

પાકિસ્તાનના જીડીપી વૃદ્ધિદરનો અંદાજ માત્ર ત્રણ ટકા જ રહેવાનો છે.

ભારતનો વૃદ્ધિદર 2019-20માં 5 ટકા રહેવાનો અંદાજ છે જે લગભગ હવે તો ભારતીય રિઝર્વ બૅંક અને ભારત સરકારનું નાણા મંત્રાલય પણ સ્વીકારે છે.

તે સંયોગોમાં આપણી ચિંતા ખાસ કરીને મોંઘવારી અને બેરોજગારીના સંદર્ભે વધવાની છે.

શું છે ગ્લોબલ ઇકૉનૉમિક પ્રોસ્પેક્ટ્સ?

વિશ્વ બૅંક ગ્લોબલ ઇકૉનૉમિક પ્રોસ્પેક્ટસ નામનો આ અહેવાલ દર બે વર્ષે બહાર પાડવામાં આવે છે. આ અહેવાલમાંથી દેવું અને દેવાળિયાપણા બાબતે પણ દિશાસૂચન મળી રહે છે.

વિશ્વ બૅંક કહે છે કે છેલ્લાં 50 વર્ષમાં દેવા વધારાના મુખ્યત્વે ચાર તબક્કા જોવા મળ્યા છે.

આમાંનો પહેલો તે 1970થી 1989નો 19 વર્ષનો, બીજો 1990થી 2001 એટલે કે 11 વર્ષનો, ત્રીજો તબક્કો 2002થી 2009 એટલે કે 7 વર્ષનો અને ચોથો તબક્કો જે 2010થી શરૂ થયો અને અત્યારે ચાલે છે તે.

આ ચાર તબક્કાઓમાં હાલની પરિસ્થિતિ જરા વિશિષ્ટ છે. અગાઉ આપણે જોયું તેમ તબક્કાવાર પહેલો, બીજો અને ત્રીજો એ ટૂંકા થતા જતા તબક્કા હતા. પહેલો 19 વર્ષનો, બીજો 11 વર્ષનો અને ત્રીજો 7 વર્ષનો.

મહદંશે આ તબક્કાઓ નાણાકીય કટોકટી સાથે જોડાયેલા હતા અને એ કટોકટી પૂરી થાય એટલે પૂરા થઈ જતા હતા.

વિશ્વ બૅંકના મત મુજબ દેવાસંચયના આ તબક્કાઓ હાલ ચાલી રહેલા તબક્કા જેટલા લાંબા નહોતા.

2010થી શરૂ થયેલો ચોથો તબક્કો હજુ ચાલે છે અને આ તબક્કામાં દેવું સૌથી વધારે વધ્યું છે. દેવાના આ ઊંચા સ્તરને કારણે અર્થતંત્ર સમક્ષ ગંભીર પ્રશ્નો ઊભા થયા છે.

વધતું દેવું વિશ્વ માટે ચિંતાનો વિષય છે?

વૈશ્વિક દેવું આજે અર્થશાસ્ત્રીઓ અને નાણાં વ્યવસ્થાપનના ખેરખાંઓ માટે વધતી જતી ચિંતાનો વિષય છે.

2018માં આ અહેવાલ મુજબ વૈશ્વિક દેવું વધીને જીડીપીના 230 ટકાને આંબી ગયું, જે એક વિક્રમી સપાટી હતી.

વિકાસશીલ દેશોનો દેવું પણ વધીને જીડીપીના 170 ટકા થઈ ગયું. આમ આજે આપણે એક દેવાળિયા વિશ્વમાં જીવી રહ્યા છીએ. ભારત પણ આ જ દેવાળિયા વિશ્વનો એક ભાગ છે.

આજની વૈશ્વિક અર્થવ્યવસ્થાને જોઈએ તો મહામુનિ ચાર્વાકનો સિદ્ધાંત 'यावज्जीवेत सुखं जीवेत, ऋणं कृत्वा घृतं पिबेत।' એટલે કે જ્યાં સુધી એશથી જીવો, દેવું કરીને પણ ઘી પીવું, સાચો પડી હોવાનું દેખાય છે.

વૈશ્વિક અર્થવ્યવસ્થા 2019માં 2.4 ટકા દરે વિકસી હોવાનો અંદાજ છે તે 2020માં થોડી સુધરીને 2.5 ટકાના દરે વૃદ્ધિ પામશે એ એક રાહત આપનારા સમાચાર છે. વિશ્વ બૅંકના મતે આ વૈશ્વિક દેવા કટોકટી છે.

સમગ્ર વિશ્વનું અર્થતંત્ર વિકાસની તેજ દોડથી હાંફીને જાણે કે મંદીની માંદગીમાં સપડાયું છે.

વિશ્વ બૅંકે વૈશ્વિક દેવા કટોકટી જાહેર કરી છે. તેના મત મુજબ વિવિધ દેશોની સરકારો પોતાને ત્યાં આ કટોકટીનો વ્યાજના દર ઘટાડીને માત્ર ચીલાચાલુ પ્રતિભાવ આપે તે નહીં ચાલે.

મંદીની આ કટોકટીને દૂર કરવા માટે નક્કર પગલાં વિચારી એનો અમલ કરવો પડશે.

નાણાં ઉછીનાં લઈને આજનું મૃત્યુ આવતી કાલ પર ધકેલવાની બાબતે પણ વિશ્વ બૅંકે સ્પષ્ટ કહ્યું છે કે સતત ઉછીનાં લેવાતાં નાણાં આર્થિક વિકાસને બ્રેક મારે છે.

આમ માત્ર વ્યાજદરો ઘટાડીને 1970 પછીની આ સૌથી મોટી મંદીનો સામનો નહીં કરી શકાય.

વળી પાછા ભારતની વાત પર આવીએ. વિકાસની ગતિ મંદ પડવાને કારણે અંદાજપત્રમાં નાણામંત્રીએ કરવેરાની આવકોના જે અંદાજ મૂક્યા હતા તે એક હદથી બહાર ખોટા પડવાની પરિસ્થિતિનું નિર્માણ થયું છે.

માંદગીમાં સપડાયેલ GDP

ભારતમાં અત્યારે જે અંદાજ છે તે મુજબ જીડીપીનો વિકાસદર 5 ટકા રહેશે તો અગાઉ જીડીપીનો નૉમિનલ વિકાસદર 11.5 ટકા થવાનો અંદાજ હતો તે હવે માત્ર 7.5 ટકા થશે.

વધતી જતી મોંઘવારીનો લગભગ 5.5 ટકાને આંબીને આગળ વધવા મથી રહેલો દર સારો એવો જીડીપી ઘસી નાખશે.

આ બધાને કારણે ફિસ્કલ ડૅફિસિટ એટલે કે નાણાંખાધ લગભગ 12 બેસિસ પૉઇન્ટ વધીને 3.8 ટકા અથવા એથી વધારે રહે તેવો અંદાજ મૂકી શકાય.

જે સમાચારો મળે છે એ તો ધ્રાસકો પડાવી દે તેવા છે. મળતા સમાચારો મુજબ અંદાજે અઢી લાખ કરોડની મહેસૂલી ખાધ છતાં જો ફિસ્કલ ડૅફિસિટને અંદાજપત્રમાં મુકાયેલ અંદાજ કરતાં 0.5 ટકા કરતાં વધવા ન દેવી હોય તો સરકારે ખર્ચમાં બહુ મોટો કાપ મૂકવો પડે.

બજેટમાં કુલ ખર્ચ 27.86 લાખ કરોડ અંદાજવામાં આવ્યો હતો જેના લગભગ 65 ટકા જેટલો ખર્ચો ભારત સરકારે કર્યો છે.

સપ્ટેમ્બર મહિનામાં સરકારનો ખર્ચ 3.1 લાખ કરોડ હતો જેને એકદમ દબાવી દઈને ઑક્ટોબર અને નવેમ્બરના બે મહિનામાં સપ્ટેમ્બરના એક મહિનામાં ખર્ચાયેલ 3.1 લાખ કરોડના લગભગ 50 ટકા એટલે કે 1.6 લાખ કરોડ કરી દેવાયો છે.

બે લાખ કરોડ જેટલો ઘટાડો એટલે કે અંદાજપત્રમાં મૂકવામાં આવેલ રૂપિયા 27.86 લાખ કરોડના સાત ટકા જેટલો થયો.

આમાં મોંઘવારીના સરેરાશ પાંચ ટકા ઉમેરીએ તો સરવાળે સ્થિર કિંમતે સરકાર 12 ટકા જેટલો ઓછો ખર્ચ કરશે.

આની સીધી અસર ભારતીય અર્થવ્યવસ્થા અને બજાર પર થાય તે સમજી શકાય તેવું છે.

સરકારે કરવેરાની અંદાજિત આવકો ઓછી થતાં આ પગલું ભર્યું છે જે માંદગીમાં સપડાયેલ જીડીપી વિકાસદરને બ્રેક મારવાનું કામ કરશે.

પ્રશ્ન થાય છે કે જો સરકારે આમ ન કર્યું હોત તો બીજો વિકલ્પ શું હતો? સરકાર પાસે બીજો વિકલ્પ વધુ નોટો છાપીને આ ઘટ પુરવાનો છે.

પણ જો આ વિકલ્પને અનુસરવામાં આવે તો ફુગાવો રૉકેટગતિએ આગળ વધે અને રૂપિયાની ખરીદશક્તિ ઘસાતી જાય તેવી સ્થિતિનું નિર્માણ થાય.

રોગનાં પરિણામો કરતાં એના ઉપાયનાં પરિણામો વધુ જોખમી પુરવાર થાય એ જોતાં વિકાસની ગતિને બ્રેક વાગે તો પણ સરકાર પાસે પોતાના ખર્ચમાં કાપ મૂકવા સિવાય બીજો કોઈ રસ્તો નથી.

આમ 2019નું નાણાકીય વર્ષ 31 માર્ચ 2020ના દિવસે પૂરું થશે, ત્યારે એ વરસ પૂરતો આપણી અર્થવ્યવસ્થાનો વિકાસ દર પાંચ ટકા અને સરકારના બે લાખ કરોડ જેટલા ખર્ચ કાપને કારણે લિક્વિડિટી એટલે કે તરલતામાં ઘટાડો અને મંદીની પરિસ્થિતિમાં ખાસ કોઇ સુધારો ન થાય તેવી સ્થિતિનું નિર્માણ થશે.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો